Vijay Shah

Drama Tragedy

2  

Vijay Shah

Drama Tragedy

સપ્તપદીની પ્રતિજ્ઞા (૪)

સપ્તપદીની પ્રતિજ્ઞા (૪)

14 mins
7.8K


લેડી સાર્જંટ સુશીલાને પુછતી હતી..” મેમ..લેટ મી નો ઇફ યુ વોન્ટ ટુ એરેસ્ટ હીમ..ઓર ટેક એની એક્શન.”

થોડાક હીબકા પછી તે બોલી “જસ્ટ સ્કોલ્ડ હીમ એંડ ટીચ હીમ રીસ્પેક્ટીંગ આ વેડેડ વાઇફ..”

માર્થા ત્યારે બોલી “ધેય આર જસ્ટ મેરીડ.. બટ આઈ ડોંટ નો હી ઇઝ સચ અ વાયોલંટ.”

લેડી સાર્જંટ અને પોલીસ બંનેએ દુકાનમાં જઈને શશીકાંતને દસેક મિનિટ સીવીક બીહેવિયર વિશે લેક્ચર આપ્યું અને જતાં જતાં વૉર્નીંગ પણ આપી કે ફરીથી જો આવું કરશે તો સીધા જેલમાં જ નાખશે.. તારી પત્ની તારી વિરુધ્ધ અમને ફરિયાદ નથી કરી તેથી તુ અત્યારે તો બચી ગયો છે…

સવારનો ટ્રાફીક ચાલુ થઈ ગયો હતો પોલીસની કારની કન્વીનીયંટ સ્ટોર ઉપર કંઈ નવાઈ નથી હોતી પણ તાજો કૉફી પૉટ બનાવી સુશીલા ડૉનટ સાથે તે બંનેને આપવા આવી.

લેડી સાર્જંટે ફરીથી એક ભજનીયું ચોપડતા કહ્યું તેની જગ્યાએ હું હોત તો મારી મારીને તારા છોતરા કાઢી નાખ્યા હોત અને પોલીસ આવે ત્યારે બેડીઓ પણ પહેરાવી હોય…આભાર માન કે હજી તેને અમેરિકાનો રંગ નથી લાગ્યો.

શશીકાંત બાજુની શૉપમાં ગયો જ્યાં બ્રેક્ફાસ્ટ, ડોનૉટ બેગલ અને કૉફી હતી.. માર્થા કન્વીનીયંટ સ્ટોરનું કાઉંટર સંભાળતી હતી. પેટ્રોલ પંપ અને કન્વીનીયંટ સ્ટોરનું કાઉંટર સુશીલા અને માર્થા સાથે સંભાળવાના હતા.

ચચરાટ તો શમી ગયો હતો પરંતુ રહી રહીને તેનું મન ખાટુ થઈ ગયું હતું.. માર્થાએ ફોન ના કર્યો હોત તો સારું.. પણ હવે તો ઉજવાઈ ગયું છે ત્યાં પોલીસને જોઈને તેના ચહેરા પર જે વ્યથા અને ચિંતા દેખાતી હતી તે વિશે તેને સારું લાગતું હતું.

થોડોક સમય ગયા પછી ઘરની બનાવેલી આદુ ઇલાયચી વાળી ચા કપમાં કાઢી અને બટક પૌઆ માઇક્રોવેવમાં ગરમ કરી ટેબલ પર મુક્યા અને હળવેથી કહ્યું “ભુખ લાગી છે ને? ખાઈ લો પછી મને આપવી હોય તેટલી ગાળો આપજો.”

સૉલ્જર શશીકાંત થોડુંક મલકીને બોલ્યો. “થેંક્યુ.”

“શાના થેંક્યુ?”

“મારી અન્નપૂર્ણા…મારી ભુખ અને મારી ગેરસમજ બંનેને પહેલે ધડાકે જ દુર કરી નાખી.”

“ભુખ તો જાણે સમજ્યા પણ કઈ ગેરસમજ?”

