Mariyam Dhupli

Inspirational Others

3  

Mariyam Dhupli

Inspirational Others

ઉછેર

ઉછેર

10 mins
6.6K


આ શહેરમાં આજે કેટલા વર્ષો પછી દિવાળીના દિપક નિહાળ્યા. ઘણા વર્ષો પછી આ શહેરમાં નવું વર્ષ ઉજવ્યું. કશુંજ બદલાયું નથી, બધુજ પૂર્વવત છે. સાચેજ કશુંજ બદલાતું હોય છે ? બધુજ બદલાઈ જાય છતાં બધું એનું એ જ તો રહેતું હોય છે. જીવન સદા એકસમાન જ રહેતું હોય છે. એમાં પરિવર્તનો કદી નથી આવતા. પરિવર્તનતો ફક્ત જીવનને નિહાળવાની માનવીની દ્રષ્ટિમાં અને જીવન અંગેના એના અભિગમોમાં જ આવે છે. બધુંજ વ્યક્તિગત, વિષયગત માનવ અનુભવો પર આધારિત હોય છે.

તેથીજ કદાચ એકજ સૃષ્ટિનો ભાગ હોવા છતાં કેટલાક માનવીઓ માને છે કે સૃષ્ટિ સ્વર્ગ છે જયારે કેટલાક માને છે કે સૃષ્ટિ નર્ક છે, કોઈના માટે ઉજાણીનું સ્થળ તો કોઈના માટે સજા ભોગવવાનું કેદખાનું. પણ મારા માટે તો એ ફક્ત અનુભવો આપતી શાળા છે, જ્યાં આજીવન શિખતાંજ રહેવાનું છે. આ ભણતરનો કોઈ અંત નથી. ભણતર સમાપ્ત એટલે બધુંજ સમાપ્ત. અને આ ભણતર વળી શાળાના ભણતર જેટલું મર્યાદિત અને સંકુચિત થોડું. મોટામાં મોટી ડિગ્રી કે સર્ટિફિકેટ મેળવ્યા પછી સાચા માનવજીવનનો આમનો સામનો થાય અને જીવનની ચકડોળ ફરવાની શરૂ થાય ત્યારે એટલુંજ કહેવાનું મન થઇ ઉઠે :

" જીવનભર બેસી રહ્યો શાળાની પાટલી ઉપર,

શિક્ષણ બહાર ઉભું મારી રાહ જોતું રહ્યું."

મારા અને અનિતાના જીવનનું સાચું શિક્ષણ પણ લગ્ન પછીજ તો શરૂ થયું. પોતપોતાના વ્યવસાયમાં વ્યવસાયિક નિપુર્ણતા અને આવકના ઊંચા આંકડાઓ મેળવી જીવન જાણે અમારા ખિસ્સાઓમાંજ તો હતું. હોંશયારી, જીવનને માથાથી પગ સુધી જાણતા હોવાની કેવી ભ્રમણાઓમાં અમે રાચી રહ્યા હતા ! બધીજ ડિગ્રીઓ ઘરની દીવાલો ઉપર લાવી મઢી દીધી હતી. જ્ઞાનનું દરેક સોપાન સર કરી લીધું હતું. હવે એમાં કશું ઉમેરવા માટે કોઈ અવકાશજ ન હતો. એવી મનને પાક્કી ખાતરી થઇ ચુકી હતી અને એજ સમયે જીવને પોતાના અભ્યાસક્રમનું પહેલું પાનું અમારી આગળ ઉઘાડું મૂક્યું.

બે વર્ષનો અમારો કનક કદી બોલી શકશે નહીં, અન્ય બાળકો જેમ અમારી વાતોને સમજી શકશે નહીં, પોતાના વિચારો કે લાગણીઓને સમજી એને યોગ્ય સામાજિક વ્યવહારમાં ઢાળી શકશે નહીં. તબીબે તારવેલા બધાજ પરિણામો એ અમારી વિચારશક્તિ અને જીવનસ્વપ્નોને મૂળમાંથી ઉખાડી મુક્યા. જીવનનું અણધાર્યું રૂપ આંખો આગળ એક ભયાનક કોયડા સમું ઉભું રહી ગયું. એક નાનકડા ટાઉનમાંથી સફળતાનાં આસમાન સર કરવા અને ઊંચી ગુણવત્તાયુક્ત જીવનશૈલી રચવા મહાનગરીમાં ધસી આવેલ બે પંખીઓ જાણે વીંધાયેલી પાંખો જોડે જમીન ઉપર આવી પછડાયા હતા. ભવિષ્યની ચિંતાઓ વર્તમાનનું ગળું ભીંસી રહી હતી. મારા અને અનિતા આગળ બે સ્પષ્ટ વિકલ્પ હતા. ક્યાંતો ડિપ્રેશન અને તાણમાં ડૂબી જીવન ટૂંકાવી લઈએ ક્યાંતો જીવી જવાનો એક બહાદુર પ્રયાસ અજમાવી જોઈએ.

