STORYMIRROR

Vijay Shah

Tragedy

2  

Vijay Shah

Tragedy

સપ્તપદીની પ્રતિજ્ઞાઓ (૮)

સપ્તપદીની પ્રતિજ્ઞાઓ (૮)

16 mins
15.1K


ઓપરેશનની નિષ્ફળતાના સમાચાર ચિંતાઓનો ઢગલા ખડકવા માંડ્યા.

સહેજ પણ ઉભુ ના રહી શકે તે મા બાળક્ને કેવી રીતે ઉછેરશે?

કમ્મરના બે કટકા એટલે તો જાણે આજીવન પથારી ઉપર કાઢવાની સજા.

સજા એકલી સુશીલાને નહીં શશીને પણ મળી છે.

તેના પેટની અને શરીરની ભુખ કેવી રીતે શમશે ?

બાળકને સ્તનપાન તો કરાવશે પણ તેને ઉછેર કોણ કરશે?

અરે ભલા સુશીલાને કોણ સાચવશે?

શશી તો સ્ટોર સાચવશે ..કમાશે કે હોસ્પિટલના ધક્કા ખાશે?

નકારાત્મક વિચારોનું તો એવું જ છે..તે ધીમે ધીમે અંતિમે ચઢે..

એના કરતા તો મરી ગઈ હોત તો સારુ થતે..એની જગ્યાએ કોઈ બીજી આવતે તો આ બધી તકલીફો શમી જાત ..

મહીનો બે મહીના રડી લેત..પણ આખી જિંદગી તો અપંગની સાથે કાઢવી ના પડે.

પરભુબાપાને દીકરી સાથે અમેરિકાનું પત્તું પણ કપાતું દેખાતું….

ધીરી બા એકલી જ દીકરીને રડતા હતા.. અને વિચારતા હતા અણી ચુક્યો સો વરસ જીવે. સૌ સારા વાના થશે. પછી વળી ફફડતો નિઃસાસો નાખતા મને વળી શું સુજ્યું કે બેજીવાતી દીકરીને ટોકી અને આ અકસ્માત થયો..

શ્યામાદી’ અને જીવકોર બા બીજી વાત લાવ્યા જો સુશીલાને સારી સારવાર આપવી હોય તો વંદનાને ફેરા ફેરવીને આણે લાવો..તે સગ્ગુ લોહી છે એટલે શૉનને પણ સાચવશે અને શશીને પણ…વળી બહેનો છે એટલે ઈર્ષા પણ નહીં થાય.

ધીરીબાથી તો આ વાત જીરવાઈજ નહીં પણ પરભુબાપાને હૈયામાં ટાઢક થઈ ચાલો એક પલ્લામાં બે બહેનો મંડાઈ જશે.

ધીરીબા કહે “તમે લાજો જરા..દીકરી જીવતી છે અને તેના સુહાગને ઓળવાની વાત કરતા શરમ નથી આવતી? એક ડોક્ટર કહે છે તેની વાત જાણે તે બ્રહ્મા હોય તેમ સાચી કેમ માની લીધી? પટ્ટો પહેરશે દવા કરશે અને કંઈક નિરાકરણ આવશે બીજા ડોક્ટરને બતાવશું..નકારાત્મક વિચારોને ભગાડો. આ શૉન તેનું નસીબ લઈને આવ્યો છે. ક્ષણભરમાં નકારાત્મક વાતાવરણ હલકું થઈ ગયું.

હવે વિચારો એ કે બંને જુવાનીયાઓને શૉન તરફે વાળીને તેમનું જીવન રાહ ઉપર કેમ ચઢાવીશું..આપણે અહીંથી જઈએ તે પહેલા તે બંનેને સહ્જ બનાવવા જે કરવું પડે તે કેવી રીતે કરશું?

રાત્રે હોસ્પિટલથી આવ્યા પછી પહેલા તમે શશીને વાત કરી લેજો અને અમે સુશીલા સાથે વાત કરી લઈશું.

પરભુ બાપા કહે “વાત તો આપણે પહેલા નક્કી કરીને છોકરાઓને સમજાવવાના છે.”

શ્યામાદી’ થેપલા લઈને આવી પણ સાંજે કોઈને અન્ન ગળે ના ઉતર્યુ..ખબર જ કંઈ એવી હતીને કે ભુખ મરી જાય. અભિજીતને સાથે લાવી હતી કે જેથી તેનું હોમ વર્ક કરાય. દેવેન આવે ત્યાં સુધી તે રહેવાની હતી..આમેય તેને સુગરલેંડ જતા ટ્રાફીક નડતો નહોતો. વળી સુશીલાને તો આખી રાત ઉંઘની અસર રહેવાની હતી.

ધીરીબાએ શ્યામાને પુછ્યુ “આ હોસ્પિટલ સિવાય બીજી હોસ્પિટલમાં સેકંડ ઓપીનીયન લેવો છે તે થઈ શકે?”

“હા હું ડોક્ટરનો ટાઇમ લઈ લઈશ પણ તેને રીકવર થવા થોડો સમય તો આપવો પડશેને?”

