Bhargav Vasavada

Abstract Inspirational Children

4.5  

Bhargav Vasavada

Abstract Inspirational Children

સર્વભૂતહિતેરતા:

સર્વભૂતહિતેરતા:

5 mins
356


દીકરી: "પપ્પા ભૂત નું હિત શું કામ કરવાનું? ભૂત તો સ્કેરી ના હોય?"

પપ્પા: "બેટા અહીં ભૂત એટલે આપણી આજુબાજુ ના બધા જીવો, એવું કીધેલું છે. તમને પેલો શ્લોક યાદ છે ને?

ન ત્વહં કામયે રાજ્યં, ન સ્વર્ગં ન પુનર્ભવમ | કામયે દુઃખ તપ્તાનામ પ્રાણિનામ આર્તિનાશનં ||"

દીકરી: "ઓહ ધેટ્સ રાઈટ, so you mean devoting one's life to the welfare of others. Aren't all these messages interconnected?"

પપ્પા: "એકઝેટલી. ગીતાજી માં શ્લોકોજ નથી પણ સિદ્ધાંતો છે, વિવિધ વિષયો પરનો સંવાદ છે. બેટા તમારા દાદા જયારે બહુ નાની ઉંમરે ભગવાન પાસે જતા રહ્યા ત્યારે હું 15 વરસ નો હતો. તે વખતે ઘરમાં ગીતાજી ના અધ્યાય 12 અને 15 રોજ બોલાતાં, હું સાંભળતો અને ઉત્સુકતાથી મોટાઓ ને મતલબ પૂછતો. આમ મારી અને ગીતાજીની મિત્રતા શરુ થઈ. ત્યારબાદ છેલ્લા 25 વરસ માં જીવન માં ઘણા સ્વજનો આવ્યા અને ઘણા વિખુટા પણ પડ્યા, પણ અમે બંન્ને એ એક બીજાનો સાથ નથી છોડ્યો. કોલેજો બદલી, નોકરીઓ બદલી, દેશો બદલ્યા, ઘણા ઉતાર-ચડાવ આવ્યા પણ તેમણે મને હંમેશા માર્ગદર્શન આપ્યું. સૌથી સુંદર વસ્તુ એ છે કે જુદી જુદી પરિસ્થિતિઓ ને અનુરૂપ માર્ગદર્શન મળ્યું, એ છે શ્રીમદ્દ ભગવદ્દ ગીતા નું ઊંડાણ.

બાળપણ ના એ કપરા સમય માં ભક્તિયોગે અભ્યાસ, દ્રઢનિશ્ચયતા, સમતાની શીખ આપી. પુરુષોત્તમયોગમાંથી મૃત્યુની અનિવાર્યતા સમજાઈ. તમને પેલો શ્લોક યાદ છે ને?

યદગત્વા ન નિવર્તન્તે, તદ્ ધામ: પરમઁ મમ:

દીકરી: હા એ તો 15 માં અધ્યાય નો શ્લોક છે, મને તો આખો અધ્યાય કડકડાટ યાદ છે, બોલી જાઉં?

પપ્પા: હા હા હા! હમણાં નહીં બેટા. પણ એક રમુજ ની વાત યાદ આવી આ શ્લોક પરથી. 'જ્યાં જવાનું નિવારી ન શકાય એ મારું ધામ છે' - આવું નાનપણમાં ભાષાંતર કર્યું મેં. પછી સવાર સવાર માં બાથરૂમ ભાગવું પડે તો એમ કહેતો કે ભગવાન ના ધામમાં જાઉં છું !

જોકે પાછળથી સમજાયું કે એનો અર્થ એવો થયો મારુ ધામ તો એક એવી અવ્યક્ત મનોસ્થિતિ છે જેમાં માત્ર સમતા, ત્યાગ, સ્થિરતા, પ્રસન્નતા જેવા ભાવો છે. જયારે એ મનોદશા માં માણસ પહોંચી જાય છે ત્યારે ક્યારેય પાછો નથી ફરતો.

દીકરી: "પપ્પા તમને આવું બધું કોણે સમજાવ્યું કે આ બધા શ્લોકો ની પાછળ નો ઊંડો મતલબ શું છે"

પપ્પા: "ગુડ કવેશચન ! તમને આશ્ચર્ય થશે સાંભળી ને કે ગીતાજી સાથેની મિત્રતા ના શરૂઆત ના દિવસો માં મારી પાસે માત્ર ગીતા પ્રેસ ની સંસ્કૃત અને ગુજરાતી શબ્દશઃ ભાષાંતર વાળી એક નાનકડી ચોપડી હતી. સૌથી મોટો ફાયદો મને એ થયો કે મેં એ દિવસો માં ખુબજ મનોમંથન કરીને પોતાની સમજ વિકસિત કરી. આજે હિન્દૂ ધર્મ ઘણા નાનાં નાનાં સંપ્રદાયો માં વહેંચાઈ ગયો છે. દરેક સંપ્રદાય ના ધર્મગુરુ ની પણ એક પોતાની સમજ છે જેને તેઓ આગળ વધારે છે. મને એ દરેક સંપ્રદાયો પ્રત્યે આદર છે, પણ ક્યારેક એવું જરૂર લાગે કે તેઓ આપણી સમજણ ની દ્રષ્ટિ પર તેમની સમજ ના ડાબલાં પહેરાવી આપે છે, જેથી આપણું જ્ઞાન જેટલું બહોળું થવું જોઈએ તેટલું નથી થતું. બીજી બાજુ એ પણ ખરું કે પોતાની સમજ કેળવવી એ અઘરું કાર્ય છે, બધા લોકો પૂરું નથી કરી શકતા, તેથી ધર્મગુરુઓ જરૂરી પણ છે. તમારે પણ જાતે નક્કી કરવું પડશે કે તમે એ રસ્તા પર કેટલે સુધી જવા માંગો છો.”

દીકરી: "થોડુંક ઉપરથી ગયું, પણ મને લાગે છે મોટાભાગનું સમજાયું"

પપ્પા: "આ સમજણ શક્તિ પણ ઈશ્વરે સૌને નથી આપી એટલે એનો પણ જીવન માં ઉપયોગ કરજો બેટા. બાકી ગીતાજી જેવા શાસ્ત્રો એનેજ મદદ કરે છે જે એક નિરપેક્ષ ભાવથી તેને સમજવાનો પ્રયત્ન કરે છે. મોટાભાગે લોકો જે વાંચવું કે સાંભળવું કે સમજવું હોઈ તેજ ગ્રહણ કરે છે, પછી સામે ભલે ગમે તે હોય.

યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા: શાસ્ત્રમ તસ્ય કરોતિ કિમ ? લોચનાભ્યામ વિહીનસ્ય દર્પણં કિમ કરિષ્યસિ ?"

દીકરી: "અચ્છા તો પછી જેમ તમે મોટા થતા ગયા એમ બીજું શું શીખવા મળ્યું?

પપ્પા: "હા તો પછી નોકરી શરુ થઈ અને નવો તબક્કો શરુ થયો. લોકોને બોસ ની ચાપલુસી કરતા જોયા અને આગળ વધતાં પણ જોયા. પણ ત્યાં સુધીમાં તો સાંખ્યયોગ ઘણોખરો મનમાં ઘુસી ગયેલો. 'યોગ: કર્મસુ કૌશલમ' ને મનમાં રાખી ને નક્કી કર્યું કે માત્ર યોગ્યતા અને મેહનત ના આધારે આગળ વધીશ. આજે એ સમય ના ઘણા ચાપલૂસિયાઓ મારી પાસે નોકરી ની સિફારિશ માટે આવે છે એ વાત જુદી છે. સાંખ્યયોગ ને તો જાણે મારા જીવનનો આધારસ્તંભ કહી શકાય. તેમાંથી દુર્બળતા ને ખંખેરીને યુદ્ધ કરવાની પ્રેરણા મળી, જયારે તેજ યુદ્ધ માં મળતા વિજય-પરાજય ની વચ્ચે સ્થિતપ્રજ્ઞ રહેવાનો બોધ પણ મળ્યો.

જયારે પેહલી વખત વિદેશ જવાનું થયું ત્યારે ફરી જીવન માં નવો અને જટિલ સમય આવ્યો. પણ જયારે ઈશ્વરે મારા યોગ અને ક્ષેમ નું વહન કરવાના સોગંદ લીધા હોય સાંખ્યયોગ માં તો પછી રણમેદાન છોડી કેમ શકાય? અમેરિકાના કોર્પોરેટ ક્ષેત્ર માં અને સામાન્ય જીવન માં લોકોને દંભ અને દેખાડો કરતા જોયા ત્યારે 16 માં અધ્યાય દૈવાસુરસંપદ્વિભાગયોગમાંથી જે અહંકાર, દંભ, દર્પ, વિગેરે ની પરખ મળી હતી તેણે સરળતા ના રસ્તા પર મારા પગ ને અડગ રાખ્યા.

દીકરી: "પપ્પા તમને આ બધું કરવાનો આત્મવિશ્વાસ કેવી રીતે આવ્યો?"

પપ્પા: "તમને નવાઈ લાગશે સાંભળીને પણ મારામાં આત્મવિશ્વાસની નાનપણથી કમી રહી છે. આજના માં-બાપો ને જેટલા બાળ ઉછેર ના સાધનો મળેલ છે તેટલા ત્યારે ન્હોતાં. નાની નાની સફળતાઓ ને પોઝિટિવ પીઠબળ મળેજ એ જરૂરી નહી. એવું પણ સંભળાય કે 'નોકરી કરો પછી કેટલી વિસે સો થશે એ ખબર પડશે', 'પોતે બાપ બનજે પછી જો તારી શું દશા થાય છે'. વડીલો દેવતુલ્ય જ છે, એમને વખોડવાનો આશય જરા પણ નથી, પણ આત્મવિશ્વાસ તો ડગેલોજ હતો.

આ જે તમે જુવો છો તે છે 'ઈશવિશ્વાસ', અને તે મને મળ્યો પ્રિય મિત્ર શ્રીમદ્દ ભગવદ્દ ગીતા માંથી. જયારે મારી સાથે એ છે પછી શું ઘબરાવાનું છે. મોક્ષસન્યાસયોગ કહે જ છે કે ઈશ્વર સર્વે ની અંદર રહી ને બસ આપણને યંત્ર રૂપે ચલાવે છે, તો અડગ શ્રદ્ધા રાખી ચાલતા રહીયે."

દીકરી: "તમને અત્યારે ગીતાજી માંથી શું શીખવા મળે છે?'

પપ્પા: "સર્વ પ્રથમ તો અત્યારે હું ગીતાજી નો ખુબ આભારી છું કે મને થોડીક સમજ આપી જે હું તમારી સાથે શેર કરી શકું છું. અને તે બહાને મને રીવીઝન પણ કરવા મળે છે. મારો એ સિદ્ધાંત પણ દ્રઢ થયો કે જેટલું માણસે માં-બાપ પ્રત્યે જેટલું આભારી રેહવું જોઈએ, તેના કરતા પણ વધારે માં-બાપે બાળકો નો આભાર આખું જીવન માનવો રહ્યો કે બાળકો એ એમને મોટા બનવાનો મોકો આપ્યો. હું તમને વચન આપું છું કે આ સિદ્ધાંત થી હું હટીશ નહીં, કંઈપણ થાય.

હા તો જેમ આર્થિક, વ્યવસાયિક, સામાજિક સુરક્ષા આવી ધીમે ધીમે, તેમ કોણ જાણે પણ ગીતાજીનું એક બીજું પાસું ખુબ મનમાં ફરતું થયું છે, અને તે છે 'સર્વભૂતહિતેરતા:' નો. બાકી બચેલા જીવન ના મૂલ્યો ની વ્યાખ્યા કરું તો બસ એજ છે કે માફી માંગતો રહું અને માફ કરતો રહું ! સન્યાસયોગમાં કીધું છે ને કે:

ન હી કલ્યાણ કૃત કશ્ચિદ્, દુર્ગતિમ તાત ગચ્છતિ (One who is devoted to serving the humanity cannot be harmed by any evil powers)

બસ તો પછી હવે એજ નિર્ધાર છે બની શકે તેટલું જીવન માનવ કલ્યાણાર્થે યથાશક્તિ ખર્ચવું. બહુ મોટા સમાજ સેવક નથી થવું પણ રોજિંદા જીવન માં જેટલું થઈ શકે તેટલું કરવું."

દીકરી: "પપ્પા આજે તો તમે આખી ભગવદ્દ ગીતા કવર કરી લીધી!"

પપ્પા: "ના બેટા આતો આજે ગીતા જયંતિ છે એટલે માત્ર કેટલાક સૂત્રો મમળાવ્યા. બાકી એક જીવન ઓછું પડે બધું સમજવામાં. તમે ગીતાનું નાનું બાળક છો તો હું થોડુંક મોટું બાળક છું, પણ છીએ તો બાળકોજ. બસ આજે આપણે એટલો નિર્ધાર કરીયે કે:

દર વર્ષે એક અધ્યાય યાદ કરીયે, કર્મશીલ અને સાહજિક જીવન જીવીયે, દંભ અને આડંબર થી દૂર રહીયે, મૌલિક સમજણશક્તિ કેળવીએ, સૌનું ભલું થઈ તેવું ઈચ્છીયે અને તેવા કાર્યો કરીયે.

બોલો કરશું ને?"

દીકરી: "કરિષ્યે વચનં તવ !"

(સત્ય ઘટના પર આધારિત)


Rate this content
Log in

Similar gujarati story from Abstract