Dada Bhagwan

Children Stories Inspirational Children

4  

Dada Bhagwan

Children Stories Inspirational Children

સુખનો ખજાનો - 2

સુખનો ખજાનો - 2

3 mins
31


૨. અહો ! આવું ?

બીજા દિવસે ઊઠતાંવેંત જ નીલને દાદા યાદ આવ્યા. નીલે દાદાને મનોમન વંદન કર્યાં. ફટાફટ તૈયાર થઈ નીલ દાદા પાસે જવા નીકળ્યો. એના હૃદયમાં ઉલ્લાસ સમાતો ન હતો. એને દાદાને ઘણું બધું કહેવું હતુંં. ઉલ્લાસમાં ને ઉલ્લાસમાં નીલ દાદા પાસે પહોંચી ગયો. દાદા એનો હરખ જોઈને બધું સમજી ગયા. નીલે દાદાને વંદન કર્યાં.

દાદાએ પૂછયું, "શું વાત છે નીલ, બહુ ખુશ દેખાય છે ?"

નીલે જવાબ આપ્યો, "હા, દાદા. તમારા શીખવાડયા પ્રમાણે કાલથી મેં બધાને સુખ આપવાતું નક્કી કર્યું હતું અને એ મુજબ કરતો ગયો. ત્યારથી મારી અંદર સુખ ઊભરાયા જ કરે છે. શાંતિ વધતી જ જાય છે.’

પછી નીલે ગઈ કાલના દિવસમાં શું શું અનુભવ થયા તે દાદા પાસે વર્ણવી કહ્યું, "દાદા, મેં નિશ્ચય કર્યો છે કે હું ક્યારેય કોઈને દુઃખ નહીં આપું. બધાને સુખ જ આપીશ."

દાદા બોલ્યા, "સરસ, બહુ સરસ ! પણ આ નિશ્ચયને સારી રીતે પૂરો કરવા માટે તારે એ પણ જાણવું પડશે કે બીજાને દુઃખ આપ્યું કોને કહેવાય, તો જ તું એ કરવાથી અટકીશ.’

"હા દાદા, મને સમજાવો" નીલને દાદા પાસેથી ખસવાનું મન જ નહોતુ થતું.

દાદાએ નીલને સમજાવતા કહ્યું, "દુઃખ આપ્યું કોને કહેવાય કે આપણા કોઈ કાર્યથી સામાને સહન કરવું પડયું હોય. દુ:ખ મનથી, વાણીથી અને વર્તનથી દેવાય છે.’

 "મનથી એટલે સામા માટે આપણને મનમાં અવળો (ખરાબ) વિચાર આવે કે આ તો આવા છે, તેવા છે, નકામા છે. એ મનથી દુઃખ આપ્યું કહેવાય.

આપણા બોલવાથી સામાને કંઈક દુઃખ થાય એ વાણીથી દુઃખ આપ્યું કહેવાય.

આપણે રિસાઈએ, મોઢું ચડાવીએ, સામા સાથે બોલીએ નહીં, કોઈકને મારી દઈએ, કોઈકના ઉપર ગુસ્સો કરીએ એ વર્તનથી દુઃખ દીધું કહેવાય."

દાદાએ પૂછયું, "સમજાય છે તને ?"

નીલે જવાબ આપ્યો, "હા, દાદા સમજાય છે.’

દાદાએ પૂછયું, "તેં આવું ક્યારેય કરેલું ?’

નીલે જવાબ આપ્યો, "હા, દાદા, આવું તો બહુ કર્યું છે.’

દાદાએ પૂછયું, "જો કોઈ આવું બધું તારી સાથે કરે તો તને દુઃખ થાય કે ના થાય ?"

નીલે જવાબ આપ્યો, "થાય દાદા, બહુ દુઃખ થાય. મને ગમે જ નહીં.’

દાદાએ કહ્યું, "હા, તો આના પરથી શું સમજવાનું છે કે જે દુ:ખ આપણને થાય છે તે દુઃખ સામાને પણ થાય જ. કોઈ આપણું કંઈ ચોરી જાય, આપણી સાથે જૂઠું બોલે, આપણી સાથે ખરાબ વર્તન કરે તો આપણને ન ગમે તો એ જ વસ્તુ આપણે બીજા સાથે કરીએ તો એને પણ દુ:ખ થાય જ એ ખ્યાલ જો આપણને રહે તો આપણે સામાને દુ:ખ આપતા અટકી જઈએ." નીલને આ સાંભળી ખૂબ સંતોષ થયો. તેણે કહ્યું, "બરોબર છે, દાદા. હું ચોક્કસ આ સમજણને ખ્યાલમાં રાખીશ."

દાદા બોલ્યા, "આટલું જ નહીં, આખો દિવસ પોતાની પાસે વસ્તુ હોવા છતાં કેમ કરીને બીજાની પાસેથી લઈ લઉં, બીજાનું ઝૂંટવી લઉં, એના ને એના જ વિચાર કર્યા કરે, બીજાની ઠઠ્ઠા મશ્કરીઓ કરી પોતે ખુશ થાય, બીજાનું નુકસાન જોઈને પોતે ખુશ થાય, આવું બધું કરવાથી ભયંકર પાપ બંધાય અને પરિણામે પોતાને દુઃખ જ મળે. પછી એ દુઃખ ભોગવવા જાનવર ગતિમાં જવું પડે.’

નીલ ચમક્યો, “જાનવરગતિમાં ?"

દાદાએ કહ્યું, "હા, કુલ ચાર ગતિ છે.’

૧. પોતાના હક્કનું (માલિકીતું) બીજાને આપી દે એ દેવગતિમાં જાય.

કોઈ ગમે એટલું પોતાનું નુકસાન કરે પણ પોતાનો વારો આવે ત્યારે એ સામાને મદદ જ કરે ત્યારે એ દેવગતિમાં જાય. દેવગતિમાં ખૂબ સુખ હોય.

૨. પોતાના હક્કનું જ ભોગવે એ મનુષ્યગતિમાં જાય.

પરોપકારની ભાવના રાખે. બીજાને દુઃખ આપતી વખતે એને ખ્યાલમાં આવે કે મારી સાથે કોઈ આવું કરે તો મને શું થાય એવો વિચાર કરીને એ દુઃખ આપવાનું બંધ કરી દે, ત્યારે એ મનુષ્ય ગતિમાં જાય. મનુષ્યગતિમાં સુખ વધારે અને દુઃખ ઓછું હોય.

3. બીજાના હક્કનું ભોગવે એ જાનવરગતિમાં જાય.

પોતાની પાસે પૂરતું હોય છતાં પણ બીજાનું ઝૂંટવી લેવાના વિચાર આવે, પોતાનું બધું ભેગું કરી કરીને સાચવી રાખે અને બીજાનું વાપર્યા કરે એ જાનવરગતિમાં જાય. જાનવરગતિમાં દુઃખ વધારે અને સુખ ઓછું હોય.

૪. બીજાના હક્કનું મારીને ભોગવે એ નર્કગતિમાં જાય.

કોઈ પણ કારણ વગર લોકોનાં ઘર બાળી મૂકે અને ખુશ થાય, લોકોને માનસિક ત્રાસ આપે, લોકો સાથે વિશ્વાસધાત કરે, લોકોને છેતરે એ નર્કગતિમાં જાય. નર્કગતિમાં દુઃખ જ દુઃખ હોય.

અને જ્યારે પાપ-પુણ્યના બધાં જ કર્મો પૂરાં થાય ત્યારે મોક્ષે જવાય. મોક્ષમાં કાયમનું સુખ હોય.

નીલ તો ચાર ગતિઓનું વર્ણન સાંભળીને સ્તબ્ધ જ થઈ ગયો. એ ઠંડોગાર થઈ ગયો હતો.

"બસ દાદા ! મારે ઘરે જવું છે." નીલ બોલ્યો.

"સારું" કહી દાદાએ આશીર્વાદ આપ્યા, નીલ ઘરે ગયો.


Rate this content
Log in