Mariyam Dhupli

Inspirational Others

3.7  

Mariyam Dhupli

Inspirational Others

થાક

થાક

12 mins
22K


આજે ખૂબજ મોડું થઇ ગયું. ઓફિસ કલાકો પછીની સ્ટાફ મિટિંગમાં દોઢ કલાક વધારે ગયા. મોડીરાત્રીને ધોધમાર વરસાદ. ટેક્ષીસ્ટેન્ડ પાસે એક પણ ટેક્ષી ઉભી ન હતી. ગમે તેમ કરીને એક ટેક્ષી મળી જાય. થોડું ચાલીને મુખ્ય રસ્તા સુધી પહોંચી. આવતીજતી દરેક ટેક્ષીને હાથ બતાવતી એ કાંડા ઘડિયાળને વારંવાર એ રીતે નિહાળી રહી, જાણે આમ નિહાળવાથી સમય ની ગતિ ઓછી થઇ જવાની હતી. પણ સમય કોઈની ઈચ્છાને આધીન થોડો ? 

દૂર એક ટેક્ષી આવી થોભીને એ ઝડપથી ભાગી. થોડા પૈસા વધારે આપવા પડે તો ચિંતા નહીં, બસ ટેક્ષી મળી ગઈ એટલુંજ બહુ હતું. ટેક્ષીમાં ગોઠવાતાજ મોટો હાશકારો થયો. ઘરે પહોંચી કાર્યોની લાંબી હારમાળા રાહ જોઈ રહી હતી. દરરોજ કરતા દોઢ કલાક મોડી પહોંચશે એટલે દોઢ કલાક મોડે દિવસ પૂરો થશે ! આજનો દિવસ પણ દરરોજ જેવોજ લાંબો, કાર્યોની ભરમાળ વાળો, શ્વાસવિહીન જ પસાર થયો હતો. યાદ નથી અરીસામાં ચ્હેરો જોયાને કેટલા દિવસો વિતી ગયા હતા. પોતાની કાળજી લેવાને, કેટલીક અંગત ક્ષણો વિતાવવાને, તાજી હવા અંદર ખેંચવાને, પોતાની જાત સાથે વાતો કરવાને, ખુશ રહેવાને, હસવાને, પોતાની આત્માને આનંદ આપે એવી ગમતી કોઈ પ્રવૃત્તિ કરવાને જાણે એક આખો યુગ વિતી ચુક્યો હતો.

લગ્ન શું થયા જાણે જીવન જ હાથમાંથી સરી ગયું. આખો દિવસ યાંત્રિક કાર્યોની હારમાળા. સવારે સૂર્યોદય પહેલા ઉઠી જવાનું, બધાનો નાસ્તો તૈયાર કરો, પોતાનું ટિફિન તૈયાર કરો, આદિત્યનું શાળાનું દફ્તર, એનો લંચબોક્સ, આદર્શના ઓફિસના કપડાં તૈયાર કરવાથી લઇ બપોરનું ભોજન બધા માટે તૈયાર કરી મૂકી જવા સુધી બધાજ કાર્યોનો ભાર એના બે હાથ પર હતો. લગ્ન પછી ઓફિસમાં નોકરી કરવું એનો પોતાનો નિર્ણય હતો. પણ જો એ ઘર અને ઓફિસ બંનેનું સંતોલન જાળવી શકે તો એ શરતે આદર્શ અને એના માતાપિતાને એની નોકરી કરવા અંગે કોઈ વાંધો ન હતો !

