Dada Bhagwan

Inspirational

4.5  

Dada Bhagwan

Inspirational

છૂટાછેડા થતાં અટકે આ રીતે!

છૂટાછેડા થતાં અટકે આ રીતે!

5 mins
315


ઔરંગાબાદમાં એક મુસલમાન છોકરી પરમ પૂજ્ય દાદા ભગવાન પાસે આવી. પરમ પૂજ્ય દાદાશ્રીએ તેને પૂછયું, “શું નામ ?” ત્યારે છોકરીએ કહ્યું, “દાદાજી, મારું નામ મશરૂર.” મશરૂર કોલેજમાં લેક્ચરર તરીકે કામ કરતી હતી. તેની સગાઈ એક લૉયર સાથે પાકિસ્તાનમાં થઈ હતી અને છ મહિનામાં જ લગ્ન હતા. પરમ પૂજ્ય દાદાશ્રીએ મશરૂરને પૂછ્યું કે લગ્ન પછી પતિ સાથે કેવી રીતે વર્તવું ? એની જોડે મેળ પડશે કે નહીં ? એ વિચારી રાખ્યું છે ? લગ્ન પછીની કોઈ તૈયારીઓ એણે કરી રાખી છે ? ત્યારે મશરૂરે જવાબ આપ્યો કે “મેં બધી તૈયારી કરી રાખી છે. એ જરાક આમ બોલશે તો હું સામો આવો જવાબ આપીશ, એ આમ કહેશે તો હું આમ કહીશ, એ આમ કહેશે તો... એક-એક બધા જવાબો મારી પાસે તૈયાર છે!” પરમ પૂજ્ય દાદાશ્રીની મશરૂર સાથે પછી જે વાતચીત થઈ, તે આખા પ્રસંગમાં મશરૂરને અને આપણને જીવનનો મોટો પાઠ શીખવા મળે છે!

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, જેમ યુદ્ધમાં સામસામી તૈયારીઓ કરે તેમ આ મતભેદ પાડવાની જ તૈયારીઓ કરી રાખી હતી. પેલો (પતિ) ઝઘડો કરે તે પહેલાં જ (પત્ની) ફોડે ! સામો આમ સળગાવે તો આપણે આમ સળગાવવાનું, એ આમ તીર છોડે, ત્યારે આપણે આ બાજુ છોડવાનું. આ તો ઘરમાં જ ઠંડુ યુદ્ધ ઊભું કર્યું, એ શમે ખરું ?

પછી પરમ પૂજ્ય દાદાશ્રીએ મશરૂરને બહુ પ્રેમથી સમજાવ્યું કે એને આ બધું કોણે શીખવાડ્યું ? કેમકે આ રીતે તો છ મહિનામાં જ તલાક (છૂટાછેડા) થઈ જશે, અને જો તલાક ના જોઈતા હોય તો તેની આ રીત ખોટી છે. પરમ પૂજ્ય દાદાશ્રીએ મશરૂરને કહ્યું કે, “તલાક તને ના આપે, એટલા માટે તને શીખવાડું.” ત્યારે દરેક યુવાનને મૂંઝવતો પ્રશ્ન મશરૂરે પૂછ્યો, કે “દાદાજી, એવું ના કરું તો શું કરું ? નહીં તો એ તો દબાવી દે !” પરમ પૂજ્ય દાદાશ્રીએ મશરૂરને પૂછ્યું કે “બેન મારું કહેલું માનીશ ? તારે સુખી થવું છે કે દુઃખી થવું છે ?” હવે દુઃખ તો કોઈને ના ગમે. એટલે મશરૂરે તેઓશ્રીની વાત ધ્યાનથી સાંભળી. એક અનુભવી વડીલની જેમ પરમ પૂજ્ય દાદાશ્રીએ તેને કહ્યું કે એની જેમ ઘણીબધી સ્ત્રીઓએ આવી તૈયારીઓ કરીને લગ્ન કર્યા, પણ છેવટે દુઃખી થઈ હતી. તેઓશ્રીએ કહ્યું કે, “તું મારા કહ્યાથી જા ને, બિલકુલે ય કશી તૈયારી કર્યા વગર જા !”

આ પ્રસંગ વર્ણવતા પરમ પૂજ્ય દાદાશ્રીએ કહ્યું કે, “હિન્દુસ્તાન ને પાકિસ્તાનની વૉર છે આ કંઈ ? અને જગતમાં એ જ કરી રહ્યા છે બધા. આ છોડીઓ-બોડીઓ, છોકરાઓ બધાં એ જ, પછી એ બન્નેનું જીવન બગડે.” પછી પરમ પૂજ્ય દાદાશ્રીએ મશરૂરને જે સમજણ આપી, જે લગ્ન માટે ઇચ્છુક દરેક યુવાન સ્ત્રી-પુરુષોને આજે પણ લાગુ પડે છે. તેઓશ્રીએ કહ્યું કે, “એ વાંકાં થાય તો તું સીધી ચાલજે. એનું સમાધાન કરવું જોઈએ, ઉકેલ લાવવો જોઈએ. એની બાઝવાની તૈયારીમાં આપણે એકતા રાખવી જોઈએ. એ જુદું પાડે તો ય આપણે એકતા રાખવી જોઈએ. એ જુદું પાડ પાડ કરે તો ય કહેવું, આપણે એક છીએ. એ ફાડી નાખે તો આપણે ફાડી નાખીએ, તો છૂટી જાય કાલે સવારે. એટલે તલાક આપી દેશે!” મશરૂરને પરમ પૂજ્ય દાદાશ્રીની વાતમાં શ્રદ્ધા બેઠી. તેણે પૂછ્યું કે, “મારે શું કરવાનું ?”

પરમ પૂજ્ય દાદાશ્રીએ એકદમ સરળ અને પ્રેક્ટિકલ ભાષામાં આજકાલના પતિ-પત્નીએ એકબીજા સાથે કેવી રીતે વર્તવું તેની સમજણ આપતા કહ્યું કે, “એનો મૂડ જોઈને ચાલવાનું. એનો મૂડ જોજે અને અત્યારે મૂડમાં ના હોય, તો આપણે અંદર ‘અલ્લાહ’નું નામ લીધા કરવું, અને મૂડ ફરે એટલે આપણે એની જોડે વાતચીત ચાલુ કરવી. એ મૂડમાં ના હોય અને તું સળી કરું, એટલે ભડકો થશે કંઈ! એને નિર્દોષ તારે જોવા. એ તને અવળું બોલે તો ય તારે શાંતિ રાખવી, પ્રેમ સાચો હોવો જોઈએ. આસક્તિમાં તો છ-બાર મહિનામાં પછી પાછું તૂટી જ જવાનું. પ્રેમ સહનશીલતાવાળો હોવો જોઈએ, એડજસ્ટેબલ હોવો જોઈએ.” સામો લડવા આવે ત્યારે શું કરવું એ સમજાવતા તેઓશ્રીએ કહ્યું કે, “કશું ય નહીં, એ આમનું તીર ઠોકે તો તું સ્થિરતા પકડીને અલ્લાહનું (અથવા જેમાં શ્રદ્ધા હોય તે ભગવાનનું) નામ યાદ કરજે. ફરી આમનું ઠોકે તો સ્થિરતા પકડીને ફરી એમને યાદ કરજે. તું ના એકુંય ફેંકીશ!”

આવી અલૌકિક સમજણ એક જ્ઞાની પુરુષ સિવાય આ જગતમાં કોણ આપે? પરમ પૂજ્ય દાદાશ્રીની આ સમજણથી સંસાર નભે ય ખરો, અને લગ્નજીવન દીપે પણ ખરું! પછી દાદાશ્રીએ મશરૂરને આગળ પૂછ્યું કે એના સાસરે, ઘરમાં બીજું કોણ કોણ છે? ત્યારે મશરૂરે કહ્યું કે એના સાસુ છે. તેઓશ્રીએ પૂછ્યું કે, “સાસુ જોડે તું કેમનું એડજસ્ટમેન્ટ લઈશ?” ત્યારે મશરૂરે એવો જ તૈયારીવાળો જવાબ આપતા કહ્યું કે, “એ એની જોડે ય હું પહોંચી વળીશ, સાસુને.” પછી પરમ પૂજ્ય દાદાશ્રીએ મશરૂરને ફરી વિગતવાર સમજણ પાડી દીધી કે સાસુ સાથે કેવી રીતે વર્તવું, અને કહ્યું કે “ત્યારે તું આ પ્રમાણે કરજે તો તલાક ના આપે, ને સાસુ જોડે રાગે પડે.” છેવટે મશરૂરે કહ્યું કે, “હા દાદાજી, મને ગમી આ બધી વાત!”

મશરૂરે પરમ પૂજ્ય દાદાશ્રીની વાત દિલથી સ્વીકારી, તો તેઓશ્રીની જાણે કરુણા વરસી! આગળ ચારિત્રબળની સૈદ્ધાંતિક વાત સમજાવી કહ્યું કે, “એ ધણી ગમે તે બોલે, ગમે એવું તને કરે, તોય તે ઘડીએ તું મૌન પકડું અને શાંત ભાવે જોયા કરું, તો તારામાં ચારિત્રબળ ઉત્પન્ન થશે, અને એનો પ્રભાવ પડશે એના ઉપર, લૉયર હોય તો ય! નહીં તો તૈયારી કરવાના વિચાર આવે ને, તો ય આપણું ચારિત્રબળ તૂટી જાય! એ ગમે તેવું વઢે, તો તું અલ્લાહનું [KJ3] [AU4] [KJ5] નામ લેજે અને સ્થિર રહેજે! (એને) મનમાં એમ થશે કે આ કેવી! આ તો હારતી જ નથી! પછી એ હારે!” આવું શીખવાડનાર કોણ મળે? પછી પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “ચારિત્રને વાપરવું, એને તમે તૈયારી કહો છો. પણ એનાંથી તમારામાં જે ચારિત્રબળ છે એ ‘લૂઝ’ થઈ જાય છે, અને જો ચારિત્રબળ ખલાસ થઈ જશે તો ત્યાં તારા ધણી આગળ તારી કિંમત જ નહીં રહે!”

પરમ પૂજ્ય દાદા ભગવાને અત્યંત કરુણા અને પ્રેમથી મશરૂરને આપેલી આ સમજણ ફક્ત એક વિવાહિત સ્ત્રી માટે જ નહીં, પણ વ્યવહારમાં દરેક વ્યક્તિ માટે, પછી એ સ્ત્રી હોય કે પુરુષ, પરિણીત હોય કે અપરિણીત, સંસારી હોય કે ત્યાગી, માતા-પિતા હોય કે છોકરાંઓ બધાને જીવનમાં કામ લાગે એવી છે! પરમ પૂજ્ય દાદાશ્રીની વાતમાં મશરૂરને તો પૂરેપૂરી ગેડ પડી ગઈ. એણે પ્રોમિસ આપ્યું કે, “હવે દાદાજી, હું કોઈ દહાડો ય હારીશ નહીં, આવી ગેરેન્ટી આપું છું!” અને એ છોકરી એવી હતી કે એણે એનું પ્રોમિસ નિભાવ્યું પણ ખરું!



Rate this content
Log in

Similar gujarati story from Inspirational