Mrugtrushna Tarang

Abstract Fantasy Thriller

4  

Mrugtrushna Tarang

Abstract Fantasy Thriller

સપ્તરંગી મોરપંખ

સપ્તરંગી મોરપંખ

7 mins
92


  પંખુડીને શાંતિથી બેઠેલી જોઈ સૌ ચિંતામાં પડી ગયા. ક્યારેય શાંતિથી ન બેસનાર વાવાઝોડું આજે કેમનું શાંત છે ! અને એ પણ આજનાં નવા વર્ષને દહાડે ! - આજે તો એના જોડિયાં ભઈલાનો જન્મદિવસ ! કેટકેટલો ઉત્સાહ અને ઉમળકો છલકાવી દર વર્ષે ધમાલ મચાવી દેનાર પંખુડીનું મ્હોં આમ બંધ હોય એ કેમનું પોસાય !

     "પંખુડી બેટા ! શું થયું, કોઈ કૈં બોલ્યું હોય અને તને માઠું લાગે એવું તો આજ લગી કદી બન્યું ન્થ, પણ.." બા એ ટકોર કરતાં કહ્યું.

     " એનો અર્થ એવો તો ન્થ થાતો ને કે આજેય એને... !" બાપુજીએ ટાપસી પૂરાવતા કહ્યું.

     "આવી બધી અટકળો કરવાનું છોડો, મને શાંતિથી બેસવા દ્યો ને ભૈ ! કે શાંતિથી બેસવાનો ય મને હક્ક ન્થ કે આહીં ! !"

     "ચાલો, સૌ શાંત થઈ જાઓ હવે, અમારા મોંઘેરા બેનબા શાંતિનો આસ્વાદ માણવા માંગે છે !.." નાના ફૈ બોલ્યાં.

     "શાંતિ....ઇ..ઇ..ઇ" કહી ટીખ્ખળ કરતો નટખટ નટુય મજાક ઉડાવી ગયો.

     આ બધાં નખરાંથી ક્યાંક પોતે જે કહેવા માટે શબ્દો પખાલી રહી હતી એ ઉઘાડાં ન પડી જાય એ માટે પંખુડી આજે પહેલીવાર પગ પછાડીને ગઈ એટલે ઘરનાં સહુ સમજી ગયા કે કૈંક તો નક્કી બગડ્યું છે, અને એ પણ બહુ મોટું. એ સાથે સહુ એ વાતથી પણ વાકેફ હતા કે આમ તો એકેય વાતે પંખુડીનું કદી કોઈનાથી ય ફટકે નહીં, પણ જો કદાચિત ફટક્યું તો એને મનાવવા જવું નહીં, નહીંતો દુર્વાસા મુનિની આ લાડકડી કન્યા ધ્યાનસ્થ થઈ જાશે એનાં સ્વ. પપ્પાની જેમ ! એટલે એને છંછેડયા વગર જ સહુ પોતપોતાનાં કામે લાગી ગયાં.

     પંખુડી પગથિયાં ચઢીને ઉપરનાં માળે પહોંચી તો ત્યાં એને સપ્તરંગી મોરપંખ હવામાં ઉડતું દેખાણું. એ મોરપંખને હાથમાં ઝાલવા વલખાં મારવા લાગી અને એમાં જ પોતાનાં ઓરડામાં ન જતાં બીટ્ટુના ઓરડામાં ઘુસી ગઈ. આમતેમ બે થી ચાર ચક્કર ભમરીની જેમ ફરીને પેલું મોરપંખ જે એને લગભગ કેટલાક મહિનાઓથી બધે જ નજરે ચઢતું હતું. હાથવેંતમાં હોવાથી એ એને ઝીલવાની કોશિશ પણ કરતી, પણ આજ લગણ એ એનાં હાથમાં ન્હોતું આવી રહ્યું... પણ એક વાત ચોક્કસ બનતી કે એ જે પણ કાર્ય કરવા નીકળી હોય એ કામ ગમે તેટલું અઘરું કે અશક્ય કેમ ન હોય, પણ એ મોરપંખને જોયા બાદ એક ચમકારો થતો.. જાણે કોઈ જાદુઈ શક્તિ કામ કરી રહી હોય એમ લગભગ સઘળાં કામો સફળ થઈ જતાં અને એટલે જ આજે એણે એ તિલસ્મી મોરપંખને પકડવાનો ફરી એકવાર પ્રયત્ન કર્યો, ફરી એકવાર વિફળ જતાં બધું છોડી જ્યાં પછડાઈ ત્યાં જ પલાંઠી વાળીને દુર્વાસા મુનિની જેમ બંન્ને હાથની હથેળી ખુલ્લી કરી ગોઠણે ગોઠવી જ્ઞાનની મુદ્રામાં આંખો બંધ કરીને બેસી ગઈ.

