STORYMIRROR

Kalpesh Patel

Drama Classics Others

5  

Kalpesh Patel

Drama Classics Others

ઉત્સવ.

ઉત્સવ.

4 mins
3

ઉત્સવ
યમુના કિનારે કાનો, તાઉં અને વ્રજના છોકરાઓ ગેલી દડો રમતા હતા, કાનાએ ફટકારેલા ફાટકાથી દડો આકાશ વીંધી યમુનાના ઝેરી જળમાં પડ્યો.

જે ફેંકે તે શોધે છોકરા ઓ જીદે ચડ્યા , 
અને.....
દડો શોધવા...
કાના એ યમુનામાં ડૂબકી. લગાવી, 
અને...
આકાશે જાણે એક જ ક્ષણમાં પોતાનો રંગ બદલી નાખ્યો.

છેક સવારથી સોનેરી પ્રકાશમાં રમતું વૃંદાવન, એકાએક હવે ઘેરા વાદળોની ચપેટમાં આવી અંધકાર માય થઇ ગયું હતું.

તોફાની,પવનના  ઝોકા કદંબના વૃક્ષોને હચમચાવી રહ્યા હતા. દૂર વીજળીના ચમકારા આકાશને ચીરી જતા અને તેની પાછળ ગર્જનાનો એવો ધ્રુજારીભર્યો અવાજ આવતો કે ગાયો પણ ડરીને એકબીજાની નજીક ઊભી રહેતી.

પછી વરસાદ શરૂ થયો...

ધીમે નહીં.

જાણે આકાશના બધા જ દરવાજા એકસાથે વ્રજ માથે ખુલી ગયા હોય એમ.
મોટા ટીપાં ધરતી પર અથડાતા, માટીની ભીની સુગંધ સમગ્ર વ્રજમાં ફેલાઈ ગઈ. પરંતુ એ સુગંધમાં આજે એક અજાણી કડવી ગંધ પણ ભળી ગઈ હતી,....ઝેરની!!!

યમુના આજે નદી નહોતી રહી.
એ જાણે કોઈ ક્રોધિત જીવંત સર્પ સમાન બની ગઈ હતી.

તેનું પાણી કાળું પડતું જતું હતું. શાંત વહેણ મોજાં બની અસામાન્ય રીતે ઊછળતાં હતાં. પાણીમાંથી ધુમાડા જેવી ઝેરી ગરમ વરાળ ઊઠતી હતી .

કિનારે ચરતી ગાયો અચાનક પાછળ ખસી ગઈ. પક્ષીઓ આકાશમાં ગોળ ગોળ ચક્કર મારીને ચીસો પાડતાં ઉડી પોતાના માળા માં પરત જઈ રહ્યા હતા.

સમગ્ર વ્રજવાસીઓ દોડી આવ્યા.

કોઈએ કંપતા અવાજે કહ્યું...

આપણો કાનુડો યમુનામાં દડો શોધવા ગયો છે અને "કાલીયો...છીંકોટા લે છે!!"

એ એક શબ્દે સમગ્ર વૃંદાવનજનોના હૃદયમાં કારમો ભય ઉતારી દીધો.

ચોમાસે બંને કાંઠે વહેતી યમુનાના  મધ્યમાં, કોઈ વલોણું ગુમાવી રહ્યું હોય, એમ પાણી ભયાનક વમળ લેવા લાગ્યું.

એક વિશાળ કાળી ફેણ ધીમે ધીમે પાણીમાંથી બહાર દેખાઈ આવી .

પછી બીજી .

પછી ત્રીજી ...

અને પછી તો અસંખ્ય નાગ ની ફેણ આકાશ સામે ઊભી થઈ ઝેર ઓકવા લાગી.

દરેક ફેણમાંથી  લીલું ઝેર ટપકતું હતું.

યમુનાના જળમાં કાલી નાગ અને તેની જમાતના દરેક શ્વાસ સાથે પાણી વધુ કાળું બનતું હતું.તેની ગર્જના વરસાદના અવાજને પણ ઢાંકી દેતી હતી.

યમુનાના કિનારે...એક ખૂણે..રાધા એકલી ઊભી હતી.

નભથી વરસતો વરસાદ તેના કેશ વટાવી, કપાળથી સરકી પાણીના બની ટીપાં ગાલ પર આવતા ત્યારે રાધાના આંસુથી, બધા ટીપાં ખારા બની જતા હતાં .

