Dada Bhagwan

Children Stories Inspirational Others

4  

Dada Bhagwan

Children Stories Inspirational Others

માનવમાંથી મહામાનવ - 4

માનવમાંથી મહામાનવ - 4

5 mins
9


અણસમજણનું પરિણામ

આંખો ખૂલી ત્યારે નીલ પોતાના રૂમના પલંગ પર હતો, એને ૧૦૨ ડીગ્રી તાવ હતો. અનુજ માથે પાણીના પોતા મૂકી રહ્યો હતો. એના મમ્મી રશ્મિબેન એની માટે રાબ બનાવી રહ્યા હતા. અનુજ નીલ સામે ખૂબ પ્રેમથી હસ્યો અને માથે હાથ મૂકી બોલ્યો, ‘કેમ છે નીલ, સારું લાગે છે હવે ?’ નીલ કંઈ જવાબ આપી ન શકયો. અનુજે ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો’ બોલતા બોલતા પોતા મૂકવાનું ચાલુ રાખ્યું. થોડી વારમાં યશ ડૉકટરે કહેલી દવા લઈને આવ્યો. રશ્મિબેન રાબ બનાવીને લઈ આવ્યા.

‘નીલ બેટા, ઊભો થા, ચલ રાબ પી લે.’ રશ્મિબેને પ્રેમથી કહ્યું.

નીલ અનુજનો ટેકો લઈ બેઠો થયો. રશ્મિબેને ગરમ ગરમ રાબ રકાબીમાં ઠારી. ચમચીથી નીલને પીવડાવતા ગયા. પીવડાવતા પીવડાવતા એમની નજર રૂમમાં ફરી.

એ બોલ્યા, ‘અરે અનુજ, નીલનો પેલો નવો ફ્રેન્ડ આવ્યો હતો એ કયાં ગયો ?’

અનુજે જવાબ આપ્યો, ‘એ ગયો આન્ટી.’

આ સાંભળી નીલ ચોંકી ઉઠ્યો, ‘નવો મિત્ર ?’ એણે આશ્ચર્ય સાથે અનુજ અને પછી યશ સામે જોયું.

‘રોહન આવ્યો હતો’ યશે જવાબ આપ્યો. એણે કહેવાનું ચાલું રાખ્યું, ‘તને ચક્કર આવ્યા અને તું પડી ગયો. ત્યારબાદ તને ટેક્ષીમાં ઘરે લઈ આવતી વખતે એ મારી સાથે આવ્યો હતો. ટેક્ષીના પૈસા પણ એણે જ ચૂકવ્યા. દવા લેવા પણ અમે સાથે જ ગયા. દવા લીધા બાદ એ છૂટો પડ્યો. આ સાંભળી નીલને અંદર ઊંધું ચક્કર ચાલવા લાગ્યું. એ વિચારવા લાગ્યો, ‘હરિફાઈ હારી ગયા બાદ મારી બોલબાલા થવા લાગી એ એનાથી સહન થઈ શકતું નથી, તેથી આવું બધું કરીને એ પાછો બધામાં માનીતો થવા ફરે છે. પણ હું એ નહીં થવા દઉં, હું એનાથી કોઈ પણ બાબતમાં ઓછો નથી એ સાબિત કરીને જ રહીશ.’

ત્યાં તો રશ્મિબેને એના ખભે હાથ મૂકી એને હલાવ્યો, ‘નીલ, કયાં ખોવાઈ ગયો ! રાબ ઠંડી થઈ રહી છે. પહેલા પી લે.’

નીલ હજી અપસેટ હતો. એણે રકાબી દૂર હડસેલતાં કહ્યું, ‘બસ, હવે નથી પીવાતી.’

રશ્મિબેન એનું મોઢું લૂછી રસોડામાં ગયા. હવે રૂમમાં નીલ, અનુજ અને યશ ત્રણે એકલા પડ્યા. ત્રણે ચૂપ હતા. કોઈ કંઈ બોલતું ન હતું. અંતે અનુજે યશને કહ્યું, ‘તું જમી આવ, હું નીલ પાસે બેઠો છું.’

‘સારું’ કહી યશ જમવા ગયો. નીલ ફરી પલંગમાં સૂતો. અનુજે ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો’ કરતા કરતા પોતા મૂકવાનું ચાલુ કર્યુ. નીલ આંખો માંચીને સૂતો.

