સરપ્રાઈઝ
સરપ્રાઈઝ
સલોની આજે ખૂબ જ ગુસ્સામાં હતી. આજે તેના લગ્નની પ્રથમ વર્ષગાંઠ હતી અને તેના પતિ સુમીતને આજે જ કંપનીના કામથી બહાર જવાનું થયું હતું. સલોનીએ એક મહિના અગાઉથી પોતાના લગ્નની વર્ષગાંઠ માટે શું કરવું એ વિચારી રાખ્યું હતું. તેણે પોતાની બધી જ બહેનપણીઓ અને સગાવ્હાલાને આમંત્રણ પણ આપી દીધા હતાં. સુમિત હંમેશા કામની વ્યસ્તતાને કારણે સામાજિક જીવનમાં બહુ સમય આપી શકતો નથી, તે વિચારી સલોનીએ પોતે જ એક પાર્ટીનું આયોજન કર્યું હતું. પરંતુ અચાનક સવારે ઑફિસેથી કોલ આવતાં સુમિતને તાત્કાલિક બહારગામ જવાનું થયું અને સલોનીનો આખો પ્લાન ચોપટ થઈ ગયો. તેથી સવારથી તે ગુસ્સામાં હતી, શું કરવું તેને કંઈ સમજાતું ન હતું. જેને જેને આમંત્રણ આપ્યા હતાં તે બધાને કોલ કરીને ના પાડતાં પણ તેને શરમ આવતી હતી, પરંતુ હવે બીજો કોઈ રસ્તો પણ રહ્યો ન હતો.
રાત્રે આઠ વાગ્યે જ્યારે સુમિત ઓફિસથી પરત આવ્યો ત્યારે તે લગભગ થાકેલા જેવો જ લાગતો હતો. સલોની સાથે વાત કરવાને બદલે તે સીધો પોતાના રૂમમાં જઈ બેડ પર સુઈ ગયો. તેને પોતાના લગ્નની વર્ષગાંઠ પણ યાદ નહોતી. તેથી સલોનીને તેના પર વધારે ગુસ્સો આવ્યો અને તે સુમિત સાથે ઝગડવા લાગી. જેમ તેમ કરીને સુમિતે સલોનીને મનાવી અને ડિનર માટે રેસ્ટોરન્ટમાં લઈ ગયો. રાતનાં લગભગ દસ વાગી ગયા હતાં. રેસ્ટોરન્ટ પણ ખાલી જેવી જ હતી. ત્યાં અંદર જતાંની સાથે જ સલોની પર પુષ્પવર્ષા થઈ અને અચાનક આખી રેસ્ટોરન્ટની બધી જ લાઈટો ચાલુ થઈ ગઈ.
તેણે જેને જેને ઇન્વિટેશન આપ્યું હતું, તે બધા જ વ્યક્તિઓ સુમિતની આ સરપ્રાઈઝ પાર્ટીમાં હાજર હતાં. પોતાના વર્કોહોલિક પતિ દ્વારા આપવામાં આવેલી આટલી મોટી સરપ્રાઈઝ જોઈને સલોનીની આંખમાંથી હર્ષાશ્રુ વહેવા લાગ્યા અને તે સુમિતને ભેટી પડી.
