સૂરજની ઝળહળ રોશનીમાં
સૂરજની ઝળહળ રોશનીમાં


સવારથી દિવસ જ કંઇક એવો ઊગ્યો હતો. મન અજબ બેચેન હતું .કશું અઘટિત થવાના એંધાણ હશે ? કે પછી કાલે રાતે બરાબર ઉંઘ નહોતી આવી એટલે હશે ? બેંકમાં ગયો પણ કામ કરવામાં ચિત ચોટતું નહોતું, માંડ માંડ કામ કરતો હતો. સાંજે કેશ ગણી. હિસાબ મળતો નહોતો પેટમાં ફાળ પડી. દસ હજાર રુપિયા ખૂટતા હતા. કેશિયર તરીકે એ મારે જ ભરવા પડે તેમ હતા. આવું ક્યારેક થઇ જતું ને પછી હિસાબ મળી પણ જતો પણ તે રકમ નાની હતી. જ્યારે આજે દસ હજાર……આ શિયાળામાં ય મને પરસેવો વળી ગયો.
બેત્રણ વખત મેં હિસાબ કરી જોયો ને કેશ ગણી જોઇ.ત્યાં મારી પત્ની સીમાનો ફોન આવ્યો."બાપુજી પડી ગયા છે એને આનંદ હોસ્પીટલમાં લઇ ગયા છે, તમે ત્યાં આવી જાવ." હોસ્પીટલનું નામ સાંભળતા જ મારા પગ ધ્રૂજવા મંડ્યા. શું થયું હશે બાપુજીને, કેટલુંક વાગ્યું હશે. આજ સુધી બાપુજી ક્યારેય બિમાર નહોતા પડ્યા. ડાયાબિટીશ, બીપી જેવી કોઇ કાયમી બિમારી ય નહોતી. આજ સુધી મને યાદ નથી કે તેમણે કોઇ દવા લીધી હોય. બહું નિયમિત તેમનું જીવન હતું. સવારે પાંચ વાગે ઊઠી જતા. ઊઠીને ચારેક ગ્લાસ પાણી પીતા એકાદ કલાક ચાલવા જતા યોગ પ્રાણાયામ ધ્યાનને પછી ચા નાસ્તો. મારા લગ્ન નહોતા થયા ત્યાં સુધી હું ય છએક વાગે તો ઊઠી જ જતો પણ હવે ક્યારેક ઓફિસના કામને લીધે તો ક્યારેક મોડી રાતની સીરીયલોને લીધે રાતે મોડા સૂવાનું થતું ને સવારે ઊઠતા આઠ તો વાગી જ જતા. પણ બાપુજી ક્યારેય વહેલા ઊઠવાની સલાહ નહોતા આપતા. આમે ય કોઇની જીંદગીમાં રોકટોક કરવાની બાપુજીને આદત જ નહોતી. સીમાને તેનો આ સ્વભાવ ગમતો. આ ઉંમરે ય ટટાર ચાલતા. જીંદગી સારી રીતે જીવ્યાનો સંતોષ ને જીંદગીના દરેક પડાવના સુખરુપ પાર કર્યાની એક ખુમારી તેના ચહેરા પર ઝળકતી.
હું હોસ્પીટલ પહોંચ્યો. સીમાએ કહ્યું "બાપુજી ફૂટપાથ પર ચાલતા હતા પણ અચાનક એક સાયકલવાળાએ પાછળથી ટક્કર મારી. બાપુજી પડી ગયા ને બેભાન થઇ ગયા. તે સાયકલવાળો જ બાપુજીને રિક્ષામાં અહીં લાવ્યો ને તેંણે તમને ફોન કર્યો પણ તમારો ફોન ન લાગ્યો એટલે મને કર્યો. બાપુજીને મૂઢ માર વાગ્યો છે. આઇ.સી યુ.માં લઇ ગયા છે."