“ભારતથી આવી છે તેથી દાબમાં રાખવા ધોલ મારી હતી.. પણ તું ય જબરી.. તેં ધોલ મને સામે એવી મારી કે હવે એવો પ્રસંગ આવે ને સાર્જંટ લેડી પોલીસ દેખાશે…"

“મને તો એમ હતું કે હું અમેરિકા જઈશ ત્યારે હું પછાત દેખાઈશ પણ મારા કરતાય તું તો પછાત નીકળ્યો..એક્વીસમી સદીમાં તું ઓગણીસમી સદીની વાતો કરે છે….”

માર્થાને નવાઈ લાગતી હતી..બંનેને શાંતિથી વાતો કરતા જોઈને. થોડોક સવારનો ટ્રાફીક ઘટ્યો હતો તેથી તેણે સુશીલાએ તેને માટે મુકેલી પ્લેટ લીધી અને બટાકા પૌઆ ખાવા લાગી. તેને ચામાં પણ મઝા આવી.

નાસ્તો કરીને સુશીલા પાછી આવી ત્યારે માર્થા કહે “તારી જગ્યાએ હું હોઉં તો આટલી જલદી ના પીગળું.. તને તેણે લાફો માર્યો અને તું તેને ખાવાનું આપે છે?”

સુશીલા સહેજ મલકતા બોલી “હું તારી જગ્યાએ નથીને? હું મારી જગ્યાએ છું. અને આપવો હતો તેટલો ડોઝ અપાઈ ગયો છે પછી વાતને વધારે ચોળવાની શી જરુર?"

રાત્રે ભારતથી ધીરીબાનો ફોન આવ્યો ત્યારે કેમ છો? સાંભળતા જ ડુસકું મુકાઈ ગયું..ધીરીબાએ તેને રડવા દીધી.. હજી તો ગણતરીનાં જ દિવસ થયા છે ને? પિયરીયું તો યાદ આવે જ ને? પાછળ બાપા પણ સંભળાતા હતા..”વાત કરને? ફોનમાં મિનિટો ચઢે છે.”

“બા બાપા હું મઝામાં છું તમે મારી જરાય ચિંતા ના કરશો.” છતાં ગળામાંથી ડુસકું તો વછુટી જ ગયું…

ધીરીબા હવે કહે “બેટા! જમાઈ સાથે બને તો છે ને?" પાછળથી પરભુબાપા બોલ્યા હવે આવું બધું નહીં પુછવાનું અને સુશીલા પગ ટકાવીને રહેવાનું.. શું સમજી? એ જે છે તે તારું કર્મ છે. અને ઘરે આવવાનું થાય તો રડતા રડતા આવશો તો ઘરનાં બારણા બંધ છે સમજ્યા?"

ધીરીબા બોલ્યા “હવે જરા ઝંપો વાત તો સાંભળો..”

“અમેરિકામાં પોચકા મુકવાની વાત ચાલે જ નહીં..”

“બા હું સાંજે ફોન કરીશ…એ ઘરે હશે ત્યારે..જયશ્રી કૃષ્ણ..” કહી ફોન મુક્યો.

આમેય ધીરીબાના જેવી ઢીલી અને સહેજ વાતમાં ડરી જાય તેવી તે હતી જ…અને આજનો પોલિસ પ્રસંગ એને મિશ્ર ભાવો જગાડતા હતા.

બીયરનો છેલ્લો ઘુંટ પીને શશી તો સુઈ ગયો. પણ સુશીલાને આ બધુ પચાવતા તકલીફ પડી રહી હતી. સુશીલાને હતું કે તે વાત કરશે..પણ દસ મિનિટમાં તો નસકોરા વાગવા માંડ્યા.

ટીવી ઉપર બહુ સરસ ગીત આવતું હતું..

"પીયા એસે તો જીયામે સમાય ગયો રે..

કે મૈં તન મન કી સુધ બુધ ગંવા બેઠી..”

ગીતની વાત જાણે તેના મનની વાત હોય તેમ તે ઝુમી તો ખરી પણ શશીના નસકોરાએ તેને વાસ્તવિકતામાં લાવી દીધી. ભારત ફોન કરવાને બદલે કાગળ પેન હાથમાં લીધા..ફોન કરવો હજી પરવડે તેવો નહોતો મિનિટના ૩ ડોલરનો ભાવ… તે વિચારી શકતી હતી પૂછ્યા સિવાય હિંમત કરવી નહોંતી..લંપટ પતિ અને આજનો લાફો –પોલિસ અને ઘણું બધું એક સાથે થયું હતું મન તો ખાલી કરવું જરુરી હતું.

