સ્થળ કાળથી પર
સ્થળ કાળથી પર


દ્વિતિ અને અભિલાષ વચ્ચે કાયમ વચ્ચે મતભેદ હોય જ. આજે પ્રેમ વિષય ઉપર બંનેનો શાસ્ત્રાર્થ ચાલી રહ્યો હતો. અભિલાષ પ્રેમ શબ્દનો જ વિરોધી હતો અને દ્વિતિનું અસ્તિત્વ જ પ્રેમમય હતું. અભિલાષ માનતો કે પૈસા હોય તો બધું ગોઠવાઈ જાય અને બધાંને તમારી સાથે પ્રેમ પણ થઈ જાય. જ્યારે દ્વિતિ કહેતી કે પ્રેમ તડજોડ નથી, સહજતા છે.
કેવો વિરોધાભાસ ! અનાથાશ્રમમાં મોટી થયેલી દ્વિતિ પ્રેમને જગતનું સનાતન સત્ય માને અને પ્રેમલગ્ન કરેલ મા-બાપનું સંતાન અભિલાષ પ્રેમના અસ્તિત્વનો જ ઈનકાર કરે. અંતે કોલેજ કાળ પૂરો થયો. અભિલાષ લાઈફમાં બરાબર ગોઠવાયો અને ખૂબ પૈસા કમાયો અને આટલી નાની ઉંમરમાં ત્રણ વખત છૂટાછેડા પણ થયાં. પૈસા ખૂબ હતાં પણ માનસિક શાંતિ નહોતી.
એક દિવસ તેના હાથમાં તેની કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત સ્નેહમિલનનું કાર્ડ આવ્યું. તે ઘરેડમાંથી બહાર નીકળવા ત્યાં ગયો. દ્વિતિ પણ આવી હતી.
" આજે ઝઘડવું નથી ?", અભિલાષે મમરો મુક્યો.
"હું તો ત્યારેય ઝઘડતી નહોતી. મતભેદ હોવો એ ઝઘડો નથી" એકદમ સહજતાથી દ્વિતિ બોલી.
" પણ પ્રેમ વિશે હજુ હું મારા મત પર મક્કમ છું", સહેજ વિચારીને અભિલાષ બોલ્યો.
"આજે લાગતા નથી. આંખો જુદું જ કંઈક કહે છે", દ્વિતિ આત્મવિશ્વાસથી બોલી. અભિલાષ થોડો ચોંક્યો.
"માફ કરજે અભિલાષ. આમ તો આ વાત ક્યારેય ન કરત પણ તારા વિચારો તારી જિંદગી બગાડી રહ્યા છે એટલે આજે કહીશ કે પ્રેમમાં ન માનવના કારણે જ તારા ત્રણ લગ્ન વિચ્છેદ પામ્યાં અને પ્રેમમાં માનવના કારણે જ...", દ્વિતિએ વાત ગળી જવાની કોશિષ કરી.
"પ્રેમમાં માનવના કારણે શું દ્વિતિ બોલ ?", અભિલાષ અધીરો થયો.
"પ્રેમમાં માનવના કારણે જ મેં આજ દિન સુધી કોઈની રાહમાં લગ્ન જ ન કર્યા. વિચાર્યું કે સાચો પ્રેમ હશે તો એક દિવસ એ બધું મૂકી ને આવશે જ." અભિલાષ સામે જોયા વગર દ્વિતિ આટલું બોલતા જ ઉભી થઈ જવા લાગી.
"અને હું ખરેખર બધું મૂકીને આવ્યો જ..." અભિલાષના આ વાક્ય સાથે ભૂતકાળ અને વર્તમાનકાળ એક થયાં.