Dada Bhagwan

Children Stories Inspirational Children

4  

Dada Bhagwan

Children Stories Inspirational Children

સુખનો ખજાનો - 3

સુખનો ખજાનો - 3

7 mins
16


૩. સરળ ઉપાય

નીલની ચાલ ધીમી થઈ ગઈ હતી. જોશ બધો ઓસરી ગયો હતો. એને મહિના પહેલાં એની બારમી બર્થ ડે ઊજવી હતી, એ પ્રસંગ એની નજર સમક્ષ દેખાવા લાગ્યો.

‘નીલે કેક કાપી. ‘હેપી બર્થ ડે’ના અવાજથી એનું ઘર ગાજી ઉઠ્યું હતું. બધાએ એને કેક ખવડાવી. નીલ ખૂબ ખુશમાં હતો. ત્યાં તો અચાનક એણે જોરથી રાડ પાડી. ‘બંટી!’ એમ કહીને એણે બંટીને એક લાફો મારી દીધો અને એના હાથમાંથી ગીફટ ઝૂંટવી લીધી. ઘરનું વાતાવરણ આખું સ્થિર થઈ ગયું. બંટી નીલનો નાનો ભાઈ છે. છ વર્ષનો બંટી નીલને અપાયેલી ગીફ્ટમાંથી એક ગીફ્ટ ખોલીને રમવા લાગ્યો હતો. નીલની નજર જતાં જ એને એના પર ખૂબ ગુસ્સો આવ્યો. અને એક લાફો ઠોકી દીધો. બંટી જોર જોરથી રડવા લાગ્યો. તરત જ એની મમ્મીએ આવીને બંટીને તેડી લીધો અને એને શાંત રાખવા લાગી. અને નીલ પર ગુસ્સે થઈ, ‘નીલ, આટલું જોરથી મરાતું હશે? તારો નાનો ભાઈ છે. તારી વસ્તુ એ લે એમાં શું થઈ ગયું?’

    નીલ બોલ્યો, ‘ના, હું મારી વસ્તુ કોઈને નહી આપું, બંટીને પણ નહીં.’ મહેમાનોમાંથી થોડા લોકો બંટીને શાંત પાડવા લાગ્યા અને થોડા લોકો નીલને સમજાવવા લાગ્યા. ધીમે ધીમે બધા જમી જમીને વિખરાવા લાગ્યા.

ઘરમાં હવે મમ્મી-પપ્પા, નીલ અને બંટી ચાર જ રહ્યા. બંટી રડી રડીને સૂઈ ગયો હતો.

નીલની મમ્મીએ જોરથી એને લાફો માર્યો અને બોલ્યા, ‘બધા મહેમાનોની વચ્ચે ફજેતો કરે છે, શરમ નથી આવતી? ખબરદાર જો બીજીવાર આવું કર્યું છે તો. નીલ જોર જોરથી રડવા લાગ્યો અને એના મમ્મી-પપ્પાને લાતો મારવા લાગ્યો અને બધી ગીફ્ટ ગમે ત્યાં ફેંકવા લાગ્યો. એ પણ રડતાં રડતાં ત્યાં જ સૂઈ ગયો. બીજા દિવસે નોર્મલ રૂટિન ચાલુ થઈ ગયું. મમ્મી-પપ્પાએ ગીફ્ટમાં આપેલી ઘડિયાળ પહેરી નીલ રમવા જવા તૈયાર થઈ ગયો, ત્યાં તો યશે બૂમ પાડી, ‘નીલ, ચલ રમવા.’

નીલ એને ગીફ્ટમાં મળેલી સાયકલ લઈ દોડયો, ‘આવું છું.’

‘વાહ, મસ્ત સાયકલ છે.’ યશ બોલ્યો.

નીલે ખુશ થઈને કહ્યું, ‘મારા મામાએ આ સાયકલ ગીફ્ટમાં આપી છે. ચલ આવી જા. પાછળ બેસી જા, ડબલ સીટ.’

નીલ અને યશ ડબલ સીટ રાઉન્ડ લઈ રહ્યા હતા. એટલામાં સામેથી એક બીજી સાયકલે ફૂલ સ્પીડમાં ટર્ન માર્યો. નીલને કઈ બાજુ જવું ખ્યાલ ન આવ્યો અને એનું હેન્ડલ છૂટી ગયું અને બંને જણા બાજુની ઝાડી સાથે અથડાયા અને પડ્યા.

    યશ બચી ગયો પણ નીલને હાથે છોલાઈ ગયું અને લોહી નીકળવા લાગ્યું. નીલે ઊભા થઈ હાથ-પગ ખંખેર્યા, સાયકલને ઊભી કરી. સાયકલનું હેન્ડલ આખું એના હાથમાં આવી ગયું.

‘ઓહ નો! નવી ને નવી સાયકલ તૂટી ગઈ.’ નીલ બોલ્યો ત્યાં તો એની નજર હાથ પર ગઈ, ઘડિયાળ ન હતી. એણે જોરથી કહ્યું, ‘મારી ઘડિયાળ! યાર યશ, જલદી શોધ ક્યાં પડી ગઈ?’ એમ કહી બંને જણા ઘડિયાળ શોધવા લાગ્યા, પણ ઘડિયાળ ક્યાંય ન મળી. હવે નીલ ખરેખરો ગભરાયો. મમ્મી-પપ્પા વઢી નાખશે. પણ છુટકો જ ન હતો. નીલ અને યશ છૂટા પડયા. નીલ ગભરાયેલો હતો અને રડવા જેવો થઈ ગયો હતો.

નીલ તૂટેલી સાયકલ લઈને ઘરમાં દાખલ થયો. તૂટેલી સાયકલ જોઈને એના પપ્પા એને વઢ્યા, ‘નવી ને નવી સાયકલ તોડી તાખી અને ઉપરથી વગાડીને આવ્યો. તને કંઈ નવું આપવું જ ન જોઈએ. સાચવતાં જ નથી આવડતું.’

આ સાંભળી નીલને અંદર જે અફસોસ થતો હતો એ દૂર થઈ ગયો અને એ પણ ગુસ્સામાં બોલ્યો, ‘હા, નથી આવડતું સાચવતાં, જાઓ. જાણે તમે બધું સાચવીને જ કરો છો. તમારાથી તો કંઈ તૂટતું-ફૂટતું જ નથી.’

આ સાંભળીને એના પપ્પાએ એને એક ઠોકી દીધી. અને બોલ્યા, ‘એક તો તોડીને આવ્યો છે અને ઉપરથી સામું બોલે છે. તું તો મારને જ લાયક છે.’

નીલ ચિડાયો, ‘મારો, તમારે જેટલું મારવું હોય એટલું મારો, હું બધું જ તોડી-ફોડી નાખીશ. મેં તમારી ઘડિયાળ પણ ખોઈ નાખી છે.’

ત્યાં તો ગાડીનો હોર્ન વાગ્યો, પો...પો...પો...પો...’ અને નીલ ઝબક્યો. એની વિચારધારા તૂટી ગઈ. જોયું તો એ એના બિલ્ડીંગ પાસે પહોંચી ગયો હતો.

ઢીલા મોઢા સાથે એ ઘરમાં દાખલ થયો. એની મમ્મીએ એના માટે જમવાનું પીરસ્યું. નીલ જમવા બેઠો પણ એનાથી કંઈ ખાઈ શકાયું નહીં. એ ખાધા વગર જ ઊઠી ગયો. મમ્મીએ આ બધું નોટીસ કર્યું. નીલ એકદમ રડવા જેવો થઈ ગયો હતો. એની મમ્મીએ એને પાસે બોલાવી પૂછયું, ‘શું થયું નીલ? સત્સંગમાં તને કોઈએ કંઈ કહ્યું? તું કેમ આટલો બધો ઢીલો થઈ ગયો છે?’

આ સાંભળી નીલ તો જોર જોરથી રડવા જ લાગ્યો, ‘મમ્મી, મારે જાનવર નથી થવું અને નરકમાં પણ નથી જવું. મારે તો દાદા જેવા થવું છે અને દાદાની જોડે જ રહેવું છે. મારે એમની સેવા કરવી છે.’

મમ્મી તરત બધું સમજી ગઈ અને બોલી, ‘બધા કંઈ જાનવરમાં કે નરકમાં ન જાય. જે એવા ખોટા કામ કરે એ જ જાય. તું તો ‘ગુડ બોય’ છે ને? તું તો મમ્મીને કામમાં મદદ કરે છે, બંટીને તારી વસ્તુ ખુશીથી આપી દે છે, ગરીબને ખાવાનું આપે છે. આવું કરે એ જાનવરમાં કે નરકમાં ન જાય.’

નીલ બોલ્યો, ‘પણ મમ્મી, હું તારા અને પપ્પા પર ગુસ્સો પણ કરું છું, તમને લાતો મારું છું, બંટીને મારું છું, ગુસ્સો આવે ત્યારે મારી નોટબુક, પેન્સિલ ફેંકી દઉં છું, દાદીનું કહ્યું કરતો નથી, આવું બધું કરું તો મારે જાનવરમાં જવું પડે ને?’

મમ્મીએ કહ્યું, ‘એક કામ કર, અત્યારે શાંતિથી સૂઈ જા. કાલે દાદાને જ પૂછી જોજે, દાદા ચોક્કસ કંઈ રસ્તો દેખાડશે.’

નીલને થોડી શાંતિ થઈ. ‘હા, દાદાની પાસે આનો ઉપાય હોવો જ જોઈએ’, કાલે જરૂરથી પૂછી લઈશ. એમ વિચારીએ સૂઈ ગયો.

બીજા દિવસે ઊઠતાં જ ફરી એને દાદા યાદ આવ્યા. એ જલદી જલદી દાદા પાસે જવા તૈયાર થઈ ગયો. આજે નીલ રસ્તામાં બહુ જ સ્પીડથી ચાલતો હતો. દાદા પાસે પહોંચ્યો. આજે એના મોઢા પર ઉલ્લાસ નહોતો, પણ ઘણા બધા પ્રશ્નો હતા. દાદા એની સામે ખૂબ પ્રેમથી હસ્યા.

નીલ બોલ્યો, ‘દાદા, તમારા શિખવાડ્યા પ્રમાણે મેં નિશ્ચય તો કર્યો જ છે કે આજથી હું કોઈને પણ દુઃખ નહીં આપું. પણ મને ગુસ્સો આવી જાય ત્યારે મારાથી સામાને દુ:ખ અપાઈ જાય છે. તો મને એનું લાગે પાપ લાગે અને પરિણામે મારે દુઃખ ભોગવવું પડે, જાનવરમાં જવું પડે તો એવું મારે નથી જોઈતું. તમે મને કંઈક ઉપાય બતાવો કે આવું મારાથી થઈ જાય ત્યારે મારે શું કરવું, જેથી મારે એના ખરાબ ફળ ભોગવવાં ન પડે.’ નીલ દાદા સામે હાથ જોડી ઊભો રહી ગયો.

‘જ્યારે તારાથી કોઈને દુઃખ અપાઈ જાય, ત્યારે તારે એની અંદર બેઠેલા ભગવાનને મનમાં યાદ કરી પસ્તાવો લેવો કે, ‘હે અંદર બેઠેલા ભગવાન! મારાથી આને આવું દુઃખ અપાઈ ગયું છે. હું એની માફી માંગું છું. ફરીથી હું આવું ન કરું, એવી મને શક્તિ આપો.’ દાદાએ શિખવાડ્યું.

નીલે પૂછયું, ‘આને શું કહેવાય દાદા?’

દાદાએ જવાબ આપ્યો, ‘આને પ્રતિક્રમણ કહેવાય. આ કરવાથી પાપ ખલાસ (ધોવાઈ) થઈ જાય છે.’

નીલને હજી પ્રશ્ન હતો, ‘દાદા, માફી માગ્યા પછી ફરી વાર મારાથી ભૂલ થાય તો?’ દાદાએ જવાબ આપ્યો, ‘તો બીજીવાર પ્રતિક્રમણ કરવાનું. ગભરાવાનું નહીં.’

નીલે અધિરાઈથી પૂછયું, ‘તો તો દાદા, હું જેટલી વાર ભૂલ કરું એટલી વાર પ્રતિક્રમણ કરી લઉં તો મારા પાપ ધોવાઈ જાય?’

દાદાએ ખૂબ સ્ટ્રોંગ અવાજમાં જવાબ આપ્યો, ‘હા, ચોક્કસ, ભૂલ થાય કે તરત જ પ્રતિક્રમણ કરવાનું અને નક્કી કરવાનું કે હવે પછી આવી ભૂલ બીજીવાર નથી જ કરવી.’

આ સાંભળી નીલની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. નીલ દાદાના પગમાં પડી ગયો. ખૂબ રડ્યો. એના હૃદયમાં ડૂમો ભરાઈ ગયેલો એ ખાલી થઈ જાય, ત્યાં સુધી દાદાએ એને રડવા દીધો.

પછી ખૂબ પ્રેમથી પીઠ પર હાથ ફેરવ્યો. નીલે દાદાના પગ પકડીને કહ્યું, ‘દાદા, આજ સુધી મેં મારા મમ્મી-પપ્પાને ખૂબ હેરાન કર્યાં છે, એમનું કહ્યું કર્યું નથી, દાદા-દાદીનો વિનય જાળવ્યો નથી, બંટીને ખૂબ માર્યું છે, ગુસ્સો આવે ત્યારે ઘરની બધી ચીજો ફેંકી દીધી છે, મમ્મી-પપ્પાની સામે બોલાયું છે. એમને પણ માર્યું છે, દાદા-દાદીને ધક્કા માર્યા છે, એમની લાકડી સંતાડી દીધી છે. મારા મિત્ર ગોપાલની નવી પેન મને બહુ ગમતી હતી એ મેં એને પૂછ્યા વગર લઈ લીધી છે, મારા ક્લાસનો વિદ્યાર્થી, આનંદ પગે અપંગ છે, એની રોજ મશ્કરી કરી છે. આવું આજ સુધી મેં ઘણું કર્યું છે. બીજાને ઘણાં દુઃખ દીધાં છે અને ઉપરથી ખુશ થયો છું. આ બધાની હું આપની પાસે માફી માગું છું. મને માફ કરી દો. હવેથી હું આવું ક્યારેય નહીં કરું એવો નિશ્ચય કરું છું. હવેથી મારે કોઈને દુઃખ નથી આપવું.’

દાદાએ ખૂબ પ્રેમથી એને ઊભો કર્યો અને કહ્યું, ‘આ બધાના પ્રતિક્રમણ કરીને માફી માંગી લેજે. બધું ધોવાઈ જશે.’

દાદાની કરૂણાદ્રષ્ટિ નીલ પર વરસવા લાગી. દાદાએ કહ્યું, ‘આપણે આપણામાં જે જે ખોટું દેખાય એનું લિસ્ટ બનાવવું જોઈએ. અને તે માટે શક્તિઓ માંગવી જોઈએ. જો ખોટું છે એવું એકવાર જાણ્યું ત્યારથી નક્કી જ કરી લેવું કે આ ખોટું જ છે. પછી તેના પ્રતિક્રમણ કરી, ભગવાન પાસે શક્તિઓ માંગીએ એટલે એ જાય પછી.’

દાદાએ ચાલુ રાખ્યું, ‘હતાશ થઈને મૂંઝાઈ નહીં જવું કે આટલું બધું કરું છું, છતાં કેમ મારામાં ફેરફાર થતો નથી. જેમ જેમ પ્રતિક્રમણ કરતો જઈશ, તેમ તેમ ધીમે ધીમે ફેરફાર થતો જશે. આજથી રોજ ભાવના ભાવજે કે મારા મનથી, વાણીથી અને વર્તનથી કોઈને કિંચિત્માત્ર પણ દુ:ખ ન હો, ન હો, ન હો. એ પછી જો દુઃખ દેવાઈ જાય તો પ્રતિક્રમણ કરી લેજે. આટલું પાળે તો બસ છે. અને હું તને ગેરેન્ટી આપું છું, તારા માથે હાથ મૂકી આપું છું. જા મોક્ષને માટે, ઠેઠ સુધી હું તને સહકાર આપીશ.’

નીલ ખૂબ ગદગદ થઈ ગયો. એણે દાદાને પ્રોમિસ આપ્યું કે દાદાના કહ્યા પ્રમાણે જ કરશે. એણે દાદાના આશીર્વાદ લીધા અને ઘરે ગયો. આજે એને અંદર ખૂબ હલકું લાગતું હતું.


Rate this content
Log in