મને બાપુજીની ચિંતા તો હતી જ પણ સાથે હોસ્પીટલમાં બાપુજીના સારવારના આવનારા મોટામસ બિલની ય ચિંતા હતી. હમણાં જ મેં હોમ લોન લીધી હતી. ઘરની બચત તો ફ્લેટ લેવા વપરાઇ ગઇ હતી ને વૈશાલીની સગાઇમાં પી.એફ.માંથી પણ પૈસા ઉપાડ્યા હતા. હજુ એના લગ્નનો ખર્ચ ઊભો હતો. હજુ ચૈતન્ય અને સાક્ષી ભણતા હતા તેના ભણાવવાના ખર્ચા મારા એકના પગારમાંથી માંડ માંડ પૂરું થતું. જો કે સીમા ય ઘેર ટ્યુશન કરતી હતી તેથી ઘરનું ગાડું આગળ ચાલતું હતું પણ ઓચિંતા આવનારા ખર્ચ માટેની જોગવાઇ નહોતી થતી.
બાપુજીનું મેડીક્લેઇમ કરાવવાનો તો ક્યારેય વિચાર જ નહોતો આવ્યો.
હું હોસ્પીટલના બાંકડા પર બેઠો હતો ને મારા કાને શબ્દ પડ્યા, "ડોક્ટરો અત્યારે લૂંટવા જ બેઠા છે. નાનો મોટો રોગ હોય તોય દાખલ કરી દે ને એવા તો ગભરાવી મૂકે કે આપણનેે એમ જ લાગે કે આપણે અહીં ન લાવ્યા હોત તો પેશન્ટ બચત જ નહીં"
બીજો અવાજ સંભળાણો,"અરે મારા કાકાને હમણાં દાખલ કર્યા'તા દોઢ લાખનું બિલ થયું. કારણ વગર જુદા જુદા ડોક્ટરો કાકા પાસે આવે, કેમ છો પૂછીને જતા રહે અને એનો વિઝિટ ચાર્જ હોસ્પીટલના બિલમાં ઉમેરાઇ જાય. કાકાને સારું થઇ ગયું પછીય ડોક્ટર હોસ્પીટલમાંથી રજા નહોતા આપતા એ તો મારા કાકીએ ઝગડો કર્યો એટલે હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કર્યાં."
એટલામાં નર્સ આવી મને કહે, "તમારા ફાધરને સુપર ડિલક્ષ રુમમાં હમણા લઇ જઇએ છીએ. તમે કાઉન્ટર પર જઇ જરુરી પ્રોસીજર કરી લો"
ફરી કોઇ ગણગણ્યું, "સુપર ડીલક્શ ખાલી પડ્યો હશે. મુર્ગો હાથ લાગી ગયો"
હું મારી પત્ની સાથે કાઉન્ટર પર ગયો ને બાપુજીને જનરલ રુમમાં જ રાખવા કહ્યું. પણ તેમણે કહ્યું, "સાહેબનો ઓર્ડર છે." ડોક્ટરને હું મળવા ગયો. પણ તેઓ થોડી વાર પહેલા જ ઘેર જવા નીકળી ગયા હતા. ફરી કાઉન્ટર પર આવ્યો. સારું થયું તેમણે કોઇ એડવાન્સ ભરવાનું ન કહ્યું.
થોડીવારમાં બાપુજી માટે વીઆઇપી જમવાનું આવ્યું. મેં તેમને કહ્યું કે જમવાનું નાસ્તો ફ્રૂટ અમે ઘેરથી લાવશું.
પણ તેમણે કહ્યું, "હોસ્પિટલનો રુલ છે કશું જ ઘેરથી લાવવાનું નથી.."બીજા દિવસે સવારે થોડી થોડી વારે જ્યુસ, ચા, કોફી, ગરમ નાસ્તો. બિલનો આંકડૉ મોટો ને મોટો થતો જતો હતો. બાપુજીને થોડો મૂઢમાર જ લાગ્યો હતો પણ હોસ્પીટલવાળા કોઇ રજા આપવા તૈયાર નહોતા.
બીજા દિવસે હું ડોક્ટરની રાહ જોઇને તેમની કેબિન પાસે જ બેઠો હતો જેવા ડોક્ટર આવ્યા હું તેમને મળવા ગયો. મારી તકલીફ જણાવી. ડોક્ટર ખંધુ હસતા બોલ્યા, "હમણા ઘણા વખતથી સુપર ડિલક્ષ રુમ ખાલી હતો. રોજના પાંચ હજાર મળતા હોય તો કોણ આવી તક જવા દે..." મારો ગુસ્સો સાતમા આસમાને હતો.
