ઉઘાડી બારી
ઉઘાડી બારી


નીશીતા આજે બારીની સામે ઉભા રહીને ભુતકાળને યાદ કરી રહી હતી. આજે, બારીની બહાર સામેના રસ્તાની ફુટપાથ ઉપર ઉભા ઉભા જતીન ઇશારા કરતો અને નીશીતા પણ હરખઘેલી એને જોવા તલપાપડ આમથી તેમ આંટા મારતી અને બારી પાસે ઉભી રહેતી ક્યારે જતીન આવશે ?
એ આવે અને નીશીતાના મનનો મોરલો નાચી ઉઠતો. એ પણ મને બારીમાં આવતા વાર લાગે તો આકુળ વ્યાકુળ થઇ જતો અને મને જોતાં જ થનગની ઉઠતો. આવો તો અમારો પ્રેમ હતો નીસાસો નંખાઇ ગયો નીશીતા થી. કેવા દિવસો હતા એ પહેલાંના આહા... અને આજે હું એજ બારીમાં ઉભા ઉભા જતીનની વાટ જોઉં છું અને રાતના બાર વાગ્યા પછી લાટ સાહેબ લથડીયા ખાતા ખાતા દારુ પીને ઘરે આવે છે. શું થયું, કેમ થયું, કાંઈ જ ખબર પડતી નથી? આજે અમારા લગ્નની વર્ષગાંઠ હતી આજે અમારા લગ્નના પચીસ વર્ષ પૂરા થતાં હતાં. આજે તો મને જતીન પણ ખુશ લાગતો હતો. મને કહી ને ગયો હતો કે હું વહેલો આવી જઈશ પછી આપણે બહાર જમવા જઈશું અને પીક્ચર જોઈ તને ભાવતું ચોકલેટ આઇસક્રીમ ખાઈને ઘરે આવીશું અને હું પણ એની વાતમાં આવી સાંજે સરસ મજાની તૈયાર થઈને જતીનની વાટ જોતી રહી. બારી પાસે વારેઘડીયે ડોકાશીયું કરતી કે હમણા આવવો જ જોઈએ મને કહી ને ગયો છે.બવાટ જોઈને થાકી સોફા ઉપર લંબાવ્યું. મન વિચારે ચઢી ગયું. આ પચ્ચીસ વર્ષમાં પહેલાંના દસ વરસ બહુ જ સરસ રીતે પસાર થયાં. બે બાળકો થયા દીકરો અને દીકરી. દીકરો શાન અને દીકરી પુજા બેઉ ભણવામાં હોશિયાર અવ્વલ પહેલો નંબર જ આવે. એટલે નાનપણથી જ અમેરીકા મારા ભાઈના ઘરે જ ભણવા માટે ગયા એટલે હું ને જતીન એકલા રહી ગયા.
મારા પિયરીયા આ મારી બારીવાળી જગ્યા મને સોંપતા ગયા એટલે જતીન પોતાની જગ્યા ભાડેથી આપી. અમે અહીંયા રહેવા આવી ગયા. મોકાની જગ્યા અને અમારા પ્રેમ ની નીશાની આ બારી, શરુઆતમાં તો જતીન મારો પડ્યો બોલ ઝીલે મને નાટક, સીનેમા જોવા બહુ જ ગમતા એટલે દર બે દિવસે ટીકીટ લઈને જ આવે. સંસાર અમારો હર્યોભર્યો હતો. પણ કહેવાય છે ને કે " એક સરખા દિવસ કોઈના સુખના જાતા નથી " કોણ જાણે કોની નજર લાગી ગઈ! જતીન દારુની લતે ચડી ગયો. જતીનનો ફ્રેન્ડ મુકેશ, બેઉ ઓફીસમાં એક જ કેબીનમાં બેસે એટલે દોસ્તી ગાઢ થઈ ગઈ. ઓફીસમાં જમવાનું પણ સાથે, ઓફીસથી છુટીને બેઉ જણા થોડો ટાઇમપાસ કરીને ઘરે આવે. મુકેશને પીવાની આદત એની ખબર જતીન મને આપતો અને કહેતો આ મુકેશ જોને મને પરાણે દારુ પીવા સાથે લઈ જાય, પણ હું કાંઈ એને મચક આપું એવો નથી. એ ગમે એટલો આગ્રહ કરે પણ, ત્યાં તો મારાથી બોલી જવાયું એવા લોકોની દોસ્તી સારી નહીં આપણને પણ ધંધે ક્યારે લગાડી દે એની ખબર ન પડે. જતીને મને બાહુમાં જકડીને કીધું,'ડાર્લિંગ તું ચિંતા નહી કર હું કોઈની વાતમાં આવું એવો નથી!'
અને..
ધીરે ધીરે એ ક્યારે દારુના સકંજામ
ા આવી ગયો એની ખબર પણ ન પડી. હવે તો રોજનું થઈ ગયું. રોજ મને વાયદો આપે અને રોજ પીને આવે અને આજે તો હદ થઈ ગઈ લગ્નની વર્ષગાંઠે પણ ? હું સોફામાં આડી પડીને આ બધું વિચારતી હતી ત્યાં તો ડોરબેલ રણકી. મને થયું હાશ જતીન આવ્યો. દરવાજો ખોલ્યો તો સામે બાળકો ઉભા હતાં. મારા બાળકોને જોઈને મારી આંખમાંથી દડદડ આંસુ નીકળવા લાગ્યા. મારી સહનશક્તિ ખલાસ થઈ ગઈ. મારા બાળકોને જોઈને જે હવે મોટા થઈ ગયા હતાં અને બધુ જ સમજતા હતાં. મને સોફામાં બેસાડીને મારી પૂજા રસોડામાંથી પાણી લઈ. આવી મેં પાણી પીધુ, મનને શાંત કરીને રસોડામાં રસોઈની તૈયારી કરવા ગઈ. ત્યાં તો દીકરો શાન મને કહે,'મમ્મી આજે તમારી લગ્નની વર્ષગાંઠ છે પપ્પા ભલે ન આવે, આપણે ત્રણે મળીને સેલીબ્રેટ કરીશું.. કમઓન મોમ.."
હું પણ થોડી હળવી થઈ તૈયાર થઈને અમે નીકળ્યા. નીચે ઉતર્યા ત્યાં તો સામેથી જતીન ગાડીમાંથી ઉતર્યો. લથડીયા ખાતો મને બાળકો સાથે જોઈ શાન અને પુજા ને જોઈને છોભીલો પડી ગયો. નજર ન મેળવી શક્યો બાળકોની સાથે. ઘરનો દાદરો ચડી ગયો. અમે જમીને ઘરે આવ્યા ત્યાં તો એ ઘસઘસાટ સુઇ ગયો હતો. મોડે સુધી બચ્ચાઓ સાથે વાતો કરી, એમણે તાગ મેળવી લીધો કે પપ્પાને બગાડનાર મુકેશ અંકલ જ છે બેઉ જણાએ સવારે પપ્પાને સામે બેસાડીને પ્રેમપૂર્વક વાતો કરી. જરા સરખો પણ અણસાર ન આવવા દીધો કે એમને બધી જ ખબર છે. અને પછી તો શાન એના પપ્પાની ઓફીસે જઈને રીઝાઇન ઓર્ડર લઈ આવ્યો અને જતીનને કીધું,'હવે તમારે જોબ કરવાની જરુર નથી. હું સારું કમાઉં છું. તમે હવે મમ્મી સાથે જ્યાં ફરવા જવું હોય ત્યાં જાવ. અમે તમારા બેઉની કાશ્મીરની ટુર, હીના ટુરમાં ગોઠવી છે અને કાલે જ તમારે નીકળવાનું છે. જતીનને કોઈ મોકો ન મળ્યો મુકેશને મળવાનો.
બીજે દીવસે સવારે અમે નીકળી ગયા કાશ્મીર જવા. મેં એને સોગંદ આપ્યા દારુ ન પીવા માટે અને એની કંપની પણ ન હતી એટલે એ પણ એન્જોય કરતો હતો મારી સાથે. એને પણ લાગ્યું કે જાણે કેટલા વખતે ફરવા આવ્યો છે. કાશ્મીરનો સુંદર નજારો, બરફનો આછોઆછો વરસાદ, મનને તરબતર કરી નાખ્યું. એક એનર્જી મળી ગઈ. જતીનને મેં કેટલા વખતે હળવોફુલ જોયો. મારી સાથે ખુલ્લા દીલે વાત કરી કે હવે કોઈ દિવસ દારુને હાથ પણ નહી લગાડે. જેણે જીવન ઝેર કરી નાખ્યુ હતું. તું પણ મારી વગર કેટલી એકલી પડી ગઈ હતી હવે તને કોઇ દીવસ હેરાન નહી કરુ એની આંખ મા આસુ આવી ગયા એના પશ્ચાતાપ ના આસુ મારો દુપટ્ટા ને ભીંજવી રહ્યો હતો મે પણ એને માફ કરી દીધો હરીફરી ને ઘરે આવ્યા. નોકરી તો હતી નહીં એટલે આખો દિવસ ઘરમાં રહેતો અને અમે પણ એને બહાર જવાનો મોકો નહોતા આપતા. ધીરેધીરે એનું વ્યસન છુટી ગયું. અમે પાછા બારીમાં એકબીજાને ઈશારા કરી પહેલાંની વાતો યાદ કરતાં અને અમે બેઉ બાળકોનો આભાર માનતા રહ્યા જે અમારી ઉઘાડી બારી બનીને આવ્યા હતા.