Dada Bhagwan

Children Stories Inspirational Children

4  

Dada Bhagwan

Children Stories Inspirational Children

સુખનો ખજાનો - 6

સુખનો ખજાનો - 6

6 mins
7


નીલ નાહી-ધોઈને તૈયાર થઈ ગયો. એ દાદા પાસે જવા નીકળ્યો. આગલા દિવસની બનેલી ઘટના પર એને બહુ અફસોસ થતો હતો. દાદાને એણે પ્રોમિસ આપ્યું હતું કે એ કોઈને દુઃખ નહીં આપે અને પહેલા દિવસે જ ધબડકો વળ્યો. દાદા પાસે જ્યારે એ વાતો સાંભળતો હતો ત્યારે એને કોઈને દુઃખ નહીં દેવાનું બહુ સરળ લાગતું હતું. પણ જ્યારે સાચે એ પ્રસંગ સામે બન્યો ત્યારે એ બધું ભૂલી ગયો અને બધો ગોટાળો થઈ ગયો. રસ્તામાં ફરી પ્રતિક્રમણ કરતો કરતો એ દાદા પાસે પહોંચ્યો.

‘જય સચ્ચિદાનંદ, દાદા.’ કહી એણે દાદાને વંદન કર્યાં.

‘જય સચ્ચિદાનંદ’ કહી દાદાએ એની વિધિ કરી.

નીલે દાદા સામે જોયું. દાદા હંમેશ મુજબ આનંદમાં અને ફ્રેશ દેખાતા હતા. નીલ વિચારવા લાગ્યો, આવું કાયમ કેવી રીતે રહેવાતું હશે ? હું તો વાતવાતમાં ઉછળી પડું છું.

‘દાદા, મારે તમને એક વાત કહેવી છે.’ નીલ બોલ્યો.

‘કહે ને, શું કહેવું છે તારે ?’ દાદાએ પૂછ્યું.

નીલે આગલા દિવસે જે જે બની ગયું તે વિગતવાર કહ્યું. અને બોલ્યો, ‘દાદા, સાંભળવામાં જેટલું સરળ લાગે છે એટલું સરળ છે નહીં, ખરે ટાઈમે હું બધું ભૂલી ગયો.’

‘ધીમે ધીમે બધું સરખું થઈ જશે.’ દાદા બોલ્યા, ‘આ જે પ્રસંગ બની ગયો. એમાં તને શું ફાયદો થયો, કેટલું નુકસાન થયું એ બધું તારણ કાઢવાનું. એનાથી ખોટું વર્તન ધીમે ધીમે ઓછું થતું જશે અને પછી બંધ થઈ જશે.’

‘તારણ ? એટલે કેવી રીતે દાદા ?’ નીલે ઉત્સુકતાથી પૂછ્યું.

દાદાએ કહ્યું, ‘જો હું તને મારો જ દાખલો આપું. એના પરથી તને સમજાશે કે તારણ કેવી રીતે કઢાય. હું તારા જેટલો હતો ત્યારે એકવાર બા જોડે રિસાયેલો. કેમ રિસાયેલો ખબર છે ? બા મને અને મારા ભાભીને પીવા માટે સરખું દૂધ આપે. મેં એક દિવસ બાને કહ્યું, કે હું તો આ ઘરનો જ છું અને ભાભી બહારથી આવેલા છે, તો મને ભાભી કરતા વધુ દૂધ આપો. બાએ એવું કરવાની ના પાડી. તો મેં કહ્યું, ‘સારું, મને વધુ દૂધ ન આપો તો કંઈ નહીં, ભાભીને ઓછું દૂધ આપો.’ બાએ કહ્યું, ‘એવું નહીં બને. બંનેને દૂધ સરખું જ મળશે ! એ વાત પર હું બાથી રિસાયો હતો.

