Arun Gondhali

Crime

4  

Arun Gondhali

Crime

તમાચો - ૧

તમાચો - ૧

6 mins
71


છેલ્લાં પંદર દિવસથી મોબાઈલ ઉપર એક વિડીઓ વાયરલ થઈ રહ્યો હતો. એક સ્કેરી વિડીઓ જેવો. વિડીઓમાં પ્રથમ એક ચહેરો સ્ક્રીન ઉપર આવે છે અને પછી એક જમણા હાથનો પંજો દેખાય છે. સ..ટા..ક.. કરતો એ પંજો એ ચહેરાં ઉપર એક જોરદાર તમાચો મારે છે. થોડીક ક્ષણોમાં જોરદાર તમાચાના પાંચ આંગળીઓના નિશાન એ ચહેરાનાં ગાલ ઉપર ધીરે ધીરે ઉપસી આવે છે લાલ...લાલ... પછી બીજી જ ક્ષણથી ચોથી આંગળીની (રીંગ ફિંગર) ઉપસી આવેલ છાપ ગાલ ઉપરથી ધીરે ધીરે ગાયબ થતી દેખાય છે. હવે તમાચાનું નિશાન ચાર આંગળીઓ સાથેનું દેખાય છે. શરૂઆતમાં પંજામાં અંગુઠો અને ચાર આંગળીઓ દેખાય છે પરંતું તમાચા બાદ પંજામાં ચોથી આંગળી (રીંગ ફિંગર) ગાયબ દેખાય છે. વિડીઓ એક રહસ્ય છોડી જાય છે. દરેક વિડીઓ જોનારને માટે કે તમાચા બાદ પંજામાં એક આંગળી કટ કેવી રીતે થઈ ?

દિવસે દિવસે એ વિડીઓ આખાં શહેરમાં વાયરલ થઈ રહ્યો હતો. કોઈક એ વિડીઓની સચ્ચાઈ શોધવાની કોશિશ કરી રહ્યું હતું કે નકલી હશે, કટ પેસ્ટ કરી બનાવેલ હશે કે ઈલ્યુઝન હશે પરંતું ખરી વાત તો એ હતી કે એ વિડીઓ કોઈ એક વ્યક્તિનો નહોતો. દરેક વિડીઓમાં બતાવેલ ચહેરાં ઉપર કોઈની નજર જ ગયેલ નહોતી. અસલમાં એ તેર વિડીઓ હતાં તેર જુદી જુદી વ્યક્તિઓના. એક ગંભીર ચેતવણી હતી એ ! ગાલ ઉપર પડેલ નિશાન છુપાવવા હવે એમનાં માટે શક્ય નહોતું.

શક ને શંકા એક્વાર માનસમાં ઘર કરી જાય તો એને નિર્મૂળ કરવું અઘરું બની જાય છે. વિડીઓ જોનારના મનમાં એવું જ કંઈક ચાલું થયું. શહેરની દરેક વ્યક્તિની નજર એક બીજાનાં ચહેરાં ઉપર અને પછી ગાલ ઉપર પડતી. જો કોઈ નિશાન કે ડાઘ દેખાય તો અનેક જાતના સવાલ થતાં. કારણ શું હશે ? ધીરે ધીરે એ તેર વિડીઓએ દરેકનાં મનમાં બીક ઊભી કરી હતી એક ડર પેદા કર્યો હતો કે ‘મને તમાચો તો નહી પડેને ?’ કારણ અફવાઓ ફેલાવનારાઓની સંખ્યા વધતા વાર નથી લાગતી. વિચારશક્તિ ઓછી થઈ છે એટલે જ તો આ વિચ્છેદક ટેક્નોલોજી એનું કામ કરી રહી છે. સત્યથી દૂર લઈ જઈ રહી છે. ઈતિહાસને તોડી મરોડી રહી છે. ગુનાહિત માનસ ધરાવનારા પોતાની આત્મકથા લખી લોકો સમક્ષ મૂકી રહ્યાં છે તો કોઈક કચકડામાં કંડારીને મૂકી રહ્યાં છે. ઘટતી જતી વિચાર શક્તિ હવે તરત નિર્ણય આપતી થઈ ગઈ છે અને સત્ય ક્યાંક ધરબાઈ રહ્યું છે. 

થોડાંક મહિનાઓ પહેલાં એક વાત ખૂબ પ્રસરી હતી કે કોઈ બહેનોની વાળની ચોટી કાપનાર શહેરમાં ફરે છે. અમુક વિસ્તારો ભયભીત થયાં હતાં કે શું કારણ હશે ? બહેનો બિચારી માથું ઢાંકીને ફરતી. સાંજે કે રાત્રે બહાર જવાનું ટાળતી. ઘરની બહાર કે ઓસરીમાં સુવાનું લોકો ટાળતાં. અફવાઓના બજારમાં એક પૂર્તિ ટીવી અને છાપાવાળાઓએ કરી. વાત ઉપર લોકોનો વિશ્વાસ ઓર વધ્યો – કેમ ? વાત છાપામાં વાંચી. ટીવી ઉપર સમાચારમાં જોયું. ભોળી પ્રજા ભરમાઈ અને બીક પ્રસરી. કોઈ કાળો જાદુ કરે છે.

તે પહેલાં એવીજ એક વાત પ્રસરી હતી કે કોઈ ઘરની દીવાલ ઉપર રાત્રે ચોકડીનું નિશાન બનાવી જાય છે. વાત વહેતી થઈ કે કોઈ ડાયન રાત્રે ફરે છે. લોકોમાં ડર અને બીક હતી. મહોલ્લામાં, સોસાયટીઓમાં લોકો રાત્રે ટોળા બનાવી રખેવાળી કરતાં જાણે સત્યને શોધતાં હોય તેમ.

એવું જ આજે થઈ રહ્યું હતું. તમાચાનો દરેક વિડીઓ શહેરમાં વાયરલ થઈ રહ્યો હતો. લોકો એ દરેક ચહેરાઓને ઓળખવાની કોશિશ કરી રહ્યાં હતાં. પરંતું લોકો તો હવે ડરથી હેલ્મેટ પહેરીને ફરતાં હતાં જાણે સરકારનાં ટ્રાફિક નિયમોનું પાલન કરતાં હોય તેમ. કોઈક મોં ઉપર રૂમાલ બાંધી ફરતું તો કોઈ ગમછો લપેટીને. લોકો હવે અમસ્તા જ એક બીજાને પ્રશ્નો પૂછતા ગાલ ઉપરનું કોઈપણ નિશાન જોઈને.

એ તેર માટે હવે કપરું બની ગયું હતું. બહાર જતાં આવતાં તો કદાચ ચહેરો છુપાવી શકાય પરંતું કામની જગ્યાએ તો કેવી રીતે ? ઘરનાં સભ્યો સામે ? બહારના ઓળખીતાઓ સામે ? તમાચાનું નિશાન પણ એવું સજ્જડ હતું કે કોઈપણ કહી દે કે કોઈએ તમાચો માર્યો છે. પંદર દિવસ પછી પણ નિશાન પહેલાં દિવસ જેવું તાજું લાગતું હતું. બહાનું કરવું મુશ્કેલ હતું. ઘરે જવાબ આપવાનું કપરું બની ગયેલ હતું. ઘરમાં સૌથી વધારે પુત્રને ધારીને જોનાર મા હોય છે અને એની આગળ ખોટું બોલવું એટલે વકીલની સામે ખોટું બોલવા જેવું. ઉપરાંત ઘરનાં સભ્યોમાં બાળકો પણ ગાલ ઉપરના આબેહુબ નિશાન જોઈ પ્રશ્ન કરતાં કે આ તમાચાનું નિશાન શેનું ? વડીલોને વાયરલ વિડિઓની વાત ખબર પડી ત્યારે તો શંકા પાકી થતી લાગી. ખરું બોલવું એમનાં માટે શક્ય નહોતું. જવાબમાં આમતેમ ગલ્લાંતલ્લાં કરી વાત ઉડાવી દેતાં.

‘*******

છાપાની ‘ખોવાઈ ગયેલ છે’ કોલમમાં એક સુંદર યુવતીની તસ્વીર છેલ્લાં ત્રણ ચાર દિવસથી રોજ છપાઈ રહી હતી. નામ હતું મોનિકા કસ્વાલ. વગદાર કુટુંબની એક માત્ર સંતાન. પોલીસ તંત્ર પોતાનું કામ કરી રહ્યું હતું. ખંડણી માટે આજ સુધી ફોન નહોતો આવ્યો એટલે કેસ અપહરણનો નહોતો એવું લાગતું હતું. સુંદર સુશિક્ષિત વકીલાત પાસ કરેલ યુવતી અચાનક ઘર છોડીને જાય એ શક્ય નહોતું. ખાનદાની ઘરની કન્યા ખૂબ સમજદાર હતી એટલે કોઈની સાથે પ્રેમમાં ભાગી જાય એની તો શક્યતા જ નહોતી.

ચાર બહેનપણીઓ એક પ્રાયવેટ વેહિકલ દ્વારા પોતાનાં શહેરથી થોડાંક કિલોમીટર અંતરે આવેલ કિલ્લાને જોવા માટે આવી હતી. રવિવારે સાધારણ રીતે ગીર્દી હોય છે એટલે એમણે આડા દિવસે જવું એવું નક્કી કર્યું. દરેકનાં ઘરે આ વાતની જાણ હતી કે ઘરની દીકરીઓ કિલ્લાને જોવા ગઈ છે. આજુબાજુના લોકો પણ રજાના દિવસે પર્યટન સ્થળ હોવાથી અચૂક આવતાં. બહુજ ઊંચો અને આકર્ષક કિલ્લો હતો. વર્ષોથી આજે પણ એનાં કાંગરાઓ મજબુત અને સુંદર હતાં. દૂર દૂર સુધી પથરાયેલ એની ઊંચી અને જાડી દિવાલો એક કોર્નરથી બીજાં કોર્નરને આકર્ષિત કરતી. વચ્ચે વચ્ચે એની સુંદર બારીઓમાંથી કિલ્લાની તળેટીની સુંદરમાં મોહક હતી. આજુબાજુમાં લીલોછમ પ્રદેશ આહલાદક હતો. નાનાં નાનાં ડુંગરાઓ જાણે એ કિલ્લાનું રક્ષણ કરતાં હોય એવું લાગતું. કહેવાય છે કે કિલ્લામાં અનેક ભોયરાઓ છે જે રાજાઓના ગુપ્ત માર્ગ હતાં. કેટલાંક ભોયરાનો ઉપયોગ ખજાનાઓ રાખવામાં અને છુપાવવામાં કરવામાં આવતો. કેટલાકમાં ખાવાપીવાની વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવતો. વરસો જતાં એવાં ભોયરાઓ બંધ કરી દેવામાં આવ્યા હતાં તો કેટલાકની ખબર પણ નહોતી પડતી. કેટલીક જગ્યાઓ એવી હતી કે દિવસે પણ ત્યાં અંધારું હોય એટલે કોઈ ત્યાં જવાની હિંમત નહી કરે.

આજે કિલ્લા ઉપર ગીર્દી નહોતી. બહુ જુજ લોકો કિલ્લા ઉપર ફરી રહ્યાં હતાં. લગભગ એકાદ કલાક કિલ્લા ઉપર ફર્યા બાદ મોનિકાએ એની બહેનપણીઓને ફરીયાદ કરી કે પેટમાં ખૂબ દુખે છે એટલે બધી બેનપણીઓ કિલ્લાની દીવાલ ઉપર એની સાથે બેસી ગઈ અને ગપ્પા મારવા બેઠાં. તેઓ જ્યાં બેઠાં હતાં એ દીવાલની પાછળની બાજુએ નીચે તરફ જતાં થોડાંક પગથિયાં હતાં. આગળ ખૂબ ઝાડપાન હતાં અને એક વિશાળ વાવ કે પાણીનાં સંગ્રહ કરવા માટેનું તળાવ જેવું હતું. એની આજુબાજુ દિવાલો અને બારીઓ જેવું કંઈક હોય એવું લાગતું હતું. ઝાડી ગીચ હતી. સામેની બાજુથી કિલ્લાની એક બીજી દીવાલ ગોળાકારે ઊભી હતી. નીચે નજર કરતાં બીક લાગે એવી મોટી ખાઈ હતી અને કિલ્લાની દીવાલોમાં નાનાં મોટા ઝાડ ઉગી આવેલાં હતાં. બૂમ મારો તો પડઘો (ઈકો) પડે એવી અદભુત જગ્યા હતી. એક બહેનપણીએ બુમ પાડી અને ઈકો પડ્યો અને બધાં ગમ્મતમાં પડ્યા. કોઈ મોબાઈલમાં ફોટાઓ લઈ રહ્યાં હતાં તો કોઈક સેલ્ફી. વાતચીત અને મઝાકનો દોર ધીરે ધીરે ઓછો થતાં મોનિકાએ કહયું તમે ત્રણે જણા કિલ્લા ઉપર ફરી આવો ત્યાં સુધી હું અહીં બેસીને સામે દેખાતાં નજારાની મઝા લઈશ. મોનિકાની વાતને ટાપસી પુરાવી એની ત્રણે બહેનપણીઓ કિલ્લાની બીજી દિશામાં ફરવાં નીકળી પડી.

મોનિકા મોબાઈલમાં વ્યસ્ત હતી. વચ્ચે એ આમતેમ જોઈ લેતી. થોડી થોડી વારે આમતેમ ટહેલતી અને ફોટાઓ લેતી તો ક્યારેક સેલ્ફીઓ લેતી. પેટની તકલીફમાં હજુ કોઈ ફેર નહોતો પડતો. ઈચ્છા તો હતી કે ઘરે નીકળી જઈએ પરંતું સાથે આવેલ બહેનપણીઓ નારાજ થશે એટલે એ આમતેમ ફરીને પાછી એ દીવાલ ઉપર બેસી જતી. લગભગ દોઢ કલાક બાદ પાછળથી કોઈએ એનાં ચહેરાં ઉપર એક કપડું ઢાંકી એનાં મોંને મજબૂત હથેળીથી દાબી જેથી એ બૂમ ના મારી શકે. મોનિકાએ છૂટવાની કોશિશ કરી, નાક-મોં ઉપરના કપડાંવાળા હાથને હડસેલવા જતાં એનો મોબાઈલ બાજુની ખાઈમાં સરી પડ્યો. બુમો મારવાની ઘણી કોશિશો કરી પણ મજબૂત હાથોએ એને મોં ખોલવા ના દીધું. બીજાં હાથોનો એનાં શરીરને સ્પર્શ થયો એટલે એને ખ્યાલ આવી ગયો કે કોઈક હવસખોર મવાલીઓએ એને ઘેરી છે.

(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Crime