વાક્બાણ
વાક્બાણ


ટ્રેન એના સમયસર આવી ગઈ હતી. એમ પણ મારી ઉંમર હવે પચાસ વર્ષની હોવાથી મને ચડવામાં તકલીફ થતી. હું જેમતેમ મારી સીટ પાસે પહોંચી, પણ મારી સીટ પર એક યુવતી બેઠી હતી. હું ત્યાં ગઈ છતાંય તેનું ધ્યાન ન હતું. આખરે મારે એને બોલાવી પડી કે અહીં મારી સીટ છે. તે માત્ર સોરી બોલી સામેની સીટ પર બેસી ગઈ અને ખુબ જ ગભરાતા-ગભરાતા ટ્રેનની બારી બહાર ફાંફા-ફાંફા મારતી હતી. મેં તેને એક ઝલક જોઈ, ધનવાન ઘરની હોય તેવું લાગતું હતું તેના પહેરવેશ પરથી, દેખાવ પણ સારો જ હતો અને સાથે બે બેગ હતી કદાચ ઘરેથી ભાગી હોય તેવું લાગ્યું. આ વિચાર આવતા જ મને ઘૃણા ઉપજી કારણ કે મારી દીકરી શાલુ પણ આમ જ ભાગી હતી.
મેં તેને મારા વાકબાણો વડે વીંધવાનું શરુ કર્યું, એ બધું જ સમજાવા માંડી જે હું શાલુને ન સમજાવી શકી હતી. મારી વાતો સાંભળી તેને દુઃખ તો થયું પણ એને તો આમ તેમ ફાંફા મારવાનું ચાલુ જ રાખ્યું આખરે ટ્રેન ઉપડી. મારા ગુસ્સાએ પણ ગતિ પકડી અને હું બોલવા માંડી,
"કોણ છે તું ? ક્યાંથી આવે છે જો મારી દીકરી પણ ભાગી ગઈ હતી અને તે પણ ખુશ ન હતી. મા-બાપ કરતા હોય તે સારા માટે જ કરતા હોય તું પાછી ઘરે જા અને તારા મા-બાપ જ્યાં કહે ત્યાં જ લગન કરી લે."
"અને બાપ જ્યાં વેચે ત્યાં જતી રહું ?" અંતે એની સબરનો બંધ તૂટ્યો તે આંખમાં આંસુ સાથે બોલવા માંડી.
"મારા પિતાએ મને પૈસાની લાલચે એક આધેડ ઉંમરના વ્યક્તિ સાથે પરણાવવાનું કે એને વેચી નાખવાનું નક્કી કર્યું છે. શું તમને હજી પણ લાગે છે કે મારે પાછા જવું જોઈએ ?"
તેના આ પ્રશ્ને મને વીંધી નાખી અને જોયા-જાણ્યા વિના બોલ્યાનો મને અફસોસ થયો અને હું નિરુત્તર બની ગઈ અને મારા મગજમાં એક સમજ સ્પષ્ટ થઇ કે બધી પરિસ્થિતિમાં હંમેશા સંતાનો જ ખોટા હોય તેવું નથી.