‘અસીમ જય જયકાર’ સાંભળતા સાંભળતા ફરી નીલ દાદામય થવા લાગ્યો. દાદા સાથે ગાળેલા પ્રસંગો એને યાદ આવવા લાગ્યા. પોતે આપેલું પ્રોમિસ યાદ આવ્યું. દાદાના કહ્યા પ્રમાણે રહેતો હતો, ત્યારે એ કેટલો આનંદમાં હતો ! આજે પોતે એ આનંદથી કેટલો દૂર થઈ ગયો છે ! આખો દિવસ બળતરા, બળતરા ને બળતરા. એવું તે શું લૂંટાઈ ગયું છે કે આટલી બળતરા થઈ ગઈ છે ! વિચારતાં વિચારતાં નીલની આંખો ભરાવા લાગી. એ મનોમન દાદાને પ્રાર્થના કરવા લાગ્યો, ‘દાદા, હું તમારા કહ્યા પ્રમાણે બિલકુલ રહેતો નથી. તમને આપેલું પ્રોમિસ પણ હું પાળતો નથી અને બધાને બહુ દુ:ખ આપું છું. મને માફ કરો.’ આમ કહીં એણે રોહનના પ્રતિક્રમણ ચાલુ કર્યા.

થોડીવાર કર્યા ત્યાં તો ફરી ઊંધું ચાલવા લાગ્યું, ‘હું ફેઈલ થયો એમાં એને બહુ જ ખુશી થઈ છે. આ તો સારા દેખાવાનો ઢોંગ કરે છે બાકી એ ખૂબ રાજી છે. પાઠક સરનો ચમચો.’ આમ એને રોહન પરથી પાઠક સર યાદ આવી ગયા. ‘પાઠક સરે મને જાણી જોઈને બીજગણિતમાં ફેઈલ કર્યો છે. એમને પહેલા જ દિવસથી હું ખટકતો હતો અને રોહન જ વહાલો હતો. હું આગળ આવું એ એમને ગમતું જ ન હતું. ખડૂસ સર.’

નીલના પ્રતિક્રમણ અટકી ગયા. એણે આંખ ખોલી. અનુજ ‘અસીમ જય જયકાર’ કરતો પોતા મૂકતો હતો. અનુજના મોઢા પર ખૂબ શાંતિ હતી. નીલ વિચારવા લાગ્યો, ‘દાદા ભગવાનની શિબિર ભરીને આવ્યા ત્યાંથી અનુજ અને મીનું કેટલા ડાહ્યા થઈ ગયા છે. ક્યારેય ઝઘડતા નથી અને બધા સાથે પ્રેમથી રહે છે. ભણવામાં પણ પહેલા કરતા સારું રીઝલ્ટ લાવતા થયા છે.’ એણે અનુજને પૂછ્યું, ‘અનુજ, તને ક્યારેય કોઈના પર ગુસ્સો નથી આવતો ?’

અનુજે જવાબ આપ્યો, ‘આવે ને, પણ હું તરત દાદાને પ્રાર્થના કરું કે મારે આ બધામાં નથી પડવું. મને બચાવો. રસ્તો દેખાડો. તો મને પુસ્તકમાંથી અથવા તો ટી.વી. પરના સત્સંગમાંથી અથવા સપનામાં આવીને દાદા મને માર્ગદર્શન આપી જાય છે. પહેલાં મીનુ સાથે મારા રોજ ઝઘડા થતા હતા. એક દિવસ કંટાળીને હું દાદાને પ્રાર્થના કરીને ‘અથડામણ ટાળો’નું પુસ્તક સામે હતું, તે ખોલ્યું તો એ પાના પર લખ્યું હતું કે, ‘જેમ તમે વાહન ચલાવતા હો અને સામેથી ફૂલ સ્પીડમાં કોઈ ગાડી ચલાવતું આવતું હોય તો તમે ખસી જાવ કે એને ગાળ આપવા ઊભા હો ? ત્યાં ખસી જાવ છો, નહીં તો એકિસડન્ટ (અકસ્માત) થઈ જાય. એવી જ રીતે કોઈ અથડાવા આવતું હોય ત્યારે તમારે ખસી જઈને અથડામણ ટાળવા.’ એ દિવસથી મેં આ ચાવી મીનુ સાથે વાપરવાની ચાલુ કરી દીધી. ત્યારથી મારા મીનુ સાથેના ઝઘડા ઓછા થતા થતા બંધ થઈ ગયા. તું પણ દાદાને પ્રાર્થના કર. દાદા તને ચોક્કસ મદદ કરશે. સાચા હૃદયથી કરેલી પ્રાર્થના કયારેય નકામી જતી નથી.’

નીલને અનુજની વાત ગમી. આમેય એ વારંવારના તિરસ્કાર, દ્વેષ, અભાવ, ઈર્ષા, સ્પર્ધા વગેરેથી કંટાળી તો ગયો જ હતો. થાકી પણ ગયો હતો. અત્યાર સુધી એણે પોતાની મેળે એમાંથી નીકળવાના પ્રયત્નો કર્યા તો હતા જ. દાદાને પ્રાર્થના પણ કરી હતી પણ પરિણામ આવતું ન હતું. અનુજની વાત સાંભળી એને દિલથી દાદાને પ્રાર્થના કરવાની દૃઢતા આવી.

એના મોઢા પરના ફેરફાર જોઈને અનુજે પણ એને હિંમત આપતા કહ્યું, ‘નીલ, આ બધામાંથી બહાર નીકળી જા. આમાં જરાય મજા નથી.’ કહી એણે નીલના હાથ પર હાથ મુક્યો.

નીલે અનુજનો હાથ પકડી કહ્યું, ‘ચોક્કસ અનુજ. હું આજે જ દાદાને પ્રાર્થના કરીશ.’

આખો દિવસ પોતા મૂકવાથી અને દવાના કારણે નીલનો તાવ ઓછો થવા લાગ્યો. રાત પડતાં એને સારું લાગવા લાગ્યું, અનુજે કહ્યું, ત્યારથી નીલે દાદાને પ્રાર્થના કરવાની ચાલુ તો કરી જ દીધી હતી. રાત પડતાં તો એના હૃદયમાં ‘દાદા દાદા’ થઈ ગયું. જાણે દાદાનો વિરહ એનાથી સહેવાતો ન હોય. ‘દાદા અહીં હોત તો કેટલું સારું હોત.’ એ વિચાવા લાગ્યો. અત્રે થોડા મગ-ભાત ખાઈ નીલ સૂતો.

એણે આંખો બંધ કરી. એને દાદા દેખાવા લાગ્યા. દાદાનું હસતું, આનંદમય, પ્રેમાળ મોઢું નીલની આંખમાં તરવરી ઊઠ્યું. એને દાદાનું ખેંચાણ ચાલુ થઈ ગયું. એને દાદાને વળગીને ખૂબ રડવાનું મન થતું હતું. એણે બે હાથ જોડી દાદાને પ્રાર્થના કરતાં કહ્યું, ‘દાદા હું ભયંકર ભૂલોરૂપી કાદવમાં ફસાઈ ગયો છું અને કોઈ રીતે બહાર નીકળી શકતો નથી. મને બહાર કાઢો. મારે ચોખ્ખા થવું છે. તમારા જેવા પ્રેમવાળા થવું છે. મારે કોઈને દુ:ખ નથી આપવું. પાઠક સર અને રોહન માટે મને શું થઈ ગયું છે ખબર નથી પણ એ બંનેને હું જોઉં છું અને મને ગુસ્સો આવે છે. દુ:ખ નહીં આપવાનું હું ભૂલી જઉં છું અને ભયંકર ખુન્નસ આવી જાય છે.’

આમ કહીં નીલ દાદા સાથે જાણે પ્રત્યક્ષમાં વાતો કરતો હોય એમ સ્કૂલના પહેલા દિવસથી આજ સુધી શું શું થયું એ બધું વિગતવાર કહ્યું. એની આંખમાંથી આંસુ નીકળી રહ્યાં હતાં. એણે છેલ્લે કહ્યું, ‘મને મારી એક એક ભૂલો દેખાડો અને બહાર નીકળવાનો ઉપાય દેખાડો. હું ચોક્કસ આપના દેખાડયા પ્રમાણે કરીશ. પ્લીઝ મને મદદ કરો.’ આટલું કહી એ બંને હાથ મોઢા પર દાબી કોઈ સાંભળે નહીં એ રીતે ડૂસકાં ભરવા લાગ્યો. રડતાં રડતાં જ એની આંખ મીંચાઈ ગઈ.


Rate this content
Log in