બહેનપણી
બહેનપણી
મારી બહેનપણી માયા અને હું. મારું નામ ઇલા. અમે બન્ને બહેનપણીઓ જ્યાં જઇએ ત્યાં સાથે ને સાથે. અમે બેઉં એક જ નાતના એટલે ઘરમાં માતા પિતાને પણ સાથે રહીયે તો વાંધો નહીં. કોલેજમાં પણ સાથે આડોશીપાડોશી મજાકમાં કહેતાં કે આ બેઉંને એક જ ઘરમાં પરણાવજો. અમે બેઉં હસી પડતાં. હું કહેતી કે માયા આપણે એક ઘર નહીં પણ આડોશીપાડોશીની સાથે લગ્ન કરવા. એક ઓસરીયે રહેવાનું. આવી ઘેલસપ્પી વાતો કરતાં અને માયાના લગ્ન થયાં અને એ સાસરે જતી રહી. હું રડી રડીને અડધી થઇ. એને તો જાણે મારી ફીકર જ નહીં. એ એની સાસરીમાં ગૂંચવાઇ ગઇ મોટુ ફેમીલી એટલે આખો દીવસ કામ હોય. હવે હુ પણ એના વીના જીવતા શીખી ગઇ. મારી પણ સગાઇ થઇ એને બોલાવી પણ માયા નઆવી શકી.મારા લગ્ન નકકી થયા. હું એના ઘરે કંકોત્રી આપવા ગઇ તો એ મને ન મળી. મેં એને ફોન કર્યો.
ઇલાઃ ઓ સખી ક્યાં ગઇ’તી? ઓ સખી ક્યાં ગઇ’તી?
માયાઃ ઓ સખી ગઈ'તી, હું હરવા ને ફરવા.
ઇલાઃ ઓસખી ક્યાં ગઇ’તી? ઓ સખી ક્યાં ગઇ’તી?
માયાઃ ઓ સખી ગઇ’તી હું, પરણેતરની સંગે.
ઇલાઃ ઓ સખી કયાં ગઇ’તી? ઓ સખી ક્યાં ગઇ’તી?
માયાઃ ઓ સખી ગઇ’તી હું, બાળુડાંની સંગે સંગે.
ઇલાઃ ઓ સખી ક્યાં ગઇ’તી? ઓ સખી ક્યાં ગઇ’તી?
માયાઃ ઓ સખી ગઇ’તી હું, બાળ મંદિરીયે.
ઇલાઃ ઓ સખી ક્યાં ગઇ’તી? ઓ સખી ક્યાં ગઇ’તી?
માયાઃ ઓ સખી ગઇ’તી હું,બાળુડાંની શાળાએ.
ઇલાઃ ઓ સખી ક્યાં ગઇ’તી? ઓ સખી ક્યાં ગઇ’તી?
માયાઃ ઓ સખી ગઇ’તી હું, બાળુડાંની કોલેજમાં.
ઇલાઃ ઓ સખી ક્યાં ગઇ’તી? ઓ સખી ક્યાં ગઇ’તી?
માયાઃ ઓ સખી ગઇ’તી હું, મેરેજ બ્યુરોમાં.
ઇલાઃ ઓ સખી ક્યાં ગઇ’તી? ઓ સખી ક્યાં ગઇ’તી?
માયાઃ ઓ સખી ગઇ’તી હું, વેવાઇઓની સંગે.
ઇલાઃ ઓ સખી હું આવું. ઓ સખી હું આવું.
માયાઃ ઓ સખી હું તો છું, પારકા પરદેશમાં.
ઇલાઃ ઓ સખી ક્યાંરે મળીશું, સખી ક્યારે મળીશું?
માયાઃઓ સખી મળીશું, આવતા જનમમાં.
ઓ સખી મળીશું, આવતા ભવમાં.
આમને આમ જિંદગી વહી જાય છે પહેલાં વરની સાથે પછી ઘરની સાથે પછી બાળકોની સાથે પછી યુવાન દીકરા દીકરી સાથે પછી પરણાવવામાં આખી જિંદગી વહી જાય છે અને બાળપણની બહેનપણીઓ આખી જિંદગી મળી શકતી નથી. હવે આજે અમે ફ્રી થઇ ગયા છીએ. પંચાવન વર્ષે આજે અમે એ દિવસો યાદ કરીએ છીએ. યુવાનીમાં કેવી કેવી મજા કરી હતી. આજે એ વાતો મમળાવીને મીઠી મજા માણીએ છીએ.
