Mariyam Dhupli

Others Inspirational

3  

Mariyam Dhupli

Others Inspirational

ઉકેલ

ઉકેલ

2 mins
496


લાંબા સમયથી રોશનને પજવી રહેલ સમસ્યાનો આખરે અંત આવ્યો ખરો. જે ઘણા દિવસોથી તદ્દન મુશ્કેલ અને અત્યંત અઘરું લાગી રહ્યું હતું એ હવે કેટલું સહેલું અને સરળ બની ચૂક્યું હતું. જાણે કે એક રમત સમું. 


છઠ્ઠા ધોરણના પાઠ્યપુસ્તકનું ગણિત આમ તો એ મન લગાવી શીખતો. ભણવામાં પણ ઘણો હોંશિયાર અને મહેનતુ વિદ્યાર્થી. બીજા બધા વિષયમાં તો એ બધુજ જ્ઞાન સરળતાથી ગ્રહણ કરી લેતો. પરંતુ ગણિત જરા પજવતું. આમ તો વર્ગમાં એ ખુબજ નિષ્ઠાપૂર્વક કામ કરતો અને સક્રિયપણે શિક્ષક ઉપર ધ્યાન કેન્દ્રિત કરતો અન્ય વિષયોની જેમજ.  પણ ખબર નહીં કેમ ગણિતના વિષયમાં એ જાણે પૂરતું ન હતું. કેટલાક દાખલાઓમાં જયારે એ ગૂંચવાઈ પડતો ત્યારે અચૂક ગણિતના વિષય-શિક્ષક પાસે માર્ગદર્શન માંગતો. બ્લેક બોર્ડ ઉપર જવાબની પદ્ધતિ નિષ્ક્રિય રીતે ઉતારી કુરશી ઉપર ગોઠવાઈ જતા ગણિતના અધ્યાપક નવનીત સાહેબ કોઈ ને કોઈ બહાને જવાબ ટાળી જતા. "અત્યારે આ પદ્ધતિ પુસ્તકમાં ઉતારી લે. પછી હું નિરાંતે સમજાવીશ." પણ એ ' નિરાંત ' ક્યારેય આવતી નહીં. 


ઘરકામમાં ભેગી થતી ગૂંચવણો કે મુશ્કેલીઓની યાદી બનાવી રોશન પુસ્તકના એક ખૂણે નોંધી રાખતો. બીજે દિવસે જયારે એ પુસ્તક નવનીત સાહેબ સામે સમસ્યાના ઉકેલ હેતુ આવતું, ત્યારે "હમણાં નહીં, પછી" એ જ ટૂંકો ને ટચ ઉત્તર દર વખત જેમ પુનરાવર્તિત થતો. 


કેટલાક કઠિન પાઠ તો સાહેબ રીતસર જંપલાવી આગળના પાઠ ઉપર પહોંચી જતા. "આ પાઠ પછી કરીશું." પણ એ પછીનો અર્થ 'કદી નહીં' એ રોશન સારી પેઠે સમજી જતો. સાહેબનું વલણ એના ધગશી અને મહેનતુ હય્યાને દર વખતે નિરાશા અને નિરુત્સાહમાં ધકેલી દેતું. સાહેબ ગણિતના સહેલા પાઠનેજ વર્ગમાં શા માટે મહત્વ આપે છે ? અઘરા દાખલાઓની પદ્ધતિ શા માટે વિસ્તારમાં નથી દર્શાવતા ? શા માટે મુશ્કેલ પાઠ પર કૂદકો મરાવે છે ? શું સાહેબને પણ એ દાખલાઓ પજવે છે ? એમને પણ મારી જેમ નથી આવડતું ? રોશનનું બાળમાનસ જાતજાતના વિચારો કરતું. 


પણ હવે એ દરેક વિચારો એના બાળમનમાંથી સંપૂર્ણ ભૂંસાય ગયા છે. હવે ગણિતનો વિષય પણ એનો પ્રિય વિષય બની ગયો છે. હવે દરેક ગૂંચવણને સહેલાઈથી વિસ્તારપૂર્વક માર્ગદર્શન મળી જાય છે. વર્ગખંડમાં જંપલાવવામાં આવેલા પાઠ ભણવાનો અને સમજવાનો મોકો એને પણ મળે છે. ઘરકામ સમયે ભેગી થતી અને પુસ્તકને ખૂણે નોંધાયેલી એની મુશ્કેલીઓનો ઉકેલ પણ સરળતાથી એને દર્શાવવામાં આવે છે. હવે  'પછી' કે 'નિરાંતે' વાળા બહાનાઓ એને નિરુત્સાહ કે નિરાશા તરફ જરાયે ધકેલતા નથી. ગણિતના વિષયમાં પણ અન્ય વિષય જેટલોજ ઉત્સાહ હવે રોશન અનુભવે છે. 


કારણકે પાંચમા ધોરણ સુધી જાતમહેનતે આગળ વધેલ રોશન જીવનમાં પહેલી વાર હવે પ્રાઇવેટ ટ્યુશન જાય છે. નવનીત સાહેબ પાસે. 


Rate this content
Log in