ઊછળતા સાગરનું મૌન ૧૧
ઊછળતા સાગરનું મૌન ૧૧
નેહા જ્યારે સવાર ઊઠી તો આકાશ ઘરેથી નીકળી ગયો હતો. અકાશ જો ઘરમાં ના હોય તો નેહાને ખૂબ શાંતિ લાગતી. કેવી નવાઈની વાત છે. પોતાનાં જીવનસાથીને જોઈને મન આનંદથી તરબતર થવું જોઈએ. પણ આ કેવાં સબંધ છે કે ગેરહાજરી શાંતિ આપી જાય. નેહા વિચારતી હતી. આવાં સંબધનો તો અંત લાવવો જોઈએ. જીવનમાં એ માણસનું શું કામ જેની હાજરી તમને ઊદ્વેગ આપી જાય.
રસોડામાં જઈ રમાબેનને કહ્યુ કે ચા નાસ્તો બનાવે. આખી રાત ઊંઘ ન આવી હતી એટલે માથું જાણે ફાટફાટ થતું હતું. આંખો બળતી હતી. એ સોફામાં આવીને બેઠી અને આજનું પેપર વાંચવા લાગી. એટલામાં ડોરબેલ વાગી. એણે ઉઠીને થઈને દરવાજો ખોલ્યો. સામે મહેશભાઈ ઊભા હતાં, અંદર આવી શકું ભાભીજાન ? જાન પર ભાર મૂકતાં મહેશભાઈ ઘરમાં ધસી આવ્યાં. નેહાથી મોઢું મચકોડાઈ ગયું. " આવો, પણ આકાશ નથી." " ભાભી મારે ક્યા આકાશનું કામ છે. હું તો આપને મળવા આવ્યો છું." એટલામાં રમાબેન ચા નાસ્તો લઈને આવ્યાં. નેહાએ મહેશભાઈને પણ નાસ્તો આપવાં કહ્યુ. મહેશભાઈ જાણે ઘરનું ઘર હોય એમ વર્તતા હતાં. ચા નાસ્તો કર્યા પછી નેહાએ હિમત ભેગી કરી કહ્યુ, "મારું શું કામ પડ્યું મહેશભાઈ ?" ખાસ કાઈ નહી ગઈ કાલે પેલી હોલી ડે ઇન પાસેથી નીકળ્યો તો આપની યાદ આવી ગઈ. મારો એક નજીકનો મિત્ર ત્યાં કામ કરે છે. જો તમે પહેલા કહ્યુ હોત તો થોડું ડિસ્કાઉન્ટ અપાવતને. ચાલો કાઈ નહી ફરી જ્યારે જરૂર પડે તો. મને કહેશો." નેહા સડાક દઈને ઊભી થઈ ગઈ. મહેશભાઈ તમે મને ડરાવા આવ્યાં છો ? હું તમારાથી જરા પણ ડરતી નથી. અને આવી બેહુદી વાત કરવી હોય તો આ ઘરમાં આવવું નહી સમજ્યા. તમે જઈ શકો છો !" "મારું જવું તમને ખૂબ મોંઘું પડશે નેહાભાભી. હું મારાં અપમાનનો
બદલો બરાબર લઈશ. તમે મને જાણતાં નથી. હું પ્રેમથી વાત કરું છું અને તમે મને ધૂત્કારો છો ?" મહેશભાઈ જતાં જતાં ઘણું બોલી ગયાં. નેહાને જાણે કાંઈ સંભળાતું ન હતું.
એ પોતાનાં બેડરુમમાં ગઈ..સારું થયું મમ્મી ઘરે ના હતાં મંદિરમાં ગયાં હતાં..એણે ધુજતા હાથે મોબાઈલ ફોનમાં સાગરનો નંબર જોડ્યો. "સાગર ! આટલું બોલતાં એનો અવાજ તરડાઈ ગયો. "સાગર, હું ખૂબ મુસીબતમાં આવી ગઈ છું. મહેશભાઈ યાદ છે ને ? હોટેલની બહાર મળ્યાં હતાં. મને બ્લેકમેઈલ કરે છે. સમજાતું નથી શું કરુ ? હમણાં ગયાં ઝગડતાં ઝગડતા." સાગર ચૂપ થઈ ગયો. એને ખબર હતી મહેશ આવું જ કાંઈક કરશે. 'શું કરું ? દિલ્હી જાઉં અને નેહાને આ નરકમાંથી બહાર કાઢું ? પણ પછી.. શું કરું ? નેહાને ક્યાં રાખું ? એના પિયરમાં મૂકી આવું પણ એ તો નેહા પોતે પણ કરી શકે છે. શા માટે આટલું ડરે છે ? મા બાપને સાચી હકિકત બતાવી દે અને પછી. છૂટાછેડા લઈ લે હજું તો જવાન છે આકાશ કરતા ઘણાં સારા છોકરા નેહાને મળી જાય. પણ નેહાએ આ સબંધને ઠોકર મારવાની જરૂર છે. જે સંબંધ તમારાં અસ્તિતવને જ મારી નાખે એ સંબંધને ઘસેડ્યે રાખવાથી શું ફાયદો ?
માણસને જિંદગી એક વાર મળે છે એને ખુશી સાથે જીવવાનો દરેક મનુષ્યને હક છે." ' સાગર, કહે હવે હું શું કરું ? મહેશનો પીછો કેવી રીતે છોડાવું ?" નેહાના અવાજથી સાગર એકદમ ચમકી ગયો. "હું આવું ત્યા તને જરૂર હોય તો. મહેશને સાન મારી ઠેકાણે પાડી દઉં." સાગરને મહેશ પર ગુસ્સો આવી રહ્યો હતો." નેહાએ કહ્યુ, 'ના સાગર તું ના આવીશ. આકાશને જો ખબર પડશે તો. તારું ખૂન કરશે." સાગરે કહ્યુ, "હું આકાશની જેલમાંથી તને છોડાવા માંગું છું. બસ બહુ થયું એ તને માનસિક ત્રાસ આપ્યા કરે અને હું જોયા કરું ? એ હવે નહી બને. આ આકાશ રૂપી પીજરાને ખોલીને ઊડવાનું છે દૂર દૂર ગગનમાં. ભલે સાગર ત્યાં ના હોય પણ ખૂલી હવા હશે. તું પાંખો પ્રસારીને નીલ ગગનમાં ઊડજે. હું આવું છું. તને છોડાવવા..."
નેહા બોલી, "ના સાગર હું કહુ તો જ આવજે મારે તારાં જીવનમાં કોઈ કંકાસ નથી જોઈતો. તું સુખી તો માની લે કે હું સુખી. બાકી આ મહેશને હું કોઈ રીતે બ્લેકમેઈલ કરવા નહીં દઉં. ચાલ ફોન રાખું છું. કાંઈ એવું લાગશે તો ફોન કરીશ. બાય..." નેહાએ જલ્દી ફોન રાખી દીધો.
સાંજે આજ એ આકાશની રાહ જોઈને બેઠી. મહેશે કાંઈ કહ્યુ તો નહી હોય ? આકાશના મૂડ પરથી ખબર પડશે.પણ આકાશ આવ્યો. વર્તનમાં ખાસ તફાવત ન હ્તો. એજ શુન્ય ભાવવિહીન આંખો. સંવેદના વગરનાં સંવાદો. અને રસહિન વાતચીત. કોઈ અણધાર્યો જવાળામુખી ફૂટ્યો નહી. એટલે નેહાને શાંતિ થઈ. બન્ને બેડરુમમાં ગયાં. આકાશ ટી.વી જોતો હતો. એવામાં ફોનની ઘંટડી વાગી...." હલ્લો ! હા મહેશ બોલ શું ચાલે છે ?.. મળવા માંગે છે ? કાલે મળીએ...હા હું ફોન કરીશ.."
નેહા શુન્યમન્સ્ક બની ફોન સામે તાકી રહી...