     બાથરૂમમાંથી હમણાં જ બહાર આવેલ બીટ્ટુ આવું દૃશ્ય પહેલીવાર નહોતો જોઈ રહ્યો. આ પહેલાં પણ બાળપણમાં આવી જ મુદ્રામાં પંખુડીને એણે જોઈ હતી; પણ ત્યારે કલાકો બાદ જ્યારે પંખુડીએ આંખો ખોલી'તી તો કૈંક અલગ જ આભા એના મુખારવિંદ પર દેખાતી હતી. એટલે આજે એ મારાં જન્મદિવસની ધમાલ કરવાને બદલે આમ શાંત કેમ બેઠી છે, એ વિચારવા હું મજબૂર થયો.

     પોતે પંખુડીથી 16 મિનિટ મોટો અને આમ એક દિવસ, એટલે એટલે કાંઈ ભલતું સલતું નો વિચારતાં હોં ! અને એવી શંકાસ્પદ ઘટના નહોતી કૈં એ ! - એ તો સોળ વર્ષ પહેલાં દિવાળી બાદનાં નવા વર્ષની (ન્યૂ ઈયર) રાતે 11 ને 58 મિનિટે હું જન્મ્યો અને ભાઈબીજની પરોઢે 12 ને 14 મિનિટે મારી લાડો પંખુડી આ વિશ્વમાં અવતરી. આજે સોળ વર્ષનો થયો હું અને મારી વ્હાલી પંખુડી આવતી કાલે પરોઢે પંદર વર્ષ પૂરા કરશે.

       હા, તો એના આમ શાંતિથી બેસવાનો હું વિરોધી છું. હું, એટલે બિટ્ટુ, પલાશ પરાશર, પંખુડીનો 16 મિનિટ વાળો મોટો અને જોડ્યો, બાડીની તળપદી ભાષામાં જોડકણો ભાઈ...

        પંખુડી શાંત બેસે એટલે સમજી જ લેવું કે ભૂકંપનો ઝટકો હમણાં નૈ તો પછી લાગવાનો એ નક્કી, અને એ પણ જોરથી... અને એટલે જ એને આમ જ્ઞાન મુદ્રા સાથે પલાંઠી વાળી ધ્યાનસ્થ જોવું મને સહેજેય ન ગમતું.. એના ધ્યાનમાં ભંગ પાડવાથી દુર્વાસા મુનિનાં શ્રાપ સમાન એનો ય ક્રોધાગ્નિ જાગૃત થતો, અને ત્યારે ફક્તને ફક્ત મારાથી જ શાંત થતો.. એટલે એ પ્રયાસ કરવા મારી તાલાવેલી વધવા લાગી અને ત્યાં બાડી એ બૂમ પાડી એટલે પંખુડીને ધ્યાનસ્થ હાલતમાં એમ જ છોડી હું બે પગથિયાં કૂદતો કૂદતો ઝપાટે નીચે પહોંચ્યો... મંદિરમાં બેઠેલી અમારી બાડી એટલે અમારી મમ્મી જેને અમે લાડમાં બાડી કહેતાં... એમણે રાધાકૃષ્ણની પ્રતિમા સામે મને ગોળનો ગાંગડો ખવડાવી હૅપી બર્થડે કહ્યું... આમ તો વર્ષોથી આવતીકાલે એટલે કે ભાઈબીજ ને દિવસે બર્થડે મનાતો, પણ હર હંમેશ મુજબ બાડી સવારે મંદિરમાં બોલાવી ગોળનો પ્રસાદ ખવડાવી મ્હો મીઠું નક્કી કરતી...

 "પલાશ બેટા ! પંખુડીની ફિકર છોડીને મારાં થોડાં કામ કરી આપ ને ! સાંજ સુધીમાં એ નોર્મલ થઈ જશે, પછી તમે બંન્ને આખા ઘરમાં દીવડા પ્રગટાવી નવા વર્ષના આશીર્વાદ સહુથી લેજો હોં !" - બાડીએ વિનંતીના સૂરમાં પલાશને કહ્યું.

 "બાડી... તમારે વિનંતી નહીં આદેશ જ કરવાનો હોય !"- કહી હું એમને ગળે વળગ્યો, અને એમનાં કામનું લિસ્ટ લઈ જલ્દીથી ઘરની બહાર નીકળ્યો. ખરેખર કામ પતાવવામાં સાંજને બદલે રાત પડી ગઈ. બધો સામાન અને વધારાના રૂ. બાડીને સોંપી હું સીધો મારા રૂમમાં તરફ જવા વરંડામાંથી અગાશીએ ગયો.

      આખાય સ્નેહ-સદનમાં દિવાળીનો માહોલ દિવ્ય પ્રકાશ સમ ઝગમગી રહ્યો હતો. લાલ, લીલી, પીળી, કેસરી ને જાંબલી ટીમટીમાતી દીપ જ્યોતિની હારમાળા સ્નેહ સદનને એક દુલ્હનની જેમ સજાવી શણગારી મનમોહક બનાવ્યો હતો. પચરંગી સદાબહારી ફૂલોની લડીઓ પણ તોરણની કસર બખૂબી પૂરી કરી રહી હતી.

      રસોઈઘરમાં પણ નિતનવા પકવાનો ઉમેરાઈ રહ્યા હતાં. સ્ત્રી શક્તિ રસોઈનું રસાયણ પીરસવા ઉત્સુક બની રહ્યા'તા, તો બીજી તરફ યુવા વર્ગ રંગોળી પૂરવામાં પોતાની આગવી કલાકૃતિનો નમૂનો બતાવી રહ્યો હતો.

      આ બધાને પાર કરી જ્યારે હું મારાં ઓરડામાં પ્રવેશ્યો તો ક્ષણભર તો એવું લાગ્યું કે હું કોઈ બીજા જ યુનિવર્સનો પ્રવાસી ભૂલથી આ સ્નેહ સદનમાં આવી પહોંચ્યો'તો. એથી વિશેષ મારાં ઓરડામાં !

        ત્યાં જઈને જે જોયું એ અચરજ પમાડે એવું જ હતું... પંખુડી હજુય ધ્યાનસ્થ જ હતી... એથી વિશેષ એની ચોફેર એક આભામંડળ સર્જાયેલું હતું, એને ધ્યાનમાંથી મુક્ત કરવા જાઉં એ પહેલાં તો ભૂલથી મારો જ હાથ ટ્રાન્ઝિસ્ટર પર દબાયો અને અનાયાસે રેડિયો વાગવા લાગ્યો, બંધ કરવા જાઉં એ પહેલાં મારી નજર પંખુડી પર પડી, જેને આવા કોઈપણ ઘોંઘાટની અસર નહોતી થઈ રહી... હું ગભરાયો, ક્યાંક એ "પરકાયા પ્રવેશ" વાળા ધ્યાનમાં પારંગત તો ન્થ થઈ ગઈ ને ! - મારાં વિચારોનું વમળ પળવારમાં વિખેરાયું.

     કે જ્યારે રેડિયો પર 'ધ્યાન એટલે શું ?' ની પરિચર્ચા સાંભળવા મળી અને વિચારોનો તંતુ તૂટ્યો. ઈર્ષ્યા, નફરત, ગુસ્સો, અપમાન અને અભિમાન. આ પાંચેય આંતરિક અંગો પર વિજય મેળવવો એ જ ધ્યાનની અગ્રિમતા પાર કરવા પામે છે. અને એ પાર કરવાનો અર્થ છે નિસ્વાર્થ ભાવે સેવા કરવી. ' સુલભ સેવા-કેન્દ્ર'માં રહેતાં આબાલવૃદ્ધ કે જે રોગી છે, અપંગ છે, અસ્થાયી છે - ખાસ કરીને મનથી, અને એ સહુની માનસિકતા જાળવી એમને પ્રેમની રીત શીખવવી, પ્રેમનું ગીત શીખવવું, પ્રેમનો ભાવ જગાડવો... આ બધુજ કરવાથી ધ્યાનની અગ્રિમતા પાર કરવી સહજ બને છે. એ પાર કરવામાં સફળ થનાર સહુથી નાની અને કુમળી વયની મિસ. પંખુડી પરાશર. ગાગરમાં સાગર સમ એનો જ્ઞાનનો ભંડાર અને એથી વિશેષ એની તીક્ષ્ણ સમજશક્તિ. આબાલવૃદ્ધ સહુને બહુ જ પ્રેમ, આદર તથા ધીરજથી સમજાવનારી આપણી સહુની લાડલી પંખુડી પરાશર. તાળીઓના ગડગડાટ વચ્ચે "આભાર તો આપ સહુનો માનવાનો રહે ! આપ સહુની મોટાઈ છે જે મુજ પામર જીવ ને આટલો આદર સત્કાર આપી રહ્યા છો, બાકી મારાં થકી અગર એક પણ વ્યક્તિ સજીવંત રહેવા પામે છે તો મમ જીવન સાર્થક સમજું." મને પંખુડીનું મીઠું હાસ્ય સંભળાયું. અને હૃદયને સ્પર્શી રણકાર જગવી રહ્યું.

     બિટ્ટુ ઉર્ફ હું, પલાશ પરાશર, પોતાની પંખુડી વિશે કેટલી હદે અનભિજ્ઞ છું, એ જાણી દુઃખી થયો, પણ પંખુડીની પ્રશંસા સાંભળી દિલ બાગ બાગ થઈ ગયું, અને વાવાઝોડાંની શાંતિનું કારણ પણ માપી ગયો. દોડતો જઈ સહુને પંખુડી દ્વારા કરેલી નિ:સ્વાર્થ સમાજ સેવા વિશે માહિતી આપતી વખતે ય હું ઓળઘોળ થઈ રહ્યો હતો.. મારી ભાવવિભોર આહલાદક વૃત્તિ જોઈ બાડી મારી એનાં ચક્ષુમાંથી વહી રહેલાં અશ્રુને ખાળવામાં સફળ ન થઈ.

     પ્રોજેક્ટ્સના નામે સમાજ સેવા કરતી પંખુડી ખરેખર સેવા કરી રહી હતી એ સહુના માનવામાં જ નહોતું આવતું. અને ખાતરી કરી લેવા જ કદાચ રેડિયો પર એનો સાક્ષાત્કાર એટલે કે ઇન્ટરવ્યૂ સાંભળવો છે એવી ઈચ્છા સહુએ એકસાથે પ્રગટ કરી.

     પંખુડી આ બધી જ ઘટનાથી અપરિચિત પોતાનાં ધ્યાનમાંથી સહજતાથી બહાર આવી. ફ્રેશ થવા બાથરૂમમાં ગઈ તો ત્યાંય એને પેલું સપ્તરંગી મોરપંખ છત પર ચોંટેલું જોવા મળ્યું. પણ આ વખતે એનામાં રહેલી છોકરમત જાણે ખતમ થઈ ગઈ હોય એમ મોરપંખ ત્યજી બહાર નીકળી અને પગથિયાં ઉતરી જ્યારે વરંડામાં પહોંચી કે - "બાર બાર દિન યે આયે, બાર બાર દિલ યે ગાયે, તુમ જિયો હજારો સાલ યે હમારી હૈ આરઝૂ... હેપ્પી બીર્થડે ટૂ યુ, હેપ્પી બીર્થડે ટૂ યુ, હેપ્પી બર્થડે ટૂ પંખુડી, હેપ્પી બર્થડે ટૂ યુ..." કહી બધાં જ ટોળે વળ્યા.

    જ્યારે પલાશે 'કોંગ્રેચ્યુલેશન એન્ડ સેલિબ્રેશન ફોર માય ડિયર ટ્વીન સિસ્ટર..." કહી કેકનો ટુકડો પંખુડીના મ્હોમાં જબરદસ્તીથી ઘુસેડયો.. ત્યારે ઘરનાં તેમજ પંખુડીના પચાસેક મિત્રો અને 'સેવા-કેન્દ્ર'ના સહુ આબાલવૃદ્ધ પ્રિયજનોએ તાળીઓ વગાડી પંખુડીનું અભિવાદન કર્યું.

    આટલો બધો સ્નેહ જોઈ અંગત વાત કહેવા માટે સવારથી કશમકશ અનુભવતી પંખુડી કશું જ ન બોલી શકી અને ગરબો ઘૂમતા ઘૂમતા ઢળી પડી. અને એનાં પર ઢળ્યું એ સપ્તરંગી મોરપંખ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract