ખિસ્સા ખંખેરો મહોત્સવ
ખિસ્સા ખંખેરો મહોત્સવ


'America is a country that has gone from barbarism to decadence, without touching civilization in between' - Oscar Wilde
આજની આ વિચારપત્રિકાની શરૂઆત એક સંવેદનશીલ અવતરણથી કરું છું, પણ અંતે મારા પાછલા લેખોની જેમ વાંચકો આને પણ બહુ ગંભીરતાથી નહી લે અને ક્ષણિક, શાબ્દિક આનંદ લઈને વિસ્મૃત કરી દેશે એવો એક છૂપો વિશ્વાસ ખરો. પાછું ઘણાખરા દેશોમાં રહ્યા અને ફર્યા પછી આજ માયાવી દેશમાં વસવાનું નક્કી કર્યું છે એટલે મારુ જીવનજ મારો સંદેશ છે એ પણ વિદ્વત વાંચકો ધ્યાનમાં લેશેજ. ભૌગોલિક દ્રષ્ટિ એ આ દેશ વિખૂટો છે એ પ્રતિક છે અહીંયાની મૌલિક જીવનશૈલી, રોજબરોજની વાતોનું. અમેરિકામાં વીતેલ જીવનકાળના પ્રસંગોને વાગોળવા / વખોડવાનું પ્રકરણ ફરી ક્યારેક ઉપડશું, આજે વાત કરવી છે એક એવી અનોખી પરંપરાની જે અહીંયાના ભૌતિકવાદની પરાકાષ્ટા કે વ્યાખ્યા સમી છે, પણ તે સાથેજ ઊંડા ઉતરો તો ક્યાંક ઉપનિષદના પાઠ પણ ભણાવી જાય છે. આ કથા છે સામુહિક ખિસ્સા ખંખેરો તહેવાર 'બ્લેક ફ્રાઇડે' ની.
દર વર્ષે 'થેન્ક્સગિવિંગ થર્સડે' પછીના શુક્રવારે અમેરીકનો અતિ જરૂરિયાતનીથી માંડીને તદ્દન ન જોઈતી હોઈ એવી અવનવી વસ્તુઓ ખરીદવા માટે આ દિવસે ધસારો કરે છે. અર્થશાસ્ત્રિઓ એવું પણ કહે છે કે આ દિવસે થયેલો વકરો એ દેશના સામાન્ય માનવીની નાણાકીય તરલતા અને બદલામાં દેશના બહોળા અર્થતંત્રનું એક માપદંડ છે. જોકે લીધાના થોડાજ દિવસ પછી એમાંની મોટાભાગની વસ્તુઓ જેમ લોકો પરત કરે છે એ અહીંયાની નફ્ફટાઈનું વધારે ચોક્કસ માપદંડ છે. વળી એમપણ લાગે કે જે વસ્તુ લેવા માટે અફડાતફડી કરી હોય, કાતિલ ઠંડી સહન કરી હોય એ ઠંડા કલેજે પરત કરવામાં કેટલું સાહસ અને ત્યાગ વૃત્તિ જોઈએ ! એટલે આ તહેવાર અહીંના લોકોની સાહસિકતાની પણ નિશાની છે જ.
એક તરફ જ્યાં આપણા શાસ્ત્રો માં ત્યાગનો મહિમા ઊંચો આંકવામાં આવ્યો છે, ત્યાંજ શ્રી કૃષ્ણએ એમ પણ કહ્યું કે 'મોહાત્તસ્ય પરિત્યાગ: તામસ: પરિકીર્તિત:' (મોક્ષસન્યાસ યોગ, શ્લોક 7). અર્થાત કે કશુક મેળવવાના મોહથી કરવામાં આવતો ત્યાગ એ તામસી છે. તો પછી શું સારોવર મેળવવા માટે કન્યા એ કરેલા સંતોષી માતાના ઉપવાસ એ તામસી ત્યાગ થયો ? તો શું આ કન્યાઓને આ તામસી કાર્યની સજારૂપે ખરેખર એક નકામો વર પ્રદાન થતો હશે ? અધૂરા જ્ઞાનથી જન્મેલો આ વિચારવાયુ એટલો પ્રબળ હતો કે સ્ટોર ખુલવાની લાઈનમાં પાછળ ઉભેલ સોડા પ્રેમી અમેરિકનના પેટના વાયુના અવાજો કે સુસવાટા બોલાવતી ઠંડીના પ્રચંડ વાયુના સપાટાઓ ક્ષણવાર માટે ભુલાઈ ગયા. ત્યાંજ અમેરિકાના તીર્થસ્થાન સમા વોલમાર્ટના દરવાજા ખુલવાની સીટી વાગી કે મેં ત્યાગને મારી ગોળી અને પૂર્ણ ભૌતિકવાદ તરફ આગેકુચ કરી.
આમતો અહીંયાની સભ્યતામાં દુનિયાની દરેક સભ્યતાઓનું એક અદભુત મિશ્રણ છે, પણ જયારે રોકડો ફાયદો ઉપાડવાનો હોય ત્યારે ટોળામાં આપણા ગુજરાતીઓ પ્રબળ સંખ્યામાં નજર આવે. અને આગોતરું આયોજન પણ એટલું સુદ્રઢ કે એક કુટુંબના કે મિત્રવર્તુળના લોકો સ્ટોરના અલગ અલગ વિભાગોમાં ફેલાઈ જાય અથવા અલગ અલગ સ્ટોર્સમાં અડ્ડો જમાવે જેથી બધેથી અને બધાને ફાયદો કરાવી શકાય. ખૈર આપણે તો સિંહના ટોળા ના હોય એવા ગર્વ સાથે આજના 'ડોર બસ્ટર' ઇનામ એટલે કે ફૂડ પ્રોસેસરના સેકશન તરફ નિશાન સાધ્યું.
આ સાધન પ્રત્યે ઘણા સમયથી આકર્ષણ રહ્યું છે. બાળપણમાં અમારા ભાઈઓનો ખોરાક સરસ કહી શકાય એવો. ઘણીવાર એવું થતું કે દાદી કે માને લોટ પૂરો થઇ જતાં ફરીથી ગૂંદવો પડ્તો. અને અમે જાણેકે અમેરિકાના 'ડબલ ચીઝ બર્ગર વિથ ડાયટ કોક'ની પૂર્વ તૈયારી કરતા
હોઈએ એમ નકટા થઇને પધરાવેજ જઇયે. એ વખતે કોઈ દૂરના સગા જે વિદેશમાં સ્થાઈ હતા એમનાથી આ વિશેષ યંત્રનું વર્ણન જાણ્યું. સાંભળીને બહુ કુતુહલ થતું કે એવું કેવું આ મશીન હશે કે દરેક પ્રકારના શાક સમારી આપે, લોટ પણ બાંધી આપે ! વર્ષો પેહલા આ માયાવી દુનિયામાં આવવાનું થયું ત્યારથી એમ હતું કે ક્યારેક આ માયાવી યંત્રપ્રાપ્તિ કરવી ખરી. અમેરિકામાં સમય જતાં રોકડા આવે કે ન આવે પણ ક્રેડિટ આવી જાય છે. સાદી ભાષામાં વધારેને વધારે દેવું કરવાની પરવાનગી, એક વિષમીચક્ર જેમાંથી બહાર નીકળવું એટલે આજની ભીડમાંથી ફૂડ પ્રોસેસર ઝડપીને આવવા જેટલું જ પડકારજનક કાર્ય છે. પચરંગી પ્રજાના ઠેબા ખાતો ખાતો જયારે અંતે જોઈતી ચીજની લાઈનમાં પહોંચ્યો ત્યારે જોયું કે મારો દસમો નંબર છે. વિશેષ રોમાંચ ત્યારે થયો જયારે સાંભળ્યું કે માત્ર દસ જ યંત્રો સેલમાં છે. થોડા સમયમાં જ મળવાની જીતની ખાત્રી કરવા માટે મારા વિજયપથ પર આગળ કેટલા લોકો ઉભેલ છે એની બે-ત્રણ વાર ખાત્રી કરી. ભલે અમુક હડફા જેવા ડબલ ચીઝ બર્ગરો મારા જેવા ચાર - ચારને ભારે પડે એવા હતાં, પણ માથા તો કુલ નવ જ હતા આગળ. લાઈન હવે આગળ વધી, ગુજ્જુભાઈઓ સતત ફોનમાં સહપરાક્રમીઓનો હાલ જાણવામાં પડ્યા હતાં, અને સાથે સાથે એક એક ફૂડ પ્રોસેસર ઉપાડતા જાય. હવે આગળ બસ એક ડબલ ચીઝ બર્ગર બચ્યું હતું, અને બોક્સ બે