mariyam dhupli

Action Inspirational Thriller

4  

mariyam dhupli

Action Inspirational Thriller

સ્પર્શ

સ્પર્શ

6 mins
700


આખું ગામ ગાઢ નીંદરમાં પોઢી ચૂક્યું હતું. વૃક્ષો ઉપરથી અવાજ કરતા રાત્રીનાં જીવડાઓ ટેવ પ્રમાણે કાર્યરત હતા. ચંદ્રના પ્રકાશ સિવાય કોઈ વીજળીનો સ્ત્રોત પ્રકાશિત ન હતો. ઘટ્ટ અંધકારને ધીરજ જોડે ચીરતો ધીમા ધીમા ચોર ડગલે કાનુ હવેલી સુધી પહોંચી ગયો. માથાથી પગ સુધી ચાદરમાં લપેટાયેલું એનું શરીર અંદર તરફથી તાણ અને ડરને લીધે આછું આછું ધ્રુજી રહ્યું હતું. કોઈ જોઈ ન જાય એ સૌથી મહત્વનું હતું. જો કોઈ જોઈ ગયું તો....

તો...તો....

જે ગઈ વખતે થયું હતું એ ફરી....

નહીં...નહીં...કોઈ જોઈ ન જવું જોઈએ. કાંઈ પણ થઈ જાય. એટલેજ તો અર્ધી રાત્રીએ અહીં આવવાનો નિર્ણય લીધો હતો. રાત્રિનું અંધકાર એના પરાક્રમને ઢાંકી દેશે. મનને ખાતરી હતી. આમછતાં ઘણી સાવચેતી લેવાની હતી. પોતાના મોઢે બુકાની જેમ બાંધેલા કાપડને એણે વધુ ચુસ્ત કર્યું. ચહેરાની રેખાઓ એની ઓળખ છતી ન કરી મૂકે એ અનિવાર્ય હતું. કાળા કાપડ પાછળ વીંટળાયેલું શરીર નખશીખ સંપૂર્ણ આવરી લેવાયુ છે એની એકવાર ફરી ચકાસણી કરી લેવા એની નજર ઉપરથી નીચે પોતાના સમગ્ર દેહ ઉપર ફરી વળી. બધું વ્યવસ્થિત હતું એટલે મનમાં હાશકારો થયો. હવેલીના પ્રાંગણમાં પગ મૂક્યો જ કે એક દ્રષ્ટિ એણે ગામની પાદર પર શહેર તરફ જતા માર્ગ ઉપર નાખી. એજ માર્ગ આ નાનકડા ટપકાં જેવા ગામડાને મહાનગરી સુધી જોડતો હતો. પણ અંતિમ ઘણા દિવસોથી એક પણ વાહનવ્યવયારનું સાધન ત્યાંથી અહીં પહોંચ્યું ન હતું. ન અહીંથી ત્યાં ઊપડ્યું હતું. છતાં મનમાં આ કેવી આશ જન્મી રહી હતી ? કદાચ એક મોટર ગમે તેમ કરીને પણ અહીં ગામની પાદરમાં ધસી આવે. અને આવવી જ જોઈએ. કોઈ પ્રશ્નજ ન હતો. છતાં એક મોટો પ્રશ્ન હતો. જેનો ઉત્તર કાનુ પાસે ન હતો. કેમ એ મોટર અહીં સુધી ન પહોંચી ?

પોતાના પરાક્રમ અંગે સભાન થતા એણે એ પ્રશ્ન મનમાંથી ઝંઝોડી હડસેલી મૂક્યો. જે કરવા આવ્યો હતો એ કરી ઝડપથી અહીંથી નીકળી જવામાં જ ભલાઈ હતી. એક ઊંડો શ્વાસ ભરી એણે પોતાના કડક ડગલાં હવેલીનાં પ્રાંગણમાં અવાજ કર્યા વિના હળવેથી ઉપાડ્યા. પ્રાંગણમાં ઉગેલી ઘાસમાં એના ખુલ્લા પગ આછા ભેજનો અનુભવ કરી રહ્યા. અચાનકથી કંઈક ખડકાટ થયો અને એનાં આખા શરીરમાં પરસેવો છૂટી વળ્યો. પોતાનું શરીર સંકેલતો એ ભોંય ભેગો નજીકની ભીંત ઉપર લપાઈ ગયો. એ ભીંતની ઉષ્માથી ભયભીત મનને થોડી ટાઢક વળી. બુકાનીમાંથી દ્રષ્ટિગોચર ફક્ત બે આંખો કદમાં બમણી વિસ્તરી ઊઠી હતી. જો કોઈ નિહાળી ગયું તો એનો ખેલ ખતમ....