“આ ડોક્ટર મને ઠીક ના લાગ્યો.” જીવકોર બાએ ટીપ્પણી કરી.

શ્યામાદી’ કહે “બા અહીં કાયદા બહુંજ કડક હોય તેથી ડોક્ટર પોતે જે માનતો હૌય તે સ્પષ્ટ કહે અને રીપોર્ટમાં લખે પણ…”

જીવકોરબા તો શૉન કોના જેવો છે તે વિચારતા હતા તેમને નાનો શશી જ શૉનમાં દેખાતો હતો જ્યારે ધીરીબા તો મકકમતાથી માનતા હતા કે સુશીલા જેવો જ હતો.. મતલબ કે મોંછાપ બધી ધીરી બા જેવી હતી. પરભુબાપા કહે અત્યારથી આ બધુ ના વિચારો.. છોકરું તો હજી કેટલાય મહોરા બદલશે…

પહેલા સંતાનના જન્મની ખુશી અને સુશીલાના ઓપરેશનની નિષ્ફળતા બે વિરોધાભાસી સમાચારો સુશીલાને કેવી રીતે આપવા તે વિચારતા હતા.

બીજે દિવસે સવારે ત્રણે વડીલો શશી સાથે જવા તૈયાર થઈ ગયા..શશી કહે તમારે આટલું વહેલું જવાની જરૂર નથી. શ્યામા નવ વાગે આવીને તમને લઈ જશે.

શૉનને ૨૪ કલાક થઈ ગયા હતા અને તેને જોવા સૌ ઉતાવળા થયા હતા. પણ શશીએ ટાઢું પાણી રેડ્યું. ત્યારે ધીરીબા બોલ્યા “આઈસીયુના કાયદા જુદા હશે તું ખાલી હોસ્પિટલમાં મુકીને જા. અમને નહીં જવા દે તો અમે ત્યાં જ રાહ જોઈશું. જીવકોર બા ની હાલત પણ એ જ હતી..શ્યામાના બંને છોકરા હતા પણ શૉન તો વંશ જ હતો તેથી તેમણે ધીરી બાની વાતને ઝીલતા કહ્યું “હા શશી ભાઈ અમને તો આજે વહેલું જવું જ છે.”

“ભલે ચાલો..ત્યાં બહાર બેસવાની તૈયારી રાખજો.” કહી શશીએ ગાડીમાં સૌને બેસાડ્યા.

સ્ટોર ખોલી માર્થાને ચાર્જ સોંપી શશી ત્રણેય વડીલોને લઈ હોસ્પિટલમાં આવ્યો. બેબી કેર વિભાગમાં નાના નાના ભુલકાઓનો રડવાનો અવાજ આવતો હતો. શશી આઈસીયુમાં સુશીલાને જોવા જતો હતો ત્યારે જીવકોરબા ને શૉન પાસે જવું હતું. અનુમતિ મેળવીને આઇસીયુમાં પહેલા સુશીલાને જોવા શશી અને ધીરી બા ગયા ત્યારે જીવકોરબા અને પરભુ બાપા શૉનને જોવા ગયા…દસ મિનિટે બેય ગૃપ ધોયેલા મૂળાની જેમ પાછા આવ્યા. સુશીલા હજી ઘેનમાં હતી અને શૉન ઉંઘતો હતો. પણ ત્રણેય વડીલો પોતાના સંતાનોને જોઈને રાજી હતા. બંને ટોળકીનું સ્થળ બદલાયુ અને શશી સાથે બધા સ્ટોર પર પાછા જવા નીકળ્યા. પાછા જતા ક્ષણ ભર મલકી લીધા પછી એજ ગઈકાલની ચિંતા ત્રણેયને સતાવવા લાગી.

સ્ટોર ઉપર શશી તો કામે ચઢી ગયો.. ધીરીબા અને જીવકોરબા ટ્રાફીક જોતાં હતાં. પરભુબાપાએ આ ગીર્દી પહેલી વખત જોઈ હતી કૉફીના પૉટ દર પાંચ મિનિટે બદલાતા હતા. સવારનો ટ્રાફીક લગભગ ૮ વાગ્યા સુધી ચાલ્યો.

નવના ટકોરે શ્યામા આવી અને ત્રણેય વડીલોને લઈને હોસ્પિટલ પ્રયાણ કર્યુ.

ધીરીબાએ પહેલો જ પ્રશ્ન પુછ્યો.. “કોઈ બીજા ડોક્ટરની એપોઈંટમેંટ મળી?” હા પણ એક મહિના પછીની તારીખ છે અને તેમને એક્ષરે મોકલવાના છે. દેવેનના સગામાં છે તેમની સાથે વાત કરી તો કહે કયા મણકા ઉપર ઈજા થઈ છે તે તેમને જાણવામાં રસ છે..”

“પણ તેમને તમે પુછ્યુ પેલા ડોક્ટર કહે છે તેમ જાનનુ જોખમ છે?” પરભુબાપાએ અધીરા થઈને પ્રશ્ન પુછ્યો"

“હા પુછ્યો હતો અને તેમણે એક્ષરે જોયા પછી જવાબ આપવાનું કહ્યું છે."

ત્રણેય વડીલોની આંખો એક થઈ અને નક્કી થયું કે રોગની ભયંકરતાની વાત હમણા સુશીલાને જણાવવી નથી.. ફક્ત શૉન અને શૉન જ ઉજવશું. શ્યામા પણ તેમ જ માનતી હતી.

શ્યામાએ તે ડોક્ટરે કહેલ વાત યાદ કરતા જણાવ્યું કે આ બીમારી કાળજી રાખો તો ડાયાબીટીસ જેવી ગૌણ છે..પણ શરત ચૂક થાય તો દર્દીની જાન પણ જઈ શકે છે.

હોસ્પીટલ આવી ગઈ હતી.

સુશીલા હજી ભાનમાં આવી નહોતી પણ તેના થાનલેથી દુધ વહેતું હતું.

પરભુ બાપા બોલ્યા છે ને પ્રભુની અસ્સલ કૃપા..બાળકના જન્મ સાથે જ તેનું ભરણ પોષણની પણ વ્યવસ્થા થઈ જાય.

નર્સ કહે છે આ સારી નિશાની છે પેશંટ હવે ભાનમાં આવી રહી છે.

પરભુ બાપા બહાર જઈને બેઠા.. શૉનને લઇને નર્સ આવી ત્યારે તે ઝીણું ઝીણું રડતો હતો…

નર્સે સુશીલાના થાનકો સાફ કરીને શૉનને તેની નજીક મુક્યો.. સહેજ હલન ચલન કરી શૉન થાનલે વળગીને ધાવવા મંડ્યો અને સુશીલા એ ઉંહકારો ભર્યો..

નર્સે સહેજ ઉંચો કરીને તેને થાનલાની નજીક રાખ્યો કે જેથી સુશીલાને કમરે વજન ના આવે. બંને મા અને નર્સ જોઈ રહ્યા હતા..અને સુશીલાએ આંખ ખોલી..શૉનને જોઈને તેણે તેન બુચકાર્યો.. જાણે તે સાંભળતો હોય તેમ તેણે હુંકારો ભર્યો. થાનલું છોડ્યુ અને માની સામે જોઈને મલક્યો…

નર્સે “વજન ના લેશો” કહી સંતાનને થોડું નજીક કર્યુ..વહાલનો ઉછાળો આવતો હતો પણ ધીરીબા અને જીવકોર બા તેને કહી રહ્યા હતા.. ”તારો આ નવો જન્મ છે મોટા ઓપરેશનમાંથી તું હજી બહાર આવી રહી છે.. તારો પુત્ર બહુ જ સરસ અને રુપાળો છે પણ હજી ડોક્ટરે તને મર્યાદિત હલન ચલનની છુટ આપી છે તેથી વહાલથી સ્તનપાન કરાવ. પણ હજી ધીરી બાપુડીયા છે.

શ્યામા ધીરીબા અને જીવકોરબા ચિંતિંત હતા અને સાથે સાથે કુદરતના ચમત્કારોને જોઈ રહ્યા હતા.. આટલા નાના સંતાનને ભુખ લાગે ત્યારે ખાવાનું ક્યાંથી મળશે અને કેવી રીતે મળશે તે કોઇએ શીખવાડ્યું નહોંતુ છતા મા દીકરાના દુગ્ધપાન અને દાનના ચમત્કાર જોઈ રહ્યા હતા ચારેય માની આંખો ખુશી મિશ્રિત સંતોષથી છલકતી હતી.

નર્સે બીજા થાનલાને પણ આજ રીતે બહુ સાવધાનીથી શૉન પાસે લેવડાવ્યું. એક પૂર્ણ સંતોષ સાથે મા અને દીકરો એ પૂનિત પળોને માણી રહ્યા.

કમરમાં સણકા હવે વધુ જોર પકડી રહ્યા હતા તેથી નર્સે ગ્લુકોઝના બાટલામાં એનાલ્જીનનું ઈંજેક્ષન આપીને કહ્યું હવે દુઃખાવો મટશે પણ કમર પર સુવાની મનાઈ છે. પડખાભેર હજી સુવાની ટેવ ચાલુ રાખવાની છે. સુશીલાની આંખોમાં ઉદાસીનતા ઉભરાઇ આવી…

જીવકોરબાને ઉદ્દેશીને તે બોલી “બા! તમને મારા હાથનું જમાડવા બોલાવ્યા અને નસીબ તો જુઓ મને હલવાની પણ છૂટ નથી.. મને માફ કરજો બા!”

“અરે બેટા! આટલી મોટી ઘાતમાંથી તું ઉભી થઈ છે તે વાતનો ઉપકાર માન અને આ તારા દીકરાએ તને નવી જિંદગી આપી છે તેમ માન. અને અમારી ચિંતા તું ના કર.. તારે તો તારી જાતને સંભાળવાની છે.”

“પણ બા…” બોલતા જ તેની આંખો ઢળી ગઈ ઇંજેક્ષનની દવા તેની અસર કરતી હતી. અને શૉનને માના દુધની અસર થતી હતી..બેઉ મા અને દીકરો સુઈ ગયા ત્યારે નર્સે જવાનો ઇશારો કરીને બહાર નીકળવા કહ્યું. પરભુ બાપાએ અંદર આવીને મા અને દીકરાને મીઠી નિંદરે સુતેલા જોઇને દુરથી જ આશિર્વાદ આપ્યા..ઘણું જીવો.

પાછા વળતા શ્યામાએ ફરી એ વાત કાઢતા કહ્યું “ ધીરી બા! આ બીમારી સામે ઝઝુમવાનું તમારી અને જીવકોર બા એ બંનેની પહોંચ બહારનું છે. વંદનાને અત્યારે બોલાવી લો. એ સુશીલાની સાથે રહીને શૉનને મોટો કરશે.અને ઘરના રોટલા ટીપશે. અહીં મેડીકલ ખર્ચા ખુબ જ મોંઘા છે.”

“હજી અમે અહીંયા છીએ ત્યાં સુધી તો એ પ્રશ્ન નથીને?”

“હા પણ ત્યાર પછી શું? તમારી મહીનામાં તો જવાની તૈયારી થશેને?”

“હા એ ચિંતા તો અમને કોરે છે.. આ ખાટલો તો આખા વરસનો છે.”

પરભુબાપા બોલ્યા “પેલા ડોક્ટર શું કહે છે તે જાણી લઈએ પછી વાત..તમે તેમને એક્ષરે જલ્દીમાં જલ્દી પહોંચાડો.”

જીવકોર બા ધીરી બાનો ખચકાટ સમજી શકતા નહોતા અને આ નિરાકરણ બધાના હિતમાં હતું.

ધીરીબા બોલ્યા “શ્યામાબેન આ ખાટ્લો આખી જિંદગીનો છે. તમે એમ માની લીધું છે કે સુશીલા બહુ બહુ તો વરસ જ જીવશે અને તેથી શૉન માથે સાવકી મા લાવવાને બદલે માસી લાવવી એ વહેવારીક વાત છે. પણ મને એવું લાગતું નથી મને તો એમ જ છે કે તે જીવવાની જ છે. તે તબક્કામાં આપણે તેને અન્યાય નથી કરતા? તેનો સુહાગના ભાગલા પાડીને?

જીવકોરબા ધીરીબાના મનની વાત જાણીને બોલ્યા ”ધીરજ બેન આપણે ઈચ્છીએકે સુશીલા ઉભી થાય તો તે તબક્કામાં સુહાગ વહેંચાતો નથી.. બે દીકરીઓ સોભાગ્યવંતી બને છે. અને આપણે તો આજનું જ વિચારવાનું ને? કાલે ઉઠીને કંઈક ભુંડુ થશે તેમ કેવી રીતે વિચારાય? તમે જે રીતે વિચારો છો તેજ રીતે વિચારીને શ્યામા કહે છે વંદના હશે તો શૉન સારી રીતે ઉછેરશે અને સુશીલા પણ પક્ષઘાત જેવા આઘાતોમાંથી બચશે.”

ઘર આવી ગયું હતું.

ધીરીબા હજી પીગળ્યા નહોતા તેથી ઘરમાં જતા જતા શ્યામાએ નવો મુદ્દો રજુ કર્યો. આપણે ડોક્ટરની તારીખોની રાહ જોવાની જરૂર નથી હું તેમને લઈને હોસ્પિટલ લઈ આવું છું અને જરૂર હશે તો મુખ્ય અહીંના ડોક્ટર સાથે વાત કરાવીને રોગની ગંભીરતા કેટલી છે તે સમજી લઈએ તો કેવું?”

“ભલે” ધીરીબા બોલ્યા. તેમની આંખો છલકાતી હતી.

તેઓ જાણતા હતા કે વંદના અને સુશીલાની સરખામણી ના થાય તે ચોક્કસ જ સુશીલા અને શૉનને ત્રાસ આપીને શશીને ઑળવી પાડે તેવી હતી. પંડની છોકરીને સારી રીતે જાણે તેથી ઝઝુમતા હતા કે બકરું કાઢતા ઊંટ ના પેસી જાય.

બીજે દિવસે સર્જન ડૉ.પટેલ રીચમંડથી દેવેન સાથે આવ્યા ત્યારે શશી સહિત સૌ ત્યાં હાજર હતા.

એક્ષ રે રીપોર્ટ અને ઓપરેશન કરેલું તે સર્જન પણ ત્યાં હાજર હતા.

ધીરીબા ઈચ્છતા હતા કે આ મીટીંગ સુશીલાથી છાની થાય પણ તે શક્ય ના બન્યું. સેકંડ ઓપિનિયન પેશંટની હાજરીમાં કરવો પડે તેથી તે જાગૃત હતી અને તેની હાજરીમાં સર્જને તે બધી જ વાત ડૉ પટેલને કહી. ડૉક્ટર પટેલે રીપોર્ટ અને એક્ષરે વાંચીને એટલું જ કહ્યું પેશંટ અકસ્માતે જ બચી શકે..તેમની જાળવણી ખુબ જ જરૂરી છે. નાનો સરખો ધક્કો પણ જો મજ્જા તંતુ પર વાગેને તો કાં પેરેલીસીસ કાં મૃત્યુ લાવી શકે છે. જો કે પેશંટની જિજીવિષા આ બધા ભયજનક કથનો ને ખોટા પાડી શકે છે. શશીની આંખોમાં છલકતા આંસુઓ જોઈને સુશીલા પણ રડી અને પછીતો સૌ રડ્યા.

ડૉ પટેલે પણ સત્ય જ કહ્યું તેમની ભાષા શિષ્ટ હતી પણ ક્યાંય ખોટો આશાવાદ નહોતો. સુશીલા પહેલી વખત સત્ય સાંભળીને ડરી. મારા વિના શશીનું ધ્યાન કોણ રાખશે અને શૉનનું શું? એ બે વેદના મોટી નવા સત્યોની ભયાનકતા સહજ રીતે સમજવા મથતી હતી પણ જેમ વિચારતી જતી હતી તેમ તેની હામ બેસતી જતી હતી. કમરનું ઓપરેશન નિષ્ફળ ગયું છે તે સમાચાર શૉનના જન્મની ખુશીને પાંગળી કરી દીધી..તેનું મન હવે શું? ની ભયાનક શક્યતાઓમાં ઘેરાતું ગયું. તેને શૉકમાં જોઇને જીવકોર બા બોલ્યા “માણસ ચાંદ પર પહોંચ્યો વિજ્ઞાન ઉપર અને પરમ કૃપાળુ પરમાત્મા પર ભરોસો રાખવો રહ્યો.” “અને અમે બધા છીએને તને તકલીફ નહીં પડવા દઈએ” ધીરીબાએ તેને હળવી કરવા કહ્યું.

ડૉ પટેલને સુશીલાએ સીધુંજ પુછ્યું મારું ઓપરેશન નિષ્ફળ ગયું છે તેનું કારણ મારે નથી જાણવું..પણ તે બેચાર મહીને ફરી સફળ કરવા મથી શકાય?

ડો પટેલ કહે “જો બેન આપણા શરીરમાં ઘણી બધી સર્જનાત્મક શક્તિઓ છે પણ વિજ્ઞાન મજ્જા તંતુ રીજનરેશન્માં નિષ્ફળ રહ્યું છે તેનો અર્થ એવો નથી કે પ્રયોગો બંધ છે. હું તને આશાઓ હજાર આપી શકીશ પણ જે સત્ય છે તે ડૉક્ટરની ફરજ પ્રમાણે કહીને છુટે છે.

એક સમતુલા સમજવાની જરૂરી છે કરોડરજ્જુની સાર સંભાળ હલનચલન બંધી માંગે છે જ્યારે આપણું જીવન એવું છે કે હલન ચલન સતત રહે છે. કરોડરજ્જુ નાના ઝટકા સહજતાથી સહી લેછે જ્યારે બેન તારા કેસમાં તે એટલુ સહજ નથી કારણ કે રજ્જુ ખુલ્લી છે મણકો૯૦% ભાંગી ગયો છે અને જે ૧૦% બાકીછે તેને આખો મણકો સર્જતા ઘણા દિવસો લાગી શકે છે…એટલા બધા દિવસો તારા માટે હલન ચલન રહિત રહેવાનું લગભગ અશક્ય છે. કારણ કે તું મા છે અને તારે માથે જવાબદારી છે.”

“પણ એ મણકો જલ્દી સર્જન થાય તેવી કસરતો કે દવાઓ હશેને?”

“છે ને બેના..પણ જે સમતુલાની વાતો કરું છું તે સમતુલા સાચવવી કે સચવાવી બહુંજ કઠીન છે. ૧૦૦૦ પેશંટે એકનો રેશીઓ કહી શકાય.” બધા પેશંટ એટલી બધી ધીરજ ધરાવતા હોતા નથી.”

“એટલે ધીમું મોત એમ જ ને?”

“જો બેના પીડા અગત્યની વાત છે અને તે સહેવાની તાકાત દરેકમાં સરખી હોતી નથી. દવાઓ બહુ બહુ તો થોડા સમયની રાહતો આપે. પણ સંપૂર્ણ સાજા થવા માટેની દડમજલ બહું લાંબી હોય છે.”

“ડોક્ટર સાહેબ આ તો જાણે એવું થયું કે આગળ કુવો અને પાછળ ખાઈ.”

“હા બહેન વાત તો તમારી સાચી છે હું સદભાગ્યે હજારે એક પેશંટ તરીકે તમને જોઈ રહ્યો છું અને તેના બે કારણો છે એક તો તમારું સંતાન અને બીજું તમારું મનોબળ. દુન્યવી પરિબળો ગમે તે આવે પણ સંતાન માટે માતા ગમે તેવા ભયો સામે ઝઝુમે છે. તમારો મોટો ભય છે શરીરની સર્જન શક્તિ ઓછી અને તેને રુંધતા પરિબળો ઘણા છે.”

