STORYMIRROR

Mrugtrushna Tarang

Drama Inspirational

4  

Mrugtrushna Tarang

Drama Inspirational

ભલમનસાઈ

ભલમનસાઈ

6 mins
168

    કૉરોનાનાં પાંચમા અનલોક કાળમાં સરકાર દ્વારા ઘણી બધી સૂચનાઓ ટીવી, રેડિયો તથા અન્ય સંચાર સ્ત્રોતો થકી લોકો સુધી પહોંચાડવાની જદ્દોજહદ મોહિમ ચાલુ કરવામાં આવી હતી.

    પરંતુ, સામાન્ય લોકોને એ બધો બકવાસ લાગતો. અને, નાહકની રજાઓ આપી સમય બરબાદ કરી રહ્યા છે એવી બુમરાણ પાડતાં પણ થાકતા નહીં.

    હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ મુખે વગર વાંકે જઈ રહ્યા હતાં. તેમ છતાંય લોકો સોશ્યલ ડિસ્ટનસિંગ તેમજ મ્હોં પર માસ્ક પહેરવા જેવી સામાન્ય બાબતોને પણ ગણકારતા નહોતાં. અને, મૃત્યુનો ભોગ બનતાં હતાં.

    સંપૂર્ણ અનલૉક થયે આજે વીસમો દિવસ હતો. રેડ, ગ્રીન, ઓરેંજ જેવા ઝોન બનાવી લોકોની જરૂરિયાતો પૂરી પાડવાની ફરજ બજાવવા મેડિકલ સ્ટોર્સ તથા કરિયાણાની દુકાનો ખુલ્લી રાખવા સિવાયનું બધું જ બંધ રાખ્યું હતું.

    એવામાં ખાસ આદેશો આપવામાં આવતા હતા કે, આબાલવૃદ્ધ કોઈપણ કારણ વગર ઘરની બહાર ન નીકળે. 

    અને ખાસ કરીને બાળકો તેમજ વૃદ્ધો તો નહીં જ. 'કૉરોના વાયરસ' ઓછી ઇમ્યુનિટી ધરાવતાં લોકો પર પહેલા ત્રાટકે છે તો માસ્ક તથા હાથનાં મોજાં વગર બહાર નીકળવું હિતાવહ નથી.

    "કંટાળી ગયાં છીએ. નજદીકમાં જ લટાર મારીને પાછા આવી જશું." 

    "અમારી ઇમ્યુનિટી ખૂબ જ સ્ટ્રોંગ છે. અમને કશું જ નથી થવાનું."

    "આમ ઘરમાં ગોંધાઈને મરવા કરતાં તો ખુલ્લી હવામાં શ્વાસ લેવો સારો. કૉરોના કંઈ ઊડીને મારાં જ નાક - મ્હોંમાં નથી ઘૂસવાનો. બહુ થયું હવે. હવે આમ ઘરમાં નહીં જ બેસાય મારાથી."

    - આવા અનેક સુભાષિતો લોકોનાં મુખમાંથી પહેલા વરસાદની ધીમી ફુહાર જેમ ટપકયાં કરતાં. અને, એનો તોડ લાવવા નીચે જમીન પર કરફ્યૂ જાણી ટેરેસ પર ફરવા નીકળતાં. લટાર મારતાં, ગપ્પા ગોષ્ટિ પણ ચાલતી અને બાળકો નાની મોટી રમતો ય રમતાં. સ્ત્રીઓએ પણ કિટી પાર્ટી ન કરી હોય તો ઓટલે બેસી ગામની કૂથલી કરવાનું ક્યાંય બાકી નહોતું રાખ્યું.

    મૉર્નિંગ - ઇવનિંગ વૉકનાં બહાને બિલ્ડીંગ્ઝની મધ્યમાં રહેલાં ગાર્ડનમાં કે પછી હેલ્થ સેંટર્સમાં ભેગા મળી હા હા હી હી કરવાનું ભૂલ્યા નહોતાં.

     અને, એનાં જ પરિણામોની ભરપાઈ આજે અમારું આખુંય બિલ્ડીંગ ભોગવી રહ્યું હતું. 14 દિવસનું કોરોન્ટાઈન મેળવીને !

     અનલૉકની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મુંબઈ શહેરમાં દિવસ રાત પેટ્રોલિંગ પર નીકળતી પોલીસને પણ લોકો ગણકારતા નહોતાં.

     અને કેટલાંક તો સામા ય થયા'તા. 'માસ્ક નહીં તો એન્ટ્રી નહીં' જેવાં ઉદ્ગારો સામે માસ્ક ન પહેરીને પોલીસનાં હાથે ડંડાઓ ખાઈ પોતાની ઓળખાણનો ગેરફાયદો ય લોકોએ ઉઠાવવાનું છોડ્યું નહોતું.

     કરિયાણાની દુકાને જીવન જરૂરિયાતની વસ્તુઓને બદલે લોકો બ્રેડ, ચીઝ, બટર, પાસ્તા અને મૅગી જેવાં પેકેટ્સ લેવાં ઉમટી પડ્યાં હતાં.

     અમારી જ બિલ્ડીંગનાં એક લેડી, ઉંમર હશે 45ની આસપાસ. સવારે 10 થી સાંઝે 7 વાગ્યાનો કરફ્યૂ સાંભળીને વહેલી સવારે 7 વાગ્યે લટાર મારવાના બહાને નીકળી પડતાં. અને બે એક કલાક ફરી ફરીને શાકભાજીથી માંડીને ફ્રૂટ્સ અને ફૂડ પેકેટ્સ પણ લેતાં આવતાં. અને મજાની વાત એવી કે એ બાબતનો ઢંઢેરો પણ પીટતા અને બડાઈ પણ મારતા થાકતા નહીં.

     કાંદિવલી - બોરીવલી સબર્બ્સમાં સહુથી વધારે કેસિસ કૉરોનાગ્રસ્ત લોકોનાં જાહેર થવા બાદ પણ કેટલાંક લોકોને પોતાની જ ગાડીમાં ફરવા તથા ઘરેથી બનાવેલું ભોજન લઈ પિકનિક મનાવવા ય જવું હતું... 

     કારણ તો શું ?

     કે, ઘરમાં ઈનમીન ને તીન લોકોનાં મોઢાં જોઈ કંટાળી ગયાં છીએ. ચાર લોકોને મળીએ તો બાકીનાં દિવસો ઘરમાં લોક થઈને વિતાવવા માટે પાવર બુસ્ટરની જરૂરત તો પડે જ ને ભલા માણહ!!

     આવા અતરંગી વિચારો ધરાવનાર લોકોને કારણે વગર વાંકે કેટલાંય નિરપરાધી લોકોએ પોતાનો તેમજ પોતાનાં સ્વજનોનો જીવ ગુમાવવો પડ્યો.

     અને, અહીં અમીરોને મોજશોખ કરવામાંથી ફુરસદ નથી મળતી.

     "નેની, ગેટની બહાર કીડીયારું જમા થયું છે. એમને ચણવા કંઈક આપો ને !" 

     હેનલે નેનીને આજીજીભર્યાં સ્વરે કાકલૂદી કરતાં કહ્યું.

     અનલૉક કાળમાં ય નેનીને ઘડીભરની ફુરસદ નહોતી મળતી. બે ચાર અઠવાડિયાં દીકરીને ત્યાં આરામ કરવા આવેલી એનઆરઆઈ ખેવના દેસાઈને લૉક ડાઉનને કારણે લાંબા ગાળા સુધી અટકાઈ જવાનો વારો આવ્યો.

     અને એમાં દીકરી જમાઈ બંને ડૉક્ટર તરીકેની ફરજ બજાવતાં હોવાથી હેનલની જવાબદારી એમણે જ ભોગવવાની આવી.

     મહિનાઓ થઈ ગયાં પોતે 'સ્નેહ સદન' બંગલાની બહારે પગ નહોતો મૂક્યો. હંમેશ રખડપટ્ટી કરવાની આદત ધરાવનાર ખેવના દેસાઈ ઘરબંદીમાં સપડાઈ ગયા'તા. એમાં બપોરે બે ઘડીનો પોરો ખાવા મળતો હોય ત્યાં દોહિત્રી હેનલની વિનંતી ભર્યાં શબ્દોને અવગણી કેમ ચાલે!!

     બસ, એ એક માત્ર વિચારે ખેવના દેસાઈની આજની બપોરની નીંદર હરામ કરી નાંખી.

     ગોરાઈ વિસ્તારમાં મોકાની જગ્યાએ આવેલ બે મંઝિલા બંગલો દરેકની નજરમાં કાંચની કણી જેમ ખૂંચતો રહેતો. અને, સર્જન ડૉક્ટર્સ તરીકે મિ. સ્નેહ એન્ડ મિસિસ સુજલા ગોરાગાંધીની શાખ ઘણી મોટી હતી. એટલે વાર તહેવારે લોકોની આમેય ભીડ જમા થયાં જ કરતી.

     એમાં અત્યારનાં કપરા કાળમાં માનવજાતિ એકબીજાને મદદરૂપ થવી જ જોઈએ, વગેરે... જેવાં ભાષણો પણ ખેવના દેસાઈ મહિલામંડળોમાં આપ્યે રાખતાં.

     "નેની, જલ્દી કરો ને!" હેનલ નેની તરફથી જવાબ ન મળતાં જોઈ પોતે જ કિચનમાં જઈ જે મળે તે લેવા ચારેકોર નજર ફેરવવા લાગી.

     હેનલની ઉતાવળ જોઈ ખેવના દેસાઈ ગેટ તરફ આગળ વધ્યાં. એ વિચારે કે કીડીયારું ક્યાંક ગેટ તોડીને અંદર ન ઘુસી જાય.

     ગેટ પાસે કેટલાંક લોકોમાં એક વયોવૃદ્ધ કપલ અને બે નાનાં બાળકો અર્ધ નગ્ન એવાં મેલાઘેલા વસ્ત્રોમાં ઊભાં હતાં.

     હેનલે તો કીડીયારું કહ્યું'તુ ને આ તો ચારેક જણાં જ છે... એવાં વિચારોમાં ગૂંથાયેલા ખેવના દેસાઈએ વૃદ્ધને અચરજભરી નજરે પૂછ્યું -

     "કોનું કામ છે?"

     "માઇ, ચબૂતરે ચણ અને બે ગાયોને ચારો નાંખીને અમો અમારું ગુજરાન ચલાવતાં આવ્યાં છીએ.

     આ લૉક ડાઉન કાળમાં લોકોની અવરજવર લગભગ બંધ જ થઈ ગઈ. ચબૂતરે પંખીડાઓ કોરી ધાકડ માટી ચરી ચણ શોધવા બીજે ઠેકાણે નીકળી જાય છે. અને ગાયોને ચારો નાંખવાની હેસિયત અમારી હવે રહી નથી.

     અહીં રહેતાં માજી અને પેલી નાનકી દીકરી રોજ ચબૂતરે ચણ અને ગાયોને ચારો નાંખતા'તા. તો થયું કે..." ગળે ડૂમો બાજી ગયો. અને વૃદ્ધ આગળ કશું જ બોલી ન શક્યાં.

     હેનલનાં દાદી એમની દીકરીને મળવા લંડન ગયા'તા તે આ લૉક ડાઉનમાં ત્યાં અટકી ગયા ને પોતે અહીં. એ વિચારો હજુય આગળ વધતે ત્યાં વૃદ્ધ સાથેનું નાનું બાળક ગેટ પાસેની માટીમાંથી બ્રેડ બિસ્કિટનાં ટુકડાઓ વીણી વીણીને માટીવાળા હાથે જ મ્હોમાં મૂકી રહ્યું'તુ.

     એ જોઈ ખેવના દેસાઈને ચીઢ તો ઘણી ચઢી પણ એમ અજાણ્યાં લોકોને ઘરમાં કેમનાં ઘલાય?! બસ, એવું જ કંઈક વિચારી એમણે વૃદ્ધને શિખામણ આપી -

     "પારેવાઓ તો પોતાનું ચણ ક્યાંયથી પણ મેળવી લેશે એ માટે તમારે ફિકર કરવાની શી જરૂરત?! અને.."

     "માઇ, એ તો ક્યાંયથી પણ પોતાનું ચણ ચણી આવશે. અમે ચારેય ક્યાં ચણવા જઈએ. ને અમને કોણ દાણો ચણવા દેશે..."

     "માઇ, તમારે ઘેર કોઈપણ કામ હોય તો કહો અમે કરવા તૈયાર છીએ. ચાર દા'ડાથી કશું જ પેટમાં ગયું નથી. આ પેટનો ખાડો પૂરવા કંઈપણ કરવા તૈયાર છીએ."

     વૃદ્ધાએ ખેવના દેસાઈ સામે બે હાથ ને ત્રીજું માથું નમાવી આજીજી કરી.

     'સ્નેહ સદન'માંથી કોઈ ક્યારેય ખાલી હાથે નથી ગયું - એ વાક્ય ખેવના દેસાઈનાં કાનમાં ભણકારાની જેમ વાગવા લાગ્યું. પણ, અજાણ્યાં લોકોને ઘરમાં ઘાલવા એટલે અણધારી મુસીબત સામે ચાલીને તેડવા જેવી થાય.

     શું કરવું ને શું નહીં એ ગડમથલમાં હતાં ખેવના દેસાઈ. ત્યાં, છ વર્ષની હેનલ એક ડબ્બો ઘસડતી ઘસડતી ગેટ સુધી આવી ને બોલી -

     "નેની, આમાં મૉમ્સીએ લાવેલાં ફૂડ પેકેટ્સ છે એમને આપી દ્યો. એમને ઘણાં દિવસો સુધી ચાલશે... હં ને!!"

     નાનકડી હેનલની ભલમનસાઈએ ખેવના દેસાઈની લોકસેવા માટેનાં દેખાડો કરતા ભાષણો પર લખલખતો તમાચો માર્યો હતો.

     નેની તરફથી કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા ન જણાતાં હેનલે પોતે જ એ ડબ્બો વૃદ્ધ પરિવારને હસ્તક કરી દીધો. અને બે હાથ જોડી કહેવા લાગી -

     "થોડું ગરમ પાણી નાંખીને આ પેકેટ નાખશો ને તો મસ્ત ટેસ્ટી પાસ્તા ને મૅગી બની જશે.... મારાં મૉમ્સી એમ જ બનાવે છે. તમને ભાવશે. 

     અને, ખતમ થાય એટલે કહેજો હું બીજા આપીશ."

     વૃદ્ધ પરિવારનાં ટાબરીયાઓ ફૂડ પેકેટ્સ જોઈ ખુશખુશાલ થઈ નાચવા લાગ્યાં.

     પણ, વૃદ્ધ દંપતિ માટે ચિંતાનો વિષય ઉદ્દભવ્યો કે આ પેકેટ્સ માટે ભરેલા ગૅસનું સિલિન્ડર ક્યાંથી લાવવું..!


Rate this content
Log in

Similar gujarati story from Drama