જીવન ફક્ત શરતોને ફરજોની ભરમાર વચ્ચે કચડાઈ રહ્યું હતું. આદર્શ એને સમજશે કે એના કાર્યોમાં ભાગીદારી નોંધાવશે, જે રીતે પોતે આદર્શના જીવનના દરેક કાર્યોની ભાગીદાર બની રહી હતી, એ મનનો વિચાર કે આશા ફક્ત ભ્રમણા બની રહી ચૂકી . સ્ત્રીની નોકરીને પુરુષની નોકરીને સમાજ તદ્દન જુદાં દ્રષ્ટિકોણથી નિહાળે છે. એકની નોકરીને થાક આવકાર્ય, જયારે અન્યની નોકરીને માટે શારીરિક કે માનસિક થાકનો કોઈ અવકાશજ નહીં. થાકીને આવેલા આદર્શને માતાપિતાનો સ્નેહ, આરામની ક્ષણો, મનોરંજન માટે ટીવી કે ફિલ્મ કે મેચ નિહાળવાના વિકલ્પો ઉપલબ્ધ હતા. પણ પોતાની એટલે કે સ્ત્રીની નોકરીના થાક માટે આવા કોઈ સ્નેહ અને મનોરંજનભર્યા વિકલ્પો ઉપલબ્ધ ન હતા. કારણકે જો એને એ વિકલ્પ મળે તો પુરુષના આરામ અને મનોરંજનની પ્રવૃત્તિઓ પર એની આડઅસર થાય !

એકવાર સાંજે ઘર પરત થતા એ હોટેલમાંથી ઘરે ટેકઅવે લઇ ગઈ હતી. ઓફિસમાં આખો દિવસ ખુબજ થાકી ગઈ હતી. થયું કે બધાં માટે જમવાનું લઈ જાયને રસોડાંમાંથી પણ જરાં આરામ મળે. એ દિવસે આદર્શના માતાપિતા એ જમવાની ના પાડી દીધી. આદર્શ કેવો ગુસ્સો થયો હતો .

"જો થાક લાગતો હોય તો નોકરી છોડી દે. પહેલાં ઘર અને કુટુંબ. હું કમાવું છુંને મારું પરિવાર ચલાવી શકું છું"

નોકરી કઈ રીતે છોડી દઉં ? એ મારા માટે ફક્ત પૈસાનું માધ્યમ નથી . મારા શિક્ષણની મારા જીવનને મળેલી સ્વાભિમાનયુક્ત ભેટ છે. એ આદર્શને કહેવા ઇચ્છતી હતી પણ કહી શકી નહીં. જ્યાં સમજ્ણનો અવકાશ જ ન હોય ત્યાં કિંમતી મંતવ્યોને અપમાનિત કરવાં શાને છોડવા ? એના ઉત્તરમાં એણે ચુપચાપ રસોઈ બનાવી નાખીને છેવટે બધા એ મનમાણીને ઘરનું ભોજન જમ્યું. પોતાનો થાક બમણો થયો પણ એ માટે તો ઘરના મેડિકલ બૉક્સ માં ઘણી દવાઓ ઉપલબ્ધ હતી.

આ ભેદભાવ અઠવાડિયા સાથે રજાના દિવસોમાં પણ એકસમાન વર્તાતો. રવિવાર કે કોઈ પણ રજાનો દિવસ આદર્શ માટે આરામ અને આનંદની ક્ષણો લઇ આવતો. ક્યારેક મિત્રો જોડે ફરવાનો કાર્યક્રમ તો ક્યારેક મિત્રોને ઘરે જમવાનું આમંત્રણ. જોકે આમંત્રણ આદર્શનું, મિત્રો આદર્શના છતાં રસોઈ બનાવવાની ને મહેમાનગતિની જવાબદારી તો પોતાનીજ. જયારે કોઈ આમંત્રણ ન હોય તો આદર્શની માતા પાસે ઘરના બાકી રહી ગયેલા ખૂણાઓની સાફસફાઈની યાદી તૈયાર રહેતી. પોતાના માતાપિતાને મળવા જવાનું મન હોય તો એ યાદી પતાવી જઈ શકવાની પરવાનગી મળી જતી. 

આદર્શને કેટલી વાર કહ્યું કે પોતાની આવકમાંથી એક નાનકડું ટુ વહીલર ખરીદવા ઈચ્છે છે. એનાથી સમય અને ઉર્જાની કેટલી બચત થઇ શકે. પણ આદર્શની લગુતાગ્રંથી, એનો અવિશ્વાસ,એના અસલામતિનાં ભાવોને આ વાતમાં કોઈ તર્ક દેખાતું નહીં. ટુ વહીલર પર એ સલામત ન હતી, તો શું દરરોજ ટેક્ષીમાં અજાણ્યા લોકો જોડે બેસવામાં, મુસાફરી કરવામાં સંપૂર્ણ સલામતી હતી ? અશિક્ષિત લોકોની અલ્પ વિચારશક્તિ કરતા શિક્ષિત લોકોની અલ્પ વિચારશક્તિ વધું ચિડ ઉપજાવતી હોય છે !

લગ્નજીવનમાં પ્રેમ અને સલામતીના સરનામાં શોધવાના એણે ક્યારનાંય ટાળી દીધા હતાં. સામાજિક સંબંધોની વ્યાખ્યા અંતરમાં 

સ્વિકારાય ચૂકી હતી. ફિલ્મોમાં દેખાતાં સબંધો અતિશયોક્તિની પરાકાષ્ઠા સમા દીસતા હતાં. સંબંધોના વાસ્તવિક રંગો જોઈ આત્માને ઉબકાઓ આવતા. ક્યારેક થતું આદિત્યને લઇ ક્યાંક જતી રહે. દૂર ખૂબજ દૂર. કોઈ સુંદર જગ્યા એ જ્યાં આત્માને ઉબકાઓ આવતાં ન હોય. જ્યાં એની નોકરીની આવક માંથી એ આદિત્ય સાથે આનંદથી જીવન માણી શકે ! જ્યાં પોતાનાં જીવન અંગે પરવાનગીઓ માંગવાની ન હોય ! જ્યાં હસવાને ખુશ રહેવા અવસરો શોધવાના ન હોય ! જ્યાં કૃત્રિમતા નહીં પણ બધુંજ સહજ હોય, એક એવું વિશ્વ્ જ્યાં એની શ્વાસો પોતાની હોય ! જ્યાં સાંજે મોડે પહોંચાય તો જમવાનું ટેકઅવે પણ લેતા જવાય, જ્યાં પોતાની આવકમાંથી એક ટુ વહીલર ખરીદવા કોઈની આનાકાની કરવાની ન હોય ! જ્યાં ફક્ત દીવસો પસાર કરવાના ન હોય પણ ફક્ત સાચું જીવન હોય !

ટેક્ષી ને બ્રેક લાગીને પોતાની આદર્શ સ્વ્પ્નસૃષ્ટિમાંથી એ વાસ્તવિકતાની ધરતી પર ઉતરી આવી. અન્ય દિશામાંથી ટેક્ષી નો દરવાજો ખુલ્યોને એક અન્ય યાત્રી અંદર પ્રવેશી. ટેક્ષી ચાલકને વિસ્તારનું નામ જણાવી ભીના શરીરને લૂંછતી એ ખડખડાટ હસી :

"કિતને દીનો બાદ એસી બારિસ આયી હે, જમકે, મજા આ ગયા !"

શરીરના બધાજ અંગોનો આકાર દેખાય એવા ચૂસ્ત કપડાં. વાળ લાંબા છૂટ્ટા. લાલ, ખૂબજ ગાઢલાલ લિપસ્ટિકને વધારે પડતું ચમકતું મેકઅપ, માથું ભમવા લાગે એવી આખા શરીરમાંથી પ્રસરી રહેલી પર્ફયુમની અતિશય માત્રાવાળી સુગંધ. ભાષાનો નખરાળો લ્હેકો. બાજુમાં ગોઠવાયેલા શરીરનો વ્યવસાય કળતા બહુ સમય ના લાગ્યો. સમાજમાં એ વ્યવસાય માટે એક નહીં અનેક નામ જાણીતા છે... ધંધાવાળી, વેશ્યા, તવાયફ, પ્રોસ્ટિટ્યૂટ વગેરે વગેરે. એના બોલેલા વાક્યને મહત્વ આપ્યા વિનાજ નજર ફરી કાંડા ઘડિયાળ પર ફેરવી એ બારીની બહાર જોઈ રહી. એવી વ્યક્તિને કોણ મોઢે લગાવે જે પૈસા માટે પોતાનું શરીર આમ સરળતાથી કોઈને પણ સમર્પિત કરી દે ! એમની આત્મા શું મરી પરવારી હોય ?

પડખે ગોઠવાયેલી સ્ત્રીએ આ પ્રતિક્રિયાની નોંધ તો લીધી પણ આવી પ્રતિક્રિયાઓની જાણે ટેવ પડી ગઈ હોય એ પ્રમાણે પોતાનું વર્તન જાળવી રાખતી ફરી ખડખડાટ હસી પડી. કારણ વિનાના આ હાસ્યથી અકળામળ વધવા લાગી. હાસ્ય સમેટી એ શરીરે પર્સમાંથી કેટલોક મેકઅપનો સામાન કાઢ્યો. અરીસામાં પોતાનું પ્રતિબિંબ બારીકાઇથી નિહાળતી મેકઅપ સરખું કરતી એ ગીત ગણગણવા માંડી :

"દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ, દૂર તક નિગાહો મેં હે ગૂલ ખીલે હુએ ,

યે ગિલા હે આપકી નિગાહો સે; હો ફૂલ ભી જો દરમિયાં તો ફાસલે હુએ "

બારી બહાર ડોકાયેલી આંખોમાં આછી ઈર્ષ્યા ભરાઈ આવી. આ તો પોતાનું ગમતું ગીત. વર્ષો પહેલા એને પણ આમજ ગણગણતાં આવડતું હતું. અંતાક્ષરી રમવું એને કેટલું ગમતું. માતાપિતાને ત્યાં હતી ત્યારે પોતાના મોકળાશના સમમાં એફએમ સાંભળતી અથવા કાન માં ઇયરફોન ગોઠવી સંગીતના જગતમાં ખોવાઈ જતી. ગઝલ સાંભળવું તો કેટલું ગમતું ! પણ લગ્ન પછી ગમા,અણગમા, મોકળાશ બધુંજ છીનવાઈ ગયુ હતું. કંઈક બચ્યું હતું તો એ ફરજોની લાંબી યાદીને યાંત્રિક માનવી જેવું આ શરીર.

અચાનક રણકેલા મોબાઇલથી સચેત થઇ એણે કોલ ઉઠાવ્યો. સામે તરફથી અપેક્ષા મૂજબ પ્રશ્નોની કતાર બંધાઈ.પરંતું એ પ્રશ્નો એની ચિંતા કે કાળજીને લઇ ન જ હતા. ઘરમાં રાહ જોતા કાર્યોની સમાપ્તિની અનિશ્ચિતતા અંગેજ હતા.

"હા થોડા સમયમાંજ પહોંચું છું. રસોઇ થઈ જશે , ચિંતા ન કરો"

એના અવાજમાં થાક છલોછલ ઉભરાઈ રહ્યો. ઘરે સૌ ભૂખ્યા થયા હતા. ભૂખ તો એને પણ કડકડતી લાગી હતી. પણ હજી તો ઘરે પહોંચી રસોઇ અને બાકીનાં કાર્યો સમાપ્ત કર્યા પછીજ પેટમાં કાઈ પડશે. એક કૉલ કપાયો કે પડખેના શરીર નો મોબાઈલ રણક્યો. કાન ને વેધતો ધારદાર અવાજ ટેક્ષીમાં ગૂંજી રહ્યો :

"બોલ મીના ક્યાં ચલ રહા હે ? બસ એશ હી એશ હે યાર. ઇસસાલ ધંધા બોહત જમા હે. અભી એ વ્રતબર્ત કે મહિને મેં તો સાલો કો બિવિયા દૂર રખતી હે તો મૂંહ મારને યહી આયેંગે ના ! "

આવા શબ્દો સાંભળવા કાન ટેવાયેલાં ન હતા. બાળપણથી સમાજે 'નૈતિક' શબ્દોનો શબ્દકોશ ગોખાવી નાખ્યો હતો. ગમે તેવી ઘૃણા કે વિહ્વળતા માટે અનૈતિક શબ્દોનું ઉચ્ચારણ સ્ત્રીઓ થોડી કરી શકે ? વાતે વાતે મશ્કરીમાં અપશબ્દો પ્રયોજતાં પુરુષો માટે વળી જુદો શબ્દકોશ ! અને ભૂલેચૂકે એવા શબ્દો કાને અથડાય પણ જાય તો કેટલાક ધાર્મિક શબ્દોનું ઉચ્ચારણ કરી કાનના શુદ્ધિકરણની પ્રક્રિયા સમાજે શીખવાડી તો દીધી હતી. એવાજ ઉચ્ચારણથી એ કાન મનોમન શુદ્ધ કરી રહી હતી.

પડખેનું શરીર ફોનના સામે તરફથી સાંભળેલા શબ્દોથી ખડખડાટ એવું હસી રહ્યું જાણે ટેક્ષીમાં એના સિવાય અન્ય કોઈ હતુ જ નહીં અને જો હશે પણ તો એના અસ્તિત્વની ક્યાં દરકાર થવાની હતી ! 

"સોચતી હું ઇસ સાલ એક સેકન્ડ હેન્ડ કાર લેલુ. સાલે ટેક્ષીઓ કી રિકઝિક બોહોત હુઈ. ટાઈમ કાયકુ વેસ્ટ કરના. થોડા આરામ ભી તો હોના માંગતા લાઈફ મેં. ક્યાં બોલતી ?"

સામે છેડેથી મળેલા પ્રત્યાઘાતથી ટેવ પ્રમાણે એ ખડખડાટ હસી. પણ આ બધું સાંભળી પોતાના હૃદયમાં કેવા ઇર્ષ્યાભાવ ઉઠી રહ્યા હતા ! એક શરીર વેચનારી સ્ત્રી પોતાના જીવન નિર્ણયો મુક્ત પણે લઇ રહી હતી એ જોઈને ? પોતે આખું જીવન ફરઝ, નૈતિકતા, કુટુંબમર્યાદા, સામાજિક રીતિરીવાજો, પરંપરાઓ ને ઘેટાંની જેમ અનુસરતી ગઈ હતી. સમાજે જ્યાં જીવન દોર્યું ત્યાં દોરવાતી તો ગઈ હતી. ઇનામમાં શું મળ્યું ? પાંજરામાં પૂરેલા પંખી જેવું જીવનને કપાયેલી પાંખો ? આજે પોતાની ટુ વહીલર વસાવવાની ઝંખના સ્પ્રિંગ સમી શા માટે ઉછળી આવી ?

હાસ્ય સંકેલતું શરીર સામે છેડેથી પુછાયેલા પ્રશ્નોનો ઉત્તર સંપૂર્ણ પારદર્શિતાને શબ્દોને લાગણીની પુરેપુરી ઈમાનદારીથી વર્તતું આપી રહ્યું.

"નહીં યાર આજ રાત નહીં ! બદન થકા હે, આજ આરામ. સાલા બોડી હે મશીન નહીં. બસ અપુન કી મરજી. સૂન 'મહાલક્ષ્મી' મેં અક્ષય કી ફિલ્મ લગી હે ,ચલતે હે ના"

સામે તરફથી મળેલા પ્રતિસાદથી ખુશ થતું એ શરીર વધુ ઉત્સાહમાં આવ્યું.

" ભૂખ તો બોહત લગી હે યાર. પેહલે જમકે પીઝ્ઝા ખાયેંગે. મિલ્કશેક બિલ્કશેક પીયેંગે. ઠીક હે તો મિલતે હે..."

આ બધું સાંભળી એના મોઢા માં પાણી શા માટે છૂટી રહ્યા ? જાણે મન પૂછવા ઉત્સુક બની રહ્યું : હું પણ સાથે આવી શકું ? પિઝા ખાવા ? ફિલ્મ જોવા ? થોડી ખુશીની ક્ષણો માણવા ? થોડો સમય પોતાની ઈચ્છા મુજબ શ્વાસો લેવા ?

"બસ ઇધર હી સાઈડ પે લગા દેના"

એ શરીર ટેક્ષીમાંથી ઉતરી ગયું. 

"રેહને દે એશ કર"

ટેક્ષી ચાલક પાસેથી છુટ્ટા લેવાનીના પાડી, મોટા હય્યાને ખુમારી 

જોડે પોતાની રાત્રી પોતાની ઈચ્છા મુજબ માળવા એ શરીર ખુશીથી ઉછળતું નીકળી પડ્યું. ટેક્ષી આગળ વધીને ફરીથી જીવનની એકલતા, નીરસતા એને ઘેરી વળી. થાક તો દરરોજજ લાગતો હતો પણ આજે શરીર, મન,મગજ ને ઈન્દ્રિયોને બમણો થાક શા માટે લાગી રહ્યોં હતો.

"મૅડમ..."

ટેક્ષી ચાલકના સાદથી ઇન્દ્રિયો ફરી સચેત થઇ. ઘર આવી ગયુ હતું પણ ટેક્ષીમાંથી ઉતરવાનું મન થઇ રહ્યું ન હતું. કમને એના ડગલાં આગળ વધ્યાં. કાઈ ઉબકા જેવું ઉપર આવ્યું. પોતાના થાકને સઁકેલતી એ ઘરમાં પ્રવેશી .

"આટલું મોડું ?"

"બહુ ભૂખ લાગી છે."

" મમ્મી હોમવર્ક !"

એકલી જાન પર સૌ એકીસાથે તૂટી પડ્યા. કોઈ પણ જવાબ આપ્યા વિનાજ એ સીધી રસોડામાં પ્રવેશી. એક ઊંડો શ્વાસ ભર્યોને કામે વળગી. હાથપગ તેજ ગતિ એ કામ કરી રહ્યા હતા પણ અંતર જાણે કોમામાં સરી પડ્યું હતું. ભૂખથી પેટમાં કળ વળી રહી હતી. દૂરદૂરથી આવી રહેલી કોઈ ગરમાગરમ પીઝાની સુગંધ શ્વાસોમાં ભળી રહી હતી. થોડે દૂર આદર્શ પગ ઉપર પગ ચઢાવી ટીવી નિહાળી રહ્યો હતો. એના ચ્હેરા પર ઉપસી આવેલા નિરાંતને વિશ્રામના ભાવો મનમાં ચીડ ઉપસાવી રહ્યા હતા. આંખોની સામે મહાલક્ષ્મી સિનેમા હોલમાં રમી રહેલ ફિલ્મના દ્રશ્યોની કલ્પના છવાઈ ગઈ. આખરે બધાને જમાડી આદિત્યનું હોમવર્ક પૂરું કરાવવા ગઈ. આંખે આવતા ઝોખાઓને હડસેલતી થાકેલા શરીરને અર્ધજાગૃત અવસ્થામાં એ કામ પણ પૂર્ણ કર્યુ . આદિત્ય ઊંઘ્યો કે પોતે જમી ન જમી જેવું, ઠંડા ભોજનના થોડા કોળ્યાં મોઢામાં મૂકી, વાસણો ધોઈ આખરે રસોડામાંથી જીવ છોડાવ્યો. 

"મુખ્ય દરવાજો બંધ કરી દેજે."

કુટુંબના કોઈ સભ્યનો આદેશ સંભળાયો. આદેશ કોઈએ પણ છોડ્યો હોય, શું ફેર પડે ? આખરે બજાવવાનો તો એણેજ હતો ને !

મુખ્ય દરવાજા ને સામે એક મોકળો માર્ગ હતો. આ માર્ગ ક્યાં જતો હશે ? કોઈ સુંદર સ્વ્પ્ન સૃષ્ટિ તરફ ? શું ખબર ? વાસ્તવિકતાની ધરતી પર ઉતરી આખરે એણે દરવાજો બંધ કર્યો.

શયનખંડની અંદર ગાઢઅંધકાર હતું. આખું શરીર થાકથી લથપથ હતું. આખો દિવસ ઉભા રહેલા પગ ઉપરના સોજા કળી રહ્યા હતા. થાકથી હારેલું શરીર પથારીમાં પછડાયું. એક ક્ષણ રાહત મળીજ કે બે હાથ એના શરીર પર ફરી રહ્યા. એ હાથનો ઈરાદો કળી જતા સ્પષ્ટ શબ્દો એ પ્રતિકાર કર્યો :

"આજે નહીં આદર્શ પ્લીઝ, ખુબજ થાકી ગઈ."

એનું વાક્ય પૂરું થાય કે એની મરજીનો અભિપ્રાય સંભળાય એ પહેલાજ એ કુમળું શરીર એક સશક્ત શરીરની સામે હારી ગયું. 

થોડા સમય પછી પડખે ઊંઘતા આદર્શના નસકોરા દરરોજની જેમજ આખા શયનખંડમાં ગુંજી રહ્યા. પણ પોતાની આંખો આજે ઢળી કેમ રહી ન હતી ?આ નિત્ય ક્રમની તો એને ટેવ પડી ચૂકી હતી. તો આજે શું થયું ? અચાનક ટેક્ષી વાળું પેલું શરીર ઓરડામાં પ્રગટ થયું. એની અનેક આવૃતિઓ આખા શયનખંડમાં ફેલાઈ ગઈ. બધીજ આવૃતિઓ એકસમાન સંવાદ જોરજોર થી બોલવા લાગી :

" નહીં યાર, આજ રાત નહીં ! બદન થકા હે. આજ આરામ. સાલા બોડી હે મશીન નહીં ! અપૂન કી મરજી."

વારંવાર પુનરાવર્તિત થતા સંવાદો અસહ્ય બનતા એણે બન્ને કાન પર હાથ દબાવી દીધા. પેલું શરીર એની પાસે આવી ખડખડાટ હસ્યુંને એના કાન પરથી હાથ હટાવી ખુબજ ગંભીર અવાજે ચિખયું :

"મારી આત્મા તો જીવે છે ! પણ શું તારી આત્મા મરી પરવારી છે ?"

ફરીથી બધીજ આવૃતિઓ ખડખડાટ હસી પડી અને એ ભયકંર દ્રશ્ય સામે પોતાના બન્ને હાથ એણે આંખો પર બળપૂર્વક દબાવી દીધા.

સવારે એજ ઘર હતું. એજ કુટુંબના સભ્યો ને એજ સૂર્યોદય. પણ એ ક્યાંય ન હતી, આદિત્ય પણ એના ઓરડામાં ન હતો. બન્નેની શોધ ઘરના ખૂણે ખૂણે થઇ રહી. પણ બન્નેનું નામોનિશાન ન હતું. મુખ્ય

દરવાજો ચોપાટ ખુલ્લો હતો ! ક્યાં જતા રહ્યા બન્ને...?

કદાચ ક્યાંક દૂર... બહુ દૂર... એવા કોઈ સ્થળે તો નહીં જ્યાં આત્મા ને ઉબકા ન આવતા હોય !



Rate this content
Log in

Similar gujarati story from Inspirational