સ્વપ્નસેવી
સ્વપ્નસેવી


હું અંગ્રેજીમાં અફલાતુન પ્રવચન આપી રહ્યો હતો. લોકો તાળીઓનો ગડગડાટ કરી રહ્યાં હતાં. અને...અચાનક મમ્મીએ મને નીંદરમાંથી ઉઠાડી દીધો! બાપ રે! કેટલું મોટું ઓડિટોરિયમ હતું! સપનામાં તો મજા પડી પણ હકીકતમાં જેને અંગ્રેજી અને વાણી બેય સાથે બાપાના જ નહીં પણ આગળની સાત પેઢીના માર્યા વેર હોય તેનું આ સપનું સાચું થોડું પડે? વળી પાછો હું તો સાયન્સનો વિદ્યાર્થી એટલે આમ પણ અંગ્રેજી સાથે સંબંધ નહોતો જ રહેવાનો પણ આપણું અર્ધજાગ્રત મન ક્યારે કેવી રીતે કામ કરતું હોય એ ક્યારેક આપણે પણ જાણતા નથી હોતા.
બારમું માંડ-માંડ પાસ કર્યા બાદ એફ.વાય.બી.એસ.સીમાં ગણિતમાં મારે દોઢસોમાંથી તેર માર્ક્સ આવ્યાં! ઘણીવાર એ પણ વિચાર આવે છે કે એ તેર પણ શેના આવ્યાં હશે! હવે કરવું શું? ઘરે બેઠા-બેઠા વિચારતો હતો ત્યાં મારો મિત્ર નિલેશ આવ્યો. મારું પરિણામ જોતો હતો. અચાનક મને કહે કે," તું આર્ટસ રાખીને કોલેજ કર ને." આમ તો એ ક્યારેય ન તો ખોટી સલાહ આપે કે ન તો તુક્કાઓ લડાવે. આજે આવું કેમ કહ્યું હશે?! મેં ઘરે વાત કરી. બધાએ કહ્યું , " તને યોગ્ય લાગે તેમ. અમને કોઈ જ વાંધો નથી." પછી શરૂ થઈ ગ્રેજ્યુએશન વિથ આર્ટ્સની જર્ની અને એમાં મુખ્ય વિષય અંગ્રેજી રાખ્યો! એમ.એ., બી.એડ. અને જોબ બધું ખૂબ જ ફટાફટ પત્યું. અંગ્રેજીમાં લખવા અને બોલવાનું શરૂ કર્યું. એક પ્રતિષ્ઠિત બુક પબ્લિકેશન દ્વારા મારા દ્વારા લખાયેલ અંગ્રેજી વ્યાકરણનું પુસ્તક પણ બહાર પડ્યું અને એના પર એક મોટો સેમિનાર ભાવનગર યોજાયો. મોટું ઓડિટોરિયમ, કેટલાય દર્શકો. પહેલી હરોળમાં બેઠેલ ભાઈને જોઈને મારા હોશ ઉડી ગયા. આ તો એ જ છે જે.....મતલબ..!!