બીજો વિકલ્પ તદ્દન કપરો હતો. છતાં એમાં થોડીઘણી આશાની શક્યતા હતી. જોકે એ વિકલ્પ ઘણા બધા ત્યાગની યાદી લઇ ઉભો હતો. પરંતુ કનક માટે મારી અને અનિતાની સર્વસ્વ ત્યાગવાની પણ માનસિક તૈયારી હતી. કનકનાં વિકાસ માટે પ્રાકૃત્તિક આબોહવા અને શાંત વાતાવરણ સુંદર અસર ઉપજાવી શકે છે એ તબીબી સલાહને અનુસરતા મહાનગરીમાંથી બધું પડતું મૂકી, આર્થિક દોડની સ્પર્ધા પાછળ છોડી અમે ફરીથી હોમટાઉન પરત થઇ ગયા. આવકના આંકડાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો. પરંતુ કનકનાં વિકાસ અને ઉછેરમાં હકારાત્મક સુધારો થયો.

પ્રકૃત્તિની ગોદમાં, યાંત્રિકતાથી દૂર, સંબંધોની હૂંફ વચ્ચે આખરે છ વર્ષના સંઘર્ષ પછી કનકે આઠ વર્ષની આયુમાં પોતાના સર્વપ્રથમ શબ્દો ઉચ્ચાર્યા. જોકે એની પરિસ્થિતિમાં કાયમી ઈલાજની કોઈ સંભાવના તો નજ હતી. હું અને અનિતા એ સારી રીતે સમજી ચુક્યા હતા. છતાં એક વાલી તરીકે અમારા બન્ને તરફથી અમે એને માટે મહત્તમ કરી છૂટવા તૈયાર હતા. અનિતાએ નોકરી છોડી ઘરેજ કનકની દેખભાળનો નિર્ણય લીધો. જુદી જુદી તબીબી સારવારો, સ્પીચ થેરપી અને પ્રેક્ટિકલ થેરપી દ્વારા કનક ધીરે ધીરે નાની નાની સ્વનિર્ભરતા ગ્રહણ કરવા લાગ્યો. જોકે એ અતિસુક્ષ્મ બાબતો એને માટે ખુબજ મોટી ઉપલબ્ધી હતી. અમારા પરસેવા અને ધૈર્યનું મીઠું હકારાત્મક ફળ. સાચો વિકાસ ફક્ત કાગળ ઉપર આંકડાઓ સ્વરૂપે જ તારવી

શકાતો નથી.

એકવાર આવાજ સંઘર્ષમય દિવસો દરમ્યાન હું ઓફિસેથી ઘરે પરત થયો. અનિતા ખુબજ ખુશ હતી. મારો હાથ પકડી એ મને કનકનાં ઓરડામાં લઇ ગઈ. નિહાળેલ દ્રશ્ય ઉપર વિશ્વાસ કઈ રીતે થાય ? કનકે એક ચિત્ર તૈયાર કર્યું હતું. એ ચિત્ર કોઈ સાધારણ ચિત્ર ન હતું. કોઈ વ્યવસાયિક ચિત્રકારે દોરેલી પેઇન્ટિંગ જેવું આબેહૂબ. પણ એ કઈ રીતે શક્ય હોય ? હું અને અનિતા મંત્રમુગ્ધ હતા. આજ પહેલા કદી કનકે કોઈને પેન્ટિંગ કરતા નિહાળ્યું ન હતું. ન કદી કોઈ તાલીમ લીધી હતી. કનકની થેરપી તબીબે અમને જણાવ્યું કે એવું શક્ય છે. કનકને જન્મજાત નિયતિએ આ ભેટ આપી છે. આવું ખુબજ નહિવત બનતું હોય છે. કેટલાક બાળકો જે અન્ય ઇન્દ્રિયોથી જ્ઞાન ગ્રહણ કરી શકતા નથી એમને ક્યારેક આવા જન્મજાત હુનર પ્રકૃત્તિ તરફથી ભેટ મળતા હોય છે. કનક પણ એ નહિવત લોકોની યાદીમાં સમાવેશ પામ્યો છે. હીઝ ગિફ્ટેડ.

