Amit Chauhan

Inspirational Others

3  

Amit Chauhan

Inspirational Others

વડતાલ હોસ્પિટલમાં દાખલ થયાનો મારો અનુભવ

વડતાલ હોસ્પિટલમાં દાખલ થયાનો મારો અનુભવ

11 mins
214


વડતાલ ખાતે આવેલ શ્રી સ્વામીનારાયણ મલ્ટીસ્પેસ્યાલિટી હોસ્પિટલમાં મારે દર્દી તરીકે ત્રણ દિવસ રહેવાનું બન્યું. આ હોસ્પિટલમના સંપર્કમાં હું કઈ રીતે આવ્યો એવું જો કોઈ મને પૂછે તો હું ચોક્કસ કહીશ કે આની પાછળ એક વ્યક્તિનું આંગળી ચીંદ્યાનું પુણ્ય જવાબદાર છે. 

મને પેટના નીચેના ભાગમાં (જમણી બાજુ) ક્યારેક ક્યારેક દુખાવો થતો હતો. ખાસ કરીને સાઈકલ ચલાવતો હતો ત્યારે. અંગ્રેજીમાં આ ભાગને એબ્ડોમેન તરીકે ઓળખવામાં આવે છે. પેલી વ્યક્તિએ મને જણાવેલ કે વડતાલમાં આવેલ સ્વામીનારાયણ હોસ્પિટલમાં ખૂબ સારી સારવાર પૂરી પાડવામાં આવે છે. મને એમ કે સારી સારવાર છે તો તે માટેની ફી પણ મસમોટી હશે ને ! જોકે એમણે મને એ પણ જાણકારી આપી કે ત્યાં દર્દી પાસેથી ઉત્કૃષ્ટ સારવાર પેટે કોઈ ફી વસૂલ કરવામાં આવતી નથી. ઉત્કૃષ્ટ સારવાર અને કોઈપણ પ્રકારની ફી વસૂલ નહીં કરવાની બાબત મારા માટે ત્યાં જવા માટે પૂરતી હતી. પેટમાં દુખાવાની સમસ્યાને લઈને હું એક દિવસ હોસ્પિટલ પહોંચ્યો. 

સ્વામિનારાયણ મંદિરને લઈને વડતાલ ગામ ઘણા સમયથી પ્રચલિત છે. અને વડતાલ એક ધામ તરીકેની નિષ્ઠા મેળવી ચૂક્યું છે. મંદિરથી થોડે દૂર જતાં જ નવનિર્માણ પામેલ શ્રી સ્વામીનારાયણ હોસ્પિટલના દર્શન થાય છે. મુખ્ય પ્રવેશદ્વાર આગળ વોચમેન જોવા મળે છે. દર્દીઓ તેમજ એમના સગાંઓની આવનજાવન રહેતી હોવાથી વોચમેન ભાઈઓએ વ્યવસ્થા જાળવવા સતત ખડે પગે રહેવાનું બને છે. અહીંથી ટોકન નંબર મેળવી દર્દીએ દવાખાનાની અંદર પ્રવેશ કરવાનો રહે છે. હું પણ નિયમને અનુસરતા અંદર ગયો. ડોક્ટર સાહેબ બરોબર નવ વાગ્યે આવી જાય છે. સોમ, બુધ અને શુક્રવારે ડોક્ટર મળી રહે છે. એ સિવાયના દિવસોમાં દવાઓ આપવામાં આવે છે અને દાખલ થયેલ દર્દીઓની સારવાર કરવામાં આવે છે. મારો વારો આવ્યો ત્યારે મેં ડોક્ટર સમક્ષ મારી પીડા અંગે જણાવ્યું. એમણે મને સાંભળીને બહારથી સોનોગ્રાફીનો રિપોર્ટ કઢાવી લાવવા સૂચવ્યું. એક દિવસે હું મારી મમ્મીને લઈને આણંદ પહોંચ્યો. ત્યાં એક ખાનગી સોનોગ્રાફી સેન્ટરમાં મેં મારા પેટના ભાગની સોનોગ્રાફી કરાવી. 

એ પછી પુન: ડોક્ટરને બતાવવા વડતાલ હોસ્પિટલે પહોંચ્યો. આ વખતે મારી પાસે સોનોગ્રાફીનો રિપોર્ટ હતો. ડોક્ટરે મારો રિપોર્ટ જોયો અને જણાવ્યું કે મને પેટમાં નાની પથરી થયેલી છે. 

પૂર્વે ' સોનોગ્રાફી ' શબ્દનો અર્થ મારા માટે સીમિત રહ્યો હતો. જ્યારે જ્યારે મારા કાને 'સોનોગ્રાફી ' શબ્દ પડે કે મને એક જ બાબત સમજાય કે તે મહિલાએ જ કરાવવાનો હોય. માત્ર ગર્ભ પરિક્ષણ માટે જ આ શબ્દ વપરાતો હોવાનું મને સમજાયું હતું. 

જ્યારે મારે મારા પેટની સોનોગ્રાફી કરાવવાની આવી ત્યારે મારો ભ્રમ ભાંગ્યો અને હું સોનોગ્રાફી શબ્દનો વિશાળ અર્થ સમજતો થયો. મને પથરી ઓગળે એવી દવા લખી આપવામાં આવી. મેં કેટલીક દવા બહારથી ખરીદી જ્યારે કેટલીક દવાની ગોળી હોસ્પિટલના દવાના કાઉન્ટર પરથી મળી રહી હતી. પથરીની સારવારનો અનુભવ મારા માટે કંઈક અંશે સંતોષકારક રહેતા મેં મારી ગુદામાર્ગની તકલીફનું નિરાકરણ પણ આ જ હોસ્પિટલમાંથી મેળવવાનું મુનાસીબ માન્યું. મને ઘણા વખતથી ગુદામાર્ગે તકલીફ રહેતી હતી. મળત્યાગ વખતે પીડાનો અનુભવ થતો હતો. મારી આ સમસ્યામાંથી મારે કાયમ માટે મુક્તિ મેળવવી હતી અને એટલે મેં ફરી વાર વડતાલ ખાતે આવેલ સ્વામીનારાયણ હોસ્પિટલની મુલાકાત લીધી. ડોક્ટરે મને જે ભાગમાં મળત્યાગ વખતે પીડા થતી હતી તે ભાગ તપાસી જોયો. એ પછી નિદાન કર્યું કે મને તો હરસ કે જેને પાઈલ્સ કહે છે તે છે. એમણે કેટલીક ગોળી લખી આપી. હું એ પછી દવાના કાઉન્ટર પર પહોંચ્યો. અહીંથી મને એક ભાઈએ ગોળીઓ આપી. જ્યાં સુધી ગોળી લેવાનું ચાલુ રહ્યું ત્યાં સુધી મને મારા દર્દમા રાહત રહી. એ પછી 'જૈસે થે ' જેવી સ્થિતિનું નિર્માણ થયું. હું પુન: ડોક્ટર પાસે પહોંચ્યો. 

 આ વખતે ડોક્ટર સાથેની વાતચીત દરમિયાન મને પુછવામાં આવ્યું કે ઓપરેશન કરવું છે કે ગોળીઓ આપી દઉ ? મેં બહુ વિચાર કર્યા વિના ઓપરેશન માટે હા પાડી. એ પછી એમણે કહ્યું, " તો પછી ઓપરેશન માટેની તૈયારી કરવા માંડો." 

 સામાન્ય રીતે આપણે ક્યાંક બહાર જવાનું હોય ત્યારે તૈયારી કરીએ છીએ. કોઈને ત્યાં લગ્નપ્રસંગ હોય તો ઘરનો મોભી માણસ તે માટેની તૈયારી કરતો જોવા મળે છે. પરીક્ષા પૂર્વે તૈયારી કરતો વિદ્યાર્થીવર્ગ આપણે જોયો છે. 

 મને મનોમન આશ્ચર્ય થવા લાગ્યું કે ઓપરેશનની પણ તૈયારી કરવી પડે ! મેં એમ વિચાર્યું કે જો તૈયારી કરવાની હોય તો ડોક્ટરે અને એમના હાથ નીચે કાર્ય કરતા મદદનીશોએ. દર્દીએ ક્યાં કશું કરવાનું હોય છે ! ડોક્ટરે મને મારા લોહી - પેશાબનો રિપોર્ટ કઢાવવા લેબોરેટરીનો સંપર્ક કરવા જણાવ્યું. છાતીના ભાગનો એક્સ રે કઢાવવા પણ સૂચના આપવામાં આવી. હોસ્પિટલના પાછળના ભાગે લેબોરેટરી આવેલ છે. હું ત્યાં પહોંચ્યો. મને મારા છાતીના ભાગનો એક્સ રે પડાવવા પણ સૂચના આપવામાં આવી. 

 હોસ્પિટલના પાછળના ભાગે લેબોરેટરી આવેલ છે. હું ત્યાં પહોંચ્યો અને મારા છાતીના ભાગનો એક્સ-રે પડાવવા એકસ-રે રુમમાં પહોંચ્યો. એ પછી લોહી- પેશાબની તપાસ માટે બંનેના નમૂના પૂરા પાડ્યા. બાદ ત્યાંથી ઘેર આવવા રવાના થયો. મને નિયત તારીખે આવીને લોહી તેમજ પેશાબનો રિપોર્ટ લઈ જવા જણાવવામાં આવ્યું હતું. નિયત તારીખે રિપોર્ટ લેવા અને ડોક્ટરને બતાવવા મારે હોસ્પિટલે આવવાનું બન્યું. રિપોર્ટ ઉપર નજર મારી ડોક્ટરે મને હોસ્પિટલમાં દાખલ થવા માટેની તારીખ મેળવવા માટે મેહુલ ભાઈનો સંપર્ક કરવા જણાવ્યું. મેહુલ ભાઈએ મને કેસ પેપર પર હોસ્પિટલમાં દાખલ થવાની તારીખ લખી આપી. તારીખ હતી: 15-05-2019. દાખલ થવાનો સમય સવારે નવ કલાકનો. દર્દીની સાથે એક પુરૂષ સગા સાથે લઈને આવવાની સ્પષ્ટતા પણ મેહુલભાઈએ કરી. ઓપરેશનની તૈયારીના ભાગરૂપે અંદરના ભાગના વાળ પણ કાઢીને આવવા જણાવ્યું. નિયત તારીખે અને સમયે હું મારા પપ્પાને મારી સાથે લઈને હોસ્પિટલે પહોંચ્યો. જીવનમાં પ્રથમ વખત કોઈ હોસ્પિટલમાં દાખલ થવાનો અનુભવ લેવા હું જઈ રહ્યો હતો. મને જનરલ વોર્ડ તરફ જવા જણાવવામાં આવ્યું. 

મારી પાછળ મારા પપ્પા મારા ચરણોને અનુસરી રહ્યા હતા. એમને પણ નોકરીમાં રજા રાખવી પડી હતી. જનરલ વોર્ડમાં દાખલ થતાં મારી નજર 'નર્સિંગ સ્ટેશન' શબ્દો પર ચોટેલી રહી. આજ લગી બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, હિલ સ્ટેશન વગેરે શબ્દોના સંપર્કમાં આવવાનું બનેલું. તે દિવસે 'નર્સિંગ સ્ટેશન' નજરે ચઢતાં થોડું આશ્ચર્ય થયું. મને જાણવાં મળ્યું કે આવો પણ શબ્દ છે. અહીં મારા ધ્યાનમાં કેટલીક નર્સ બહેનો આવી કે જે પોતાના સેવાકાર્યમા તલ્લીન હતી. એક મહિલા ડોક્ટર પાસે હું મારા રિપોર્ટ લઈ પહોંચ્યો તો તેમણે મને બેડ નંબર- 5 ફાળવી આપ્યો. મારા રિપોર્ટ તેમણે તેમની પાસે રાખ્યા. એ પછી તો મારા રિપોર્ટને આધારે એક સ્પેશ્યલ ફાઈલ બનાવવામાં આવી કે જે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતાં સુધી મારી પથારી કે બેડ પર આવતી રહી હતી. પથારી મળતાં મને નિરાંત થઈ. હું અને મારા પપ્પા પથારી નજીક પહોંચ્યા. પથારી કે બેડની બાજુમાં એક સ્ટૂલ રહેતું. તેની ઉપર જ દર્દીના સગાંએ બેસવું એવી સૂચના અમને મળી ગઈ હતી. મેં આજુબાજુ નજર દોડાવી તો કેટલાક અન્ય દર્દીઓ પણ જોવા મળ્યા. કોઈકને બોટલ ચઢાવી હતી તો કોઈક આરામ ફરમાવી રહ્યું હતું. કોઈકની સાથે સગાં વાતચીત કરી રહ્યા હતા. 

થોડી વાર બાદ અહીં મદદનીશ તરીકે કામ કરતો એક કર્મચારી મારા બેડ આગળ આવીને બેડ ઉપર ચાદર પાથરવા લાગ્યો. તેણે તકિયો પણ આપ્યો. અને મારી પથારી તૈયાર થઈ ગઈ. બાદમાં તે મારા માટે દર્દીએ પહેરવાના કપડાં લઈ આવ્યો. મારે મારા કપડાં ઉતારીને દવાખાનાના કપડાં પહેરવાના હતા. મને બાથરૂમમાં જઈ કપડાં બદલી આવવા જણાવ્યું. આંતર વસ્ત્રો પણ મારે કાઢી નાખવાના હતા. 

 દવાખાનામાંથી આપવામાં આવેલ ઝભ્ભો અને લેંઘો જ પહેરવાના હતા. મેં એ પ્રમાણે કર્યું. બાદ મારા બેડ ઉપર આવી ગયો. મને એ બાબતનો સંતોષ હતો કે બાથરૂમ; મારા બેડની બિલકુલ નજીકમાં જ હતું. થોડા સમય માટે હું મારા બેડ પર આડો પડ્યો. બાદમા વોર્ડના ઈન્ચાર્જ એવા એક મહિલા ડોક્ટરે મને બોલાવ્યો. હું એમના ટેબલ પાસે પહોંચ્યો. એ પછી મારી ફાઈલ તૈયાર કરવા એમણે મને કેટલાક સવાલો પૂછ્યા જે મારા ખાનપાન અને મને થયેલ તકલીફ સંદર્ભે હતા. બપોરનો સમય થવા આવ્યો હતો એટલે જમવાનું આપનારા જમવાનું લઈને આવી પહોંચ્યા. દરેક દર્દીની સાથે આવેલ સગાંને દર્દી માટે જમવાનું લઈ લેવા જણાવવામાં આવ્યું. 

 એ વખતે હું મહિલા ડોક્ટર સાથે બેઠો હતો. મેં મારા પપ્પાને ઈશારાથી જમવાની થાળી લઈ લેવા જણાવ્યું. તેઓ મારા માટે થાળી લઈ આવ્યા અને બેડ તરફ ગયા. ડોક્ટર સાથેની વાતચીત બાદ હું મારા બેડ પર પહોંચ્યો ત્યારે મારા પપ્પાએ થાળીમાંનો ખોરાક પૂર્ણ કરી દીધો હતો. ! 

વોર્ડમાં આવતું જમવાનું કેવળ દર્દી માટે જ હોય છે એવા હોસ્પિટલના નિયમથી અજાણ એવા મારા પપ્પાએ થાળી પૂર્ણ કરી દીધી. એમની સાથે વાત કરી તો ખબર પડી કે એમને એમ હતું કે દર્દીની સાથે એના સગાંને પણ અહીયા જ જમવાનું હોય છે. યોગ્ય જાણકારીના અભાવે આમ બન્યું હોઈ જમવાનું ન મળ્યાનો અફસોસ કરવાનો કોઈ સવાલ જ પેદા થતો નહોતો. મારા કાને 'હાફ ડાયટ ' અને ' ફુલ ડાયટ ' જેવા શબ્દો સંભળાયા. જમવામાં મોળા દાળ -ભાત હતા. એ દિવસે બપોરે મેં માત્ર કેળાં મંગાવીને ચલાવી લીધું હતું. એ પછી મારા પપ્પાને જણાવવામાં આવ્યું કે દર્દીની સાથે આવેલ સગાએ સ્વામીનારાયણ મંદિરમાં જ જઈને જમવાનું હોય છે. 

હું એમ માનતો હતો કે પંદર તારીખે જ ઓપરેશન કે સર્જરી કરવામાં આવશે. જોકે પછી ખબર પડી કે મારુ ઓપરેશન તો બીજે દિવસે થવાનું છે. પંદર તારીખે રાત્રે બાર વાગ્યા સુધી જેને જે કંઈ ખાવું હોય તે ખાવાની છૂટ આપવામાં આવી હતી. એ પછી કશું જ ન ખાવાનું સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું. પાણી પણ પીવાનું નહોતું. એ દિવસે બપોરે મારા પપ્પાને કંટાળો આવતો હતો. એમણે કહ્યું હતું, " કશુંક વાંચવાનું લેતો આવ્યો હોત તો સારું થાત. સમય પસાર કરી શકાત. " બરોબર એ જ વખતે મને કોઈ પુસ્તક સાથે લાવવાનો વિચાર આવ્યો હતો. 

 એ પછી નર્સ બહેનો મારી પથારી પાસે અમુક અમુક સમયના અંતરે આવતી રહેતી હતી. લોહીનું દબાણ નિયત સમયે માપવામાં આવતું હતું. પલ્સ પણ નોંધવામાં આવતા હતા. આ બધી વિગતો મારી ફાઈલમાં નોંધાતી હતી. એ પછી નિયત સમયે મને બોટલ ચઢાવવામાં આવી. બોટલમાં સફેદ રંગનું પ્રવાહી જોઈ શકાતું હતું. એ પૂર્વે બ્રધરે મારા ડાબા હાથે સોય ખોસીને બોટલ ચઢાવવાની વ્યવસ્થા કરી દીધી હતી. વોર્ડમાં મદદનીશ તરીકે કામ કરતા કર્મચારીએ મને સેવિન્ગ પણ કરી આપ્યું હતું. ઓપરેશન કે સર્જરીની આગલી રાતે ફરજ પરના બ્રધરે મદદનીશ કર્મચારીને સાથે લઈને બીજી વખત સેવિન્ગ કરાવડાવ્યુ હતું કે જેથી કરીને સેવિન્ગમા કોઈ ઉણપ રહી ન જાય. સોય ખોસવાની વેળા એ જ મને મુઠ્ઠી વાળવા કહેવામાં આવેલ કે જેથી નસ ઉપસી આવે અને બ્રધરને સોય ખોસવામા અનુકુળતા રહે. નર્સ તરીકે કાર્ય કરતી મહિલાને દવાખાનામાં 'સિસ્ટર ' તરીકે સંબોધવામાં આવે છે જ્યારે પુરુષને 'બ્રધર' કહેવામાં આવે છે. 'ડિસ્કાર્ડ' અને 'કર્ટેન'જેવા અંગ્રેજી શબ્દો અહીં વધારે વપરાય છે. સિસ્ટર્સ બદલાતા રહેતા પરંતુ દર્દીને કરવામાં આવતી સારવારમાં કોઈ ગફલત થતી નહોતી. મારી સમેત અન્ય કેટલાક દર્દીઓને પણ અમુક અમુક સમયે પૂછવામાં આવતું કે ' પાણી પીધું ? ' ' કેટલી વાર પીધું ? ' 'પેશાબ છેલ્લે ક્યારે ગયા હતા ? ' 