કોઈ ન હતું. દરેક દિશામાં એણે ધૈર્ય સભર દ્રષ્ટિ ફેરવી. આંબાના વૃક્ષ ઉપરથી ચામાચિડીયાઓને લીધે નીચે દડાની જેમ આવી પડેલી અભડાયેલી કેરી એના પગ નજીક પડી હતી. એને નિહાળતાંજ શ્વાસમાં શ્વાસ આવ્યો. ઉષ્માસભર ભીંત ઉપર એણે ફરી શરીરને અડકાવી દીધું. અચાનક શરીરમાં વીજળીનો પ્રવાહ પસાર થઈ ગયો હોય એમ એ ભીંતને છોડી શીઘ્ર ઊભો થઈ ગયો. 

કૂવાની ભીંત અંધકારમાં પણ જાણે એને મોટી મોટી કીકીઓ વડે ડરાવી રહી. જાણે સીધેસીધી ધમકાવી રહી હોય. તું મને અડક્યો ? ફરી એકવાર ? તારી આટલી હિંમત ? લાગે છે ભૂલી ગયો. મને અડકવાની સજા ભૂલી ગયો ? 

આજ એ કૂવો હતો. હા, એજ કૂવો. કાનુની આત્મા થરથરી ઉઠી. એનું લોહી ઉષ્ણતાની બધીજ સીમાઓ ઓળંગી ખદબદ ઉકળી ઉઠ્યું. અપમાનનો વેઠેલો સમુદ્ર આંખો આગળ નફ્ફટાઈથી હિલોળા ભરવા લાગ્યો. 

કૂતરાં માફક વેઠેલા લાતોના પ્રહાર, લાક્ડીઓનાં ચામડી ઉખાડી નાખતાં વજ્રઘાત, હ્રદયને રહેંસી નાખતા અપશબ્દો અને એક જીવલેણ પથ્થરનો ઘા. 

અનાયાસે કાનુનો હાથ માથા પર ફરી વળ્યો. લોહીની ધાર તો ક્યારની સૂકાઈ ચૂકી હતી.પણ પીડાની ધાર તો આજીવન વહેવાની હતી.

શું ગુનો કર્યો હતો ? થોડું સ્વચ્છ પાણી જ તો પીવું હતું. 

ભૂતકાળની એ ઘટના હૈયાની ઈજાને વધુ કોતરી ઉજાગર કરે એ પહેલા કૂવા પર ચોંટેલી વેધક નજરને સંકેલી લઈ એ ધ્યેયબદ્ધ હવેલીની દાદરો ફાંદતો જોશભર અંદર તરફ પ્રવેશી ગયો. 

હવેલીનો પ્રકાશ આલોપ હતો. પોતાનાં પરાક્રમને છૂપું રાખવા જાણે નિયતિ પણ એનો સાથ આપી રહી હતી. ઘટ્ટ અંધકારમાં પણ હવેલીનાં અંદરની જાહોજલાલી કાનુને સ્પષ્ટ ન દેખાવા છતાં રગેરગમાં અનુભવાઈ રહી હતી. મોટા ઝુમર, મોંઘા લાકડામાંથી બનેલું રાચરચીલું, ભીંત ઉપર સુશોભિત રંગબેરંગી તસવીરો, દૂર શહેર સાથે જોડાયેલ ફોન, શણગારની અતિ મૂલ્યવાન ચીજવસ્તુઓ... પોતે ભૂલથી સ્વર્ગમાં તો નથી આવી પડ્યો ? એનું મન અતિવિસ્મિત હતું. કોઈને ઈશ્વર કેટલું આપે ! અને કોઈને.....

હવેલીનાં દરેક ઓરડાં એણે વારાફરતી તપાસ્યા. એકસમયે નોકરચાકરથી વ્યસ્ત હવેલી કેવી ભેંકાર ભાસી રહી હતી ! 

આંખો આગળની પથારી નિહાળતાંજ કાનુના વિચારો શૂન્યમનસ્ક બન્યા. શાહુકાર આજ શયનખંડમાં હતાં. એની નજરની તદ્દન સામે. બુકાનીમાંથી ઝાંખી રહેલી બે આંખો આગળ પાછો પ્રાંગણમાં હાજર કૂવો ઊભો થયો. શાહુકાર એ કૂવાની લગોલગ ઊભા હતા. એમની આંખો ગુસ્સામાં લાલચોળ હતી. શરીરની ભાષા અંતરમનમાં થયેલા વિસ્ફોટને ઝીરવી રહી હતી. મૂંછો ઉપર ફરી રહેલી આંગળીઓ અભિમાનની ગાથા ગાઈ રહી હતી. 

" આ નરાધમની આટલી હિંમત ? એ મારા કૂવાને અભડાવા આવ્યો ? જો એનો સ્પર્શ મારા કૂવાને થયો હોત તો.... એવી દશા કરો એની કે બીજીવાર આ કૂવાને તો શું, આ પ્રાંગણમાં પગ પસારવા પહેલા જ એનું કાળજું પીગળી જાય. ગામ આખાની સામે એનું ઉદાહરણ બને. આજ પછીથી કોઈ અસ્પૃશ્યનો હાથ સ્પર્શના આવા પરાક્રમ કરતા પહેલા સો વાર વિચારે...."

ભૂતકાળનાં વિચારે શરીરનું રોમેરોમ ઉત્તેજિત થઈ ઉઠ્યું. આખરે જાતે એક માનવી જ હતો. ઈશ્વર ન હતો. એની લાગણીઓ અને મનોભાવોની પણ મર્યાદા હતી. ગરીબ હતો. પણ ગરીબીને સ્વાભિમાન જોડે શી લેવાદેવા ? વિચારોના વમળમાં કશે દૂર ફંટાઈ પડે એ પહેલા એ ધીમે રહી પથારી નજીક પહોંચ્યો. એનો હાથ લપેટેલી ચાદરમાંથી હળવેથી માર્ગ કાઢતો પથારી પર લંબાયેલા શાહુકારના શરીર તરફ હળવેથી આગળ વધ્યો.

**

થોડા સમય પછી એ ધીમે રહી હવેલીની બહાર નીકળી આવ્યો. એના ખભે ટેકવાયેલું શાહુકારનું શરીર હલનચલન વિના શાંતિથી પડ્યું હતું. હવેલીનાં મુખ્ય દ્વાર નજીક પહોંચી એણે ચારે દિશામાં નજર ફેરવી. ગામની પાદર તરફનો માર્ગ વેરાન, ઉજ્જડ હતો. ફક્ત કૂતરાઓના ભસવાના અવાજો સિવાય ત્યાં કશું ન હતું. કોઈ મોટર નહીં. વાહનવ્યવ્હારનું એક પણ માધ્યમ નહીં. એક અંતિમ આશ પણ નિરાશ બની પરત થઈ. હવે રાહ જોવાનો કોઈ ફાયદો ન હતો. તરતજ એક ભારે શરીરનો ભાર ઉઠાવતું કાનુનું મધ્યમ કાંઠાવાળુ શરીર મહામહેનતે ગામની સીમા તરફના તળાવની દિશામાં આગળ વધ્યું. બધુજ યોજનાબદ્ધ પાર પડી રહ્યું હતું. બસ કોઈ આ દ્રશ્ય જોઈ ન જાય એનો ધ્રાસ્કો મનને હલબલાવી રહ્યો હતો. ઘોડા વેચીને ઊંઘી રહેલું ગામ પાછળ છોડી કાનુ તળાવ નજીક પહોંચ્યો. હવેલીમાં પ્રવેશ કરવા પહેલા તળાવ કાંઠે ચોરીચૂપે ભેગા કરી રાખેલા લાકડાઓ ઉપર એણે શાહુકારનું શરીર ગોઠવી દીધું. ગમે તેમ ભેગું કરેલું કેરોસીન લાકડાઓ ઉપર રેડ્યું અને તરતજ માચીસ પેટાવી લાકડાઓને આગ ચાંપી દીધી. અગનજ્વાળાઓના પ્રકાશમાં એનું શરીર સ્પષ્ટ દ્રષ્ટિગોચર થઈ શકે એ પહેલા એ ઘટના સ્થળેથી પલાયન થઈ ગયો.

**

સૂર્યની કિરણોથી ઝળહળી ઉઠેલા ગામડાના એક કાચા ