ઉપાય
ઉપાય


"કોરોના વાયરસ એક ચેપી વાયરસ છે. એક માનવી થકી અન્ય અનેક માનવીઓ સુધી પહોંચે છે. શારીરિક સ્પર્શ, છીંક અને ખાંસી દ્વારા હવામાં ફેલાય છે. બાળકો, વૃધ્ધો, બીમાર કે યોગ્ય આહાર ન લેનાર દરેક અશક્ત શરીર સામે સીધેસીધો ખતરો છે. સૂકી ખાંસી, શરદી, તાવ, શરીરના દુખાવાથી શરૂ થઇ ફેફ્સાઓ ઉપર સંક્રમણ અને શ્વાસ રૂંધાઇ રૂંધાઇ આખરે મૃત્યુ. આ જીવલેણ વાયરસ સામે લડવા માટે વિશ્વમાં કોઈ દવા હજી ઉપલબ્ધ નથી. " ભયજનક શબ્દો સાંભળી એનું હૈયું થરથરી ઉઠ્યું અને જીવવાની આશ મરી પરવારી જ કે સામે તરફથી સાંત્વના આપવાનો સકારાત્મક પ્રયાસ થયો. " ડરવાની જરૂર નથી. આ ખતરનાક જીવલેણ વાયરસથી બચવાનો ઉપાય છે. " ખુશી અને આનંદની લહેર મનમાં ફરી વળી. આશાવાદી મનમાંથી અધીરો પ્રશ્ન છૂટ્યો. " કેવો ઉપાય ? " ધીરજ અને હાસ્યથી ભરેલો ઉત્તર એ કાન દઈ સાંભળી રહ્યો. " અરે,ખુબજ સરળ. ઘરમાંજ રહો. સુરક્ષિત રહો. " ઉત્તર આપ્યા પછી ઉત્તર આપનાર વ્યક્તિ વિશ્વાસ સભર ડગલે પોતાના ઘર તરફ વળ્યો. પણ એ જાતે ત્યાંજ ઊભો રહી ગયો અને હજી પણ થથરતા હૈયા જોડે ત્યાંજ ઊભો છે. મનોમન વિચારે છે, ' કાશ મારુ પણ એક ઘર હોત.... '