ધીરીબા બોલ્યા “પટેલ સાહેબ તમારી છોડી આવી તકલીફોમાં હોય તો તમે શું કરો એ અમને સમજાવો કે જેથી આ છોડી હેમ ખેમ ખાટલેથી ઉભી થાય.”

ડોક્ટર સાહેબે ક્ષણિક મૌન રહીને ગુજરાતીમાં કહ્યું. આ રોગની દવા શારિરીક તો છે જ પણ તેનાથી વધુ માનસિક છે. જેમકે સુશીલાબેને માનવું જ રહ્યું કે શૉન એ એમની જવાબદારી છે તેથી તબિયત સાચવવાની સાથે સાથે તેમના મનને સતત કહેતા રહેવું પડશે કે તે હજારોમાંની એક છે. તે બચવાની છે તેથી જ તો અત્યારે સગર્ભાવસ્થા પુરી કરીને માતૃપદ પામી છે આ બધામાં પ્રભુનો સુચિત સંકેત છે કે શૉનને અત્યારે જાળવવાનો છે.

દેવેન અને શશી આ સંવાદ સાંભળી રહ્યા હતા ત્યારે તેમના મનમાં પ્રશ્ન થયો કે આ સર્જન છેકે મનોચિકિત્સક.?

છઠ્ઠીના દિવસે શ્યામા ફોઈએ નામ પાડ્યુ સોનમ હોસ્પિટલમાં તો જન્મ પહેલા નામ અપાઈ ગયું હતું તેથી શૉન કે સોનમ નામાભિધાનની વિધિ વખતે તે મલકતો હતો જાણે તેને બધીજ સમજ ના પડતી હોય.. માથે હાથ ફેરવીને કહ્યું ડાહ્યો થજે અને મા બાપની સેવા કરજે. અને ફરીથી તે મલકી પડ્યો બિલકુલ શશી જેવો લાગતો હતો.

દસેક દિવસ પછી રી હેબમાં ટ્રાન્સ્ફર થઈ. દવાની અસર સારી હતી તેથી કમરને તકલીફ આપ્યા વિના જીવતા શીખવાડવાની તાલિમ અપાવાની હતી. બેલ્ટ પહેરાવવાનો હતો અને ખાસ તો પડખુ બદલવાનું શીખવાનું હતું.

આ તાલિમ દરમ્યાન એક શીફ્ટ ડાયેનાની પણ હતી.

તેની કડકાઈથી તો આખુ કુટુંબ વાકેફ હતુ.. પણ તેજ કારણે તે ત્યાં હતી.. પણ ઇન્સ્યોરન્સ કંપની ચુકવવાની હતી અને ઓવર ટાઈમ નહોતો આપવાનો. નાના શૉન સાથે ત્યાં રહેવાની પરવાનગી હતી…પરાધિન અવસ્થા અને સ્વમાન ભારોભાર પછી હતાશાને આવતા કંઈ વાર લાગે?” પણ શૉન એની સામે જ્યારે જોતો ત્યારે ડૉ પટેલનાં શબ્દો તેને યાદ આવતા..પ્રભુએ તેને જીવાડી છે કારણ કે શૉનની તે જરુરિયાત છે.

તેને કદીક તો મરવાના વિચારો તો કદીક શશીના વિચારો આવતા. કદીક સપ્ત્પદીના નિયમો ગુંગળાવતા…મેડી કેર મળી ગયું હતું તેથી નાણાકીય રીતે શશી ખુવાર થતો બચ્યો હતો. શૉન દિવસે દિવસે મોટો થતો હતો તેની જરુરીયાતો વધતી હતી. અને સુશીલાનો અપંગપણાનો અહેસાસ પણ વધતો હતો. તેને ઝાડો પેશાબ સ્નાન દરેક ઠેકાણે નર્સો પર આધારીત રહેવાનું હતું ધીરીબા કહેતા રહેતા હતા સુશીલા હકારાત્મક રહેજે…રીહેબની કસરતો અને આવી સારવાર અમેરિકામાં જ શક્ય છે..

સુશીલા સમજતી હતી પણ તે શશી માટે તદ્દન નકામી થઈ ગઈ હતી. .ન તેના પેટની ભુખ શમાવી શકતી હતી કે ન શરીરની ભુખ શમાવી શકતી હતી. હા શૉન જ્યારે તેની નજદીક હોય અને જ્યારે તેને તે રમાડતી કે જમાડતી ત્યારે તે સ્વર્ગમાં હોય તેમ તેને લાગતું..

આ વખતે એક્ષ્ટેન્શન શક્ય નહોતું એટલે ભારત જવું જ પડે તેમ હોવાથી ત્રણેય વડીલ દુઃખતા હૈયે તૈયાર થતા હતા. ઘરે આવીને રોજ એની એજ વાતો થતી હતી રીહેબમાં સારી સારવાર થાય છે પણ તે ક્યાં સુધી?

પરભુબાપા અને ધીરી બા વચ્ચે કાયમ વિવાદો થવા માંડ્યા હતા. ધીરી બા વંદનાને અહીં લાવવાની વાતને જ અયોગ્ય માનતા હતા..તેથી તેણે ફોન ઉપર વંદનાને કહ્યું જો બેટા તારા બાપા અહીં તને સુશીના સુહાગ ઉપર લાવવા માંગે છે..તેનું કારણ તેઓ ડોક્ટરનું કહ્યું સાચું છે એમ માનીને સ્વીકારી લીધું છે કે સુશીલા લાંબુ નહીં જીવે તેથી તને અહીં બેસાડીને અમેરિકાની બારી ખુલ્લી રાખવા માંગે છે. મને કોણ જાણે કેમ એવું નથી લાગતું. મને લાગે છે કે જે રીતે તે આટલો ગંભીર અકસ્માતથી બચી છે અને ત્યાર પછી સુવાવડની ઘાત પણ ઝેલી ગઈ છે તે ઉપરથી મને એવું લાગે છે તે જીવશે જ. હવે ૫૦ટકાની આ શક્યતાઓને સંભાળવા તારા બાપા અને શ્યામાબેન મને સમજાવવા મથે છે કે તું સુશીલાની હયાતીમાં તેના બાળકોને ઉછેરવા બીજવર સાથે લગ્ન કરવાની વાત કરે છે. કાલે ઉઠીને વિજ્ઞાન ચમત્કાર કરે અને તે સાજી થઈ જાય તો? મારી બંને છોડીઓનું જીવન બગડેને?

સામે છેડે મૌન હતું ધીરીબા એ વાત આગળ વધારતા કહ્યું. ”આ અમારા વિચારોની સુશીલાને હજી જાણ નથી કે નથી શશીને કશું પુછ્યુ.. પણ મને આ સહેજે ય ગમતું નથી. કારણ કે પુરુષ માટે તારો ઉપયોગ ભુખ પુરી કરવા માટે છે પણ તારું પોતાનું જીવન પહેલે દિવસથી જ શૉન અને સુશીલાને સંભાળવાથી શરુ થાય છે..મને તો આ ખાડો જ લાગે છે. એક સાથે મારી બે છોડીઓને ભરખી ખાવની વાત જ લાગે છે."

વંદનાએ ફોન ઉપર જ પુછ્યુ..”બાપાને આપોને..”

પરભુ બાપાએ ફોન લીધો અને પુછ્યુ “બેટા વેવાઈ વરતમાંથી આવેલી વાતને ઝિલી સમજવાનો મારો પ્રયત્ન છે. જે તારી બા જુદી રીતે લે છે. અમેરિકાનું તબીબી વિજ્ઞાન જ્યારે ના કહી દે ત્યારે સામાન્ય માણસો ૯૦ ટ્કા સ્વીકારી જ લે છે. પણ તારી બા તે વાત માનતી નથી અને તેને એમ લાગે છે કે સુશીલા બચી જશે. હું તો એવું માનું છું કે વહેવારીક રીતે હલન ચલન કર્યા સિવાય રહેવું તે ખુબ જ અઘરી વાત છે. અહીં કહે છે હજારે એક જણ બચે છે અને તે જે દર્દ સહી શકે છે..કદાચ કાલે ઉઠીને તેવું બન્યું અને સુશીલા ના હોય ત્યારે શૉનને સાચવવાનું કામ પારકી મા કરે તેના કરતા બેન કરે તો તે સારું જ છે ને તે દલીલને હું વધારે માનું છું અને એક બીજી વાત શશી તને હા પાડશે કે નહીં તે પણ હજી પ્રશ્ન ઉભો જ છે.”

જીવકોરબેને ફોન હાથમાં લીધો અને કહ્યું “જુઓ તમે લોકો ભણેલા વધું તેથી અમારા જેવાની વાત કદાચ ના સમજાય પણ હું તો એવું માનું છું કે ક્યારેક શૉનને સાચવવા થોડોક ભોગ આપવો પડે તો આપવો જોઇએ..ધીરીબા આ ઘટનાને સુશીલાનું સુહાગ છીન્યુ કહે છે જ્યારે હું એવું પણ બને છે કે બે દીકરીઓ સૌભાગ્યવંતી બને છે જેમ ગણપતિને રિધ્ધિ અને સિધ્ધિ હતા. જો બેન મને તો મારા વંશજની ચિંતા છે.

“માફ કરજો ધીરીબાને આપશો?” વંદનાના મનમાં કોણ જાણે કેમ ફટાકડા ફુટતા હતા.. અમેરિકા અને આટલું ઝડપે?

“હલો” ધીરીબાએ હળવેથી કહ્યું.

“બા. મને લાગે છે કે બાપા સાચા છે.. શશીજીને વાંધો ના હોય તો અમેરિકા મને આવવુ છે.. કોઈ પણ ભોગે…”

ફોન મુકાયો ત્યારે પરભુ બાપાને એક પંથ દો કાજ જેવું લાગ્યું વળી શ્યામળી વંદનાને શશી જેવું પાત્ર ક્યાં મળવાનું હતું!

કહે છે ને કે દુઃખનું ઑસડ દહાડા… ૯૦ દિવસ રી હેબના પણ પુરા થયા અને ઘરે આવી ત્યારે શૉન ચાર મહીનાનો થઈ ગયો હતો અને વંદના શશીની જિંદગીમાં આવી ગઈ હતી. પરભુ બાપા અને શ્યામા દી’ સામે ધીરીબા નું કંઈ ના ચાલ્યું. અને સુશીલાને પુછવું કોઈને જરૂરી ના લાગ્યુ. તેઓએ તો માની જ લીધું હતું કે સુશીલા હવે થોડા દિવસની મહેમાન છે. સપ્તપદીના નિયમો ફક્ત સુશીલા માટે જ હતા શશી માટે આખી જિંદગી હતી.. અને ભાંગેલી સુશીલાનો સાથ ક્યાં આખી જિંદગી રહેવાનો હતો?

પછીની વાત લાંબી નહોતી. ત્રણેય વડીલો સાથે શશી પણ ભારત આવ્યો. કોર્ટ રાહે લગ્ન કરીને વંદનાના કાગળો કર્યા અને સુશીલા રીહેબમાંથી આવવાની તારીખ પહેલા વંદના ઘરમાં હાજર હતી.

શશીની બેવફાઈ કે વંદના જ શૉક્ય બની તે વાત તેને હતાશા તરફ ઘસડતી રહી હવે શૉન જ્યારે તેને થાનલે વળગતો ત્યારે તેને ખુબ જ સંતાપ થતો. તેનું વાત્સલ્ય સુકાતું જતું હતું.

શશી જ્યારે તેની નજીક આવતો અને તેના વાળને પ્રસારતો ત્યારે સુશીલા તેને “બેવફા” કહીને ધુત્કારતી પછી કહેતી પણ કે “તેં પણ માની જ લીધુંને કે હું થોડા સમયની મહેમાન છું?”

શશી ઉઠીને જતો રહેતો અને જતાં જતાં કહેતો પણ ખરો “હા. સુશી હું તારો દોષી છું પણ…”

સુશીલા બરાડતી. ”પણ શું?”

એ શુંનો જવાબ એક દિવસ શ્યામા દી’ એ આપ્યો.

“તું જતી રહે અને શૉનને મોટો કરવાનો આવે ત્યારે ત્રાહિત સ્ત્રી કરતા બેન જ કરે તો તે લોહી તો ખરુંને?"

અચાનક સુશીલા ખડખડાટ હસવા માંડી…અને બોલી “મારું બધું છીનવી લીધું.”

તેના હાસ્યમાં પરભુ બાપા પ્રત્યે આક્રોશ હતો..વંદના માટેની નફરત હતી.. શ્યામાદી માટે પણ ભારો ભાર તિરસ્કાર હતો.. શશીના દારુ માટે કરૂણા હતી. તેના હસતા શરીરના ઉછાળાઓમાં આત્મગ્લાનિ ભરેલી હતી..ક્યાંય સુધી સુશીલા હસતી રહી.

શૉનને લઈને શ્યામાદી’એ તેને હાથમાં આપ્યો. ત્યારે તેનું હાસ્ય પહેલી વાર રૂદનમાં ફેરવાયું.

તેને રડવા દીધી.

શૉન અને શશી સાથે તેને એકલો મુકીને વંદના અને શ્યામાદી' બહાર નીકળી ગયા..

જિંદગી નવો વણાંક લઈ ચુકી હતી.. શશી એક વધુ જવાબદારીમાં બંધાઈ ચુક્યો હતો..ગાંડી સુશીલા સાથે તે સપ્તપદીના નિયમો સાચવતો હતો.

દવા અને તાલિમના કારણે સુશીલા વેદનાને અને વંદનાને ઝેલતી તો થઈ ગઈ. પણ ઘણીવાર શૉનને શશી સમજીને હડસેલતી.. કાયમ ગણગણતી 'તેં ના પાળી સપ્તપદીની પ્રતિજ્ઞા સજનવા.. હું તો કુવો ભરીને રોઈ મારા બેવફા સજનવા..'

આ બાજુ વંદના સાથે કૉર્ટ લગ્ન અને તેની સાથે હનીમૂન જેવી ઘટનાઓમાં શશી સુશીલાને ભુલી તો શક્યો નહોતો પણ દિમાગ અને દિલની લડાઈમાં તે સતત ઘવાતો અને લોહીલુહાણ થતો હતો. ગાંડી સુશીલાના દરેક હાસ્યો તેને ખુબ રડાવતા.. એક દિવસ એવો આવ્યો કે જ્યારે શૉનને પકડીને જાળવવા જતાં તેનું બેલેન્સ ચુકી ગયું અને ખાટલેથી નીચે પડતી સુશીલાના વજન હેઠળ શૉન દબાયો. સુશીલાની મજ્જા તંતુ છુટી પડી અને બંને ઘડીમાં હતા ના હતા થઇ ગયા.

ધીરીબાને તો આ સમાચારની કોઈજ નવાઇ ન હતી..એક દિવસ તો આ થવાનું જ હતું. થઈને રહી ગયું.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy