Dada Bhagwan

Children Stories Inspirational Children

3  

Dada Bhagwan

Children Stories Inspirational Children

સુખનો ખજાનો - 4

સુખનો ખજાનો - 4

5 mins
17


૪. અદ્ભુત પળો !

રોજની જેમ આજે પણ નીલ દાદા પાસે જવા તૈયાર થયો. અચાનક એને યાદ આવ્યું, કે આજે તો દાદા સત્સંગ માટે બીજે ગામ જવાના છે. એ નિરાશ થઈ ગયો. દાદા વગર એને ચેન પડતું ન હતું. એ બંટી સાથે રમવા લાગ્યો. થોડીવાર રમ્યો ત્યાં તો એને કંટાળો આવી ગયો. બંટી પાસેથી ઊઠીને એ ટી.વી. જોવા બેઠો. એમાં પણ એને રસ ન પડ્યો. અંતે એ એના રૂમમાં જઈને પલંગમાં પડ્યો. આંખ મીંચીને એ દાદાને યાદ કરવા લાગ્યો. પહેલી વખત જ્યારે એ દાદાને મળ્યો હતો એ પ્રસંગ એને પિક્ચરની જેમ દેખાવા લાગ્યો.

નીલ પહેલીવાર બાળકોની શિબિરમાં ગયો હતો. બધા બાળકો જોર જોરથી તાળીઓ પાડતા પાડતા ‘દાદા ભગવાનના અસીમ જય જય કાર હો’ કીર્તન-ભક્તિ કરી રહ્યા હતા. નીલ પણ એમાં જોડાઈ ગયો. નીલને આ ભક્તિ બહુ ગમી ગઈ. એ પણ ગાવામાં તલ્લીન થઈ ગયો.

થોડીવારમાં દાદાશ્રી આવ્યા. દાદાના મુખ પર દિવ્ય તેજ ઝળહળતું હતું. આખા બ્રહ્માંડના સ્વામી કે જેને આ જગતમાં કંઈ જ જોઈતું નથી, એવી ખુમારી દાદાના વ્યક્તિત્વમાં (પર્સનાલિટી) છલકાતી હતી. દાદાની આંખમાં ખૂબ પ્રેમ હતો. સાથે સાથે પ્રતાપ તેમ જ શીતળતા પણ દેખાતી હતી. દાદાનું મુક્ત હાસ્ય નીલના ધ્યાનની બહાર ન ગયું. દાદાએ એક-એકની આંખમાં આંખ મેળવીને દર્શન આપ્યા. દાદાએ નીલની સામે જોયું. નીલ દાદાની સામે હસ્યો. એ ખૂબ ઉત્સાહથી ગાતો હતો. દાદા બેઠા. બધા બાળકો પણ બેઠા. દાદાએ વારાફરતી એક-એકના નામ પૂછ્યા. નીલને પણ પૂછયું.

‘મારું નામ નીલ છે.’ નીલે જવાબ આપ્યો.

નીલ દાદાને જોઈ જ રહ્યો. જાણે એમને ઓળખતો હોય એવું એને લાગ્યું. દાદા તરફ એણે ખેંચાણ અનુભવ્યું. દાદાએ બધા બાળકો સાથે વાતો કરી. સત્સંગ પૂરો થયો ત્યારે દાદાએ નીલને કહ્યું, ‘નીલ, આ મારા પાણીનો થર્મોસ તું લઈ લે, ચાલ.’

નીલે ખુશી ખુશી થર્મોસ લઈ દાદા સાથે ચાલવા માંડ્યું.

દાદા જ્યાં ઊતર્યા હતા ત્યાં પહોંચ્યા.

ઘરમાં દાખલ થઈ દાદા સોફા પર બેઠા. નીલે પૂછયું, ‘દાદા. આ તમારું ઘર છે ? તમે અહીં રહો છો ?’

દાદા બોલ્યા, ‘આ એક મહાત્માનું ઘર છે. હું તો ગામેગામ સત્સંગ માટે ફરતો રહું છું. તારા જેવા બીજા કેટલાંય બાળકોની સાથે મારે સત્સંગ કરવાનો હોય ને ? ચાલ, મને પાણી પીવડાવ.’

નીલે દાદા માટે ગ્લાસમાં પાણી ભર્યું. ગ્લાસ ઊંચકવા જાય છે, ત્યાં જ એના હાથમાંથી છટક્યો અને ફૂટ્યો. નીલ ગભરાઈ ગયો, એણે દાદા સામે જોયું. દાદાએ લાલુને બોલાવી કહ્યું, ‘આ જરા વાગે નહીં, એમ સાફ કરી નાખ.’ નીલને કહ્યું, ‘હવે બીજા ગ્લાસમાં મને પાણી આપ.’ નીલે દાદાને સાચવીને પાણી આપ્યું. એને હતું કે દાદા એને કંઈક કહેશે. પણ દાદાએ તો જાણે કંઈ બન્યું જ ન હોય એમ શાંતિથી પાણી પી લીધું. નીલ દાદાને જોઈ જ રહ્યો.

દાદા બોલ્યા, ‘નીલ, ક્યાં ખોવાઈ ગયો ?’

નીલ ઝબક્યો. ‘કંઈ નહીં દાદા.’ નીલ બોલ્યો.

નીલને આગળ શું કરવું એ સૂઝતું નહોતું.

દાદાએ પૂછયું. ‘ભૂખ લાગી છે ? નીલે ‘હા’માં અને ‘ના’માં બંનેમાં માથું ધુણાવ્યું.

અને દાદા સામે જોઈ રહ્યો. દાદા હસ્યા.

‘ચાલ, આજે તું મારી સાથે જમવા બેસ.’ દાદા બોલ્યા.

બે થાળી પીરસાઈને આવી. નીલ દાદા સાથે જમવા બેઠો. દાદા નીલનું જમવામાં બહુ જ ધ્યાન રાખતા હતા. જમતા જમતા નીલથી નીચે ઢોળાતું હતું. એણે સંકોચ સાથે દાદા સામે જોયું.

દાદાએ કહ્યું, ‘કંઈ વાંધો નહીં, શાંતિથી જમી લે.’

 નીલને એની મમ્મીની રોજની ટકોર યાદ આવી ગઈ, ‘કેવી રીતે ખાય છે ? રોજ કપડાં બગાડે છે. આટલો મોટો થયો તોય ખાતા નથી આવડતું ?’

દાદા બોલ્યા, ‘નીલ !’

નીલ બોલ્યો, ‘હં, દાદા’

‘લે, હજી કાજુકતરી લે ને’ એમ કહી દાદાએ એને કાજુકતરી પીરસી.

નીલ ગદગદ થઈ ગયો. કેટલા ટાઈમ પછી આજે એ શાંતિથી કોઈ પણ ટકોર વગર જમ્યો.

જમ્યા પછી દાદાએ નીલને પૂછયું, ‘તારે જવું છે ?’

નીલને જવું નહોતું, પણ તે જવાબ આપી ન શક્યો. દાદા સમજી ગયા.

 દાદાએ કહ્યું, ‘ચાલ હવે હું આડો પડું છું. મારા પગ દાબીશ ?’ નીલે ખુશી ખુશી હા પાડી અને દાદાના પગ દબાવવા બેઠો.

પગ દબાવતા દબાવતા એનો આનંદ ઊભરાતો જતો હતો. એને યાદ આવ્યું, કે દાદી બીમાર હતા ત્યારે એમણે નીલને પગ દબાવી આપવા કહેલું. ત્યારે તેણે ધડ દઈને ના પાડી દીધી હતી અને રમવા ચાલ્યો ગયો હતો. આજે એને અફસોસ થયો કે ‘અહોહો ! સેવા કરવામાં આટલો આનંદ આવે છે મને ખબર જ નહોતી. હવેથી હું સેવા કરીશ.’ એણે દાદા સામે જોયું. દાદાની આંખ મીંચેલી હતી. મોઢા પર ખૂબ જ સૌમ્યતા અને ગજબની સ્થિરતા દેખાતી હતી. મોઢા પર આનંદ દેખાતો હતો. નીલને એક પછી એક ઘરની બધી વ્યક્તિઓ દેખાતી ગઈ. મમ્મી, પપ્પા, બંટી, દાદા-દાદી, કાકા-કાકી, એના સ્કૂલ ફ્રેન્ડ્સ યશ, તનુ, અનુજ, મીનુ, એના સ્કૂલ ટીચર. કોઈના ફેસ આવા નહોતા દેખાતા જેવો દાદાનો હતો. નીલને કંઈ જ સમજણ પડતી નહોતી, પણ દાદા બધાથી જુદા છે એવું એને લાગવા લાગ્યું.

 ‘નીલ, પેલા કબાટમાંથી મારો રૂમાલ લાવ ને ?’ દાદાએ કહ્યું.

‘હા, દાદા’ કહી નીલ ઊઠ્યો. એણે કબાટ ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ એનાથી ખુલ્યો નહીં. દાદાએ સૂતા સૂતા જ એને ઈશારો કરી બતાવ્યું કે ‘આમ નહીં, આમ ખોલ’ નીલે ફરી પ્રયત્ન કર્યા. પણ તે પહેલાની જેમ જ પ્રયત્ન કરતો હતો, તેથી કબાટ ખૂલ્યો જ નહીં. દાદાએ ફરી કહ્યું, ‘આમ નહીં, આમ ખોલ.’ ફરી નીલે પ્રયત્ન કર્યો. કબાટ ન ખૂલ્યો. દાદાએ ત્રીજી વાર એક્શન કરી બતાવ્યું. ‘આમ નહીં, આમ ખોલ.’ હજી નીલ ઊંધી રીતે જ ખોલતો હતો. દાદાએ ચોથી વખત બતાવ્યું. ‘આમ નહીં નીલ, આ રીતે ખોલ તો ખૂલશે.’ હવે નીલને સમજાયું. તેણે એ પ્રમાણે કર્યું અને કબાટ ખૂલી ગયો. એણે એમાંથી રૂમાલ શોધી કાઢ્યો અને દાદાને આપ્યો. દાદા મોઢું લૂછવા લાગ્યા.

નીલને તો નવાઈની હદ થઈ ગઈ. એને તરત વિચાર આવ્યો, કે દાદાની જગ્યાએ જો હું હોત અને મારી જગ્યાએ જો બંટી હોત, તો મેં એને ઊભા થઈને ઠોકી જ દીધી હોત કે, ‘સાવ ડોબા જેવો છે, આટલું નથી આવડતું ?’

અને આ દાદા જો. ચાર વાર એમણે મને કહ્યું તો પણ એ જ સ્થિરતાથી. જરા પણ અકળાયા વગર. આવું પણ હોઈ શકે ? આ દાદા કંઈ ગજબના જ છે. આવું તો હજી સુધી મેં ક્યાંય જોયું જ નથી.

દાદાએ કહ્યું, ‘હવે તું હોલ પર જા. બધા છોકરાઓ સાથે હળ-મળ. અત્યારે તમને નવી નવી ગેમ્સ રમાડશે. એમાં બહુ મજા આવશે. કાલે ફરી આપણે સત્સંગમાં ભેગા થઈશું.’

નીલ બોલ્યો, ‘સારું દાદા.’

નીલ દાદાને પગે લાગ્યો. દાદાએ આશીર્વાદ આપ્યા.

‘જય સચ્ચિદાનંદ, દાદા.’ નીલે હાથ જોડી દાદાને કહ્યું.

દાદા ખૂબ પ્રેમથી નીલ સામે જોઈ હસ્યા.


Rate this content
Log in