Bhargav Vasavada

Inspirational

2.5  

Bhargav Vasavada

Inspirational

રાગનો રંજ

રાગનો રંજ

3 mins
14.6K


'ગંધાર અતિ કોમલ હોના ચાહિયે, ફિર સે ગાઓ...' પાછલી એક કલ્લાકથી રાગ દરબારી શરુ થયો હતો પણ આ નાચીઝને હજુ રિષભથી ગંધારમાં કેમ જવું તે સમજમાં નોતું આવ્યું. "રંજયતિ ઇતિ રાગ" - એટલે કે જયારે અલગ અલગ સુર મળીને મનોરંજન આપે તેને રાગ કહેવાય એમ સાંભળેલ, પણ અહીંયા તો રાગની કલ્પના ક્યારેય નહી સમજાય એવો રંજ વધારે દ્રઢ થઈ રહ્યો હતો. જોકે સાથે સાથેજ વિચારોની હારમાળા સર્જાઈ કે સામે બેઠેલા ગુરુજી અને તમના જેવા બીજા હજારો ગુરુઓ કે જેમણે મારી જેવા કેટલાય પથ્થરમાંથી પાણી કાઢવાનું બીડું ઝડપ્યું અને ઘણી સફળતા પણ મેળવી, તેઓ નું સામાજિક યોગદાન કઈ જેવું તેવું નથી.

બસ આજની ઝાકઝમાળ લક્ષી દુનિયામાં એક લાંબો, અઘરો, પણ સંતોષજનક અને સાધના તરફ લઇ જતો રસ્તો બહુ લોકો ના ગળે ન ઉતારતો હોવાથી બહુ ચર્ચામાં નથી આવતો. આપણે ક્રિકેટ ટીમમાં વિકેટકીપર રહ્યા અને કુટુંબમાં ભાઈ બેહનોમાં ઉમરમાં જયેષ્ટ, એટલે આવી નગણી જવાદારીઓ સાથે સહાનભૂતિ ખરી, પણ જવા દો અત્યારે. વિચારોની ગતિ ભલે અપાર હોય પણ લયની ગતિ સાથે ના ચાલી અને સમ ચુકાઈ ગયો, ત્યાં ફરી ફટકો પડ્યો કે "લય મેં રહો...". ફરી સમજાયું કે આ વિષય શીખવો હશે તો વિચારો ને પડતા મુકવા પડશે અને ઓતપ્રોત થવું પડશે, કદાચ વિચારશૂન્યતાંમાંજ સાધના હશે!

રાજાઓનો રાગ અને રાગોનો રાજા એવું કહેવામાં આવે છે આ રાગ દરબારી માટે.

વિશ્વ પ્રસિદ્ધ સરોદવાદક ઉસ્તાદ હાફિઝ અલી ખાનને જયારે પદ્મભૂષણથી સન્માનતા હતા ત્યારે રાષ્ટ્રપતિ શ્રી ડો રાજેન્દ્રપ્રસાદે એમને પૂછ્યું કે "ખાન સાહબ મૈ આપકે લિયે ક્યા કર સકતા હૂં?" એ સમયે ઉસ્તાદજી એક નાના એવા ભાડાના ઘરમાં રહેતા અને આર્થિક પરિસ્થિતિ તદ્દન સામાન્ય. તેમ છતાં તેમણે નિર્દોષતાથી રાષ્ટ્રપતિશ્રીને આવું કંઈક કહ્યું "હુજૂર આપકો તો બહોત કુછ દેખના હોતા હૈ, લેકિન આજકલ રાગ દરબારી કી સ્થિતિ નાજુક ચાલ રહી હૈ, બસ આપ દરબારી કી ગરિમા બની રહે, ધૈવત કા આંદોલન બના રહે ઉસકા ધ્યાન રખિયેગા !" આવા હતા આપણા સંગીત અને સંસ્કૃતિના રખેવાળો.

"ધૈવત પે રૂક્ના હૈ, આંદોલન કરના હૈ..." પૂજ્ય ગુરુજી એ ફરી વિચારસમાધિમાંથી બહાર લાવી ટકોર કરી. મધ્યમથી પંચમ અને ત્યાંથી કોમલ ધૈવત પર રોકાવાનું એ આંદોલન મારા માટે કોઈ જનઆંદોલનથી કમ નહોતું. ક્યાં અત્યાર સુધી દરબારીની ઓળખ 'ઓ દુનિયા કે રાખવાલે' કે પછી 'જનક જનક તોરી બાજે પાયલિયા' અને આ ક્યાં ધૈવતના આંદોલનમાં પહોંચી ગયો એવા આત્મસાતમાં ગરકાવ થાઉં ત્યાંજ કદાચ મારા મનની ચંચળતા જાણી લીધી હોઈ તેમ અવાજ આવ્યો કે કોમલ 'નિ' હૈ ધ્યાન રહે.

લગભગ દોઢેક કલ્લાકથી પલાંઠી વાળીને બેસવાથી અહીંયા અંગ્રેજી વાળી 'નિ' (Knee) તો અતિ કોમળ થઇ જ ગઈ હતી અને એમાં વધારામાં નિષાદ બરાબર લાગવાના કોઈ અણસાર નહોતા એટલે થોડી ગંભીરતા સાલી, પણ એક ગંભીર રાગ જો સારી રીતે ગાવો હોય તો તે રાગના ભાવ જેવોજ ભાવ મનમાં પણ ઉત્પન્ન કરવો જરૂરી છે, એટલે અજાણતાંજ એકાદ સુર સાચો લાગી ગયો અને તરતજ એક મીઠી ટિપ્પણી આવી કે "જીતે રહો...", આટલામાં તો મનમાં એવો ગર્વનો ભાવ જાગ્યો કે ફરી સમ ચુકાઈ ગયો અને શાંત સ્વભાવ વાળા આ રાગ વખતે પણ કેવી રીતે કોઈને ગુસ્સો આવે એનું આશ્ચર્ય થયું.

ત્યારબાદ ષડજનું તાર સ્વરૂપ જોયું અને અવરોહ વખતે ફરી ધૈવતનું આંદોલન, જાણે કે જીવનના અવરોહ સમયે પણ સદ્કર્મ રૂપી આંદોલનો કરતા રહેવાની પ્રેરણા મળી. છેલ્લે જયારે ગ-મ-રે ની કોશિશ ચાલુ હતી ત્યારે એક લઘુગ્રંથી થઇ કે "યે ગધા મરેગા।..". રોદહાઉસ કરીને એક અંગ્રેજી ફિલ્મ છે એનો પ્રચલિત ડાયલોગ છે કે "ઇટ વિલ ગેટ વર્સ્ બિફોર ઇટ ગેટ્સ્ બેટર". મને લાગે છે કે એ ડાયલોગ ઘણી જગ્યાએ લાગુ પડે છે, બસ એક વસ્તુ પકડી ને ચાલ્યા કરવાનું છે.

ફરી એકવાર હરિવંશરાય બચ્ચન જીને યાદ કરી લઈએ, મધુશાલાની શરૂઆતનીજ પંક્તિ કહે છે:

મદિરાલય જાનેકો ઘર સે ચલતા હૈ પીનેવાલા, કીસ પથસે જાઉં અસમંજસ મેં હૈ ભોલાભાલા,

અલગ અલગ પથ બતલાતે સબ પર મૈં યહ બતલાતા હું, રાહ પકડ તું એક ચલાચલ, પા જાયેગા મધુશાલા...

સર્વે ગુરુઓને સમર્પિત...


Rate this content
Log in

Similar gujarati story from Inspirational