સસલાભાઈએ કરી ગાજરની ખેતી
સસલાભાઈએ કરી ગાજરની ખેતી
એક હતાં સસલાભાઈ. નાનાં નાનાં અને ધોળાં ધોળાં દૂધ જેવાં. શરીર તેનું નરમ અને પોચું. સૌ કોઈને તે ગમે. આ સસલાભાઈને ગાજર ખૂબ ભાવે.
"ધોળું ધોળું હું સસલું
રૂ જેવું પોચું પોચું
ગાજરને જો જાવ ભાળી
જીભ ન રહે બાવરી."
સસલાભાઈ જ્યાં રહે ત્યાં બાજુમાં એક શામજીભાઈનું ખેતર. આમ તો શામજીભાઈ દર વર્ષે મગફળીનું વાવેતર કરે. પરંતુ આ વર્ષે તેને થયું મગફળીનો ભાવ બરાબર આવતો નથી. આ વર્ષે તો ગાજરની ખેતી કરીએ.
સસલાભાઈને ખબર પડી બાજુમાં શામજીભાઈએ ગાજર વાવ્યા. રોજ સાંજે શામજીભાઈ ઘેર જતાં રહે એટલે સસલાભાઈ પહોંચી જાય ગાજર પાસે. સસલાભાઈ ધરાય જાય ત્યાં સુધી ગાજર ખાય.
આમ અઠવાડિયા સુધી ચાલ્યું. શામજીભાઈને ખબર પડી આપણાં ખેતરમાંથી કોઈ ગાજર ખાઈ જાય છે. આજ તો છુપાઈને જોવું છે. આવે છે કોણ ? રોજની જેમ સમય થયો એટલે શામજીભાઈ તો છુપાઈ ગયા. સસલાભાઈ આવ્યા એટલે શામજીભાઈએ લાકડી લીધી.સસલાભાઈ તો ઊભી પૂંછડીએ ભાગ્યા.
ઘેર પહોંચ્યા ત્યારે માંડ જીવમાં જીવ આવ્યો.સસલાભાઈ કહે," આ ધંધો કરાય નહિ. ગાજર ખાધા એના કરતાં લાકડી વધારે ખાવી પડી. આ વર્ષે તો આપણે ગાજરની ખેતી કરીએ."
સસલાભાઈ બજારમાં ગયા.અને ગાજરનું બિયારણ ખરીધ્યું. કોદાળીની મદદથી શાહ બનાવ્યા. અને બીજનું વાવેતર કર્યું. વરસાદ આવે એટલે ગાજરને પિયત થઈ જાય. સસલાભાઈ કહે," આ તો સારું જ્યારે મન થાય ત્યારે ગાજર ખાશું. કોઈના મારની બીક નહિ."
ગાજર પાકી ગયા. સસલાભાઈ ને જેટલા ગાજર ખાવા હોય તેટલાં ઉપાડીને રાખે. અને ધરાઈને ખાય. નિરાંતે સૂઈ જાય.
"ગાજર મારા મીઠાં મીઠાં
લાગે સૌને મીઠાં મીઠાં
સસલાભાઈ ખાઈ ઝાઝા
રહે એ તો તાજામાજા."
