સ્વયંશિસ્ત
સ્વયંશિસ્ત


શિક્ષક તરીકે મારી નોકરીનો પહેલો દિવસ. અંગ્રેજી વિષય, ગરમ લોહી, ભણાવવાનો ચસ્કો - આ ન્યાયે આખો તાસ સંપૂર્ણ અંગ્રેજીમાં ભણાવ્યું. બાળકો છેક સુધી શાંતિથી સાંભળતા હતાં. એમની સજાગતા, નિષ્ઠા અને એકાગ્રતા પર મને માન થઈ આવ્યું. મારો તાસ જોવા મારા ક્લીગ્સ પણ ડોકિયું કરી ગયેલાં. તાસ પૂરો થતાં હું રૂઆબભેર ઓફિસમાં પરત ફર્યો. " કેવો રહ્યો અનુભવ? ", અમારા એક પીઢ શિક્ષક જીતુભાઈએ પૂછ્યું. " ક્વાઇટ વેલ. બધાં જ વિદ્યાર્થીઓને મારુ શિક્ષણકાર્ય ખૂબ જ પસંદ પડ્યું", મેં જુસ્સાથી જવાબ આપ્યો. " એ કેવી રીતે ખબર પડી?",બીજા એક સાથી શિક્ષક દિલીપભાઈએ પૂછ્યું. " બધા એકદમ શાંતિથી અને રસપૂર્વક સાંભળતા હતા એ પરથી", મેં ઝડપથી જવાબ આપ્યો. " માફ કરજો પણ એ ગભરાઈ ગયાં હતાં",મારી માન્યતાને કડડભૂસ કરતા જીતુભાઇ બોલ્યા. " મને અંગ્રેજી બોલતો જોઈને?", હું હવે થોડું સમજી ગયો. " એક્ઝેટલી ", આ વખતે જીતુભાઈ અંગ્રેજીમાં બોલ્યા. " તો સાઈઠ- ચાલીસનો રેશિયો રાખું?", મેં જરા બાંધ- છોડ સ્વીકારીને કહ્યું. " ના એંશી-વીસ રાખો તો સારું" , મનોજભાઈ બોલ્યા. " અચ્છા, એંશી અંગ્રેજી અને વીસ ગુજરાતી", હું હસતાં-હસતાં બોલ્યો. " ના, ઊલટું", એકસાથે બાકીનો સ્ટાફ બોલ્યો ને મારો પહેલો દિવસ આ યાદ સાથે પૂરો થયો.
બીજા દિવસે જેવું ગુજરાતી શરૂ કર્યું એટલે બાળકોને હું એમની જ પ્રજાતિનો હોવાનો અનુભવ થયો! બધા જ બાળકોએ વર્ગની બહાર કાઢેલા ચપ્પલ અસ્ત-વ્યસ્ત હતાં. મને બાળકોને ખિજાઈ જવાની ઈચ્છા થઈ પણ પછી થયું કે લાદેલી શિસ્ત તો કોઈને પણ ના ગમે. હું જાતે જ પગથિયાં ઉતારીને ચપ્પલ ગોઠવવા લાગ્યો. મને જોઈને બે-ચાર છોકરાઓ આવ્યા અને કહેવા લાગ્યા, " સાહેબ, તમે રહેવા દો. અમે કરી નાખીશું." મેં એમને જોડાવાની છૂટ આપી પણ કામ બંધ ન કર્યું. પેલો પ્રયોગ સફળ! બીજા દિવસે બાળકોને ભણાવવાના બદલે પ્લાસ્ટિકના ગેરફાયદાઓ સમજાવ્યા અને બાળકો પાસેથી એક મહિનામાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાનું વચન માંગ્યું, બહારના રેડીમેઈડ પેકેટ્સને બદલે ઘરનો નાસ્તો કરતાં કર્યાં.
પણ પહેલા દિવસે મારા જોડે એક ખૂબ જ રમુજી ઘટના બની હતી. હું સાવ નાની ઉંમરમાં નોકરીએ લાગ્યો હતો એટલે મારા અને અમુક પાયો પાકો કરી રહેલા દસમા ધોરણના વિદ્યાર્થીઓ વચ્ચે દેખાવમાં ખાસ તફાવત ન લાગે. હું બસમાં આવી રહ્યો હતો. એક વિદ્યાર્થી જે ઘણા સમયથી ગેરહાજર રહેતો હતો એ પણ બસમાં હતો.
મને જોઈને પૂછ્યું , "સ્કૂલે જાવ છો?"
મેં કહ્યું, " હા ."
"હું નિયમિત આવતો નથી. પણ આજે એક નવો સાહેબ આવવાનો છે એટલે આવ્યો ..", એ બિન્દાસ બોલ્યો.
" એમ ", મેં હવે બધું સમજી જતા કહ્યું.
સ્કૂલે પહોંચી ગયા બાદ એ તો મને જ્યારે હું ઓફિસમાં જવા જતો હતો ત્યારે પણ કહેતો હતો, " ત્યાં ક્યાં જાય છે? એ તો સાહેબોની ઓફિસ છે."
" હમણાં આવું ", કહીને હું માંડ અંદર ગયો.
જ્યારે હું તાસ લેવા ગયો ત્યારે તે બિચારાની પરિસ્થિતિ જોવા જેવી હતી.
અને મારા મનમાં ગુંજી રહ્યાં હતાં બી એડના છેલ્લા દિવસના મારા આચાર્યશ્રીના શબ્દો," શિક્ષક સૌપ્રથમ તો અમસ્તા-અમસ્તા વહાલો લાગવો જોઈએ, શિક્ષક પારદર્શક હોવો જોઈએ, શિક્ષક પોતે આજીવન વિદ્યાર્થી હોવો જોઈએ, સ્વયંશિસ્તમાં માનતો હોવો જોઈએ અને ત્યાં છોકરાઓ એ વિચાર તંદ્રામાંથી બહાર કાઢતા મને કહ્યું, " સાહેબ, પાકી બુક બનાવવાની કે?"