પેન કાગળ ઉપર શબ્દો એ રીતે ચીતરતી હતી કે આજની આખી ઘટના ભેંકાર ભવિષ્યની શાખ ન પુરતી હોય.

પુ. બા….

તમે તો મને શીખવ્યું હતું ને કે લગ્ન જીવનમાં જીવન સાથીને

આપવું આપવું અને આપવું

પહેલું માન પછી વહાલ

વિશ્વાસ અને જીદનો અભાવ

તન મન અને ધનથી એક થને

પામીશ શાશ્વત સુખની ધાર.

પણ આ અમેરિકા છે. અહીં બધું જ ઉંધું છે.. દરેક્ને પામવું છે પણ આપવું કોઈને નથી. ધાકમાં રાખવા છે સૌને..ને ડૉલરની માયા સૌને છે.. જરા જરા વાતમાં “થેંક્યુ” અને “સૉરી” બોલાય છે જાણે એક માત્ર અભિનય. લાગણી તો ક્યાંય ના દેખાય, દેખાય ડૉલરના જ માત્ર અભિનય.

પૂ.બાપા,

તમને જે દેખાય છે તેવા સુખની એક આભા હજી સુધી મને જોવા નથી મળી. મળી છે તો માત્ર ધૉલ અને ઘાંટા અને પોલિસની સાયરન..નવો દેશ નવો વેશ અને તેઓ ઇચ્છે કે હું ભણેલી તેથી મને બધું જ આવડે. પણ અમેરિકાનું અંગ્રેજી જુદું..જેથી વાતો ના સમજાય.. કાઉંટર ઉપર ખાલી હસતા આવડે એટલે કંઈ બધું જ આવડી ગયું તેમ ઓછું કહેવાય?

ક્ષણ અટકીને પાછી લોરાની વાત કેવી રીતે કહેવી એમ વિચારતા લેડી સાર્જંટે કહેલ વાત યાદ આવી..સમાનતા બધે જ છે..તેથી આમ તો લગ્નના દિવસે બધું જ અડધું અડધું થઈ ગયું તો મારે તેની ભારત ફોન કરવા અનુમતિ કેમ લેવાની?

હ્રદય જરા ધડક્યું. પેન અને કાગળ હેઠા મુકીને ભારત ફોન જોડ્યો.

ફોન ઉપર વંદના હતી..તેને દીદી સાથે વાતો કરવી હતી પણ સુશીલાને ધીરીબા સાથે જ વાત કરવી હતી તેથી બોલી “બાને પહેલા આપ વંદના ત્રણ ડોલરે એક મિનિટનો ભાવ છે ત્યાંના સો રુપિયા થાય..”

“ભલે સો રુપિયા હોય તારી બેન સો રુપિયા કરતા ઘણી વધારે છે.”

“હા છે પણ હજી હું કમાતી નથી થઈ..શશીને ખોટા ખર્ચા ગમતા નથી.”

વંદના બોલી “બેન આ ખોટા ખર્ચા નથી પણ બા આવે ત્યાં સુધી ત્યાંની વાત કરોને.”

“જો બેન તમને લોકોને અહી લાવવાના છે તેથી હું ચુપ છું બાકી શશી સાથે રહેવાનું એટલે લોઢાના ચણા ચાવવાના છે..” એક ભારે નિઃસાસા સાથે તેણે વાતની શરુઆત કરી…

“અરે બેના..રાતની અને જીજાજીની વાત કરને?”

“રાતની શું વાત કરું? ૧૮ કલાક કામ કરે અને જમી લીધા પછી બીયર પુરો કરે ત્યાં ઢબી જાય.. દસ દિવસ થયા તન મિલન જરુર થયા પણ.. મને તો લાગે છે હું પત્ની નથી.. હા કામવાળી જરૂર છું જેનું કામ તનની ભુખ ભાંગવા સિવાય વધુ કંઈ નથી..વિના પૈસાની કામવાળી છું કે જેને ચું કે ચા કરવાનો અધિકાર નથી.”

“લે ધીરીબા આવી..વાત કર..”

“બા! તમારા લોકોની બહું યાદ આવે છે!”

“તે આવે જ ને.. હજી ગણતરીના જ દિવસો તો થયા છે ને?”

“બા આ મારી વાતોને મનનાં ઉભરા કાઢવાની કથા છે તેથી મને વહેવારીક સલાહ આપજે..”

“શું થયું બેટા વાત તો કર…આખી રાત ચિંતા કરતી હતી.”

“જો બા જેના પાપ ફુટ્યા હોય તેને આવો શરાબી અને લંપટ પતિ મળે..” કહેતા કહેતા એક ડુસકું વછુટી ગયું..

“હેં? શરાબી તો સમજ્યા લંપટ પણ?”

“હા બા.. અને લોરાએ મારેલી ધોલ અને બીજે દિવસે તે જ ધોલ ધપાટ મને પણ કરી પોલિસ પણ આવીને..જિંદગીમાં ન જોયેલી ઘણી બધી વિકટ પરિસ્થિતિઓ આ બે અઠવાડીયામાં જોઈ લીધી.”

“તારા બાપા પણ બીજા ફોન ઉપર તને સાંભળે છે.”

પ્રભુલાલ સહેજ ગળગળા અવાજે બોલ્યા..”અરરર.. મારાથી આ કેવી મોટી ભુલ થઈ ગઈ?”

થોડુંક રડી લીધા પછી સુશીલા બોલી ..”બાપા હું શું કરું?..તમે કહો છો તેમ ટકવાના પ્રયત્ન કરું તો કુચાઈ મરું છું અને ઉધ્ધત થઈને રહું તો તમારા પૈસા દાવે લાગે છે.”

“મને જીવકોરમાને વાત કરવા દે…”

“બા ના એના કરતા જીવકોરબાને અહીં વહુના હાથના રોટલા ખાવા આવવા રાજી કરો અને જરૂર લાગે તો તમે બંને પણ સાથે આવો કે જેથી ખુલાસે બંધ વાત થાય.”

પાછળથી ઉંઘરેટા અવાજમાં તેણે બૂમ મારી “સુશી..” અને સુશીલાએ ફોન ઝટ્પટ મુકી દીધો.

રુમમાં દાખલ થઈ ત્યારે બીજો ફોન તેના હાથમાં હતો. ”હજી દસ દી' નથી થ્યા અને ફરિયાદો ચાલુ..”

“હા.. તમે કામ એવા કર્યા હોય તે જણાવવું તો પડે જને…”

“તે તારો બાપ મને કઈ ફાંસી એ ચઢાવવાનો છે? એમ કહેતા ગંદી ગાળ બોલવા જતો હતો ત્યાં સુશીલા બોલી “છોકરી દીધી છે. તે કંઈ ગુનો નથી કર્યો.. અને માંગતું પૈઠણ પણ પુરું આપ્યું છે.”

“ઉભી રે કમબખ્ત..કહેતા તેને મારવા તે ઉઠ્યો.. પણ બીયર ચઢેલો હતો અને ઝડપથી ઉઠવા જતાં પગ લંઘાયો અને તે નીચે પડ્યો…તેણે તેને પડેલો રાખીને કહ્યું “એવી ભુલ બીજી વાર નહીં કરતા પેલી લેડી સાર્જંટને બોલાવીને ફરિયાદ કરીશ તો જેલમાં જવું પડશે…”

“જો માથે ચઢવાની વાત ના કરીશ મને તને માથેથી ઉતારતા પણ આવડે છે.”

“સારું ઉતારજો પણ હમણા તો આ બીયર તમારે માથે ચઢેલી છે તેથી ચુપ ચાપ છાના માના ઉભા થાવ અને બૅડ ઉપર સુઈ જાવ…”

થોડા બાખોડીયા માર્યા પણ ઉભું ના થવાતા સુશીલાએ ટેકો કર્યો અને બૅડ ઉપર સુવડાવી દીધો. સુશીલાને હસવું આવતું હતું.. અને મનમાં એજ જાહેરાત ચાલતી હતી દારુડીયો દારુ શું પીવાનો..દારુંજ દારુડીયાને પી જતો હોય છે.

કોણ જાણે કેમ તેને તેની આ પરિસ્થિતિમાં બગડેલા દીકરાને જોતી માનું વહાલ કેમ આવતું હતું?

જે બન્યું તે બન્યું પણ લાંબો સમય સુધી આ નહીં ચાલે. તેના મગજે તાળો બેસાડવા માંડ્યો..૬ વરસમાં બે ધીકતા સ્ટોર કર્યા તેય જાણે સિધ્ધિ છે જ… પણ આ જ્યાં ત્યાં ડાફોળીયા મારવાની કુટેવ છોડાવવી જ રહી…પતિ આમ તો પહેલું સંતાન જ છે ને? એ જ્યારે જે માંગે તે આપવું તે શિસ્ત દરેક ઠેકાણે ચાલે તેમ નથી. પહેલા તો એમન મગજમાં આ પુરુષાહમને ઘટાડવો પડશે. અને નાણાકીય નિર્ણયો મારે હાથ રાખવા પડશે.

તેનું હૈયુ નકારાત્મકતામાંથી પાછુ વળવા માંડ્યુ હતુ.. કદાચ આ નવા લગ્ન જીવનના પડકારો સમજતી તે તેના જ બોલ ઉપર “પહેલા વહાલથી વાળીશ વાળી વાત ઉપર સ્થિર થતું ગયું…

આ સોલ્જર શશી? તેને વહાલથી વાળવાની વાત કરે છે સુશીલા? છંછેડાયેલું મન છણકો કરીને પુછી બેઠું…

“હા..તેના નગુણાપણામાં પણ ક્યાંક હું પોતાપણાના વહાલની અને સ્નેહની સરવાણી ભરીશ..મને લાગે છે બાજારુ સ્ત્રી સંગતે તેનામાં રુક્ષતા ભરી છે. તે કાઢવી જ રહી. હ્રદયે હળવી ટકોર કરી.

જોકે મન આ વાત સ્વીકારવા તૈયાર જ નહોતુ..અને યાદ કરાવ્યા કરતું હતું કે સહેજ તેની વાત ના માની અને ધડ દઈને ધોલ મારે તે સોલ્જર સામે વહાલ અને હેતની વાત કરવી એટલે નરી મુર્ખતા..ધોલ મારે તેને જવાબ ધોલથી જ અપાય…

હ્રદય પાસે જે દલીલ હતી કે કુતરું કરડવા આવે એટલે તેને કરડવા ના જવાય..પણ લાકડી ફટકારાય….

નસકોરા વ્યવસ્થિત વાગવા માંડ્યા ત્યારે સુશીલા તેને સાચા મનથી વહાલ કરવા તેના માથે હાથ ફેરવ્યો.. તેનું કોઈજ પરિણામ આવવાનું નહોતુ તે તો તેને ખબર જ હતી…પણ અહીં દસ હજાર માઇલ દુર તેનું કોઈ હતું પણ ક્યાં? જે હતો તે આ શશી જ હતોને? પણ જરા મોળો થાય તો ઠીક પડે…તેને ખબર હતી કે પતિને પોતાનું કહ્યું માનતો કરવા માટે થોડી તપસ્યા તો કરવી જ પડશે અને તેને માટે તે તૈયાર હતી…પણ ઘાંટા અને ગાળો કારણ વિના ખાવાની તેની તૈયારી નહોંતી.

અડધી રાત સુધી અવઢવ તો રહી જ.

પણ મનને ડારતા હ્રદયે કહી દીધું કે પ્રિયજનને પ્રિય થવા તેની જરુરિયાતોને પુરી કરવા મથવું જ રહ્યું..અને તેની બે જ જરુરિયાત અત્યારે છે જે તેની તન અને મનની ક્ષુધા સમાવવાની પથારીમાં થોડી જગ્યા હતી શશીની ઉંઘ ના બગડે તેવી રીતે તે તેની પડખે જઈને સુઈ ગઈ. સખત ઉંઘમાં હતો પણ શશીએ તેને પાસામાં લીધી સુશીલાને હ્રદયના નિર્ણયને માન્યો તેનું ઘણું સારું લાગ્યું…અને સપ્તપદીનો સાત પદમાં તો આ પહેલું પદ હતું ને…પતિ ને સમયસર ભોજન તો આપવાનું જને…

શશીના ગાલે હળવે હળવે હાથ ફેરવતા સુશીલા ક્યારે સુઈ ગઈ તેની તેને પણ ખબર રહી નહોતી.

પણ આ વહાલે શશીકાંતના ગુલાબી નશાને ઘણો જ વધારી દીધો હતો.

બીજા દિવસની સવાર જીવકોરબાના ફોન થી પડી.

શશીના મોં પર જોઈ શકાતું હતું તેને ગમતું ન હતું છતા હા હા કર્યા કરતો હતો થોડી વારે “બા સ્ટોરનો સમય થઈ ગયો છે હું સાંજે ટિકિટો લઈને વિગતે જણાવું.. સામે ફોન મુકાયો નહોતો ફરીથી તે બોલ્યો હા તમારી અને તેમની બધાની ટીકીટ કરાવું છું.

પાસા બધા પોબર પડતા હતા. જીવકોરબા અને ધીરીબા અને બાપા સાથે આવે છે તે જાણીને તે હરખ પદુડી તો થઈ..પણ શશીના ચઢી ગયેલા ચહેરાથી થોડોક ડર પણ લાગ્યો..શશી નહાવા ગયો તે સમય દરમ્યાન ફટાફટ ઉઠીને તેણે ચા બનાવી અને નાસ્તામાં ઉપમા બનાવી ટીફીન તૈયાર કરી નાખ્યું..સાડા ચારમાં હજી થોડી વાર હતી એટલે કપમાં ચા કાઢીને ટેબલ ઉપર મુકી અને બીજા બાથરુમમાં નહાવા જતી રહી.

રાતની ઉંઘ પુરી નહોતી થઈ પણ નહાઈને શશી તૈયાર થાય ને ચા પીએ ત્યાં સુધીમાં તે તૈયાર થઈને આવી ગઈ. નીસાન અલ્ટીમા કાર શરુ થઈ ત્યારે સોલ્જર શશી બોલ્યો “તું મોડી આવત તો ચાલતે!”

“અરે વાહ! સોલ્જરને મારી કદર તો છે..” તે ટહુકી.

“સોલ્જર શાંનો? ધણી કહે ધણી…”

“પણ કાલે તો મને સપ્તપદીની શરતો તારે માટે છે મારે માટે નહીં તેમ કહેતો હતોને આ ધણી.”

“હા પણ પાછો મને રાતે રીઝવ્યોને?”

“જો શશી હું ખરાબ નથી. હું માનું છું કે આપણે બે અજાણ્યા મલકના બે રાહી લગ્ન ગાંઠે બંધાયા પછી એકમેકને કાબુમાં કરવાના પ્રયત્નો કરવાને બદલે એકમેકને અનુકૂળ થવા મથીયે તો કેવું સારું?”

“જો મારે માટે એ શક્ય નથી.. હું તો મારી રીતે રહેવા જ ટેવાયેલો છું વળી સાસરે તું આવી છે હું નહીં તેથી અનુકૂલ તારે મને થવાનું છે મારે નહીં સમજી? અને કોઈ મને ટકોર કર્યા કરે તે મારે માટે અસહ્ય વાત છે.”

“પણ તમે પુરુષ એટલે સ્ત્રીની તકલીફ તમે કેવી રીતે સમજો? અને જેટલી સ્ત્રીઓ સાથે રહ્યા તેમાંની કોઈ પૈસા વિના તમારી સાથે રહી છે? કોઈએ ઘરની જેમ ખાવાનું કરીને ખવડાવ્યું છે? જ્યારે હું એ બજારુ સ્ત્રી નથી હું તેનાથી ઘણે જ ઉંચે છું.. તમારી પત્ની છું તેથી તમારે પણ તમારું વર્તન બદલવું રહ્યું.”

નિસાન અલ્ટીમા એ જ જગ્યા એ ઉભી હતી જ્યાં તેને ગઈ કાલે ધોલ પડી હતી.

શશી કહે “હા. તું ઘરવાળી છે અને તે બધી બહાર વાળી હતી તે તો સમજાય છે પણ આ સપ્તપદીની ભાષા મને સમજાતી નથી. મને સમજાય તેવી વાત કર…”

“જો તારી તન અને મનની ભુખ ભાંગવાનું કામ મારું છે. હું તારી રંભા અને અન્નપૂર્ણા બંને છું. પણ તેની સામે તારે આ ગાળો બોલવાનું અને ગુસ્સો કરવાનું છોડવું પડશે… અત્યારે તો ઠીક છે આપણે એકલા છીયે પણ કાલે ઉઠી ને બાળ બચ્ચા સામે ગાળ બોલ્યા છે ને તો હું તો…..”

“તો શું કરી લઈશ?” સોલ્જર શશી ફરીથી ભડક્યો હતો.. પણ હાથ નહોતો ઉઠાવ્યો. ગાડી ખોલીને સ્ટોર તરફ ચાલવા માંડ્યો હતો.. કૉફીની ઘરાકી ચાલુ થઈ જાય તે પહેલા તેણે શૉપ ખોલી નાખી.

તેની પાછળ જ માર્થા આવી.

ચા અને નાસ્તો લઈને બીજે દરવાજેથી સુશીલા પણ ઉતરી.

માર્થાએ કહ્યું “ ગૂડ મોર્નીંગ સુશી એન્ડ શશી…”

ગુડ મોર્નીંગ કહી શશી આગળ વધ્યો અને સુશીલાએ પાસે આવીને બહુ મોટા સ્મિત સાથે કહ્યું હાઇ માર્થા.. વેરી ગુડ મોર્નીંગ…”

સુશીલા ખુબ જ ખુશ હતી તે પારખતા માર્થાને વાર ન લાગી…

માર્થા કહે “બહુ રાજી રાજી દેખાય છે ને કંઈ!”

સુશીલા કહે “હા આજે હું બહું ખુશ છું.”

માર્થા સહેજ હસી અને જાણે તેની ખુશી સમજતી હોય તેમ મલકીને બોલી “ગોડ બ્લેસ યુ બોથ”…

પછી વરઘોડીયા રાજી હોય તે તન અને મનના મિલનની વાત કંઈ કોઈ જાહેર કરતું હશે? અને કોઈ પુછે પણ ખરું? તે કૉફીના પૉટ ભરવા એક પછી એક મશીનો ભરવા માંડી.. છ પૉટ અને દરેક પૉટ કૉફી, ડીકેફ કોફી અને ગરમ પાણીના હતા…સુશીલા પેપર કપ લાવી ત્યારે કેશ કાઉંટરનું મશીન ટીંગ ટીંગ અવાજો કરતું ચાલુ થઈ ગયું હતું.

તે મનમાં ને મનમાં ગણગણતી હતી..

મોરા ગોરા રંગ લઈ લે મોહે સાંવલા રંગ દઈ દે

છુપ જાઉંગી રાતભર મેં મોહે પી કા સંગ દઈ દે

શરીરથી તે થાકી હતી અને સંવનન ધાર્યા કરતા ઘણું ઘણું લાંબુ ચાલ્યું હતું. પણ તે રાજી હતી અને તે મુશ્કાન તેના ચહેરા ઉપર વારંવાર ડોકાતી હતી. શશી પણ સ્વર્ગમાં વિહરતો હતો..અને ઘરવાળી અને બહારવાળીનો અનુભવ ભેદ તેને સમજાતો હતો.

સાડા આઠની આસપાસ ટ્રાફીક ઓછો થયો એટલે ઉપમા અને ચા ગરમ કરીને શશી અને માર્થાને આપ્યા. તે પણ તેની પ્લેટ લઈને બેઠી ત્યારે શશી તેને જોયા કરતો હતો…તેની નજર સંતૃપ્ત હતી.

બે આંખ મળી ત્યારે શશીએ આંખ મારી.. માર્થાની હાજરીમાં થોડુંક સંકોચાતા તે હસી.

સૂરજ દાદા આકાશ મધ્યે થતા હતા ત્યારે શશી ટ્રાવેલ એજંટ સાથે ૩ મહીના માટે ૩ ટીકીટ કઢાવતો હતો. તેનો અણગમો ચોખ્ખો વાતોમાં દેખાતો હતો પણ ડીલ સારી મળી હતી તેથી થોડુંક હસતા બોલ્યો..”હવે મારું ટેલીફોન બીલ નહીં વધે..” પછી જરા ખમચાઈને બોલ્યો “એટલું બીલ તો આ ટિકિટો લીધી તેમાં થઈ જવાનું જ છે.”

પાછા ઘરે જતી વખતે ટ્રાવેલ એજન્સીમાંથી ૩ ટીકીટો લઈને મેલ કરાવી દીધી.. બસ ૪ અઠવાડીયામાં સાસુ અને પપ્પા મમ્મી આવવાના હોય ત્યારે આનંદથી તે ઝુમતી રહી. શશી બપોરે સુશીલાને લઈ ઘરે આવ્યો ત્યારે માર્થાએ સાંકેતિક ભાષામાં લવ બર્ડને હેવ ફન કહ્યું હતું…

અમદાવાદ જીવરાજ પાર્કમાં આનંદની લહેરખી વહી ગઈ જ્યારે જીવકોરબાએ ફોન કરીને કહ્યું આપણે ત્રણે જણા ૩ મહીના માટે અમેરિકા જઈએ છે પાસ પોર્ટ અને વીઝાના કાગળો તૈયાર કરવા આચાર્ય ટ્રાવેલ્સમાં ફોટા આપવા જવાનું છે. પરભુકાકા કહે ભલે. ફોન મુક્યા પછી ધીરીબા ફરી બોલ્યા “આ છોડીનો ફોન આવી જાય તો સારું… એક તો પરદેશ છે અને ભંરોસાની ભેંસે પાડો જણ્યો છે…”

ત્યાં જ ફોનની ઘંટડી વાગી.

સુશીલા ફોન ઉપર હતી અને ખુબ જ રાજી હતી.

ધીરીબા.. “તમારા વર્તન દ્વારા તમે શીખવ્યું હતું બસ તેમ જ કર્યું અને ગઈ કાલ જાણે સાવ જુદો જ શશી હતો. તેણે ગુસ્સો કર્યો પણ તેનો જીવ અંદરથી બળતો હતો..ઘરે જઈને કોઈ પણ જાતના અવાજ કર્યા વિના તેને પેટ ભરીને જમાડ્યો.. એણે બીયર પીધો તેને ઉંઘ આવતી હતી..તે સુઈ ગયો પણ મને કોણ જાણે કેમ એના ઉપર બગડેલા છોકરા ઉપર માને વહાલ આવે તેમ વહાલ આવતું હતું તે કર્યુ.. જ્યારે બીયરનું કેન પીધુ હોય ત્યારે તેની કડવાશ બધી બીયર ઓગાળી નાખે છે અને તેના તે ગુલાબી નશામાં અમે મળ્યા… બા આજે તમને નવાઈ લાગશે પણ મને આજનો શશી ખૂબ જ ગમ્યો છે.પતિના હ્રદયમાં જવાનો રસ્તો આજે મને મળી ગયો..પત્નીનું કામ પતિની ભુખ ભાંગવાનું પહેલા છે."

ધીરી બા “ચાલ મને આજે શાંતિ થઈ.. હવે ત્યાં આવવાની જરૂર છે?”

સામા છેડે થોડીક શાંતિ હતી..એટલે ધીરી બા ફરી બોલ્યા.. “સુશીલા… મને તેં જવાબ ના આપ્યો.”

“બા હમણા તમે અને જીવકોર બા ભલે આવો પણ જો કંઈ નવાજુની થઈ હશે તો લાંબુ રોકાવાની તૈયારી સાથે આવશો.”

“તો પછી અમે નથી આવતા. જીવકોરબા એકલા ભલે આવતા.”

“ટિકિટો કઢાવી છે એટલે આવો“ શશી બીજા ફોન ઉપરથી બોલ્યો. સોલ્જરના આ શબ્દો નહોતા ભાવ અને આદર સન્માન હતા.


Rate this content
Log in

Similar gujarati story from Drama