સરકારી ઉઘરાણું
સરકારી ઉઘરાણું


કોરોનાની વધતી જતી મહામારી એ પ્રજાની ખો કાઢી નાંખી છે અને એમાં "બળતાંમાં ઘી હોમવાનું" કામ સરકાર કરી રહી છે.
લગભગ 4 મહિના થવા આવવાના કોરોનાની મહામારીને અને તેને અનુલક્ષી ને સાવચેતી રૂપે બે મહિનાના લોકડાઉનને કારણે નોકરી, વ્યવસાય અને રોજગારી બંધ થવાને કારણે રોજમદાર વર્ગથી લઈ ઉચ્ચ મધ્યમવર્ગ જે રીતે આર્થિક ભરડામાં સપડાયો છે, તેમાંથી હજુ એ બહાર નથી નીકળી શક્યો અને હજુ નીકળતાં દિવાળી આવી જશે. આ આર્થિક ભીંસની સામે સરકારે પ્રજા પડખે ઊભા રહેવાની જગ્યાએ પોતાની ખાલી તિજોરી ભરવા જાણે અભિયાન હાથ ધર્યું હોય એમ રોજ દંડના લાખો રૂપિયા પ્રજાના ખિસ્સામાંથી સેરવી રહી છે.
સાવચેતી,સલામતી અને સાવધાની જરૂરી છે પરંતુ જીવવા માટે કે આર્થિક ઉપાર્જન માટે પ્રજાએ કમાવું તો પડશે ! આજ પ્રજા જ્યારે બહાર નીકળે છે ત્યારે વિવિધ કાયદા અને નિયમોના ભંગ સ્વરૂપે 2000 થી 5000 રૂપિયાનો દંડ વસુલે છે એ "પડતાં પર પાટુ" એવો ઘાટ પ્રજાનો છે.
અહીં વ્યવસ્થા અને એનાં અમલીકરણમાં ખામી છે. બસ પોતાની મનમાની અને સત્તાનો રોફ જમાવવો છે. જ્યારે આ બધી સરકારી સત્તા અને અધિકારશાહીમાં પ્રજા કચડાઈ છે. સરકાર પોતાની ગાડું ચલાવવા રૂપિયા ક્યાંથી આવે એની ફિરાકમાં હોય છે અને પ્રજા પાસે હાલમાં આવક પૂરતી ન હોય તે કમાવવા બહાર નીકળે તો એમનાં ખિસ્સા આ રીતે દંડ અને દંડા થી ધરાઈ જાય છે. કોઈ એવો પ્રજાભિમુખ નેતા બતાવો જે પ્રજાની પડખે આવી પરિસ્થિતિમાં ઊભો રહ્યો. પ્રજાનો અવાજ બની સરકારમાં રજૂઆત કરી હોય જે સરકાર સામે બાંયો ચડાવી હોય.રોજબરોજ પોલીસ,સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ આર્થિક બોજા તળે બેવડ વળી ગયેલ પ્રજા પોતાની મુશ્કેલી કોને કહે અને ત્રણ વાંદરાની જેવી સરકાર છે.
કેમ, પ્રજાના મતોથી ચૂંટાયેલ પ્રજા પ્રતિનિધિઓ કે એજ પ્રજા પ્રતિનિધિઓ દ્વારા નિમાયેલ સરકારી સેવકો જો કોઈ કાયદો તોડે કે કોઈ ગેરવહીવટ કરે તો પ્રજાનો હક્ક નહીં તેઓ તેમને દંડ કે સજા કરી શકે ? કેમ આવી જોગવાઈ બંધારણમાં નથી ? નેતાઓ ખરીદવાના કરોડો રૂપિયા ક્યાંથી આવે છે ? શું પ્રજા ટેક્સ અને દંડ ભરવા માટે જ મત આપે છે ?