તેના વસ્ત્રો સંપૂર્ણ ભીંજાઈ ગયા હતા,તોફાની પવન છતાં રાધાને પોતાના શરીરનું ભાન નહોતું.

તેની નજર માત્ર યમુનાના જળમાં ઉશ્કેરાયેલા કાલી નાગ અને ઝેરી બનતા પાણી પર હતી.

ભય હતો.ખૂબ દુઃખ હતું .
પણ ભય અને દુઃખ કરતાં પણ વિશાળ એક વિશ્વાસ હતો.તેના હૃદયમાં એક જ નામ ગુંજી રહ્યું હતું.

કૃષ્ણ...

રાધાએ આંખો મીંચી.

તેને યાદ આવ્યું...

વ્રજ માં દરેક વખતે જ્યારે મુશીબતનો અંધકાર આવ્યો , ત્યારે એક કાનો જ સૌ માટે પ્રકાશ બની આવ્યો હતો .

દરેક વખત જ્યારે તેણે સાદ પાડ્યો હતો, ત્યારે કાનો કોઈ ને કોઈ બહાને તેની સામે આવી ઊભો રહ્યો હતો .

તેના હોઠ સહેજ હલ્યા.

"મને ખબર છે...તું જરૂર આવીશ જ .કારણ કે નિર્મળ પ્રેમ ક્યારેય રસ્તો ભૂલતો નથી.પરંતુ ચિંતા તો થાય ને,હું થોડી યુગ નારી છું...?"

ત્યાં ગોકુલમાં...
યશોદા ભાન ભૂલી વરસાદમાં  આમ તેમ દોડતી  હતી. તેના પગ કાદવમાં સરકતા હતા, શ્વાસ ફૂલી ગયો હતો, વાળ ચહેરા પર ચોંટી ગયા હતા.
પણ એક માતાની લાગણી સામે  વરસાદ, કાદવ કે તોફાનનું શું ગજું ?

તેની આંખો માત્ર પોતાના લાડલાને શોધતી હતી.

"કાન્હા...!

કાન્હા...!!"

તેનો અવાજ ગર્જનામાં ફેરવાઈ હવામાં ખોવાઈ જતો હતો.નંદબાબા તેને રોકવાનો વ્યર્થ પ્રયત્ન કરતા.

વૃદ્ધ ગોપો કહેતા,

"મૈયા... યમુના નીરમાં  જવું જોખમ છે."પણ માતાનું હૃદય જોખમ સમજતું નથી.તે માત્ર સંતાન ની કુશળતાં ને જ સમતાં હતા .

વીતે પ્રહરે,યમુનાનું પાણી હવે જાણે ઉકળતું બની ગયું હતું.વરસાદ હજુય સતત વરસી રહ્યો હતો.
કાલીયાની સાત ફેણની ચૌદ આંખો વીજળીના પ્રકાશમાં ચમકી રહી હતી .
તેની દરેક ગર્જના સાથે નદી વધુ ઉગ્ર બનતી હતી.

એ જ સમયે...

સૌને એક અવાજ સંભળાયો.

એ ગર્જના નહોતી.

એ કોઈ બૂમ પણ નહોતી.

એ હતી...

વાંસળીનો સુર....એવો મધુર સ્વર કે વરસાદ વરસવાનું ભૂલી  સાંભળવા થંભી જવા લાગ્યા.

પવનની દિશા અને ગતિ બદલાઈ ગઈ.કદંબનાં પાન ધીમે ધીમે ઝૂમવા લાગ્યાં.

રાધાએ આંખો ખોલી.
તેના ચહેરા પર પહેલીવાર સ્મિત આવ્યું.

દૂર...

યમુના નું નીર ફરી થી આકાશ સુધી ઊછળ્યું.

કાલીયાએ ક્રોધથી ગર્જના કરી.

તેના વિશાળ શરીરે કૃષ્ણને ઘેરી લીધા.
કિનારે ઉભા રહેલા વ્રજવાસીઓની ચીસો નીકળી ગઈ.
યશોદાની આંખો બંધ થઈ ગઈ.
રાધાનો શ્વાસ અટકી ગયો.

એક ક્ષણ માટે આખું વિશ્વ જાણે નિઃશબ્દ બની ગયું.

પછી...

પાણીની અંદરથી એક તેજસ્વી નીલવર્ણ પ્રકાશ ફેલાયો.

કાલીયા નાગની ફેણ એક પછી એક ઉપર ઊઠવા લાગી .

અને પછી...

એ દૃશ્ય દેખાયું, જે યુગો સુધી સૌ ને યાદ રહેશે .

કૃષ્ણ કાલીયાની ફેણ પર ઊભા હતા.
ના...
માત્ર ઊભા નહોતા.
તેઓ નૃત્ય કરી રહ્યા હતા.
વરસતા વરસાદના તાલ પર.
વીજળીના ચમકારા વચ્ચે.
અને વીજળીની ગર્જનાના સંગીત સાથે.

કાના નું દરેક પગલું તેની ફેણ ઉપર પડતાં કાલીયાનો અહંકાર તૂટતો ગયો.
દરેક પગલાંની થાપ સાથે ઝેર ઓસરતું ગયું.કાના ના નૃત્યની દરેક લય સાથે યમુના ફરી જીવંત થવા લાગી.

આ કોઈ યુદ્ધ નહોતું.આ અહંકાર પર કરુણાનો વિજય હતો.
ઝેર પર પ્રેમનો વિજય હતો.
ભય પર વિશ્વાસનો વિજય હતો.
અને મૃત્યુ પર જીવનનો વિજય હતો.
---
ધીમે ધીમે...
કાલીયાની ગર્જના રુદનમાં બદલાઈ.
તેણે,બધી ફેણ નમાવી શરણા ગતિ સ્વીકારી .તેની આંખોમાંથી હવે ક્રોધ ઓગળી ગયો.
તેને લાગ્યું, કે કૃષ્ણના ચરણોમાં પરાજય નહોતો...
તેણે શાશ્વત મુક્તિ હતી.
યમુનાનું પાણી ફરી નિર્મળ થવા લાગ્યું.
કાળા વાદળો ધીમે ધીમે ખસી ગયા.
વરસાદ હવે ધોધમાર નહોતો.
એ જાણે આશીર્વાદ બનીને વરસી રહ્યો હતો.
કૃષ્ણ પાણીમાંથી બહાર આવ્યા.
તેમના વસ્ત્રો ભીના હતા.
વાળમાંથી ટીપાં ટપકી રહ્યા હતા.
પણ ચહેરા પર એ જ શાંત સ્મિત હતું.

રાધા તેમની સામે આવી ઊભી રહી.
એક ક્ષણ માટે બંને વચ્ચે મૌન છવાઈ ગયું.

પછી રાધાએ નારાજ થઇ કહ્યું,

"નટખટ, સૌના જીવનો ખ્યાલ રાખ જરાક ..."

કૃષ્ણે આકાશ તરફ જોયું.

એક ટીપું તેમના હાથ પર પડ્યું.

તેમણે સ્મિત કરીને જવાબ આપ્યો,

રાધે..."પ્રેમ જ્યાં સચ્ચો હોય...
ત્યાં પાછા ફરવા માટે વરસાદ જ સૌથી સુંદર બહાનું બને છે."

એટલામાં યશોદા દોડી આવી.
તેણે ભીના કૃષ્ણને પોતાની છાતી સાથે ભીંસી લીધા.

"ફરી આમ ક્યારેય ન કરતો..."
એટલું જ બોલતા બોલતા, તેના
આંખોમાંથી વરસતા આંસુઓ વરસાદ સાથે ભળી ગયા.

આસપાસ આખું વૃંદાવન જયઘોષથી ગુંજી ઊઠ્યું.

"કાન્હૈયાલાલ કી જય!"

"ગોવિંદ!"

"ગોપાલ!"

વાદળોની ઓથમાંથી સૂર્યનું સ્મિત ફરી ઝળહળી ઊઠ્યું.
યમુનાના નિર્મળ અને શાંત જળમાં કૃષ્ણનું પ્રતિબિંબ ઝગમગતું હતું. 

પ્રકૃતિ જાણે મૌન રહી ગાઈ રહી હતી.

જ્યાં પ્રેમ હોય, ત્યાં ઝેરનું પણ અમૃત બની જાય છે;
જ્યાં કૃષ્ણ હોય, ત્યાં દરેક સંકટ લીલા બની જાય છે;
અને જ્યારે લીલા કૃષ્ણ ની હોય, ત્યાંરે દરેક તોફાન અંતે ઉત્સવ બની જાય છે.



Rate this content
Log in

Similar gujarati story from Drama