Mariyam Dhupli

Inspirational Children

4  

Mariyam Dhupli

Inspirational Children

વાતાવરણ

વાતાવરણ

2 mins
105


" રવિવારના દિવસે પણ શાંતિ નથી ! "

બાલ્કનીમાં પ્રવેશેલા સુયોગનો ચ્હેરો ક્રોધમાં લાલપીળો હતો. એના ક્રોધિત ચહેરાને તાકવા એક ક્ષણ માટે ઉપર ઉઠેલી દ્રષ્ટિ ફરીથી છોડ ઉપરના ફૂલ ઉપર આવી તકાય. એકીટસે ફૂલને નિહાળી રહેલ એ દ્રષ્ટિને પોતાની સમસ્યા તરફ ખેંચવા સુયોગે પોતાનો સંવાદ વિસ્તૃત કર્યો.

" બેડરૂમમાં આરામથી ઊંઘતો હતો ને કીર્તિએ જગાડ્યો. તપનની ફરિયાદ કરવા. એમાં શું નવું છે, બોલો ? હવે તો હું સાચેજ કંટાળ્યો છું એનાથી. કીર્તિની વાત તો એ સાંભળતો જ નથી. હમણાં મેં એક બરાડો પાડ્યો એટલે છાનોમાનો બેઠો છે. પણ તમે જોજો. થોડા સમય પછી ફરીથી પકડી બેસી જવાનો. આખો દિવસ મોબાઈલ. ને જો મોબાઈલ ન હોય તો વિડીયો ગેમ. એક સ્ક્રીન નહીં તો બીજી. એડિક્શન થઇ ગયું છે એને. હવે ફક્ત વાતથીજ કામ નહીં બને. લાતો કે ભૂત બાતોંસે નહીં માનતે...."

" ગંભીર સમસ્યા છે, સુયોગ. "

પોતાના ફૂલને એકીટશે નિહાળી રહેલ ધૂની પપ્પાએ પોતાની વાત સાંભળી હોય એ અંગે સુયોગને સંપૂર્ણ શંકા જન્મી. ફૂલ ઉપરથી નજર ઉઠાવ્યા વિનાજ વૃદ્ધ અવાજ ગાંભિર્યનું પ્રતિબિંબ પાડી રહ્યો. 

" આ ફૂલ ઉપર મને ખરેખર ગુસ્સો આવી રહ્યો છે. બરાબર ખીલીજ નથી રહ્યું. શું કરું હવે એની જોડે ? "

પપ્પાના ધૂની સ્વભાવથી પરિચિત હોવા છતાં આ વખતે સુયોગને રીતસર ચીઢ ઉપજી. એની સમસ્યા સાંભળવાની જગ્યાએ પપ્પા પોતાનાજ વિશ્વમાં ખોવાયેલા હતા. પોતાની રીસને નિયંત્રણમાં રાખી સુયોગે પપ્પાની ભૂલ તરફ ધ્યાન દોર્યું.

" પપ્પા ફૂલ ઉપર નકામો ગુસ્સો શા માટે થાઓ છો ? એના વાતાવરણમાં ફેરફારની જરૂર છે. "

ફૂલ ઉપરથી ખસી વૃદ્ધ નજર ત્વરિત ઉકેલ દર્શાવનાર પુત્ર ઉપર ગર્વથી આવી મંડાઈ.

" યુ હેવ એ પોઇન્ટ સુયોગ ! "

એકજ વાક્યના ઉદગાર જોડે પપ્પાના હાથ કૂંડાના ખાતરની ચકાસણી માટે ઉપડ્યા. 

એમની સમસ્યાનો ઉકેલ તો જડી ગયો પણ મારી સમસ્યા ? સુયોગ અકળાયો. 

પપ્પાને સંબોધીને આગળ કંઈ વાત વધારે એ પહેલાં જ એના હોઠ સીવાઈ ગયા. એક આછું સ્મિત એના હોઠ ઉપર ફરી વળ્યું. ધૂની પપ્પા ને ગર્વ પૂર્વક નિહાળી, એમના ફૂલ જોડે એમને એકાંતમાં છોડી સુયોગ બાલ્કનીમાંથી ઘરના અંદરના ભાગ તરફ ધસ્યો.

ડૂસકાં જોડે રડી રહેલા પુત્રને ગોદમાં ઉઠાવ્યો. 

" પપ્પા જોડે ક્રિકેટ રમીશ ? "

રણમાં ગુલાબ ખીલ્યું હોય એવું ચમત્કારિક હાસ્ય દિકરાના ચહેરા ઉપર છવાઈ ગયું. પપ્પાના ગોદમાંથી ઉતાવળ જોડે નીચે ઉતરી એણે પોતાના ઓરડા તરફ ડોટ મૂકી. લાંબા સમયથી આરામ કરી રહેલું પોતાનું ક્રિકેટ બેટ, બોલ અને સ્ટમ્પ શીઘ્ર લઇ આવ્યો. માથા ઉપર કેપ હતી. એક કેપ પપ્પાને આપી. 

થોડા સમય પછી પ્રાંગણમાંથી ક્રિકેટના ફટકાઓ અને તાળીઓનો અવાજ આખા શેરીમાં ગુંજી રહ્યો હતો. રસોડામાં રસોઈ કરી રહેલી નિશ્ચિંન્ત કીર્તિના ચ્હેરા ઉપર સ્મિતસભર હાશકારો છવાયેલો હતો. મોબાઈલ અને વિડીયો ગેમ ઘરના નિષ્ક્રિય ખૂણાઓમાં નિષ્પ્રાણ પડ્યા હતા. એ સમયે બાલ્કનીમાં વ્યસ્ત વૃદ્ધત્વ પોતાના ફૂલના વાતાવરણને હર્ષસભર વ્યવસ્થિત કરવામાં પરોવાયેલું હતું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational