સવાલ-જવાબ
સવાલ-જવાબ
એક દીવસે ગુલઝારે ગુલસન નામના રમણીક બાગમાં શાહે મોટા દબદબાથી સભા ભરી અનેક વીષયો પર ચર્ચા ચલાવી આનંદ લેતા હતા. શાહે ખુશ ચ્હેરાથી બીરબલને નીચે મુજબના સવાલો પુછવાને શરૂ કર્યા.
શાહ--અહો પ્રવીણ બીરબલ ! ઈશ્વર શું ખાય છે ?
બીરબલ--જહાંપનાહ ! અહંકારને ?
શાહ--અહો દાનેશમંદ બીરબલ ! ઈશ્વર શું કરે છે ?
બીરબલ--સરકાર ! રંકને રાજા, ને રાજાને રંક બનાવે છે ?
શાહ--અહો ગુણગ્રાહી ! બીરબલ ! ઈશ્વર ક્યારે હસે છે ?
બીરબલ--ખલકે ખાવીંદ ! જીવાત્માની વારંવાર બેવચપણાની કુટેવથી હસે છે ?
શાહ--તે ક્યાં રહે છે ?
બીરબલ--તે સર્વત્ર રહે છે !
શાહ--બુરામાં બુરી કઈ વસ્તુ છે !
બીરબલ--એકાંન્ત.
શાહ--કઇ સ્ત્રી કોઇની થઈ નથી અને થશે પણ નહીં ?
બીરબલ--પૃથ્વી.
શાહ--કઇ સ્ત્રી પાણીના રેલાની પેઠે વહી જાય છે ?
બીરબલ--લક્ષ્મી.
શાહ--ક્ષમા રાખવામાં કોણ સરસ ?
બીરબલ--ધરણી.
શાહ--કયાં ત્રણ ભવીષ્ય કોઇ જાણી ન શકે ?
બીરબલ--વરસાદ, મોત અને મોઘારત. એ ત્રણેનું ભવીષ્ય કોઇ ભાખી શકે નહીં.
શાહ--આખર અવસ્થાએ સાચું કુટુમ્બ કયું ?
બીરબલ--ક્ષમા રૂપી માતા, સત્ય રૂપી પીતા, જ્ઞાન અને ધર્મ રૂપી ભાઇઓ, દયા રૂપી દાસી, શાંતી રૂપી નારી, અને સત કર્મો રૂપી પુત્રો. એ આખર અવસ્થાએ સાચું કુટુમ્બ છે.
બીરબલના આ ચમત્કારીક અને તાત્કાલીક જવાબો સાંભળી શાહ અને સભા ચક થઇ જઇ બીરબલને ધન્યવાદ આપી પુષ્પથી વધાવી લીધો.