બીજે દિવસે સવારે એટલે કે સોળ તારીખે નવ વાગ્યાની આસપાસ ડોક્ટરે વોર્ડમાં વિઝીટ કરી હતી. જેમના ઓપરેશન કરવાના હતા તેમને અગ્રતાક્રમ આપવામાં આવ્યો હતો. મારો નંબર ચોથો હતો. મારી બાજુના બેડ પરના દર્દીને એપેન્ડીક્ષનુ ઓપરેશન કરાવવાનું હતું. એની બાજુમાં જે બેડ હતો તેના દર્દીને સારણગાઠનું ઓપરેશન કરાવવાનું હતું. મારો મેળ બપોરે પડ્યો. ઓપરેશન થિએટરમાંથી વોર્ડમાં ફોન આવતો. મારા કાન ફોનની ઘંટડી સાંભળવા આતુર હતા. 

 ' પાંચ નંબરના બેડવાળા પેશન્ટને મોકલો' એવા શબ્દો મારા કાને પડ્યા કે મને હાશ થઈ ! એ પછી મારે ચાલીને ઓપરેશન થિએટર સુધી જવાનું હતું. હું ઓપરેશન થિએટર પહોંચ્યો. મારા પપ્પા બહાર બેસી રહ્યા. હું અંદર ગયો ત્યારે સર્જરી માટેનું ટેબલ તૈયાર થઈ રહ્યું હતું. મહિલા નર્સોએ મોઢે બુકાની બાધી હતી કેટલાક યુવા ડોક્ટર હાથમાં શસ્ત્ર લઈ સર્જરી માટે સજ્જ થઈ ગયા હતા. એક નવાઈ પમાડે એવી બાબત મને એ અનુભવવા મળી કે ઓપરેશન થિએટરમાં હિન્દી ફિલ્મોના સુમધુર ગીતો સંભળાઈ રહ્યા હતા. તુમ સે અચ્છા કૌન હૈ નું ટાઈટલ સોન્ગ સંભળાઈ રહ્યું હતું. આશાજીના કંઠે ગવાયેલ કેટલાક ગીતો પણ સાંભળવા મળ્યા. મને ટેબલ પર ચત્તા સૂવા માટે કહેવામાં આવ્યું. એ પછી મારી છાતીના ભાગ ઉપર ઈલેક્ટ્રોડસ લગાવવામાં આવ્યા. વોર્ડમાં મને જે બોટલ ચઢાવેલી હતી એ જ અહીં લાવવામાં આવી હતી. પ્લાસ્ટિકની પાઈપ વાટે બોટલમાંનું પ્રવાહી મારા શરીરમાં જઈ રહ્યું હતું. થોડીવાર બાદ હ્રદયના ધબકાર માપવાનું મશીન મારા હાથની આંગળીએ લગાવવામાં આવ્યું. એ પછી મારી નજીકમાં જ ઊભી રહેલી એક નર્સે મને બેઠો કર્યો. બાદ મારો જમણો હાથ પકડી રાખ્યો. એક ડોક્ટરે મારી પીઠના ભાગે લેપ કર્યો જેનાથી મને એક અજબ પ્રકારની ઠંડકનો અનુભવ થઈ રહ્યો હતો. એ પછી મને કહેવામાં આવ્યું, " ગભરાતા નહીં...સહેજ દુખશે" 

 મને ખબર પડી કે મારી પીઠના ભાગે ઈજેક્શન આપવામાં આવ્યું હતું. થોડી વાર બાદ મારા જમણા પગે ખાલી ચઢવા લાગી. હું હાથ વડે મારા પગને સ્પર્શ કરવા લાગ્યો. બાજુમાં ઊભેલી નર્સે મને કહ્યું, "એવું થશે થોડી વાર " 

 એ પછી તો ધીમે ધીમે બંને પગમાં ખાલી ફેલાઈ ગઈ મને એવું લાગી રહ્યું હતું કે મારા બંને પગ છે જ નહીં. ! એ પછી મને સૂઈ જવા કહેવામાં આવ્યું. અન્ય એક નર્સે મારા ચહેરા પર કપડું ઢાંકી દીધું. અને એ પછી ખૂબ જ પ્રેમભર્યા શબ્દોમાં કહ્યું, " હવે શાંતિથી ગીતો સાંભળો. " 

 એ વખતે "કિસી સે તુમ પ્યાર કરો તો ફીર ઈજહાર કરો કહીં ના ફીર દેર હો જાયે…." ગીત વાગી રહ્યું હતું. હું ડોક્ટર તેમજ નર્સોના અવાજ સાંભળી રહ્યો હતો. મને મારા ધબકાર પણ સંભળાતા હતા. પણ બંને પગ વચ્ચે જે સર્જરી થઈ રહી હતી તેનો મને સ્હેજ પણ અનુભવ થતો નહોતો. આ કમાલ હતી પેલા ઈજેક્શનની. સર્જરી દરમિયાન મને એક વખત ખાંસી ખાવા માટે જણાવેલ. સર્જરી પૂર્ણ થયા બાદ મને સ્ટ્રેચરમાં મૂકવામાં આવ્યો. કેમ કે મને હવે વોર્ડમાં લઈ જવાનો હતો. એ વખતે કેટલીક નર્સોએ મને ઊચક્યો હતો. એક નર્સને મેં એવું કહેતા સાંભળ્યા હતા કે, " આ ભાઈનું વજન કેટલું ઓછું છે ! ખાવ છો કે નથી ખાતા ? કે પછી આ મોંઘવારીમાં પૈસાની બચત કરો છો ? " 

 હું નર્સના સવાલનો જવાબ આપવાના મૂડમાં નહોતો. એ પછી મને વોર્ડમાં લાવવામાં આવ્યો. ધીમે ધીમે બંને પગની ખાલી દૂર થવા લાગી હતી. લગભગ એકાદ કલાક બાદ બંને પગ નોરમલ બન્યા હતા. જોકે એ પછી સર્જરીના ભાગે પીડા થતી હતી. રાત્રે જમવામાં ખાલી લિક્વીડ મળ્યું. એટલે કે મને જમવામાં દૂધ આપવામાં આવ્યું હતું. સવારે ઊઠ્યો એ પછી મારા પપ્પા બહારથી ચા અને પારલે બિસ્કીટ લઈ આવ્યા હતા. એ દિવસે સવારે એટલે કે સત્તરમીની સવારે એક બ્રધરે સર્જરીના ભાગે ચોટાડેલી પટ્ટી ઉખાડી નાંખી અને પાણીના ટબમાં બેસવા જણાવેલ. એ પછી હું મારા બેડ પર આવી ગયેલ. ત્યારબાદ મેં ચા-નાસ્તો કર્યો હતો. જોકે મને એક સમસ્યા ઊભી થઈ હતી. સિસ્ટરે અન્ય કેટલાક દર્દીની જેમ મને પણ પેશાબ થયો કે નહીં એ અંગે પૂછ્યું હતું. અન્ય બે દર્દીઓને પેશાબ થતો હતો. જ્યારે મને પેશાબ થતો નહોતો. મને ચિંતા થતી હતી કે પેશાબ નહીં થાય તો તકલીફ ઊભી થશે. જોકે મેં સિસ્ટરને પૂછ્યું તો મને કહેવામાં આવ્યું કે થશે. એટલીવારમા ડોક્ટર વોર્ડમાં આવી પહોંચ્યા. દરેક દર્દીના ખબર- અંતર પૂછ્યા. પછી જેઓએ સર્જરી કરાવી હતી એ તમામને બહાર લોબીમાં આંટા મારવાનું જણાવવામાં આવ્યું હતું. ડોક્ટરે મને ખાસ ચાલવા માટે કહ્યું અને પાણી વધારે પીવા સૂચવ્યુ. હું બહાર ચાલવા લાગ્યો. પાણી પીધું. બાદ વોર્ડમાં આવ્યો. અને મને પેશાબ લાગી. હું બાથરૂમમાં પહોંચ્યો. હવે ધીમે ધીમે પેશાબ થવા લાગ્યો. મેં ઈશ્વરનો મનોમન પાડ માન્યો. એ પછી મારા જમણા હાથે ખોસેલી સોય કાઢી નાંખવામાં આવી. આ કાઢવાની પ્રક્રિયાને' ડ્રેસિંગ' કહેવામાં આવે છે. મેં દવાખાનામાંથી આપવામાં આવેલ કપડાં કાઢી નાખીને મારા કપડાં પહેરી લીધા. એ પછી મને એક નવી ફાઈલ આપવામાં આવી કે જેમાં મારા દર્દ અને સારવાર અંગેની વિગતો નોંધેલી હતી. મને દવાઓ પણ આપવામાં આવી. દવા સંબધિત સૂચનાઓ પણ સિસ્ટરે પૂરી પાડી. એ પછી મને દવાખાનામાંથી રજા આપવામાં આવી. 

 વડતાલ સ્વામિનારાયણ હોસ્પિટલમાં ત્રણ દિવસ દર્દી તરીકે રહેવાનો મને જે અનુભવ સાંપડ્યો એ મારા માટે યાદગાર રહેશે. હોસ્પિટલમાં દાખલ થયાનો આ મારા જીવનનો પ્રથમ અનુભવ હતો. બીજું કે અહીં રહીને હું ઘણું બધું જાણી શક્યો. દવાખાનામાં દાખલ થવાનું બને ત્યારે હંમેશા આખ-કાન ખુલ્લા રાખવા.હોસ્પિટલના સામાન્ય નિયમોથી માહિતગાર બનવું. શાંતિ અને સ્વચ્છતા જાળવવા વગેરે. આ હોસ્પિટલમાં દાખલ થયાનો અનુભવ મેળવ્યા બાદ મને અહીં પૂરી પાડવામાં આવતી સુવિધામાં જો ઊમેરો કરવાનું સૂચન કરવામાં આવે તો હું કહું કે દર્દીઓના વોર્ડમાં અથવા તો હોસ્પિટલમાં જ કોઈક જગ્યાએ એક નાનું પુસ્તકાલય બનાવવું જોઈએ. કે જેથી કોઈ પણ દર્દી અહીં આવીને વાંચી શકે. 

મનોરંજન માટે એક વિભાગ હોવો જોઈએ કે જ્યાં સંગીત સાંભળવાનું મળી રહે. એક નાનો બગીચો પણ હોવો જોઈએ કે જેમાં લીલાં વૃક્ષોને જોઈને મન પ્રફુલ્લિત રહી શકે. દરેક દર્દીને ઘેર જવાની રજા આપવામાં આવે ત્યારે તેનો અભિપ્રાય લેવાની વ્યવસ્થા કરવી જોઈએ. તે ઉપરાંત રજા આપવાના દિવસે નાની સરખી ભેટ કે ફૂલ આપીને ઘેર વિદાય કરી શકાય. ફળ હોસ્પિટલની અંદર જ મળી રહે એવી ગોઠવણ કરી શકાય. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational