Dada Bhagwan

Children Stories Inspirational

4  

Dada Bhagwan

Children Stories Inspirational

સુખનો ખજાનો - 5

સુખનો ખજાનો - 5

4 mins
17


‘નીલ, ચલ જમવા’ મમ્મીએ બૂમ પાડી. નીલે ઘડિયાળમાં જોયું તો બાર વાગી ગયા હતા. ‘ઓહ ! બાર વાગી ગયા ? બાર ક્યારે વાગી ગયા ખબર જ ન પડી.’ દાદાની યાદમાં જગત આખું ભૂલાય જાય છે, એવો પહેલીવાર નીલને અનુભવ થયો. નીલે જમી લીધું. પછી એ એકલો એકલો ચેસ રમવા બેઠો. પોતાનો દાવ પણ એ જ રમે અને સામાનો  દાવ પણ એ જ રમે. રમતા રમતા એ ત્યાં જ સૂઈ ગયો. બંટી ત્યાં આવી પહોંચ્યો. ભાઈને સૂતો જોઈ એને મઝા પડી ગઈ. એ ચેસની કૂકરીઓને આમ તેમ ફેંકવા લાગ્યો. એમાં એક કૂકરી જોરથી નીલના કપાળ પર વાગી અને એ ઝબકીને જાગી ગયો.

‘બંટી !’ એણે રાડ પાડી અને એક લાફો મારી દીધો. બંટીએ જોરથી ભેંકડો તાણ્યો. એની મમ્મી દોડતી દોડતી આવી અને બંટી સામે જોયું.

‘ભાઈએ માર્યું’ બંટી બોલ્યો. મમ્મીએ નીલ સામે આંખો કાઢી અને વઢવા લાગી. ‘કેટલી વાર તને કહ્યું છે કે જ્યાં તે ત્યાં પથારા નહીં કર, પણ તું માનતો જ નથી. તું બંટીને મારે છે, એ તો તારાથી નાનો છે. આજ પછી જો તે એને માર્યું છે તો તારી વાત છે.’ નીલ એક તો ભરઊંઘમાં હતો ને એમાં એને જોરથી વાગ્યું અને ઉપરથી મમ્મી વઢી. એટલે એને ભયંકર ગુસ્સો આવ્યો. એ મમ્મીની સામે જેમ-તેમ બોલવા લાગ્યો. ‘જ્યારે ને ત્યારે તું મને જ વઢે છે. બંટીનો વાંક હોય તો પણ એને કશું નથી કહેતી. જ્યારે હોય ત્યારે બંટી-બંટી કર્યા કરે છે, હું તો દેખાતો જ તથી. તું મારી સાથે હંમેશાં પાર્શિયાલીટી (પક્ષપાત) કરે છે.’ બંટીને સુવડાવતા એની મમ્મી બોલી, ‘એમ ને એમ તને આટલો મોટો કર્યો છે ? તારી સામે જોયા વગર ? હે ભગવાન, આવા શબ્દો સાંભળવાના દિવસો આવ્યા, આના કરતા તો પેટે પાણો પાક્યો હોત તો સારું થાત.’ એમ કરી એની મમ્મી પણ રડવા લાગી. નીલ તો ખરેખરો રિસાયો હતો. એ એનો રૂમ બંધ કરીને ચૂપચાપ રૂમમાં બેસી ગયો. મનમાં હજી મમ્મી માટેનો ગુસ્સો શાંત થયો ન હતો. ‘મારી તો કંઈ પડી જ નથી. આખો દિવસ બસ એને બંટી જ દેખાય છે.’ એમ મનમાં એનો બબડાટ ચાલુ હતો. એમ ને એમ રાત પડી ગઈ. નીલે દરવાજો ખોલ્યો જ નહીં. એની મમ્મીએ પણ એને બોલાવ્યો નહીં.

ત્યાં તો નીલના પપ્પા ઘરે આવ્યા. ‘આજે હું રસગુલ્લા લઈને આવ્યો છું. ઘણા દિવસથી ખાવાનું મન થતું હતું. તે આજે મેળ પડ્યો.’ એ બોલ્યા. પછી એમણે ઘરમાં નજર કરતા કહ્યું, ‘નીલ ક્યાં છે ? દેખાતો તથી ?’ નીલની મમ્મીએ બનેલી વિગત કહી. પપ્પા તરત ઊઠ્યા અને નીલના રૂમનો દરવાજો ખખડાવતા બોલ્યા, ‘નીલ, બેટા દરવાજો ખોલ. ચાલ જમવા. હું જો તારા માટે રસગુલ્લા લાવ્યો છું, તારી ફેવરીટ આઈટમ, જમવા ચાલ તો.’ રસગુલ્લાનું નામ સાંભળી નીલના મોઢામાં પાણી આવી ગયું. આમેય એને ભૂખ તો લાગી જ હતી. એમાંય રસગુલ્લાનું નામ પડતા જ ભૂખ ઓર વધી ગઈ. પણ નીલ એવો આડો થયો હતો કે દરવાજો ખોલ્યો જ નહીં. એના પપ્પાએ એને ચાર-પાંચ વાર સમજાવ્યું. છતાં એણે દરવાજો ન જ ખોલ્યો. અંતે એના પપ્પા થાક્યા. અને એના મમ્મી-પપ્પાએ જમી લીધું. નીલને ખરેખરી ભૂખ લાગી હતી, પણ વટના માર્યા એણે દરવાજો ખોલ્યો જ નહીં. સૂતા પહેલા નીલના મમ્મી-પપ્પાએ ફરીવાર નીલને બોલાવ્યો. અને બહાર આવી ખાઈ-પી લેવા કહ્યું. પણ નીલે તો ચોખ્ખી ના જ પાડી દીધી. અંતે થાકીને એના મમ્મી-પપ્પા સૂઈ ગયા. નીલ પણ સૂતો. પણ એના પેટમાં ઉંદરડા બોલતા હતા. તેથી તેને ઊંધ આવતી ન હતી. ધીમે ધીમે એ ઢીલો પડતો ગયો.

એને દાદા યાદ આવ્યા, દાદા સાથેતી વાતો યાદ આવી. ‘અરેરે ! આ મેં આજે શું કર્યું ? મમ્મી-પપ્પાને મેં કેટલું દુઃખ આપ્યું ? મેં તો દાદાને પ્રોમિસ આપ્યું છે કે હું બધાને સુખ જ આપીશ. કેમ મને એ યાદ ન રહ્યું ?’ નીલને પસ્તાવો થવા લાગ્યો. એ આંખ બંધ કરીને મમ્મી-પપ્પાના પ્રતિક્રમણ કરવા લાગ્યો, ‘હે મમ્મી-પપ્પાની અંદર બેઠેલા ભગવાન ! મમ્મી-પપ્પાને મેં દુઃખ આપ્યું, તેની માફી માંગુ છું. મને માફ કરો અને...’ ત્યાં તો અંદરથી અવાજ આવ્યો. ‘હં, એમાં તે કંઈ માફી મંગાતી હશે ? રિસાયો તો જ એ લોકો મને બોલાવા આવ્યા ને, નહીં તો મારી એમને પડેલી જ ક્યાં છે ? આખો દિવસ બંટીનું જ ધ્યાન રાખ્યા કરે છે. સારું થયું. આવું જ કરવું જોઈએ.’ અને નીલે પ્રતિક્રમણ અધૂરું મૂકી દીધું. થોડીવારમાં ફરી એ નરમ પડયો, ‘ના, મેં ખોટું જ કર્યું છે. આખરે એ મારા મમ્મી-પપ્પા છે. એમને મારાથી આવું ન કરાય. હે દાદા ભગવાન ! મને માફ કરો…’ પાછું અંદરથી ઉપડ્યું કે, ‘એ લોકો ગમે તેવું વર્તન કરે તો ચાલે. શું એમના આવા વર્તનથી મને દુ:ખ નથી થતું ? તો પછી ફક્ત મારે જ શા માટે પ્રતિક્રમણ કરવાનું ? એમનો પણ વાંક છે. એમણે પણ પ્રતિક્રમણ કરવું જોઈએ.’ નીલને કંઈ જ ખબર નહોતી પડતી. એક બાજુ એને પ્રતિક્રમણ કરવાનું જોર ઊપડતું હતું અને બીજી બાજુ એનાથી પ્રતિક્રમણ થતું નહોતું. આ બંને બાજુના વિચારોથી એ અકળાઈ ગયો. એણે એના બંને હાથ કાન પર દાબી દીધા. આંખો બંધ કરી દાદાને યાદ કરી બોલ્યો, ‘હે દાદા, મને કંઈ ખબર પડતી નથી. મારે કોઈને દુઃખ નથી આપવું. તમે મારી જોડે જ રહેજો.’ થોડીવાર નીલ એ જ પોઝીશનમાં સ્થિર રહ્યો. ધીમે ધીમે બધું શાંત પડી ગયું. થોડીવારમાં એને ઊંઘ આવી ગઈ.

બીજા દિવસે સવારે નીલ વહેલો ઊઠી ગયો. ભૂખના માર્યાં એ ઢીલોઢસ થઈ ગયો હતો. ઊઠીને તરત મમ્મી પાસે ગયો. ‘સોરી મમ્મી’ નીલ બે હાથ જોડી મમ્મીની સામે ઊભો રહી ગયો. મમ્મીએ પ્રેમથી એના માથે હાથ ફેરવ્યો અને બોલી, ‘ચાલ, જલદી બ્રશ કરી લે. દૂધ ને નાસ્તો આપું છું. ભૂખ લાગી છે ને ?’ નીલે ‘હા’ પાડી.

‘નીલ, મમ્મીથી નારાજ થવાતું હશે ?’ મમ્મીએ પૂછ્યું.

‘હવેથી નહીં થાઉં મમ્મી, સોરી’ નીલે કહ્યું.

નીલ અને મમ્મી સાથે નાસ્તો કરવા બેઠા.


Rate this content
Log in