સ્ત્રી દેવી નહીં સામાન્ય માણસ
સ્ત્રી દેવી નહીં સામાન્ય માણસ
ઋજુ હૃદયની સ્વામિની, ત્યાગ અને સમર્પણની દેવી બનાવી સમાજે સ્ત્રી સાથે ખૂબ મોટી છલના કરી છે કેમકે સપના તો એક સામાન્ય માણસ જોવે છે દેવીને સપના થોડી જોવાય ! બસ આજ સૌથી મોટો દગો કર્યો છે સમાજે સ્ત્રી સાથે. બે હાથોમાં હજાર જવાબદારીઓનો ભાર નાંખીને કહી દીધું, "નારી તું નારાયણી" અને લાગણીથી ભીંજાયેલી બિચારી નારીએ હસતાં હસતાં આ બધું સ્વીકારી પણ લીધું, ખરેખર એ દેવી નથી પણ એણે આપેલાં અસંખ્ય બલિદાનોની તુલના કોઈ સાથે કરી જ ન શકાય તેથી દેવી કહેવું યથાયોગ્ય પણ લાગે. પણ શું એનાં તૂટેલાં સપનાઓનાં ઢગલાં પર પોતાનાં સપનાઓની ઈમારત ઊભી કરવી યોગ્ય છે ? જાણું છું પણ સદાકાળથી આજ પ્રથા તો ચાલી આવી રહી છે.
ગૃહસ્થીને સંભાળતાં સંભાળતાં સ્ત્રી પોતાનાં સપનાઓને હૃદયનાં તળિયે સંઘરી એક અભેદ દિવાલ ચણી નાખે છે જેને એ પોતે પણ ન ભેદી શકે. ઘણી સ્ત્રીઓ આ બધી જ વિપદાઓને પાર કરી પોતાનાં સપનાઓને પૂરાં કરવાં આગળ વધે છે પણ તેમનાં માટે એ સરળ નથી રહેતું. પોતાનાં સપનાઓને પૂરાં કરતાં પહેલાં ઘરની, પતિની, બાળકોની જવાબદારીઓને પૂરી કરવાની હોય છે ત્યારબાદ એ પોતાનાં સપનાઓને સાકાર કરવાંવા મથતી રહે છે, દોડતી રહે છે. આઠ કલાકની નોકરી હોય કે પોતે ઊભો કરેલો વ્યવસાય કામ પૂરું કરી ઘરે પરત ફરતાં તેનાં માટે કોઈ પાણીનો ગ્લાસ લઈને ઊભું નથી હોતું. ઘરમાં પગ મૂકતાંની સાથે જ તે અનેક કામોથી ઘેરાય વળે છે, બાળકો, પતિ અને વડીલોનાં જમણની અલગ અલગ ફરમાઈશો સાથે એ બાબડી જાણે રસોડામાં જઈ જાદુ કરી સહુની ઈચ્છાને સંતોષે અને જ્યારે વાત તેની પોતાની ઈચ્છાઓની આવે તો એજ જાદુ કામ કરતું બંધ થઈ જાય છે. હકીકતે તો એની બધી ઈચ્છાઓ ક્યારે એણે પોતે જ પોતાનાં હાથે મારી નાખી એની સુધ પણ એને નથી હોતી. આ છે નારી જીવન.
આટ આટલાં વિઘ્નો અને મુસીબતો વચ્ચે પણ ઘણી નારીઓ પોતાનું માથું કાઢી પોતાનાં સપનાઓને સાકાર કરી બતાવે છે. આવી જ એક સ્ત્રીનું ઉદાહરણ આજે હું આપ સહુને આપવા જઈ રહી છું. હરિયાણામાં રહેતી રીતુનાં લગ્ન માત્ર સોળ વર્ષની માસૂમ ઉંમરે થઈ ગયાં હતાં. સાસરીમાં પરિવાર મોટો હતો, તેમનાં સસરાનાં બે ભાઈઓ અને તેમનાં પરિવાર, દાદી સાસુ બધાં એક જ ઘરમાં રહે એટલે ઘરકામ ખૂબજ રહે. કામ અને ગૃહસ્થ જીવન જીવતાં જીવતાં રીતુ ચાલીસ વર્ષની થઈ ગઈ હતી. આ સમય દરમ્યાન રીતુનાં પતિએ અન્ય શહેરમાં રહેવા જવાનો નિર્ણય લીધો અને તેઓ પોતાની પત્ની,બાળકો અને મા સાથે પટિયાલા રહેવા આવ્યાં. સોળ વર્ષે રીતુનું જે સપનું અધૂરું રહી ગયું હતું એ પૂરું કરવા માટે તેણીએ પતિ સામે રજૂઆત કરી. તે આગળ ભણવા ઈચ્છતી હતી. પતિને પણ થયું કે રીતુએ બધું ભૂલી મારા પરિવારની દરેક ઈચ્છાઓને પૂરી કરી