એ આખો દિવસ મેં કંઈ ખાધું-પીધું નહીં. બાએ પણ મને ન બોલાવ્યો. રાત પડી. ઘરના બધા ખાઈ-પીને સૂઈ ગયા. મારા પેટમાં ઉંદરડા બોલે. ઊંઘ જ ન આવે. પછી રાત્રે મેં તારણ કાઢ્યું કે આ હું રિસાયો એમાં મને ફાયદો કેટલો થયો અને નુકસાન કેટલું થયું, તો ફાયદો તો કંઈ દેખાયો જ નહીં. અને નુકસાનમાં તો સવારનું દૂધ ખોયું, જમવાનું ખોયું, રાતનું જમવાનું ખોયું, રમવાનું ખોયું, ઊંઘ ખોઈ - આમ ઘણું બધું નુકસાન થયું અને બા અને ભાભી જેનાથી હું રિસાયો હતો, એ લોકો તો આરામથી જમીને સૂઈ ગયા હતા. એ દિવસથી મેં નક્કી કર્યું કે આજ પછી ક્યારેય રિસાવું નહીં. રિસાવામાં બધી રીતે પોતાને જ નુકસાની છે. તે દિવસથી હું ક્યારેય રિસાયો નથી. બોલ, હવે તને તારણ કાઢતાં આવડશે કે તું રિસાયો એમાં ફાયદો વધારે છે કે નુકસાન ?’

‘સાચી વાત છે, દાદા. કંઈ ફાયદો નથી, નુકસાન જ છે. મેં પણ તમારી જેમ બધું ખોયું. ઉપરથી મારા ફેવરીટ રસગુલ્લા પણ ગુમાવ્યા. આજથી હું નહીં રિસાઉં. પણ દાદા, મારી મમ્મીને મારા કરતા બંટી જ વધારે ગમે છે. આખો દિવસ એવું જ ધ્યાન રાખ્યા કરે છે. હું તો એને દેખાતો જ નથી. કંઈ પણ થાય તો એ મારા પર જ ગુસ્સો કરે છે. બંટીને કંઈ કહેતી નથી. એનો મને બહુ ગુસ્સો આવે છે.’

‘તું જ કહે, તમારા બેમાં વધુ સમજદાર કોણ ? તું કે તારો નાનો ભઈ બંટી ? તું શું માને છે ?’

‘હું’ નીલે જવાબ આપ્યો.

દાદાએ પૂછ્યું, ‘તો કંઈ થાય તો જે સમજદાર હોય એને મમ્મી સમજાવે કે પછી જે નથી સમજતો એને સમજાવે ?’

નીલે કહ્યું, ‘જે સમજદાર હોય એને જ સમજાવે ને ? અને એણે જ સમજવાનું હોય ને !’

દાદાએ કહ્યું, ‘તો બોલ, મમ્મી દર વખતે તને જ કહે છે, બંટીને નથી કહેતી એ બરાબર કરે છે કે નહીં ?’

‘હા, બરાબર કરે છે’ નીલ બોલ્યો, એ દાદાની દરેક વાતથી સહમત થતો હતો.

દાદા બોલ્યા, ‘તું મને એક વાત કહે, તારી તબિયત સારી ન હોય તો મમ્મી તારું વધારે ધ્યાન રાખે છે કે બંટીનું ?’

નીલે કહ્યું, ‘મારું’

દાદા બોલ્યા, ‘તને ડૉક્ટર પાસે લઈ જાય છે ને ? તારી બરાબર દવા કરે છે ને ?’

‘હા’ નીલે માથું ધૂણાવ્યું.

‘પછી તારી પરીક્ષા વખતે તને પાસે બેસાડીને બરાબર ભણાવે છે ને ?’

‘હા’ નીલે કહ્યું.

‘તારે દાદા પાસે આવવું હોય તો તને ખુશીથી આવવા દે છે ને ?’

‘હા’ નીલે કહ્યું.

‘તને તારી જરૂરિયાતની બધી વસ્તુઓ અપાવે છે ને ?’

‘હા’ નીલે માથું ધૂણાવ્યું.

દાદાએ પૂછ્યું, ‘તને આનંદ કરવા માટે સ્કૂલની પિકનિકમાં મોકલે છે ને ?’

‘હા’ નીલે કહ્યું.

‘તને પહેરવાના નવા કપડાં લાવી આપે છે, તને તારું ભાવતું બનાવીને જમાડે છે. તારા આનંદ માટે તારી બર્થ ડે ઊજવે છે. જો તું એને ગમતો ન હોય તો તારા માટે એ આટલું બધું કરે ?’

નીલ વિચારમાં પડી ગયો, ‘દાદાની વાત તો સાચી છે. આવું તો મેં ક્યારેય વિચાર્યું જ નથી. મમ્મી તો ખરેખર બહુ સારી છે.’

દાદાએ પૂછ્યું, ‘તને સમાધાન થયું ?’

નીલે ‘હા’ કહી માથું ધૂણાવ્યું.

દાદાએ પૂછ્યું, ‘પપ્પાનો ક્યારેય વાંક નથી દેખાતો ?’

‘દેખાય, પણ ઓછો’ નીલ બોલ્યો, ‘પપ્પા મને વાપરવા માટે ઓછા પૈસા આપે ત્યારે એમનો વાંક દેખાય.’

દાદાએ કહ્યું, ‘તું કયા ધોરણમાં ભણે છે ?’

નીલે કહ્યું, ‘સાતમા ધોરણમાં.’

દાદાએ કહ્યું, ‘તને કે.જી. (બાળમંદિર)થી લઈને સાતમા ધોરણ સુધી ભણાવ્યો, તો ક્યારેય પપ્પાએ તને એવું કહ્યું કે તારા ભણવાનો ખર્ચ તું કમાઈને કાઢ ?’

‘પણ હું તો નાનો છું, તો હું કેવી રીતે કમાઉં ?’ નીલે દલીલ કરી.

દાદાએ કહ્યું, ‘હા, બરાબર છે. માટે જ્યાં સુધી તું મોટો નહીં થઈ જાય, કમાવા નહીં લાગે ત્યાં સુધી એ પોતે કમાઈને તારા બધા ખર્ચા પૂરા પાડશે. ઓછું કમાશે તો પણ પોતે ઘસાઈને તારા આનંદ ખાતર તારી બર્થ ડે ઊજવશે. આ બધા એમના ઉપકાર છે. સમજાય છે તને ?’

‘હા, દાદા.’ નીલ સમજતો જતો હતો.

દાદાએ પૂછ્યું, ‘જો, તું રસ્તામાં પડી ગયો હોય અને કોઈ અજાણ્યો માણસ તને ઊભો કરી તારા ઘરે મૂકી જાય તો એ માણસ માટે તને શું વિચાર આવે ?’

નીલે તરત જવાબ આપ્યો, ‘એનો ખૂબ ઉપકાર લાગે. હું એ ક્યારેય ભૂલી ન શકું. અને જ્યારે એને જરૂર પડે ત્યારે હું એની મદદ કરવા હંમેશા તૈયાર રહું.’

દાદાએ કહ્યું, ‘બરાબર છે. તો મમ્મી-પપ્પાએ તારા માટે આટલું બધું કર્યું તો એનો તને ઉપકાર નથી લાગતો ?’

નીલે જવાબ આપ્યો, ‘હા દાદા, એમનો મારા પર ખૂબ ઉપકાર છે. આજ સુધી મેં એમના માટે ક્યારેય આવું વિચાર્યું જ નહોતું. તેથી સમજાયું નથી.’

દાદાએ ખૂબ પ્રેમથી નીલને સમજાવ્યું, ‘હા, મા-બાપના આપણા પર ઘણા ઘણા ઉપકાર છે. માટે મા-બાપની આંતરડી ઠારીએ એમાં આપણને સૌથી વધારે પુણ્ય મળે છે. મા-બાપની સેવા કરવી, એમને રાજી રાખવા એ આપણી પહેલી ફરજ છે. જે મા-બાપને સુખી કરે છે, એમને ક્યારેય દુઃખ પડતું જ નથી. મા-બાપને દુઃખ આપીને તું મારી ગમે એટલી સેવા કરીશ તો પણ કંઈ વળશે નહીં. માટે કંઈ પણ થાય, મા-બાપના સામા ક્યારેય ન થવાય. એમને દુઃખ ન જ દેવાય. મમ્મી-પપ્પા માટે હવે તને ક્યારેય ફરિયાદ નહીં રહે ને ?’

નીલે જવાબ આપ્યો, ‘ના દાદા, તમે જે સમજાવ્યું એવું તો મેં ક્યારેય વિચાર્યું જ નહોતું. આજ પછી હું ક્યારેય મમ્મી-પપ્પાનો વાંક નહીં જોઉં અને એમને કાયમ રાજી રાખીશ.’

‘કાલથી અમે બરોડા જવાના. ચાલ વિધિ કરી લે.’ દાદાએ પગ લાંબા કર્યા. નીલે

અંગૂઠો કપાળે લગાડી દાદાની સામે બેઠો. વિધિ પૂરી થયા પછી દાદાએ નીલને આશીર્વાદ આપ્યા.


Rate this content
Log in