Bhargav Vasavada

Comedy

5.0  

Bhargav Vasavada

Comedy

અનોખો પ્રણય ત્રિકોણ

અનોખો પ્રણય ત્રિકોણ

4 mins
7.6K


મિત્રો આજની તારીખ નોંધી લેશો, ગુજરાતી પંચાંગ પ્રમાણે સંવત ૨૦૭૪, અષાઢ સૂદ બીજ, જેને અષાઢી બીજ તરીકે મનાવવામાં આવે છે. એક તરફ આજે આપણા કચ્છી મિત્રો નવવર્ષ ઉજવે છે જયારે બીજી તરફ જગન્નાથ પ્રભુની રથયાત્રા ધૂમધામથી નીકળે છે અને હિન્દૂ સમુદાયમાં ધાર્મિક લાગણીઓની ક્ષણિક ભરતી આવે છે. બીજી બાજુ ગ્રેગોરિયન પંચાંગમાં તો ગઈકાલેજ ફ્રાઈડે ધ ૧૩, એટલે કે એક અશુભ મનાતો દિવસ ગયો, તેની પાછળની પણ ઘણી ધાર્મિક માન્યતાઓ છે. બહુ વધારે ન વિચારતા એટલું તો મનમાં આવેજ કે હરિવંશરાય બચ્ચનજી સાચુંજ કહી ગયા છે કે 'આંખોં કે આગે હો કુછ ભી, આંખો મેં હૈ મધુશાલા...' શુભ અને અશુભ અંદર છે કે બહાર એ દ્વિધાને કૃષ્ણ એ સન્યાસયોગ માં પણ સરળ કરી આપી છે એમ કહીને કે 'મન: એવ મનુષ્યાણાં કારણં બંધ મોક્ષયો:...'

જવા દયો, શ્રી સની દેઓલ અને આપણી ઔકાત, બન્નેને યાદ કરીને આ તારીખ પર તારીખના વિચારવાયુને બાજુએ મૂકી આજના દિવસના મૂળ મહિમા વિષે વાત કરીએ. આ લેખકના જીવનમાં આજે એક અદભુત પ્રણય ત્રિકોણ અને તેનાથી ઉદ્ભવતી વિડંબણા સર્જાઈ છે. રમતગમતની દુનિયાના પુરુષોત્તમ માસ જેવો, દર ચાર વર્ષે યોજાતો પવિત્ર ફૂટબૉલ વર્લ્ડ કપ અત્યારે તેના આખરી તબક્કામાં છે, આમતો મારી મનગમતી ઇંગ્લેન્ડની ટીમેં ૧૯૬૬ પછી કઈ ઉકાળ્યું નથી પણ આ વખતે લન્ડનમાં આપણો પડાવ છે એટલે કદાચ તેમને અમોના આશીર્વાદ ફળ્યા હોય કે જે પણ હોય, સેમી ફાઇનલમાં પહોંચ્યા, ભલે પછી તેમાં જરાક માટે ફાઇનલમાં પહોંચવામાંથી રહી ગયા. આજે ઇંગ્લેન્ડ અને બેલ્જીમ વચ્ચે ત્રીજા ક્રમે કોણ આવશે તેનો મુકાબલો છે, સાંજના ૩ વાગે શરુ થશે. આમતો વર્લ્ડ કપની ખાટી દ્રાક્ષ તો જે કાગડાઓ દહીંથરું લઇ ગયા છે તેમાંથી જ એકના નસીબમાં હશે પણ બે સારી ટીમની વચ્ચેની આ ગેમ રસપ્રદ રહે એવી અપેક્ષા તો ખરીજ.

લેખકના જીવનમાં રોમાંચોની કદી કમી રહીજ નથી, ક્યારેક પ્રાકૃતિક તો ક્યારેક ઉપજાવેલ સારા-નરસા રોમાંચોએ એક સારી રમત જેવોજ રસ બનાવી રાખ્યો છે. રમત પરથી વાત કરીયે રાજકીય રમત પછીની ભારતની સૌથી મોટી રમત ક્રિકેટની. મને ખરેખર દુઃખદાશ્ચર્ય છે કે આપણે ત્યાં ક્રિકેટને શાળાઓમાં એક વિષય તરીકે શું કામ નથી ભણાવવામાં આવતો ! મનેતો જેટલું સ્કૂલ, કોલેજ કે વ્યવસાયમાંથી શીખવા મળ્યું છે તેટલુંજ ક્રિકેટમાંથી પણ. પછી શિસ્ત હોય કે સદાક્ષિણ્યતા કે પછી ઈમાનદારીના પાઠ. લગ્નની તારીખ નક્કી કરવા માટે અહીં પંચાંગ નહિ પણ બી.સી.સી.આઈ.ના કેલેન્ડરનો ઉપયોગ કરેલ ! અમારે મન મંદિર સમાં લોર્ડ્સના મેદાનના દર્શન કરવા ગત વર્ષ ખાસ પ્રવાસ પર આવેલ, આ વર્ષે જયારે લોર્ડ્સમાં એક કોર્પોરેટ ટુર્નામેન્ટમાં રમવાનો લાભ મળ્યો ત્યારે તો 'સુખ દુઃખ: સમે કૃત્વા...' વિગેરે પોથી માંયલા રીંગણાંને પડતાં મૂકી અતિશય સુખની લાગણીને લીધેજ બેટિંગમાં મીંડું મુકાવીને પરત થયેલ.

આવા ક્રિકેટ પ્રેમમાં વળી અત્યારે ભારતીય ટીમ અહીંયા પ્રવાસમાં આવી છે. ૨૦-૨૦ શૃંખલા જીત્યાં પછી પહેલી વન ડે પણ જીતીને કોહલી સેનાનો આત્મવિશ્વાસ આસમાને છે અને આજે વાજતે ગાજતે લોર્ડ્સમાં બીજી વન ડે રમવા પધારે છે, બપોરે ૧૨:૩૦થી શરુ થશે. આપ સમજી શકશો કે ફૂટબૉલ અને ક્રિકેટ વચ્ચેનું મનોમંથન શરુ થઇ ગયું છે, કઈ રમત ક્યારે અને કેમ જોવી એ પણ એક રમત જેવોજ કોયડો છે. પછી વિચાર કર્યો કે ફૂટબૉલ ટી.વી. પર જોવું અને ક્રિકેટ આઈ.પેડ પર એટલે વાંધો નહિ આવે.

પણ આજના દિવસનો મહિમા એમજ નથી કહેવામાં આવ્યો ને ! લેખક ટેનિસના પણ બહુ શોખીન, એમાં પણ વિમ્બલ્ડન માટે તો નાનપણમાં પરીક્ષાપત્ર અધૂરું મૂકીને આવ્યાના દાખલા છે. ૧૯૯૩માં સ્ટેફી ગ્રાફ અને યાના નવોત્તનાની ફાઇનલ કે પછી ૨૦૦૮ની ફેડરર અને નાદાલની ફાઇનલ મેચ, આવી અસંખ્ય મેચો નો આનંદ અવિસ્મરણીય છે. તો હવે એ પણ ધડાકો કરી દઉં કે આજે આશરે સવારના ૧૧:૩૦થી નાદાલ અને જોકોવિચ વચ્ચેની ગઈકાલની અધૂરી રહી ગયેલ સેમી ફાઇનલ મેચ શરુ થશે. હવે તમે સમજી શકશો કે આજના દિવસ માંથી પૂર્ણ આનંદ લઈને બહાર આવવું એ એક ચેસ ની રમતથી કમ નથી. સદ્નસીબે સામે ધૂળ ખાતી યુનિવર્સિટી ચેસ ચેમ્પિયન ની ટ્રોફી જોઈને આત્મવિશ્વાસ જાગ્યો અને નક્કી કર્યું કે ટી.વી. પર ફૂટબૉલ, આઈ.પેડ પર ક્રિકેટ અને મોબાઇલ પર ટેનિસ જોવું.

તર્ક બુદ્ધિ આપણી સંસ્કૃતિ માંથી જ મળે છે, શ્રીમદ ભગવદ ગીતા માં કૃષ્ણ-અર્જુનનો તર્ક કે પછી કરોડોની વસતીમાં અડીખમ રહેવા અને સફળ થવા માટે મજબૂરીથી અપનાવાતો તર્ક જેને બીહારીઓ જુગાડ પણ કહે છે, કે પછી દુનિયાને ડિજિટલ ક્રાંતિ આપનારી આપણી ઇજનેરી ડિગ્રીમાં ભણાવવામાં આવતો તર્ક. એટલે ટૂંકમાં તાર્કિક શક્તિઓનું અભિમાન કરવું એ તદ્દન નક્કામું છે એવું મનને મનાવીને આજની રમતો જોવાની એક સુદ્રઢ યોજના પર ગર્વની લાગણી સાથે ચાની ચુસ્કી ભરું ત્યાંજ આ વિશ્વામિત્રની મેનકાનો અવાજ કાને પડ્યો કે 'આજે ગ્રોસરીનું મોટું લિસ્ટ થઇ ગયું છે, સમય કાઢીને જવું પડશે' તેની સાથેજ નાની મેનકી પણ બોલી કે ‘પપ્પા મારા શૂઝ લેવાના બાકી છે આજે મોલ માં લઇ જ જવી પડશે.’ વળી ટૂંક સમય માટે ફરવા આવેલ માતૃશ્રી તરફનો પુત્ર ભાવ પણ પ્રગટ થઇને ડંખ્યો. પ્રણય ત્રિકોણની (ચંડાળ) ચોકડી થઇ ગઈ એ જુદું. મન મક્કમ કરીને વળી કૃષ્ણ ને યાદ કર્યા કે 'બલીયસી કેવલમ ઈશ્વરેચ્છા..' આખરે ઇતિહાસમાં સંવેદનાઓ એ હંમેશા તર્ક પર વિજય મેળવ્યો છે તેનો તાદ્રશ પુરાવો મળ્યો અને લેખકે હસ્તે ઝખ્મના 'તુમ જો મિલ ગયે હો...'ને ગણગણાવીને કરિયાણાની દુકાન તરફ પગ વાળ્યા...


Rate this content
Log in

Similar gujarati story from Comedy