હતાં. ત્યાંજ એ મહાનુભાવે એકને બદલે બે ખોખા ઉપાડ્યા અને અહીં કંઈક એવી મિશ્ર લાગણીઓ જન્મી કે હિમ્મત કરીને એ મહાકાયને પૂછી જ લીધું કે 'એક્સક્યુઝ મી, આય થોટ ધેર ઇઝ એ લિમિટ ઓફ વન પર કસ્ટમર ?' જાણે કે એમને કોઈ ગાળ આપી હોઈ એમ શ્રી મહાકાય રાતા પીળા થઇ ગયા અને અમુક અભદ્ર ભાષા તરફ વળ્યાં. ‘જાન હૈ તો જહાન હૈ’ એટલી ભદ્ર કેહવત તો યાદ ના આવી પણ અમારી કાઠિયાવાડીમાં એમ કે કે 'ભાગે ઈ ભાયડા' એ જરૂર જ્ઞાન થયું અને જીવન જીવવાના મોહથી જન્મેલો ફૂડ પ્રોસેસર પ્રત્યેનો ત્યાગ જાગ્યો.
બરાબર તેજ સમયે એક નેક પોલીસ ઓફિસર આવી પહોંચ્યો અને ડબલ ચીઝ બર્ગરને બરાબર ધમકાવ્યો. મારી બીકની મારી આનાકાની છતાં તેણે મને એક બોક્સ અપાવ્યું. બસ પછી તો શ્રી મહાકાયથી વિરુધ્ધ દિશામાં દોટ મૂકી અને ગુજ્જુભાઈઓના ટોળામાં મળી ગયો. સિંહ ભલે મોટા ટોળામાં ન હોય પણ ચાર - પાંચ સિંહો સાથે તો ફરે ને ક્યારેક એમ મન ને મનાવ્યું અને આ મિયાંભાઈએ ટંગડી ઊંચી રાખી.
આ ફૂડ પ્રોસેસર જેવા યંત્રો એજ અમેરિકાનો દાટ વાળ્યો છે અને સામાજિક વ્યવસ્થાને અસંતુલિત કરી છે, લોકોને લાંબાગાળાના સાથની જરૂર ઓછી થતી જાય છે, ટૂંકા ગાળાના કૃત્રિમ સંબંધો વધુને વધુ પ્રબળ થયા છે, બાકી સાચા મિત્રો તો મશીનો અને વર્ચુઅલ પાત્રો જ બચ્યા છે. યાંત્રિક વિજયના રોમાન્ચથી ફરીથી આવો વિચારવાયુ પ્રગટ્યો અને ઘર સુધીનો રસ્તો કપાઈ ગયો. વીંગ કમાન્ડર અભિનંદન જેવા સ્વાગતની અપેક્ષા અને ફૂડ પ્રોસેસર દ્વારા બનાવેલ ભાવતાં ભોજનના શમણાં સાથે ઘરમાં પ્રવેશ કર્યો કે ઘરના નારી મોરચાની મીઠી ટિપ્પણી આવી કે હવે તો તમે પણ અમને ક્યારેક બનાવીને જમાડી શકશો, આજે શું બનાવશો ? શ્રી મહાકાયનું ખુબ સ્મરણ થયું આ સમયે, જીવન જીવવાનો મોહ થોડો ઓછો પણ થયો અને ભોજનનો ત્યાગ કરવાની લાગણી પણ થઇ. અંતે ભારતીય સામાજિક વ્યવસ્થાને સર માથાં પર રાખી, આપણી સંસ્કૃતિ તો નારીશક્તિને પૂજવાવાળી છે એ યાદ કર્યું.
નાગરો 'કલમ, કડછી અને બડછી' માટે જાણીતાં છે. બડછી ક્ષેત્રમાં તો આજે બહુ ઉકાળ્યું નથી શ્રી મહાકાયની સામે, કલમમાં પણ થોડોક ખર્ચો છે હજી, એટલે હાથમાં છેલ્લે કડછી ઝાલી ને 'મેહતે લીધી તપેલી હાથ જો, ધરણીધર નું નામ લઇ.' લલકાર્યું.