ડોક્ટર બોલ્યા, "જુઓ, તમે કાલે ચાર ચાર બંગડીવાળી ગાડીમાં આવ્યા મેં જોયું. તમારી મોજશોખ માટે પૈસા વપરાય ! બાપુજીનો ખરચ તમને ભારે પડે છે." મેં તેમને સમજાવ્યું કે એ અમારા મેનેજરની ઓડી હતી મારી પાસે તો સાદી કાર ય નથી. ઠઠારું બાઇક વાપરું છું. મને એ જ ચિંતા છે હું હોસ્પીટલનું બિલ કઇ રીતે ભરીશ" "પણ બાપુજી પાસે તો છે ને?"
"બાપુજી પાસે ય નથી ?"
"ખોટું કેમ બોલો છો? હરિહર બેંકમાં તેમનું સારું એવું બેલેન્સ છે, મને ખબર છે" હરિહર બેંકનું નામ સાંભળી મારા કાન ચમક્યા. નાનપણ્થી આ શબ્દ સાંભળતો આવ્યો છું બાપુજીના મોઢેથી. બાપુજી પાસેના ગામડાની એક સરકારી શાળમાં શિક્ષક. આદર્શ શિક્ષકની વ્યાખ્યામાં બરાબર ફીટ બેસે તેવી તેમની જીવનશૈલી. સાદુ જીવન અને ઉચ્ચ વિચાર તેમનો જીવનમંત્ર. તે બચત કરવામાં માનતા નહી તેમનો મોટા ભાગનો પગાર ગરીબ વિદ્યાર્થીને ભણાવવામાં વપરાતો. બા બીજાના કપડાં સીવતી તેથી ઘર ચાલતું. કોઇનું દુઃખ બાપુજીથી જોવાતું નહી તેઓ ઘસાતા અને અમને ય કહેતા, "બે'ક કપડા ઓછા લેશું તો ય ચાલશે પણ બેક વિદ્યાર્થી વધારે ભણશે તો તેનું ભાવિ ઉજ્જવળ બનશે" બા દલીલ કરીકરીને થાકી ગઇ હતી કે ગમે ત્યારે બચત કરી હશે તો કામ આવશે પણ બાપુજી હસીને કહેતા, "ઉપરવાળાની હરીહર બેંક છે જ ને તેમાંથી ઉપાડ થઇ જશે" બા બાપુજીથી છાનામાના પૈસા સંતાડીને બચત કરતી પણ કોઇને આર્થિક્ તકલીફમાં જોઇ બાપુજી વ્યથિત થઇ જતા, બાથી એ જોવાતું નહીં ને પોતાની બચત પણ તે બાપુજીને આપી દેતી.
વારસામાં બાપુજીને ઘર મળ્યું હતું નહીંતર એ તો મકાન બનાવત જ નહીં. આમ હરીહર બેંકમાં બાપુજીના ખાસ્સા પૈસા જમા થયા હતા.
મારી આંખમાં પાણી આવી ગયા. ડૉક્ટરે કહ્યું, "આજે હું જે કાંઇ છું તે તમારા બાપુજીને લીધે છે મારી પાસે ભણવાના તો શું ખાવાના ય પૈસા નહોતા. તેમણે મારું હીર પારખ્યું. મને ભણાવ્યો. રોજ રાતે મોડે સુધી મને ભણાવતા અને જમાડીને જ મોકલતા તે વખતે તું નાનો હતો એટલે કદાચ તને યાદ નહિ હોય.આગળ જતા કોલેજની ફી માફી કરાવી અને હોસ્ટેલના અને બીજા ખર્ચ પેટે મને દર મહિને મનીઓર્ડર કરતા. તેમના આ ઉપકારનો બદલો તો હું ક્યારેય નહીં વાળી શકું. ડૉક્ટર બન્યા પછી હું એ રકમ પાછી આપવા ગયો પણ તેમણે ના પાડી અને કહ્યું કે "જરુરિયાતમદ વિદ્યાર્થીઓને એ રકમ આપજે. તેમના નામે મેં એક ફાઉન્ડેશનની સ્થાપના કરી છે તેમાં મારા જેવા અનેક ડૉક્ટરો પોતાની અવકમાંથી દર મહીને નિશ્ચિત્ રકમ આપે છે અને અનેક બાળકોને આગળ ભણવાનો મોકો મળે છે." મારે શું બોલવું તે શબ્દ મને સૂઝતા નહોતા. બાપુજીએ એક દિપ જલાવ્યો અને એ દીપથી અનેક દીપ પ્રગટ્યાં. મેં મનોમન બાપુજીને વંદન કર્યાં અને જીવનમાં પહેલી વાર આવા મહાન પિતાના પુત્ર હોવા માટે મેં ગૌરવ અનુભવ્યું. ડોક્ટરે આગળ કહ્યું
"હવે રહી બાપુજીના સારવારના બિલની વાત ...તારે કોઇ જ બિલ ચૂકવવાનું નથી. અને હા, વૈશાલીના લગ્નની ચિંંતા કરવાની જરુર નથી. વૈશાલીના લગ્ન હું કરાવીશ મારે બે દિકરા છે તો એક દિકરીનો માંડવો મારે ત્યાં બંધાય. હું મારે ત્યાંથી વિદાય આપવા માંગું છું. અને હા અમારા લીધે તમે ઘણા મોજશોખ જતા કર્યા હશે હું તમને સહકુટુંબ ફોરેન ટ્રીપ પર મોકલવા માંગું છું."
મેં કહ્યું, "બાપુજીએ જે કંઇ કર્યું છે તે નિઃસ્વાર્થ ભાવે કર્યું છે તો આ બધુ હું કઇ રીતે સ્વીકારી શકુ?" પણ ડોક્ટર માન્યા નહીં. તેમણે કહ્યું, "આ બધુ હું ઉપકારનો બદલો વાળવા નથી કરતો. મારી તમામ સંપતિ મારા ગુરુજીના ચરણોમાં ધરી દઉં તો ય એ ઉપકારનો બદલો હું વાળી શકુ તેમ નથી પણ આ તો મનને થોડો સંતોષ મળે કે મેં કઈક કર્યું.થોડી વાર કોઇ કશું ન બોલ્યું પછી
મેં કહ્યું, "બાપુજીને ક્યારે ડિસ્ચાર્જ કરવાના છે?"
"બસ આજે જ ...દસેક વાગે મારી ગાડી તમને ઘેર મૂકી જશે." ડોક્ટરની કેબિનમાંથી બહાર નીકળેલો હું અલગ જ હતો. એક દર્દીના પિતા તરીકે હું અંદર ગયો હતો અને એક ઉમદા વ્યક્તિના પુત્ર તરીકે ડૉક્ટરની કેબિનમાંથી બહાર નીકળ્યો. ચિંતાતુર પત્ની મારી રાહ જોતી હતી. મને જોતા જ સીમાએ પૂછ્યું,
"શું કહ્યું ડૉક્ટર સાહેબે?" મેં ગંભીર મુખમુદ્રા રાખી કહ્યું, "બાપુજીને ફોરેન લઇ જવા પડશે" તેને ધ્રાસકો પડ્યો,
"હે? પણ બાપુજીને તો સાવ સારું છે" "પણ મારા ઇલાજ માટે..." "તમને શું થયું છે તમે કંઇક સમજાય તેવું બોલો" મેં તેને માંડીને વાત કરી ખુશ થઇ ગઇ. એટલામાં સહ કાર્યકર નિતીનનો ફોન આવ્યો, મને કહે "પથિક,હિસાબ મળી ગયો" . મેં તેને કહ્યું, "મને ય હિસાબ મળી ગયો." તે કંઇ સમજ્યો નહીં. આટલા વરસ બેંકમાં નોકરી કરી પણ ઉપરવાળાનો હિસાબ હવે કંઇક મારી સમજમાં આવ્યો.પથિકને જીવનનો સાચો પથ મળી ગયો.
કાલે સવારથી મન બેચેન હતું તે સૂરજ ઊગ્યા પહેલાનો અંધકાર હતો. આજે બધુ જ સ્પષ્ટ દેખાતું હતું સૂરજની ઝળહળ રોશનીમાં.