છે, તેનાં આ સમર્પણનાં બદલામાં મારી પણ ફરજ છે કે હું હવે તેનાં સપનાઓને પૂરાં કરવાં માટે તેને સાથ આપું. તેમણે ઈન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં રીતુનું ફોર્મ ભર્યું. રીતુએ જ્યારે ફરી ભણવાનું શરૂ કર્યું ત્યારે તેનો એક દીકરો બારમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો. સમાજ અને પરિવારનાં સભ્યોએ તેણીને મેણાં મારવામાં કોઈજ કસર નહોતી છોડી. પણ તેણીએ હાર ન માની. તેણીએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું
રીતુને જીવનમાં કંઈક કરવું હતું, પોતાની ઓળખ ઊભી કરવી હતી. તેણે કમ્યુટર પણ શીખ્યું. તેનાં એક સંબંધી ઓનલાઈન બિઝનેસ કરતાં હતાં. રીતુએ તેઓ પાસેથી એ બાબતની જાણકારી લીધી અને માર્કેટમાં જઈ અલગ અલગ પર્સ, વોલેટ વગેરેનો સર્વે કર્યો. તેણે આ પ્રોડક્ટ સાથે ફ્લિપકાર્ટ પર પોતાની નોંધણી કરાવી. શરૂઆતમાં મહિને માંડ સાતથી દસ ઓર્ડર મળતાં હતાં પણ રીતુ એ સારી રીતે જાણતી હતી કે કોઈપણ ક્ષેત્રમાં પ્રગતિ મેળવવા માટે પહેલાં નિષ્ફળતાનો સામનો કરવો જ પડે છે. અને જ્યાં સુધી લોહી પાણી એક કરી મહેનત ના કરીએ આપણે સફળતાંને ન વરી શકીએ. રીતુએ હાર ન માનતા પોતાનો આ બિઝનેસ ચાલું જ રાખ્યો. એ દરમ્યાન ફ્લિપકાર્ટ દ્વારા આયોજિત ટ્રેનિંગ સાથે પણ તેણી જોડાઈ, જેમાં તેણે પ્રોડકટને પ્રમોટ કઈ રીતે કરી શકાય વગેરે વિશે જાણ્યું. બસ પછી શું હતું, રીતુએ કદી પાછળ વળીને ન જોયું. તેણી વહેલી સવારે ચાર વાગ્યે ઊઠીને પહેલાં ઘરનું બધું કામ, રસોઈ પૂર્ણ કરીને સવારનાં દસથી સાંજના છ વાગ્યા સુધી પોતાનો બિઝનેસ સંભાળે છે. આજે રીતુને સાતસો થી લઈને હજાર ઓર્ડર મહિનાનાં થાય છે સાથે તે મહિને ત્રણથી ચાર લાખની કમાણી કરે છે. ફ્લિપકાર્ટ, એમેઝોન વગેરે પર તેણીની પ્રોડક્ટ સેલ થાય છે "રીતુપાલ"નાં નામ સાથે. તેણી પર ડોક્યુમેન્ટરી પણ બનાવવામાં આવી છે જે દરેક સ્ત્રીઓ, ગૃહિણીઓ માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. રીતુની જેમજ આપણાં ગુજરાતનાં કચ્છ જિલ્લામાં "પાબીબેને" પણ દુનિયામાં પોતાનું નામ રોશન કર્યું છે. વિકટ પરિસ્થિતિઓમાં પણ એમણે પોતાનાં સપનાં અને અસ્તિત્વને ટકાવી રાખવા માટે અથાગ પરિશ્રમ કરી અનેક મહેલાઓનાં જીવનમાં મોટું પરિવર્તન લાવ્યું છે. "પાબીબેન" કોન બનેગા કરોડપતિમાં પણ જઈ આવ્યાં છે. ગૃહિણી તરીકેની જવાબદારીઓમાંથી માથું ઊંચું કરી દરેક સ્ત્રીએ પોતાનાં સપનાઓને સાકાર કરવા પ્રયત્ન કરવાં જ જોઈએ.
સ્ત્રી ધારે તે કરી શકવા માટે સક્ષમ છે બસ તેને આ સમાજ દેવી બનાવવાનું છોડી એક સામાન્ય માણસની પેઠે જીવન જીવવા માટે મૂકત કરી દે તો એ પણ મૂકત મને શ્વાસ લઈ શકશે. નારી તું નારાયણી જરૂર બન પણ દેવી બનીને નહીં, સામાન્ય માણસ બનીને.
