Dada Bhagwan

Drama Romance Fantasy

4  

Dada Bhagwan

Drama Romance Fantasy

વાત થશે ? - 1

વાત થશે ? - 1

4 mins
26


રુસ્તમભાઈએ એમના જાડા ચશ્મા નાક ઉપર ટેકવ્યા. તેમણે જુગલ અને મહેક સામે ટગર ટગર જોયું. બંને ચૂપચાપ પોતાની ખુરશીમાં બેઠા હતા. જુગલ નીચું જોઈને હાથમાં કિચેન સાથે રમતો હતો, જયારે મહેક એના ફોનમાં મેસેજ ટાઈપ કરતી હતી. 

આમ ને આમ પાંચ મિનિટ પસાર થઈ ગઈ. કોઈ કશું જ ન બોલ્યું. પચાસની ઉંમર વટાવી ચૂકેલા રુસ્તમભાઈની અનુભવી આંખો બધું સમજી ગઈ. પણ વર્ષોના અનુભવને કારણે આવી પરિસ્થિતિમાં શાંતિ અને ધીરજ જરૂરી છે એ પણ એમને બહુ સારી રીતે સમજાતું હતું. 

છેવટે રુસ્તમભાઈએ જ આઈસ-બ્રેક કરતાં પારસી ભાષામાં પૂછ્યું, “કેવું રિયું લાસ્ટ વિક ડીકરા ?” 

“સેમ ટુ સેમ !” જુગલે કંટાળેલા ચહેરે એક શબ્દમાં જવાબ આપ્યો.

મહેકે પણ અકળાયેલા અવાજે એક જ શબ્દમાં કહ્યું, “એઝ યુઝવલ !”

દરવાજે ટકોરા પડ્યા. રુસ્તમભાઈનો હેલ્પર બોય હાથમાં એક ટ્રે લઈને અંદર આવ્યો. રુસ્તમભાઈની સવારની ચાનો કપ ટ્રેમાં પાછો મૂક્યો અને ગરમાગરમ બીજો ચાનો કપ અને બટર કુકીઝ ટેબલ ઉપર મૂક્યા. 

ચાના કપમાંથી નીકળતી વરાળ જેવી ભારોભાર ગરમી અને બફારો જુગલ અને મહેકના હાવભાવમાં દેખાતા હતા. ડૉ. રુસ્તમે ચશ્મા ઉપર ચડાવી ફાઈલમાં ધ્યાનથી કંઈક વાંચ્યું, પછી બોલ્યા, “ટમારા ટાઈમ ને મની વેસ્ટ કરો છો ની ખોટેખોટા અંઈ ?” 

બંને ચમક્યા. મહેકે તરત ફોન ટેબલ પર ઊંધો મૂકી દીધો. જુગલે પણ કિચેન સાથે રમવાનું બંધ કરી દીધું અને પૂછ્યું, “વ્હોટ ડુ યુ મીન રુસ્તમ સર ?” 

ડૉ. રુસ્તમે શાંતિથી જવાબ આપતા કહ્યું, “જુગલ ડીકરા, ટું જ કે ની ? મારી એક પણ વાટ અટ્યાર સુધી ટમે બંનેવે માની ?” 

મહેકે જવાબ આપ્યો, “ઓફ કોર્સ માની છે રુસ્તમ સર !” 

ડૉ. રુસ્તમ એક સેકન્ડ ચૂપ રહ્યા. ગરમ ચાનો કપ હાથમાં લઈ બીજા હાથના ટેકે ખુરશીમાંથી ઊભા થયા અને બારી પાસે આવીને ઊભા. ચાની એક ચૂસકી લઈને પૂછ્યું, “ટો મહેક ડીકરા, બોલ ની ! મારા આપેલા એક બી ટાસ્ક કેમ પૂરા નઈ ઠયાં ? વ્હાય ?”

જુગલ અને મહેક બેઉ પાછાં ચૂપ થઈ ગયા. 

મહેકની નજર ટેબલ ઉપર પડેલી નેમ પ્લેટ ઉપર ગઈ જેના પર લખેલું હતું, “ડૉક્ટર રુસ્તમ, અ રિલેશનશીપ કાઉન્સેલર”. પછી જુગલ સામે જોયું. જુગલની આંખો ડૉ.રુસ્તમ ઉપર સ્થિર હતી ને હાથમાં કિચેન સાથે રમવાનું ચાલુ હતું. થોડું અકળાઈને મહેકે જ પહેલ કરીને પૂછ્યું, “તમે જ કહો રુસ્તમ સર, શું કરીએ ?” 

ડૉ. રુસ્તમ ટેબલ પાસે આવ્યા. બંને તરફ સહેજ ઝૂકીને એમની આંખમાં આંખ પરોવીને પૂછ્યું, “જુગલ, મહેક, ડુ યુ રીયલી વોન્ટ ધીઝ મેરેજ ટુ વર્ક આઉટ ? ટમારે આ લગન બચાવવા છે કે નઈ ?”

એક મિનિટ માટે ફરીથી સન્નાટો છવાયો. ડૉ. રુસ્તમ એમની ખુરશી ઉપર આવીને બેઠા. જુગલ અને મહેક એકબીજાથી વિરુદ્ધ દિશામાં જોઈને લગભગ એકસાથે બોલ્યા, “આઈ ડોન્ટ નો !”

ડૉ. રુસ્તમ ખડખડાટ હસ્યા. જુગલ અને મહેક નવાઈ સાથે ડૉ. રુસ્તમ સામે જોઈ રહ્યાં. ડૉ. રુસ્તમે એમની ટીખળી ઢબે કટાક્ષમાં કહ્યું, “ચાલો, આ વાટમાં ટો ટમારા બેઉનો આન્સર એક છે !” બેઉ ભોંઠા પડી ગયા અને કશું બોલી ન શક્યા. થોડી વાર રહીને જુગલે જ વાત માંડી “રુસ્તમ સર, વિ ટ્રાય ! બટ...”

“બટ વ્હોટ જુગલ ડીકરા ? લાસ્ટ વિક કેટલું સહેલું ટાસ્ક હટું ! સાથે રેસ્ટોરાંમાં જમવા જ ટો જવાનું હટું, પન ટમે ગયાં ?” ડૉ. રૂસ્તમે ભારપૂર્વક પૂછ્યું. 

જુગલ અને મહેક એકબીજાની સામે જોઈ રહ્યાં. બંનેની આંખમાં ફરિયાદ છલકતી હતી. ડૉ. રુસ્તમ ચા અને કુકીઝ ખાતા ખાતા ધીરજ ધરીને બેઠા કે હવે કોઈક બોલે તો સારું. પછી એમની આંખ સામે જે બન્યું એ આટલા જલ્દી બની જશે એમણે નહોતું ધાર્યું. 

“રુસ્તમ સર. અમે ગયા હતા. અમારા ફેવરિટ રેસ્ટોરન્ટમાં ! મેં લોડેડ નાચોસ ઓર્ડર કર્યાં અને આણે તરત મોઢું બગાડ્યું !” જુગલે જુગલબંધીનો પહેલો સૂર છેડ્યો.

“ઈટ્સ સો અનહેલ્ધી રુસ્તમ સર. આ પેટ વધે છે તો થોડું હેલ્થનું ધ્યાન તો રાખવું જોઈએ ને ?” મહેકનો ધારદાર સવાલ સાંભળીને ડૉ. રુસ્તમે હાથમાં લીધેલી બટર કુકી પાછી પ્લેટમાં મૂકી દીધી !

“રુસ્તમ સર, આટલી સરસ રેસ્ટોરેન્ટમાં કોઈ આવું ઓર્ડર કરે ? બોરિંગ સૂપ અને સેલડ !” જુગલે મહેકના ચાળા પાડતા કહ્યું. 

“વેલ, તો તમે બેઉએ એકબીજા સામે મોઢું જ બગાડ્યું કે વાતો પણ કરી ?” ડૉ. રુસ્તમે જુગલબંધીનો તાર વચ્ચેથી તોડ્યો.

ફરીથી બંને ચૂપ થઈ ગયા. અદબ વાળીને બેઠાં અને આમતેમ જોવા લાગ્યા. પહેલી વખત ડૉ. રુસ્તમે બેઉને આમ સામસામી બોલતા જોયા હતા. આ તક એમને જતી નહોતી કરવી એટલે એમણે આગળ પૂછ્યું, “ઓ.કે. એટલે નો ટોક ? ભલું ઠાય ટમારું ! પછી મુવી જોવાનું કહ્યું હટું ની ? એ કઈરું ?” 

“કર્યું’તુ ને ! નેટફ્લીક્સ મેં જ ચાલુ કર્યું’તું” મહેકે તરત કહ્યું. “પણ એને એક્શન મુવી જોવી’તી અને મને નવી માયથો ફિલ્મ !”

“અને છેલ્લે મેડમે એનું જ ફેવરિટ માયથો મુવી ચાલુ કર્યું !” જુગલે ચાડી ખાધી.

“અને રુસ્તમ સર, આ તો નસકોરાં બોલાવીને સૂઈ ગયો !” મહેકે પણ સામે કહ્યું.

“હા, કેમકે આઈ હેટ માયથો !” જુગલે અકળાઈને કહ્યું.

“અને આઈ હેટ એક્શન !” મહેકે વળતો જવાબ આપ્યો.

“બટ આઈ લવ ધીસ એક્શન રાઈટ નાઉ !” ડૉ. રુસ્તમ મનમાં બોલ્યા. 

મહેક અને જુગલ બેઉ પતિ-પત્નીમાં અત્યાર સુધી લગભગ અબોલાની સ્થિતિ હતી. લગ્ન લગભગ તૂટવાની અણીએ હતા એટલે બેઉએ રિલેશનશિપ કાઉન્સેલિંગ માટે ડૉ. રુસ્તમ પાસે આવવાનું નક્કી કર્યું હતું. પણ ડૉ. રુસ્તમને તેમના એકેય પ્રશ્નનો સરખો જવાબ હજુ સુધી નહોતો મળ્યો. આ ટાસ્કના બહાને જુગલ અને રુસ્તમ વચ્ચે થોડી વાતચીત શરુ થઈ હતી. 

સંબંધોમાં જયારે અથડામણ, મતભેદ બહુ વધી જાય ત્યારે છેવટે વાત અબોલા ઉપર આવી જાય છે. છતાં એક જ ઘરમાં રહે એટલે એકબીજાની ગરજ તો રહેવાની. થોડા દિવસ વીતે પછી પતિ-પત્ની પાછા એકબીજાના મોહમાં પડી જાય અને બેઉ એક થઈ જાય. લગ્ન સંબંધોમાં આવી ઘણી ચડ-ઉતર ડૉ. રુસ્તમે એમના જીવનમાં જોઈ હતી. એટલે મહેક અને જુગલની આ ફિલ્મનો અહીં જ ધી એન્ડ આવશે કે એમાં નવો વળાંક આવશે એ જાણવાની તેમને ઉત્સુકતા હતી.

એવામાં ડૉ. રુસ્તમની ઓફિસનો બેલ વાગ્યો. મીટીંગનો ટાઈમ પૂરો થયો હતો. આગલી મીટીંગ બીજા અઠવાડિયે સેટ થઈ. 


Rate this content
Log in

Similar gujarati story from Drama