ત્યાર પછીતો કનકને એના ગમતા ક્ષેત્રમાં ખુશ અને વ્યસ્ત રાખવા અમે ડ્રોઈંગ, શેડિંગ અને પેઇન્ટિંગને લગતી દરેક સામગ્રીથી ઘર ભરી મૂક્યું. કનક ખુબજ ખુશ હતો અને અમે એનાથી પણ વધુ. કનક પોતાના વિચારોને શબ્દો અને યોગ્ય વર્તનનું, વ્યવહારનું સ્વરૂપ આપી શકવા સમર્થ ન હતો. પણ એનું દરેક પેઇન્ટિંગ, દરેક ચિત્ર એની ભાષા, એના શબ્દો, એના વિચારો, એના મનોમન્થનનો ઊંડો અરીસો બની રહેતું. એના આ જીવન અરીસાને અમે ઘરની સીમિત દીવાલોથી આગળ આર્ટગેલેરીની દીવાલો સુધી પહોંચાડ્યો. કદી સ્વપ્ને વિચાર્યું ન હતું કે અમારો કનક તરુણ ઉંમરેજ વ્યવસાયીક જગતમાં પોતાનું નામ રોશન કરશે. આર્થિક સ્વનિર્ભરતા તરફ પણ જાણ્યે અજાણ્યે પોતાના ડગ સફળતાથી માંડશે.

પણ એ શક્ય બન્યું. કદાચ એટલેજ કે અમે કનકનો અમારા જીવનમાં ગર્વથી સ્વીકાર કર્યો હતો, એ જેવો હતો તદ્દન એજ સ્વરૂપમાં. હા, અમારો કનક ભિન્ન હતો, તદ્દન જુદો હતો, જે રીતે આપણે બધા પણ એકબીજાથી.

ના કદી અમે કનક માટે શરમ અનુભવી. અનુભવ્યો તો ફક્ત અને ફક્ત વ્હાલ, ગર્વ અને શરત વિનાનો પ્રેમ. એને બધુજ આપવું હતું પણ પરત મેળવવાની અપેક્ષા વિના. કદી અમે એની સરખામણી સામાન્ય બાળકો જોડે કરીજ નહીં. અનિતાના શબ્દોમાં કહું તો સૂર્ય, ચન્દ્ર અને તારા બધાજ ચમકે છે. પણ દરેકના ચમકવાના સમય અને સ્વરૂપ તદ્દન ભિન્ન હોય છે.

આ સમગ્ર યાત્રા દરમ્યાન સામાજિક જીવનના પડકારોનો સામનો કરવો એજ સૌથી મોટો પડકાર હતો. જન્મ, શિક્ષણ, શાળા, કોલેજ, યુનિવર્સીટી, એક પછી એક શૈક્ષણિક હરીફાઈઓ, અતિ તુલનાત્મક પરિણામો, માર્ક્સના નામે આંકડાઓની માનસિક તાણયુક્ત ખેંચતાણો, પ્રવેશ અંગેની યાંત્રિકતા ભરી સ્પર્ધાઓ, ઘેંટાઓ જેવું વિદ્યાર્થી જીવન, નોકરી મેળવવાની પડાપડી, નૈતિક -અનૈતિક ઇન્ટરવ્યૂ, યંત્રો જેમ કલાકોની નોકરી...અને આટલું લોહી વહાવ્યા પછી પણ મનમાં સંતોષ અને શાંતિની જગ્યાએ સતત વધતી રહેતી તાણ, ચિંતા અને અનિંદ્રા. આ બધામાંથી હું અને અનિતા પસાર થઇ ચુક્યા હતા. પણ સદ્દભાગ્યે અમારા કનકને આ બધામાંથી પસાર ન થવું પડ્યું. જીવનમાંથી એણે શી અપેક્ષા રાખવી એ અંગે એના સ્વતંત્ર માનસિક જીવનમાં કોઈ નિયમો ન હતા. એણે જાતેજ જીવનમાંથી પોતાની અપેક્ષા મુજબની, પોતાના માનસિક જગતને અનુરૂપ, પોતાની ખુશીઓ જોડે આબેહૂબ બંધબેસતી પ્રવૃત્તિને હસતા હસતા સ્વીકારી લીધી હતી. એ સ્વીકાર પણ ક્યાં હતો? ફક્ત એક સહજ પ્રાકૃત્તિક પ્રક્રિયા જ તો હતી.

આજે વર્ષો પછી જુના મિત્રો અને સહકાર્યકરો જોડે જયારે નવું વર્ષ ઉજવ્યું ત્યારે એ દરેક મુલાકાતો વખતે મનના કોઈ નાના ખુણામાં પણ ઈર્ષ્યા કે સરખામણીના ભાવો ન હતા. હા, મારા અને અનિતાના જીવનનું સ્વરૂપ અને આકાર એ દરેક જિંદગીઓ કરતા નોખા અને જુદા જરૂર દેખાતા હતા. પરંતુ શું દરેક માનવજીવન આબેહૂબ એકબીજાની નકલ હોવું ફરજીયાત છે ? શું દરેક માનવજીવનની ભિન્ન પરિસ્થિતિઓ અને ભિન્ન નિયતીઓ અનુરૂપ એકબીજાથી જુદા પડવાનો આપણને અધિકાર નથી ?

મારા અને અનિતાના જીવન ધ્યેયો હવે તદ્દન જુદા હતા. કનક ને સ્વનિર્ભરતા ગ્રહણ કરવામાં એની પડખે ઉભા રહેવું એ અમારી પ્રાથમિક જરૂરિયાત હતી. એ માટે અમારા મિત્રો અને સહકાર્યકરો જોડેની વ્યવસાયિક સ્પર્ધાઓમાંથી અમે વર્ષો પહેલા રાજીખુશી બહાર નીકળી ગયા હતા. પણ આજે એ નિર્ણય અંગે હૃદયમાં સહેજે પસ્તાવો ન હતો. અમારી પાસે ઊંચી આવકવાળી નોકરીઓ ન હતી. કોઈ બ્રાન્ડેડ કાર ન હતી. વૈભવશાળી મકાન ન હતું. બહુ મોંઘુ રાચરચીલું ન હતું. થોડા વર્ષો પહેલા જે દરેક બાબત પ્રાથમિક અનિવાર્યતાની યાદીમાં હતી આજે એ દરેક બાબત જેના વિના આરામથી જીવન પસાર થઇ શકે એવી ઈચ્છઓની યાદીમાં સ્થળાંતર પામી ચુકી હતી.

પરંતુ મનમાં કોઈ નિસાસો ન હતો. હૈયામાં તાણ અને ચિંતાઓ ન હતી. જીવને જે કઈ આપ્યું હતું એનો અનેરો સંતોષ હતો. એકબીજા પ્રત્યે પરસ્પર સમજદારીની અને નિસ્વાર્થ સ્નેહની હૂંફ હતી. ન કોઈ સ્પર્ધાઓમાં ભાગ લેવાનો હતો, ન કોઈ નકામી હરીફાઈઓમાં સમય અને જિંદગી ઢસડવાની હતી. ઇન્ટનેટની માયા જાળ, ફેસબુકની અપડેટ, ટ્વીટરનો ત્રાસ, વ્હોટ્સેપની બિનજરૂરી ઔપચારિક્તાઓના સ્પર્શ વિનાનું સીધું, સાદું પણ ખુશીઓ ભર્યું અમારું જીવન હતું. અમારા કનકે અમારા જીવનને યાંત્રિકતાના મૂળમાંથી ઉખાડી પ્રકૃત્તિ જોડે ફરી સ્થાપિત કરી દીધું હતું, એ બદલ હું અને અનિતા આજીવન એના આભારી રહીશું.

દરેક મિત્રો અને સહકાર્યકરોની યાદી અમે એક પછી એક પૂર્ણ કરી. બધાને નવા વર્ષની વધામણી અને શુભેચ્છાઓ પાઠવી. એટલીજ શુભેચ્છઓ સાથે લઈ જવા ભેગી પણ કરી લીધી. એકમાત્ર પ્રયાગ અને સંધ્યાની મુલાકાત બાકી હતી. અમારા એ જુના પાડોશીઓને મળી, સાંજની ટ્રેન લઇ ઘરે પરત થવાના અમારી મુસાફરીના અંતિમ પડાવ ઉપર અમે પહોંચી ચુક્યા હતા. પ્રયાગ અને સંધ્યાને વર્ષો પછી નિહાળવા અમે અત્યંત ઉત્સાહિત હતા. પાડોશી કરતા બન્ને અમારા મિત્રો વધુ હતા. ઉંમરની સમાનતા, એ સમય અનુરૂપ સ્વપ્નોની સમાનતા એ મિત્રતાના મૂળ હતા. આ મૂળ વધુ સશક્ત ત્યારે થયા જયારે બન્ને પરિવારમાં એકજ સમયે, એક અઠવાડીયાના જ અંતરે બે નવજાત બાળકોએ એકસાથે પ્રવેશ કર્યો. પ્રયાગ અને સંધ્યાના દીકરા અને કનકની આયુ વચ્ચે આમતો ફક્ત એકજ અઠવાડિયાનો તફાવત હતો. પણ બન્નેના વિકાસમાં ધરતી અને આભ જેટલો તફાવત હતો. પ્રયાગ અને સંધ્યાનું બાળક દરેક નિયમિત તબીબી તપાસ સફળતાથી પાર પાડતું ગયું. શરીરનું વજન, પીસાનીનો ઘેરાવો, આંખોના આઘાત પ્રત્યાઘાત, દ્રષ્ટિ, શ્રવણ શક્તિ, શ્બ્દોચ્ચારણ બધુજ સંપૂર્ણ. દરેક રીતથી એક તંદુરસ્ત હૃષ્ટ પૃષ્ટ સુંદર વિકાસ સાધી રહેલું બાળક. આ સુંદર વિકાસના સાક્ષી થવાનું કદાચ બેજ વર્ષ માટે ભાગ્યમાં હતું.

બન્ને મિત્ર પાડોશીઓથી જુદા થવું પડ્યું પણ અમારા મનમાં એ સુંદર નાનું પરિવાર હંમેશા હાજર રહ્યું. આજે વર્ષો પછી રૂબરૂ મળીને એમને એક મનમોહક સરપ્રાઈઝ આપવાની અનિતાની યોજના મને સાચેજ ખુબ ગમી હતી.

ડોરબેલ વગાડી અને બારણું ઊઘડ્યું. વર્ષો પછી અમને અને ખાસ કરીને ૨૦ વર્ષના અમારા યુવાન ઊંચા કદાવર કનકને નિહાળતાંજ પ્રયાગની આંખો વિસ્મયથી ચમકી રહી. અમને ઘરમાં પ્રવેશ કરવા ભાવભીનું આમંત્રણ મળ્યું. પણ પ્રયાગનો ચ્હેરો થોડો ધીરગંભીર લાગ્યો. પ્રયાગે સંધ્યાને અમારા આગમનની માહિતી આપી અને રસોડા તરફથી એ શીઘ્ર બેઠકખંડ તરફ આવી પહોંચી. અમે આપેલા સરપ્રાઈઝથી એ સાચેજ ઘણી પ્રસન્ન દેખાઈ રહી હતી. પણ આંખો નીચેના કાળા કુંડાળાઓ અને સુઝેલો ચ્હેરો સતત રુદન અને કોઈ ઊંડા આઘાતની આગાહી આપી રહ્યો હતો. વારંવાર એ ઊંડી આંખો કનક ઉપર હેતથી જડાઈ જતી હતી. વાતાવરણને થોડું હળવું કરવા હું પ્રસન્ન ચિત્તે પ્રયાસ કરી રહ્યો :

"સો વૅર ઇઝ આ'ર ચેમ્પિયન ?"

મારા પુછાયેલા પ્રશ્નથી ઘેરો આઘાત લાગ્યો હોય અને ઈજાઓ ઉપર કોઈએ મીઠું ભભરાવ્યું હોય એ રીતે સંધ્યાનું રુદન છુટેલી સ્પ્રિંગ સમું હવામાં ઉછળી રહ્યું. એ અસહ્ય વેદનાને સાંત્વનાનો ટેકો આપવા પ્રયાગના હાથ તરતજ સંધ્યાને પ્રેમથી ઘેરી રહ્યા. મારી મૂંઝવણ ને દૂર કરવા અનિતાના હાથ આંખોના ઈશારા જોડે મારા ખભાને હળવેથી દબાવી રહ્યા. અનિતાના ઈશારા તરફ પહોંચેલી મારી દ્રષ્ટિ બેઠકખંડના બીજી તરફના ખુણાની દીવાલ ઉપર આવી થંભી. શરીરમાંથી આછી કંપારી વીજળીના પ્રવાહ જેમ પસાર થઇ ગઈ.

સત્તર વર્ષના દેખાવડા અને શારીરિક તેમજ માનસિક રીતે હૃષ્ટ પૃષ્ટ, તંદુરસ્ત તરુણની તસ્વીર ઉપર ચઢાવાયેલી હારમાળા એ મને અંદરથી હલબલાવી મુક્યો. આગળ એક પણ શબ્દ ઉચ્ચારવાની કે કોઈ પણ પ્રશ્ન પૂછવાની હિમ્મત મારામાં ન હતી. ત્યારબાદ ત્રીસ મિનિટ જેટલો સમય હજી અમે પ્રયાગ અને સંધ્યા સાથે વિતાવ્યો. મૌન દિલગીરી અને હૃદયદ્રાવક સન્નાટો. આખરે ટ્રેનના સમય જોડે અમે અંતિમ વિદાય લીધી. સંધ્યા અને પ્રયાગ કનક ઉપર હેતની વર્ષા કરી રહ્યા. કનકની અંદર જાણે કોઈ પરિચિતને શોધી રહ્યા. વાત્સલ્યનો નિસાસો હવામાં ભળી રહ્યો. ભારે હય્યા જોડે આખરે અમે રેલવેસ્ટેશન તરફ ઉપડ્યા. પ્રયાગ અને સંધ્યાએ અમને રેલવેસ્ટેશન પહોંચાડવાની જવાબદારી પોતાના ડ્રાઈવરને સોંપી.

ગાડી બહારથી દેખાઈ રહેલા અતિઝડપી ભાગી રહેલા શહેરની દોડાદોડી મારી શ્વાસોને રૂંધાવી રહી હતી. દીવાલ ઉપરની તસ્વીર અને એના ઉપરની હારમાળા મારા મનમાં દ્રઢ જડાઈ ચુકી હતી. મારી પડખે ડ્રાઈવિંગ કરી રહેલ વ્યક્તિ તરફ ફરેલી મારી આંખો મારા હૃદયને વલોવી રહેલા પ્રશ્નોનો ઉત્તર યાચી રહી હતી.

"શું થયું? અકસ્માત?"

મારા ટૂંકા પ્રશ્નોનું ઊંડાણ ખુબજ અંધારિયું હોય એવા નિસાસા સભર હાવભાવો એ પરિપક્વ ચ્હેરા ઉપર ફરી વળ્યાં.

"અકસ્માત નહીં, અપેક્ષાઓ સાહેબ. પહેલા ધોરણથી લઇ બારમાં ધોરણ સુધી એ નાનકડું શરીર ભાગતું ગયું, હાંફતું ગયું. દર વખતે પહેલો ક્રમાંક લાવવાની ફરજીયાત ટેવ બનાવી દેવાય. અભ્યાસ સિવાય ન અન્ય કોઈ પ્રવૃત્તિઓનો અવકાશ. ઘરેથી શાળા, શાળાએથી ટ્યુશન, ટ્યુશનેથી અન્ય ટ્યુશન, ઘરે આવી ઘરકામ. એક તરફ વાલી, અન્ય તરફ શિક્ષકો. બારમા ધોરણમાં નવો વિક્રમ સ્થાપી શકવાનો ફક્ત એક ધ્યેય બનીને રહી ગયેલું બાળક. આખરે માનવ મગજની પણ કોઈ મર્યાદા ખરીને ? બારમાં ધોરણના બોર્ડના એક પ્રશ્નપત્રમાં મગજ ચિંતાથી શોક્ગ્રસ્ત થઇ ગયું. શરીર પરસેવે રેબઝેબ બેભાન થઇ પરીક્ષાખંડમાંજ ઢળી પડ્યું. તત્કાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું. શું સાહેબ, આટલી તરુણ વયે હૃદય રોગનો હુમલો ? "

ધ્રૂજતો અવાજ આટલા શબ્દો ઉપરજ છૂટી ગયો.

મારી આત્મા પીડાથી ફફડી ઉઠી. અચાનક પાછળની સીટ ઉપરથી કનકનો હાથ મારા શરીરને સ્પર્શ્યો. જાણે કે કોઈ સુંવાળું મલહમ અસહ્ય ઘાને પ્રેમથી રૂઝાવી રહ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational