વાય મી ?
વાય મી ?
મેં ધીમે રહી શયનખંડનું બારણું વાંસી દીધું. બહાર નીકળી આવેલા મારા ડગલાઓમાં નિયત થાક હતો. એવું ન હતું કે મને ઊંઘ આવી રહી ન હતી. પરંતુ પાંચ વર્ષનો સતત માનસીક થાક મગજને પજવી રહ્યો હતો અને એ પજવણીની સજા દર વખતની જેમ આજે પણ શરીરને જ મળી રહી હતી. વિચારોનું વંટોળ ચકરાવે ચઢ્યું હતું. મારી વ્યાકુળ જાત દરરોજ જેમ પોતાની જ જોડે સમાધાન સાધવાનો મરણિયો પ્રયાસ કરી રહી હતી. મારા વિખરાયેલા વાળ ઉપર મારો હાથ અનાયાસે ફરી ગયો. ઉંમર પહેલા જ સફેદ દોરી બની ગયેલા મારા અર્ધા ધોળા વાળ મારા બાકી વધેલા શ્યામ વાળ સાથે કેટલા કજોડ દેખાઈ રહ્યા હતા એનો અંદાજો અરીસો નિહાળ્યા વિના જ આવી રહ્યો હતો. અરીસા જોડે ક્યારનાય રીસામણા લેવાઈ ગયા હતા. મારી આંખો નીચે સજ્જ કાળા કુંડાળા, ચિંતાની ભેટ સ્વરૂપ ચહેરા ઉપર ફરી વળેલી કરચલીઓ અને સતત નીંદરના અભાવે ચહેરાના દરેક ખૂણામાં વ્યાપેલી નિસ્તેજતા વારેવારે નિહાળવામાં મને કોઈ રુચિ રહી ન હતી. જીવવાનો અધિકાર મેં જીવનને વ્યાજ સહિત પરત કરી દીધો હતો.
હું બેઠકખંડના સોફા ઉપર અફળાઈ બેઠી. ચહેરો છતને શૂન્યમનસ્ક તાકી રહ્યો. માથા ઉપર ધીમે ગતિએ ફરી રહેલા પંખાની ત્રણ પાંખો એકબીજાને પકડી પાડવા વ્યર્થ ગોળ ગોળ ચક્કર કાપી રહી હતી. એમાંથી નીકળી રહેલો કર્કશ અવાજ થોડી તેલની માવજત મેળવવા આજીજી કરી રહ્યો હતો. જ્યાં જાતની પ્રત્યે સંપૂર્ણ બેદરકારી સેવાઈ રહી હોય ત્યાં એ નિર્જીવ પંખાની ...
મેં આગળ વધી ટેબલ પરથી ક્ષણભર માટે ટીવીનું રિમોટ હાથમાં લીધું. પછી ફરીથી એને ટેબલ પરજ છોડી મૂક્યું. એના એ જ કાર્યક્રમો, એની એ જ ફિલ્મો, એના એ જ સમાચારો. કશુંજ નવું નહીં. એ ટીવી પણ મારા જીવન જેમ નીરસપણે સ્થગિત થઈ ગયું હતું.
મેં મારી પીઠ ફરીથી સોફા પર ટેકવી દીધી. એક ઊંડો શ્વાસ ખેંચ્યો. એનો પણ થાક લાગી આવ્યો. સોય પણ પડે તો સાંભળી શકાય એવા નીરવ ઓરડામાં મારા કાન પર અઝાનનાં શબ્દો પડ્યા. બંદગીનો સમય બંદાઓને ખુદા તરફ પધારવાનું આમંત્રણ આપી રહ્યો હતો. આ જ અઝાનનાં શબ્દો જો પાંચ વર્ષ પહેલા મારા કાન પર પડ્યા હોત તો હું સોફા છોડી સફાળી ઊભી થઈ ગઈ હોત. હરખ અને ઉત્સાહ જોડે ગુસુલખાના તરફ ધસી ગઈ હોત. વઝુ કરી, પાક થઈ ખુદા સામે માથું ઝુકાવી દીધું હોત.
પણ હવે નહીં.
હવે એ અઝાનનાં શબ્દો એક કાનમાંથી પ્રવેશી અન્ય કાનમાંથી પલાયન થઈ જતા હતા. એ મગજ સુધી પહોંચી પરત ફરી જતા. હૈયા સુધી પહોંચતા નહીં. મનમાં ન કોઈ હરખ બચ્યો હતો, ન ઉત્સાહ. માથું કશે પણ નમી જવા તૈયાર ન હતું. એક ઉદાર, સુંવાળું હૃદય સખત પથ્થર બની ગયું હતું.
કહેવાય છે ને કે તમે જેને સૌથી વધુ પ્રેમ કરો એને જ સૌથી વધુ નફરત કરી શકો છો. સાચું જ છે. ખુદાને દિલોજાનથી ચાહ્યા હતા. એમણે ચીંધેલા માર્ગ પર જ ચાલતી આવી હતી. એમની હા માં હા અને ના માં ના આંખો મીંચી સ્વીકાર્યા હતા. એમણે સોંપેલી દરેક ફરજ પુરા જતનથી નિભાવી હતી. કદી કોઈનો હક માર્યો ન હતો. કદી કોઈની જોડે સંબંધો બગાડ્યા ન હતા. એ જેટલું આપતા એમાં જ સંતોષ કેળવ્યો હતો. કૃતજ્ઞતા મારો જીવન મંત્ર હતો. કદી કોઈની લાગણીઓને ઠેસ પહોંચે કે કોઈનું હૈયું દુભાઈ એવું કોઈ આચરણ આદર્યું ન હતું. કદી કોઈ ખરાબ વિચારને મનમાં પ્રવેશવા દીધો ન હતો. લોભ, લાલચ, ઈર્ષ્યા, દંભથી સુરક્ષિત અંતર જાળવ્યું હતું. મને દુઃખ પહોંચાડનાર લોકોને પણ એમની માફી વિના જ માફ કર્યા હતા. કોઈને મારી જરૂર હોઈ તો શીઘ્ર ધસી જતી. દાન, પરોપકાર, દયાભાવ... ધર્મના એ મુખ્ય સ્થંભ ઉપર મારા જીવનની ઈમારત મેં ચણી હતી. પરમાત્માને રાજી રાખવા હું બધુંજ કરી છૂટી હતી.
અને એમણે મારી જોડે શું કર્યું ? કયા પાપની સજા મને આપી ? કોઈનું સ્વપ્નેય કશું ન બગાડનાર માનવી જોડે આવો અન્યાય ? સેંકડો મનુષ્યોથી ખદબદતી આ ધરતી ઉપરથી હું જ કેમ ? વાય મી ?
આ પ્રશ્ન અંતિમ પાંચ વર્ષથી દરરોજ પુનરાવર્તિત થતો. અંતરમાં ઉધમ મચાવતો એ પ્રશ્ન બ્રહ્માંડમાં અફળાતો, પછડાતો ફરી મારા તરફ પરત થઈ જતો અને એનો પડઘો મારી આત્માને ગૂંગળાવતો રહેતો. એનો ઉત્તર આપવાની ફુરસદ જેની પાસે ન હોય એમની ઉપાસના કરવા માટે મારી પાસે પણ ન સમય હતો, ન ઊર્જા.
સ્વાભિમાની જાતને દર વખત વચન આપતી કે આ પ્રશ્ન હવે કદી બહાર નીકળશે નહીં. છતાં દરરોજ નફ્ફટ બની એ પ્રશ્ન મારા સ્વાભિમાનના ધજાગરા ઉડાવી મુકતો. મારો શ્વાસ રૂંધાવા લાગ્યો. મનને અન્ય દિશામાં વાળવા તરત જ પડખેના ટેબલ પરથી મેં મોબાઈલ હાથમાં લઈ મારા ઈન્સ્ટા અકાઉન્ટમાં લોગ ઈન કર્યું.
હોમપેજ ઉપર મારી આંગળી કાર્યરત થઈ અને હું વિચારોના જંગલમાંથી ભાગી છૂટી. વિશ્વની અગણિત માહિતીઓ નજર આગળથી એક પછી એક વાયુવેગે મોબાઈલની ઉપર તરફની દિશામાં સરકવા લાગી.
વ્યંગથી ભરેલા વિડીયો, લોભામણી રેસિપીઓ, ફિલોસોફીથી અધધ ... છલકાતા સુવિચારો, ઓનલાઈન ખરીદી માટેનો અઢળક સામાન અને એમના અખૂટ ડિસ્કાઉન્ટ, અભિનેતાઓ-અભિનેત્રીઓના અફેર અને ડિવોર્સ, રમતગમતની જંગ છેડતી સ્પર્ધાઓ, નવા રિલીઝ થયેલા ફિલ્મી ગીતો, ફિલ્મોના ટ્રેલર, દ્રશ્યો, સંવાદો, ફક્ત 'મિલ્યન ઓફ વ્યૂઝ ' મેળવવા હેતુસર ઘડાયેલા કઢંગા તર્કવિહીન રેકોર્ડિંગ્ઝ....
આંગળી એ સ્ત્રોત ઉપર નિષ્ક્રિય રીતે સક્રિય રહેવા ટેવાઈ ગઈ હતી. એ સક્રિયતા અકળામણ જન્માવી રહી. મારા કામનું કશું ત્યાં હતું નહીં. છતાં દરરોજ જેમ ત્યાં લટાર મારવાનો અપરાધભાવ અંતરને લજ્જિત કરી રહ્યો. ઈન્સ્ટામાંથી લોગ આઉટ કરવા આગળ વધેલો અંગુઠો અચાનક થંભી ગયો. કદાચ નજરની ભ્રાંતિ હશે. છતાં એકવાર મનના સંતોષ માટે ચકાસણી કરી લેવા મેં ઉપર ચઢી ગયેલી પોસ્ટને સ્ક્રોલિંગ થકી ધીમે રહી નીચે ઉતારી. પોસ્ટનું કેપશન ફરી ધ્યાન દઈ વાંચ્યું. એ ભ્રાંતિ ન હતી. તથ્ય હતું. એક પણ ક્ષણના વિલંબ વિના મેં વિડીયો પ્લે કર્યો.
ઈન્ટરવ્યૂ લેનારનું ફક્ત માઈક દ્રશ્યમાન હતું.
" તમે જાણતા હતા કે તમારે આર્થિક, માનસિક અને ભાવાત્મક રોકાણ કરવાનું હતું. તો તમે કોઈ પણ બાળકની પસંદગી કરી શક્યા હોત. આ જ બાળક કેમ ? "
ઈન્ટરવ્યૂ આપનારની આંખોમાં અનેરો ચળકાટ છવાયો.
" આપણી રચના કરનાર આપણી શક્તિઓ, સાર્થકતાઓથી આપણાથી વધુ પરિચિત હોય છે. કદાચ સર્જનહારને લાગ્યું હોય કે મારી અંદર એ પ્રેમ, વાત્સલ્ય,ધૈર્ય, ધીરજ, કરુણા, દયા અને શક્તિનો સ્ત્રોત એટલી માત્રામાં હાજર છે જેટલી માત્રા આ બાળકના ઉછેર માટે અનિવાર્ય છે. તેથી જ કદાચ મારી ઊર્જાનો ઉમેદવાર એને બનાવ્યું હશે. ને સાચું કહું તો એના જીવનમાં આવ્યા પછી જીવન તરફ નિહાળવાનો મારો દ્રષ્ટિકોણ જ બદલાઈ ગયો છે. એને દત્તક લઈ મેં એની ઉપર કોઈ ઉપકાર કર્યો નથી. દંભ, ઈર્ષ્યા, સ્વાર્થ, સરખામણી, સ્પર્ધા, અન્યાયથી છલોછલ આ સૃષ્ટિમાંથી મારા જીવને, મારી આત્માને ઉગારી લઈ મારું પરમેશ્વર જોડે સાચું, સાર્થક જોડાણ કરી આપનાર ઈશ્વરના આ દૂતની હું જેટલીયે સેવા કરીશ એ ઓછી જ હશે. ટ્રસ્ટ મી. "
ઈન્ટરવ્યૂ આપનારનો હાથ પોતાની પડખે ઉભેલા વિકલાંગ બાળકના માથે સ્નેહથી ફરી વળ્યો. ઈન્ટરવ્યૂ લેનાર અને આપનાર બંનેના શબ્દોથી અને એના અર્થથી અજાણ એ બાળક પોતાનાજ વિશ્વમાં મગ્ન સ્મિત ફરકાવી રહ્યું હતું.
વિડીયો પોઝ થઈ ગયો હતો અને હું પણ. કોઈ પણ હાવભાવ વિના, હલનચલન વિના હું એ સ્થગિત વીડિયોના કેપશન ને થોડા સમય સુધી તાકતી જ રહી.
' માનવતાની મહેક આજે પણ સમાજને મહેકાવે છે. એ વાતનો જીવંત પુરાવો. '
જયારે ભાનમાં આવી ત્યારે મોબાઈલ તરત જ ટેબલ ઉપર ગોઠવી દીધો. સોફા છોડી હું સફાળી ઊભી થઈ ગઈ. હરખ અને ઉત્સાહભેર ગુસુલખાનામાં ધસી ગઈ. વઝુ કરી, પાક થઈ ખુદા સામે માથું ઝુકાવી દીધું.
નમાજ સમાપ્ત કરી હું શયનખંડમાં પ્રવેશી. બંને પગ શાંતિથી લંબાવી દીધા. ગાઢ નીંદરમાં પોઢી રહેલા મારા પાંચ વર્ષના વિકલાંગ બાળકના કપાળ ઉપર એક મમતાભર્યું ચુંબન કર્યું અને એને પોતાના વાત્સલ્યભર્યા આલિંગનમાં સમાવી કૃતજ્ઞ હૈયે આંખો મીંચી નિરાંતે ઊંઘી ગઈ.
સ્વાર્થ ત્રાટકે,
હું જ કેમ ?
પ્રેમ ટહુકે,
હું કેમ નહીં ?
