ઊંઘણશી અર્ચના
ઊંઘણશી અર્ચના
ચોથા ધોરણ સુધી અર્ચનાને ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણના વિષયો શીખવાના આવતા હતા. જોકે જેવી તે પાંચમાં ધોરણમાં આવી કે ઈગ્લીંશનો વિષય શીખવાનો આવ્યો. એને ઈગ્લીંશનો ડર લાગ્યો. તેણે ઈગ્લીંશની ચોપડી ખોલી કે એ, બી, સી, ડી, ઈ, વગેરે મૂળાક્ષર જોવા મળ્યા. ઈગ્લીંશના શિક્ષકે ભણાવવાનું શરૂ કર્યું. અર્ચનાને તકલીફ પડવા લાગી. તેને કશુંં સમજાતું નહોતું. તે ઘેર આવીને ચૂપ રહેવા લાગી. તેના અચાનક બદલાયેલા વરતનથી તેના મમ્મી પપ્પા સહિત દાદા પણ ચિંતા કરવા લાગ્યા. હવે કરવું શું ? બહુ મોટો સવાલ હતો.
શાળામાં એ ફોર એપલ, બી ફોર બોય, સી ફોર કેટ વગેરે શીખવવામાં આવ્યું. કોણ જાણે કેમ પણ અર્ચનાના નાનકડા મગજમાં કશુંંયે ઉતરતું નહોતું. તે મનોમન મૂંઝાવા લાગી. ઉદાસ રહેવા લાગી. એક દિવસે ઈગ્લીંશના શિક્ષકે ભણાવતી વખતે બાળકોનુ અવલોકન કર્યું. તેમણે જોયું કે અર્ચના દીવાલને અડીને ઊંઘી રહી હતી. તેમને ગુસ્સો આવ્યો. એ દરમિયાન રિસેસનો ઘંટ વાગ્યો. ઊંઘી રહેલી અર્ચના એકદમ જાગી ગઈ. તેણે જોયું કે બધા વિદ્યાર્થીઓ દોડમદોડી કરતા હતા. તે ઊભી થઈ અને દોડીને પાણીની પરબે ગઈ. નળ ચાલુ કરી મો ધોયું. ત્યારબાદ પાણી પીધું. એ દરમિયાન ઈગ્લીંશના શિક્ષક ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે અર્ચનાને જોતાં કહ્યું, " ઈગ્લીંશના વર્ગમાં કેમ ઊંઘતી હતી ? "
" સાહેબ, હું ઊંઘતી નહોતી " અર્ચનાએ પોતાની જાતનો બચાવ કરતા કહ્યું.
" જૂઠુ બોલે છે " સાહેબે એને ધમકાવતા કહ્યું.
" સાહેબ, શુંં કરું મને ઈગ્લીંશના વિષયમાં થોડીક પણ ખબર પડતી નથી. અને એટલે હું ઊંઘી જાઉ છું. " અર્ચનાએ કહ્યું
" કશી ખબર ન પડે તો મને પૂછ. હું તને સમજાવી શકું છું. કશુંં પૂછ્યા વગર ચાલુ વર્ગમાં તું ઊંઘ્યા કરે તે કેમ ચાલે ? " ઈગ્લીંશના શિક્ષકે ધીમેથી અને નમ્રતાપૂર્વક સમજાવ્યું.
બીજે દિવસે ઈગ્લીંશનો વર્ગ ચાલુ થયો. સહુ શાંતિથી ઈગ્લીંશના શિક્ષકને સાંભળતા હતા. પરંતુ અર્ચના ઊંઘી રહી હતી. શિક્ષકનું ધ્યાન તેના તરફ ગયું. તે ઉકળી ઉઠ્યા અને કહેવા લાગ્યા, "અર્ચના, ઓ અર્ચના. હું ભણાવી રહ્યો છું. તને ખબર નથી પડતી કે શું ? આંખો ખોલ "
અર્ચનાએ આંખો ખોલી. ચોતરફ બધા 'ઊંઘણશી અર્ચના ' 'ઊંઘણશી અર્ચના ' એમ બોલી રહ્યા હતા. તેણે દફતર લીધું અને વર્ગની બહાર દોડી ગઈ. થોડીવારમાં તો ઘેર પહોંચી ગઈ. ઘેર જઈ રડવા લાગી. મમ્મી પપ્પાએ આ જોયું એટલે તેઓ તેને શાંત પાડવા લાગ્યા. થોડીવાર રડી લીધા બાદ શાંત થઈ એટલે એને પાણી આપ્યું.
પપ્પાએ પૂછ્યું, " બેટા, શું થયું ? "
અર્ચનાએ નિશાળમાં જે બન્યું તે કહી દીધું.
મમ્મી કહેવા લાગ્યા, " ચિંતા ન કર બેટા. અમે છીએ ને કશોક રસ્તો કાઢીશુંં. "
અર્ચનાના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. તે તુરંત હસવા લાગી. નાનકડી અર્ચનાની મૂઝવણનો ખ્યાલ આવતા દાદા તેની પાસે આવ્યા અને કહેવા લાગ્યા, " બેટા અર્ચના, મારી પાસે આવ "
અર્ચના દોડતી દોડતી દાદાના ખોળામાં બેસી ગઈ.
" બોલો દાદા, શુંં કહો છો ? " અર્ચના બોલી.
" બેટા, કોઈપણ વિષય શીખવો સહેલો છે. જોકે એના માટે જરૂરી છે કે આપણે એમાં રસ લેવો જોઈએ. ઈગ્લીંશ એટલી બધી અઘરી ભાષા નથી. એ તો અન્ય ભાષાની જેમ એક ભાષા છે.શિક્ષક જ્યારે ઈગ્લીંશ શીખવતા હોય ત્યારે એમને સાંભળવાના. તેઓ જે કહે કે સમજાવે તે નોટમાં નોંધી લેવાનું. દાદાની વાતને ધ્યાનમાં લઈ તે શાળામાં ગઈ. ઈગ્લીંશનો પીરીયડ ચાલુ થઈ ગયો. શિક્ષકે ભણાવવાનું શરૂ કર્યું. આજે અર્ચના આગળ બેઠી હતી. તેના ચહેરા ઉપર જિજ્ઞાસા દેખાતી હતી. તેણે દફતરમાથી એક નોટબુક બહાર કાઢી.
શિક્ષક જે બોલે તે નોટબુકમાં નોધતી જાય. શિક્ષકે નોંધ્યું કે અર્ચના બદલાયેલી જણાતી હતી. દરરોજ ઈગ્લીંશના વર્ગમાં દીવાલને અડીને ઊંઘતી અર્ચના હવે જાગૃત થઈ ગઈ અને અગત્યના મુદ્દા નોટબુકમાં નોંધતી થઈ ગઈ. આને લઈને ઈગ્લીંશના શિક્ષક ખુશ થઈ ગયા. વર્ગના અન્ય વિદ્યાર્થીઓ પણ અર્ચનામા આવેલ પરિવર્તન જોઈને દંગ રહી ગયા.
અગત્યના મુદ્દાઓની નોંધ કરી અર્ચના ઘેર આવતી. ઘેર આવીને નોંધેલી વિગતોનો અભ્યાસ કરતી. દાદાએ પૂછ્યું, " કેવું લાગે છે સ્કૂલમાં ? "
" દાદા, ભણવાની મજા આવે છે. ઈગ્લીંશના વિષયમાં હવે સમજ પડવા લાગે છે. " અર્ચનાએ જવાબ આપ્યો.
દાદા કહે, " સાહેબ કશુંં પૂછે છે ? "
" ના દાદા" અર્ચના બોલી.
"કોઈ બાબતમાં સમજ ન પડે તો સાહેબને પૂછી શકાય" દાદાએ કહ્યું.
એક દિવસ ડાઈનિંગ ટેબલ ઉપર જમતા જમતાં પપ્પાએ પણ પૂછ્યું, " કેવું ચાલે છે સ્કૂલમાં ? "
" પપ્પા, સરસ ચાલે છે " અર્ચનાએ જવાબ આપ્યો હતો અને પપ્પાને સારું લાગ્યું હતું.
હવે અર્ચના સખત મહેનત કરવા લાગી. ઈગ્લીંશ પાકું કરવા તેને જ્યાં જ્યાં ઈગ્લીંશ વાક્યો વાંચવા મળે તે નોંધી લેતી. બજારમાં જાય તો દુકાનો પર લટકાવેલા બોર્ડ વાંચતી રહેતી. આ માટે તેણે અલગ નોટબુક બનાવી રાખેલી. પોસ્ટ ઓફિસ, બેન્ક કે સરકારી કચેરીમાં દાદા સાથે જવાનું થાય ત્યારે પણ તે પોતાની સાથે નોટબુક રાખતી. ધીમેધીમે તેનું ઈગ્લીંશનુ શબ્દભંડોળ વધવા લાગ્યું. તે મહેનત કરતી ગઈ અને પરીક્ષા નજીક આવી ગઈ. ઈગ્લીંશનુ પ્રશ્નપત્ર ખૂબ ધ્યાનથી વાંચ્યું અને એના ઉત્તરો લખ્યા. પરિણામ જાહેર થયું ત્યારે આખા વર્ગમાં તેના સૌથી વધારે માર્કસ આવ્યા. ઈગ્લીંશના વિષયમાં સૌથી વધારે માર્ક લાવી હોવાથી તેના કુટુંબીજનો ખુશ ખુશ થઈ ગયા.
અર્ચના સારા માર્કસ સાથે પાસ થઈ હોવાથી પપ્પાને લાગ્યું કે દીકરીને કંઈક ભેટ આપવી જોઈએ. તેઓ તાબડતોબ બજારમાં ગયા અને એક બુક સ્ટોરમાંથી ઈગ્લીંશની ડિક્શનરી ખરીદી લાવ્યા. અર્ચનાને ઈગ્લીંશની ડિક્શનરી મળતાં તે ખુશ થઈ ગઈ.
