Manishaben Jadav

Inspirational Children

4.8  

Manishaben Jadav

Inspirational Children

સસલાભાઈની મોબાઈલની દુનિયા

સસલાભાઈની મોબાઈલની દુનિયા

4 mins
199


એક મોટું જંગલ હતું. જંગલમાં ઘણી વનસ્પતિ, પ્રાણીઓ અને પક્ષીઓ રહે. વનસ્પતિથી જંગલની કુદરતી શોભા ખૂબ સુંદર લાગે. જંગલ એટલે ધરતી પરનું સ્વર્ગ. લીલી લીલી હરિયાળી, ઠંડું ઠંડું વાતાવરણ, વૃક્ષોનો મીઠો છાંયડો કોને ન ગમે ?

  જંગલના બધા પ્રાણીઓ આખો દિવસ ખોરાકની શોધમાં આમતેમ ફરે. આખો દિવસ પસાર થઈ જાય. રાત પડે પોતાના રહેઠાણ પર આવે. એમાં એક હતા સસલાભાઈ. નાનાં નાનાં કોમળ કોમળ પોચા પોચા રૂ જેવા. તે આખો દિવસ ઘર પર રહે.

"નાનાં નાનાં સસલાભાઈ

આમ દોડે તેમ દોડે

ગાજર ખાય ઝટપટ

સૌને ગમે સસલાભાઈ"

સસલાભાઈને ઘેર જરાય મજા ન આવે. બધા નીકળે એટલે સૌની પાછળ પાછળ એ પણ જંગલમાં રખડવા નીકળી જાય. એક દિવસ ચાલતાં ચાલતાં એક ગામની બાજુમાં પહોંચી ગયા. ત્યાં તેણે એક નાનકડાં છોકરા અમિત સાથે દોસ્તી થઈ. પછી તો રોજ સસલાભાઈ ત્યાં આવી જાય.

  એક દિવસ તેણે અમિત પાસે મોબાઈલ જોયો. અમિતે સસલાભાઈ ને મોબાઈલમાં બધું શીખવ્યું. યુટ્યુબમાં અવનવા વિડિયો, જાણવા જેવું, વોટ્સએપ, ફેસબુક. સસલાભાઈને તો ખૂબ મજા પડી. બંને રોજ આખો દિવસ મોબાઈલમાં રમ્યા કરે.

સસલાભાઈ ને પણ મોબાઈલ લેવાનું મન થયું. એ તો ઘેર જઈને મમ્મી પાસે જિદ પકડીને બેઠા. મોબાઈલ લઈ આપો. બીજુ કંઈ નહિ. બધા પ્રાણીઓ સમજાવે. સસલાભાઈ એ આપણું કામ નહિ. આપણે એને શું કરવો. પણ સસલાભાઈ શાના માને ? એને તો બસ મોબાઈલ જોઈએ.

 હાથીભાઈ સમજાવે, કાબરબેન સમજાવે, કુહુ કુહુ કોયલડી સમજાવે, ટેહુક ટેહુક કરતા મોરભાઈ સમજાવે. પણ સસલાભાઈ પોતાની જિદ છોડવા તૈયાર ન થયા. આખરે સસલાભાઈની માતાએ તેની વાત માનવી જ પડી. સસલાભાઈ સાથે બજારમાં ગયા. એક સરસ મજાનો ટચ મોબાઈલ લિધો. સસલાભાઈનો તો હરખ ન સમાય.

  "સસલાભાઈ તો મોબાઈલ લઈને

  સૌ સંગાથે આજે હરતાંફરતાં

  મોબાઈલ સૌને બતાવી આજે

ખુશીઓને સૌ સંગાથે વહેંચતા."

  સસલાભાઈ તો મોબાઈલ લઈને બધા પ્રાણીઓને બતાવે. સૌને નવું નવું શીખવાડે. ખૂબ ખુશ દેખાય. એ તો એક દિવસ મોબાઈલ લઈને તેના મિત્ર અમિત પાસે ગયા. અમિતને મોબાઈલ બતાવ્યો.અમિતને સસલાભાઈ બંને મોબાઈલ લઈને બેસી ગયા.

ધીમે-ધીમે સસલાભાઈને મોબાઈલની ટેવ પડી. સવારથી સાંજ સુધી આખો દિવસ મોબાઈલમાં રચ્યાપચ્યા રહે. ન જમવાનું ભાન રહે. ન રમવાનું. મોબાઈલમાં સમય ક્યાં જાય ખબર જ ન પડે.

ફેસબુક માં નવા નવા મિત્રો બનાવે. યુટ્યુબ પર વિડિયો નિહાળે. ગેમ ડાઉનલોડ કરી. એમાં જ રમ્યા કરે. ઘરના બધા કંટાળી ગયા. એને સમજાવે કોણ ? આખો દિવસ મોબાઈલમાં મથ્યા જ કરે.

 ધીમે-ધીમે જંગલની દુનિયા જ સાવ ભૂલાઈ ગઈ. પ્રકૃતિનો સાથ છુટી ગયો. મિત્રતા તૂટી ગઈ. હરવાફરવાનું છુટી ગયું. શરીર વધતું ચાલ્યું. સૌ પ્રાણીઓની ચિંતા વધતી ગઈ. આ મોબાઈલની દુનિયામાંથી સસલાને બહાર કાઢે કોણ ? કોઈની વાત સમજવા તો તૈયાર ન હતા.

બધા પ્રાણીઓએ ભેગા થઈને એક યુક્તિ બનાવી. યુકિત અનુસાર એક દિવસ કાચબાભાઈ સસલાભાઈને બહાર ફરવા લઈ ગયા. બંને ફરતા ફરતા જંગલમાં આવેલા તળાવ પાસે ગયા. ઠંડું ઠંડું પાણી, એ પવનની લ્હેરખી આજ કેટલા દિવસ પછી સસલાભાઈએ જોઈ. તેના પાણીમાં જવાનું મન થયું.

 તે કાચબાભાઈને કહે," કાચબાભાઈ કાચબાભાઈ આ પાણી જોઈ મને તો ન્હાવાનું મન થયું. હું ન્હાવા જાવ."

 કાચબાભાઈ કહે," હા જરૂર, જાઓ એમાં પૂછવાનું થોડું હોય. આપણું જ તળાવ છે.

"કેવી તરે છે પેલી રૂપેરી માછલી

ઉપર ઉઠે ને નીચે આવે માછલી

તમે પણ જાવ તરવાને સંગ માછલી"

સસલાભાઈ તો ન્હાવા પાણીમાં ઉતર્યા. મોબાઈલ પાસે છે એ ખ્યાલ ન રહ્યો. પાણીમાં જતા જ મોબાઈલ પલળ્યો. થઈ ગયો બંધ. સસલાભાઈ બહાર આવીને જુએ તો મોબાઈલ ચાલું ન થાય. સસલાભાઈ ને મોબાઈલ વિના જરાપણ ન ચાલે.

એ તો આખા જંગલમાં બધા પાસે ફરી વળ્યા. ચાલું કરવા સૌ મથામણ કરવા લાગ્યા. પણ મોબાઈલ ચાલું ન થાય. સસલાભાઈ થાકી હારીને ઘેર આવ્યા.

સસલાભાઈ ઘેર આવ્યા. ચુપચાપ રહેવા લાગ્યા. ન કશું બોલે ન ઘર બહાર નીકળે. સૌ મનાવે પણ સસલાભાઈ માને. એને તો બસ મોબાઈલ ચાલું કરી દો એજ પડી હતી.

સસલાભાઈને મનાવવા મોરભાઈ આવ્યા. મોરભાઈ કહે,

"સસલાભાઈ રે સસલાભાઈ

ચાલો આજે જઈએ ફરવા

ગાજર ખાશું મીઠાં મીઠાં ને

તાજા માજા થઈશું."

સસલાભાઈ કહે," ના રે ના.

નથી બહાર આવવું મારે

નથી ગાજર ખાવા આજે

તમે મોરભાઈ જાઓ એકલા

હું નહી આવું."

મોરભાઈથી ન માન્યા સસલાભાઈ. પોપટભાઈ આવ્યા. પોપટભાઈ કહે,

" નાનાં નાનાં સસલાભાઈ

તમે સૌના મિત્ર ભાઈ

ચાલોને અમારી સાથે

તમારા વિના ન ગોઠે જી"

સસલાભાઈ તો પોપટભાઈની વાત પણ માન્યા નહિ.

  ચકીબેન આવ્યા. ચીં ચીં ચીં ચીં કરતા.સસલાભાઈને મનાવે.

"સસલાભાઈ રે સસલાભાઈ

મોબાઈલની જિદ ન હોય

આપણે વનવગડાના રહેવાસી

વન વન ફરીએ આનંદ કરીએ"

સસલાભાઈ ચકીબેનની વાત પણ માન્યા નહિ. એક દિવસ તેનો મિત્ર અમિત સસલાભાઈને શોધતા શોધતા ત્યાં આવી પહોંચ્યો. સસલાભાઈ તો દોડીને એમની પાસે. મોબાઈલની બધી વાત કરી.

અમિત બોલ્યો, સસલાભાઈ મારી પાસેથી પણ મોબાઈલ મારા માતા-પિતાએ લઈ લીધો. મોબાઈલથી કેટલું નુકસાન થાય છે જાણો છો ? મને ખબર પડી એટલે હું પણ જિદ કરતો નથી અને બહારની દુનિયામાં, ખુલ્લા મેદાનમાં રમુ છું.

 મોબાઈલના કારણે આંખને નુકસાન થાય છે. આળસુ બની જવાય છે. લેશન સમયસર થતું નથી. આરોગ્ય બગડે છે. શરીર જાડું થતું જાય. એકધારા મોબાઈલ લઈ બેસી રહેવાથી શરીર અકડાઈ જાય છે. તમે શું આળસું બની રહેવા માંગો છો ?

 સસલાભાઈ કહે," ના રે આજથી મોબાઈલ નં જોઈએ. હું પણ બહાર ફરવા જઈશ. મીઠાં મીઠાં ગાજર ખાઈ. મોરભાઈનો ટહુકો સાંભળીશ. હાથીભાઈની પીઠ પર ફરીશ.

"સસલાભાઈ ને મોરભાઈ

કાબરબેન ને હાથીભાઈ

જંગલમાં ચાલ્યા ફરવા

ફરતાં ફરતાં મીઠા ફળ ખાધાં."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational