Dada Bhagwan

Inspirational Others

3  

Dada Bhagwan

Inspirational Others

કર્મનું કોમ્પ્યુટર

કર્મનું કોમ્પ્યુટર

5 mins
202


શેઠનો શોફર મર્સિડીઝ કાર લઈને દરવાજા આગળ આવ્યો, કારનો દરવાજો ખોલીને રાહ જોતો ઊભો રહ્યો. શેઠ સૂટ-બૂટ પહેરીને તૈયાર હતા. દરવાજાની બહાર ઊભા રહીને પત્નીને ફોન કર્યો.

“કેટલી વાર તૈયાર થતા ! જલ્દી ચાલ, મંદિરનું ખાતમૂહુર્ત શરુ થઈ ગયું હશે !”

“અરે બસ આવી.” શેઠાણી સાડીનો પાલવ સરખો કરતા કરતા સીડીઓ પરથી નીચે ઉતર્યા. ઉપરથી નીચે સુધી મેચિંગ પહેરીને શેઠાણી બરાબર તૈયાર થયા હતા. પાર્લરમાંથી બહેનને બોલાવીને મેકઅપ અને હેરસ્ટાઈલ પણ કરાવ્યા હતા.

“ત્રણ કલાક થયા. કેટલા મેકઅપના લપેડા કરવાના ?” શેઠે કારમાં બેસતા બેસતા અણગમો વ્યક્ત કર્યો.

“લો, મારા ભાઈ કંપનીના ચેરમેન છે, આજે એના હાથે મંદિરના ખાતમૂહુર્તની ઈંટ મૂકાશે, તો તૈયાર તો થવું જ પડે ને ! ઉપરથી આજે તો મીડિયાવાળા આવશે, ને આપણે ટીવીમાં આવીશું. ત્યાં હાજર બધાને ખબર તો પડવી જ જોઈએ કે એમની બેન કોણ છે !” શેઠાણીએ હેન્ડપર્સના અરીસામાં મેકઅપ બરાબર છે કે નહીં તે જોતા કહ્યું.

શેઠે ઊંડો નિસાસો નાખ્યો. અત્યારે કશું બોલવાની એમની ઈચ્છા નહોતી.

“તમે ચેકબુક લીધી ને ?” શેઠાણીને અચાનક યાદ આવ્યું.

“હા લીધી છે.” શેઠે લુખ્ખો જવાબ આપ્યો.

“જો જો હોં, ઓછામાં ઓછું પાંચ કરોડનું ડોનેશન આપવાનું છે.” શેઠાણીએ દબાણ કર્યું. શેઠ ચૂપ રહ્યા. ડ્રાઈવર મહેશ રેર-મિરરમાં શેઠના ચહેરા ઉપર અણગમાની રેખા જોઈ શકતો હતો. વર્ષોથી શોફરની નોકરી ઉપર હતો, અને શેઠ-શેઠાણીને વાતો કરવાનો ટાઈમ કારમાં જ મળતો. એટલે ઘરની તેમજ શેઠ-શેઠાણીની આંતરિક પરિસ્થિતિનો એ ઘણીવાર સાક્ષી બન્યો હતો.

કાર મોટા ગ્રાઉન્ડ પાસે આવીને ઊભી રહી. ગલગોટાના ફૂલો અને લાલ મંડપથી ખુલ્લી જમીનને શણગારી હતી. શેઠ-શેઠાણી ઉતર્યા એટલે આજુબાજુ મીડિયાના કેમેરામેન એમના ફોટા પાડવા માંડ્યા. બંને ચાલીને ખાત-મૂહુર્તની ઈંટ મૂકવાની હતી એ તરફ ચાલ્યા. તડકામાં મહેશ છત્રી લઈને બેઉને છાંયો આપતા સાથે જ ચાલતો હતો.

આ બાજુ, શેઠાણીના ભાઈ - ઉત્પલભાઈ મોંઘો લેંઘો-ઝભ્ભો પહેરીને હાથમાં સોનાના વરખવાળી ઈંટ લઈને ઊભા હતા. પંડિતના મંત્રોચ્ચારની વચ્ચે ઈંટ મૂકતા ઉત્પલભાઈ તરફ મીડિયાના કેમેરા ચોંટી ગયા. મીડિયાનું કવરેજ ચાલતું હતું.

“ગામના મોભી ઉત્પલ શાહ, જે એક મોટી કન્સ્ટ્રકશન કંપનીના ચેરમેન હોવાની સાથે સાથે ધર્મપરાયણ વ્યક્તિ તરીકે ગામમાં પ્રખ્યાત છે, તેમના હસ્તે આજે મંદિરનું ખાત મૂહુર્ત થઈ રહ્યું છે. મંદિર બંધાવવાનો તમામ ખર્ચ શ્રી ઉત્પલ શાહ અને કંપનીના ટ્રસ્ટીગણ પૂરો પાડશે. વીસ લાખ સ્ક્વેર ફૂટના વિશાળ પ્રાંગણમાં બનતા આ મંદિરની સાથે, કેમ્પસમાં રાહતદરે પ્રસાદ આપતું ભોજનાલય, રહેવાની સગવડ માટે ધર્મશાળા અને બાળકોના રમવા માટે પ્લે-એરિયા પણ બનશે. આ મંદિર ગામમાં ટુરીસ્ટ માટે મોટું આકર્ષણ બનશે. તેથી આ ખાતમૂહુર્તના અવસરે ગામના સરપંચ અને અન્ય મોભી પણ ઉપસ્થિત છે.”

બીજી બાજુ ખૂણામાં ટ્રસ્ટીનું ગ્રુપ ઊભું વાતો કરતું હતું.

“ઉત્પલ સાહેબે તો મોટો ખર્ચો આપવાની બાહેંધરી આપી દીધી છે, પણ આટલા રૂપિયા આવશે ક્યાંથી ? ટ્રસ્ટ પાસે આટલું ભંડોળ નથી !” એક વ્યક્તિએ ધીમા અવાજે ચિંતા વ્યક્ત કરી.

“અરે, ઉત્પલભાઈ મોટા મોટા શેઠને ઓળખે છે. એમની વગથી બધું થઈ રહેશે.” બીજાએ સમાધાન આપ્યું.

“મને આજે સવારે જ ઉત્પલભાઈનો ફોન હતો. એમણે કહ્યું છે કે એમના બેનના પતિ મોટા શેઠ છે, આ ફંક્શનમાં આવવાના છે. મોટી રકમ માટે એમને બાટલામાં ઉતારવાના છે.” ત્રીજા ભાઈએ આંખ મારીને કહ્યું.

ત્યાં જ શેઠ-શેઠાણી ચાલતા ચાલતા આવી પહોંચ્યા. ટ્રસ્ટી ભાઈએ તક ઝડપી લીધી. શેઠ પાસે જઈને ઊભો.

“આવો આવો શેઠ. ઉત્પલભાઈ સવારથી તમારી રાહ જોતા હતા. અરે એય છોકરા, સર માટે કોલ્ડ-ડ્રીંક લાવ ! જો જો સર, આ મંદિર ગામનું મેઈન ટુરીસ્ટ એટ્રેકશન બનશે. જે સૌથી મોટું ડોનેશન આપશે એના નામે સૌથી પહેલી તકતી મૂકાશે. આખી દુનિયા એમને ઓળખશે. સર, આપની પાસેથી ઉત્પલભાઈને બહુ આશા છે, કે આ પુણ્યના કામમાં આપ અમારા સહભાગી બનશો. બનશો ને સર ?”

શેઠ ચૂપચાપ ઊભા હતા. બાજુમાં શેઠાણીએ એમને કોણી મારીને ચેકબુક કાઢવા ઈશારો કર્યો.

“હા, હા, કેમ નહીં. આવું મોટું પુણ્યનું કામ હોય, તો અમે ફૂલ નહીં ને ફૂલની પાંખડી તો આપી જ શકીએ. આમણે તો સવારથી પાંચ કરોડનો ચેક રેડી જ રાખ્યો છે, કેમ ?” શેઠાણીએ પાણી પહેલા જ પાળ બાંધીને કમિટમેન્ટ આપી દીધું. શેઠ પાસે હવે કોઈ રસ્તો નહોતો. એણે ધીમે રહીને ચેક કાઢ્યો, પાંચ કરોડની રકમ લખી અને નીચે પોતાની સહી કરીને ચેક આપી દીધો. કામ થઈ ગયું એટલે ટ્રસ્ટી ભાઈ ચેક લઈને રફુચક્કર જ થઈ ગયો.

થોડી વારમાં ફંકશનમાં મોટા મોટા ડોનરોના નામ બોલાયા અને દરેકનું સન્માન થયું. શેઠ અને શેઠાણીનું નામ સૌથી પહેલું બોલાયું. તાળીઓના ગડગડાટથી બેઉને શાલ ઓઢાડી. શેઠાણીએ મળતું બધું અટેન્શન માણ્યું.

ફંક્શન પૂરું થયું. શેઠ કારમાં બેઠા. એમના ફોન ઉપર ફ્રેન્ડનો ફોન આવ્યો.

“યાર, આ ન્યુઝમાં આવ્યું, તે પાંચ કરોડ આપ્યા મંદિર બનાવવા ! આટલા બધા ?” સામેથી મિત્રએ પ્રશ્ન કર્યો.

“હા” શેઠે નિરાશ ચહેરે કહ્યું. “શું કરું ? એ સંસ્થાના ચેરમેન મારા સાઢુભાઈ થાય તે તેમના દબાણથી આપવા પડ્યા, નહીં તો હું પાંચ રૂપિયા ય આપું એવો કાચો નથી !”

શેઠાણીએ આ સાંભળીને મોઢું બગાડ્યું. રેર-મિરરમાં ડ્રાઈવર મહેશ આ તમાશો જોઈ રહ્યો હતો.

મહેશે પણ આજે મંદિરમાં પાંચ હાજર રૂપિયા ડોનેશનમાં આપ્યા હતા, એના પગારનો લગભગ ચોથો ભાગ ! ત્યારે મહેશને અંદર એમ ભાવ થતો હતો, કે “કાશ, મારી પાસે વધારે પૈસા બચ્યા હોત તો હજુ વધારે આપત ! આ મોંઘવારીમાં પાંચ હજાર જ આપી શકું છું.” જયારે શેઠ અબજો રૂપિયાની જાગીર લઈને બેઠા હતા. અને આજે એક ટ્રીપમાં ખર્ચો થાય એટલા રૂપિયાનું ડોનેશન આપ્યું, એ પણ અંદર ભાવ બગાડીને. બહાર વાહવાહ તો શેઠની થઈ, જયારે મહેશનું ક્યાંય નામ પણ ના બોલાયું.

પૂર્વે દાન આપવાની ભાવના કરી હતી, તેનું ફળ શેઠને આજે આવ્યું. દાન પણ અપાયું અને નામના પણ મળી. પણ સૂક્ષ્મમાં શેઠે “હું કાંઈ પૈસા આપું એવો નથી !” એવો અવળો ભાવ કર્યો, એટલે દાન મફતમાં ગયું ! ભાવ બગડવાથી એવા અંતરાય પાડ્યા કે આવતા ભવે એક પૈસોય દાનમાં આપી ના શકે. જયારે મહેશે આટલી નાની રકમ આપીને પણ ભાવ ઊંચા કર્યા કે, “વધારે પૈસા હોત તો હું વધારે આપત” અને પરિણામે ઊંચું કર્મ બાંધ્યું.

કર્મનું કોમ્પ્યુટર બહુ ચોક્કસ છે. બાહ્ય ક્રિયા ભલે ગમે તેવી હોય, પણ જેવા જેના ભાવ હોય, એવું એને ફળ મળે !


Rate this content
Log in