Dada Bhagwan

Children Stories Inspirational Others

4.0  

Dada Bhagwan

Children Stories Inspirational Others

માનવમાંથી મહામાનવ - 1

માનવમાંથી મહામાનવ - 1

5 mins
18


‘ટન... ટન... ટન... ટન’ સ્કૂલનો બેલ વાગ્યો. ગ્રાઉન્ડમાં ઊભેલા બધા વિદ્યાર્થીઓ પોતપોતાના ક્લાસ તરફ દોડ્યા. નવો ક્લાસ, નવા ટીચર્સ, નવા ચોપડા, બધું જ નવું. ફકત મિત્રો એવા એ જ. નીલ, યશ અને તનુ ક્લાસમાં દાખલ થયા. નીલ અને યશ એક બેન્ચ પર બેઠા. તનુ એની ફ્રેન્ડ નીકી સાથે બેઠી. બીજા બધા વિદ્યાર્થીઓ પણ બેન્ચ પર ગોઠવાઈ ગયા. ક્લાસમાં ખૂબ ઘોંઘાટ હતો. બધા એકબીજા સાથે વેકેશન દરમ્યાન કરેલી મજાની વાતો કરતા હતા. થોડીવારમાં પાઠક સર ક્લાસમાં દાખલ થયા. એમને જોઈને બધા વિદ્યાર્થીઓના મોઢા બગડી ગયા. ‘ગુડ મોર્નિંગ’ કહી બધા પોતપોતાની જગ્યા પર ઊભા રહ્યા. સરે હાસ્ય સાથે વિધાર્થીઓનું અભિવાદન ખુશી ખુશી ઝીલતા કહ્યું, ‘વેરી વેરી ગુડ મોર્નિંગ, પ્લીઝ, બધા બેસી જાવ.’

પાઠક સર કડક ટીચરોમાંના એક હતા. આખી સ્કૂલમાં એ ‘ખડૂસ સર’ તરીકે જાણીતા હતા. પોતાનો પરિચય આપ્યા બાદ એ બોલ્યા, ‘હું તમારો બીજગણિતનો વિષય લેવાનો છું.’ આ સાંભળી અંદર અંદર ધીમી ગુસપુસ ચાલુ થઈ ગઈ, ‘ઓહ નો ! તો તો બીજગણિતમાં ફેઈલ જ થયા સમજો.’

‘સાયલન્સ પ્લીઝ (શાંતિ જાળવો)’ સરે ડસ્ટર બેન્ચ પર ખખડાવી જરા મોટા અવાજે કહ્યું. આખો ક્લાસ ચૂપ થઈ ગયો. નીલે યશ સાથે ગુસપુસ ચાલુ જ રાખી, ‘અરે યાર, આપણું તો વરસ બગડ્યું. આખું વરસ બોરિંગ જશે.’

સર આ સાંભળી ગયા. એમણે નીલ સામે જોયું, પણ કશું બોલ્યા નહીં. સરે આખા ક્લાસ તરફ જોઈને બોલવાનું શરૂ કર્યું, ‘આઠમું ધોરણ એ એસ.એસ.સી.નો પાયો ગણાય. પાયો મજબૂત હશે તો એસ.એસ.સી.માં સારા માર્કસ લાવી શકશો. ગણિત તો સ્કોરિંગ સબ્જેકટ છે. ચાલો, બધા પોતપોતાના નામ સાથે સાતમા ધોરણમાં ગણિતમાં કેટલા માર્કસ આવ્યા તે વારાફરતી કહો.’ આટલું કહી સર ખુરશી પર બેસી ગયા. બધા પોતપોતાના માર્કસ કહેવા લાગ્યા. નીલનો વારો આવ્યો.

‘મારું નામ નીલ છે. મને ગણિતમાં ૯૦ માર્કસ આવ્યા હતા.’ નીલે ઊભા થઈને કહ્યું. નીલને એમ કે સર એને શાબાશી આપશે, પણ સરે જાણે સાંભળ્યું ન હોય એમ આગળના છોકરા તરફ નજર ફેરવી લીધી. નીલ ઢીલા મોઢે બેસી ગયો. બધાનો વારો આવતો ગયો. એમાં સૌથી છેલ્લે બેઠેલો છોકરો ઊભો થયો અને બોલ્યો, ‘મારું નામ રોહન છે. હું સરસ્વતી વિદ્યામંદિર સ્કૂલમાંથી આવ્યો છું. મને સાતમા ધોરણમાં ગણિતમાં ૯૮ માર્કસ આવ્યા છે.’

આખો ક્લાસ એક સાથે આ નવા આવેલા વિદ્યાર્થી તરફ જોઈ રહ્યો. સરે ખુશ થતા કહ્યું, ‘બહુ જ સરસ. ચાલો આપણે બધા રોહનને તાળીઓ દ્વારા અભિનંદન આપીએ.’

આખા કલાસે ખુશ થતા થતા તાળીઓ પાડી. ફકત નીલના મોઢા પર જરાય આનંદ ન હતો. આખા ક્લાસમાં નીલના ગણિતમાં સૌથી વધુ માર્કસ હતા. પણ રોહનના કારણે એનો નંબર બીજો થઈ ગયો. બધા રોહનને ‘હોંશિયાર છોકરા’ તરીકે જોવા લાગ્યા. નીલના મગજમાં રોહન પ્રત્યે ઈર્ષ્યાનો ફણગો ફૂટ્યો. ત્યાં તો બેલ વાગ્યો. પિરીયડ પૂરો થયો. ‘સારું, આપણે કાલથી ભણવાનું શરૂ કરીશું.’ સર ખુરશી પરથી ઊઠતા ઊઠતા બોલ્યા. ચોપડી લઈ એ ક્લાસની બહાર નીકળી ગયા. એક પછી એક બધા પિરીયડ પૂરા થયા. સ્કૂલ છૂટતા જ બધા આજુબાજુના ક્લાસમાં કોને કયા વિષયમાં કયા ટીચર આવ્યા છે, એની વાતો કરતા કરતા ઘરે ગયા.

બીજા દિવસે ક્લાસમાં રોહન બધા સાથે ભળતો થયો. બધા એને સામેથી બોલાવતા હતા. નીલ, યશ અને તનુ ક્લાસમાં આવ્યા.

રોહનને જોતાં જ યથ અને તનુએ રોહનને હાથ ઊંચો કરૌં કહ્યું, ‘હાય રોહન.’

‘હાય’ કહી રોહન ત્રણે સામે હસ્યો. યશ અને તનુએ રોહનને બોલાવ્યો એ નીલને જરા પણ ન ગમ્યું. પાઠક સર આવતા જ બધા પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા. બધાએ ચોપડી કાઢી. નીલે એની બેગમાં જોયું તો ચોપડી ન દેખાઈ. એણે બે-ત્રણ વાર બેગ ફંફોળી કાઢી પણ ચોપડી ન મળી.

એણે યશને કહ્યું, ‘યશ, ચોપડી વચ્ચે રાખને, હું ભૂલી ગયો છું.’

યશે ચોપડી વચ્ચે રાખી. ભણાવતા ભણાવતા પાઠક સરની નજર આ બંને પર પડી.

એમણે પૂછયું, ‘કોણ ચોપડી નથી લાવ્યું ?’

નીલે ઊભા થઈને કહ્યું, ‘સર, હું ભૂલી ગયો છું.’

સરે કડક અવાજે આખા ક્લાસ સામે જોઈને કહ્યું, ‘મને કોઈપણ વિદ્યાર્થી ચોપડી વગર નહીં જોઈએ. હું નહીં ચલાવી લઉં.’

નીલ વીલા મોઢે બેસી ગયો. સરે ભણાવવાનું ચાલુ રાખ્યું. સર ભણાવતાં ભણાવતાં જે પ્રશ્ન પૂછે, રોહન એનો તુરંત જવાબ આપતો. સર અને આખો ક્લાસ એનાથી પ્રભાવિત થઈ ગયા. એક પ્રશ્નમાં નીલે જવાબ આપ્યો.

સરે ‘ના’માં માથું હલાવતા કહ્યું, 'ના, આ સાચો જવાબ નથી. બીજું કોણ કહેશે ?’

આખો ક્લાસ ચૂપ હતો. કોઈને જવાબ આવડતો ન હતો. એટલામાં રોહને જવાબ આપ્યો.

સરે ખુશ થતા કહ્યું, ‘કરેકટ, રોહને સાચો જવાબ આપ્યો છે.’

બધા રોહનની વાહ વાહ કરતા હતા. નીલે ગુસ્સામાં જોરથી એની મુઠ્ઠી બેન્ચ પર પછાડી.

ક્લાસ પૂરો થતા બધા રોહનને ઘેરી વળ્યા અને જાતજાતનું પૂછવા લાગ્યા, ‘રોહન, તું ઘરેથી ભણીને આવે છે ? રોહન, તેં ટ્યુશન રાખ્યું છે ? રોહન, તું અમને શીખવાડીશ ?’ વગેરે પ્રશ્નો વચ્ચે રોહન ઘેરાઈ ગયો. યશ અને તનુ પણ રોહન પાસે પહોંચી ગયા. રોહન ખુશી ખુશી બધાની સાથે વાતો કરવા લાગ્યો. નીલ પોતાની બેન્ચ પર એકલો બેસી રહ્યો. એનાથી આ જોવાતું ન હતું.

એક પછી એક દિવસો પસાર થતા ગયા. રોહન બધા જ વિષયોમાં હોંશિયાર હતો. એટલું જ નહીં, રમત-ગમતમાં પણ એ ચેમ્પિયન નીકળ્યો. ખો-ખો અને કબડ્ડી જેવી રમતોમાં તો કોઈ એને હરાવી શકતું નહીં. ધીમે ધીમે રોહન આખી સ્કૂલમાં પ્રખ્યાત થઈ ગયો. બધા ટીચરોનો પણ એ માનીતો થઈ ગયો. નીલ, યશ અને તનુ જ્યારે ઘરે વાતો કરતા ત્યારે ઘણીવાર રોહનની વાત થતી. તનુ કહેતી, ‘રોહન શું હોંશિયાર છોકરો છે ! બધા પ્રશ્નોના જવાબ ફટ દઈને આપે છે.’ આ સાંભળી નીલ બહુ ગુસ્સે થઈ જતો.

એવામાં એક દિવસ નીલને સ્કૂલમાં આવતા મોડું થઈ ગયું. એ દોડીને ક્લાસરૂમ તરફ જતો હતો. ઠેસ વાગતાં એ પડવા જેવો થઈ ગયો. એમાં એનો ધક્કો આગળ ચાલતા પાઠક સરને વાગ્યો. ધક્કો એવો જોરથી વાગ્યો કે પાઠક સર વાંકા જ વળી ગયા. એમના મોઢામાંથી નાની ચીસ નીકળી ગઈ. નીલે તરત સરને પકડી લીધા.

‘સોરી, સોરી સર, વાગ્યું તો નથી ને ?’ નીલે વિનયપૂર્વક પૂછ્યું.

નીલને જોઈને પાઠક સર ખરા સમસમી ગયા. એમણે નીલને જોરથી વઢી નાંખ્યું, ‘શાંતિથી ચાલ ને, દોડાદોડ શું કરે છે.’

નીલ ચૂપચાપ સરની પાછળ ચાલવા લાગ્યો અને ક્લાસમાં આવી પોતાની જગ્યા પર બેસી ગયો. બધાએ નોટબુક અને ચોપડી કાઢી. મોનિટર બધાનું હોમવર્ક ચેક કરવા લાગ્યો. નીલે એની બેગમાં જોયું તો નોટબુક ન હતી. એને યાદ આવ્યું કે ગઈકાલે હોમવર્ક કરીને નોટબુક ટેબલ પર મૂકી હતી. આજે સવારે ઉતાવળમાં બેગમાં મૂકવાનું જ ભૂલી ગયો. મોનિટરે સરને નીલની ફરિયાદ કરી. આમેય પહેલા દિવસથી સરની નીલ પર આકરી નજર હતી. એમાં આજે જોરથી એનો ધક્કો વાગ્યો અને ઉપરથી નોટ ભૂલી ગયો એટલે સરનો પિત્તો ગયો. ‘નીલ, ઊભો થા અહીંથી, અને છેલ્લે રોહનની જગ્યા પર બેસી જા. અને રોહન, તું અહીં નીલની જગ્યાએ બેસ. આજથી તમારે આમ જ બેસવાનું છે.’

‘સોરી સર’ નીલ નરમ અવાજે બોલ્યો.

‘સોરી-બોરી કંઈ નહીં. એકવાર કહ્યું એટલે કરી જ નાંખવાનું. મારે કંઈ સાંભળવું નથી.’ સર હજી ગુસ્સામાં જ હતા.

નીલ ચૂપચાપ છેલ્લી બેન્ચ પર જવા ઊઠ્યો. ‘સાલો ખડૂસ’ એ મનમાં બબડ્યો. ધારદાર નજરે એણે સર સામે જોયું.

છેલ્લી બેન્ચ પર જતા વચ્ચે રોહન સામો આવ્યો. નજીક આવતા જ નીલ જરાક અટક્યો, રોહન સામે ખુન્નસથી જોયું અને તરત છેલ્લે જઈને બેસી ગયો. રોહન શાંતિથી યશની બાજુમાં બેસી ગયો.


Rate this content
Log in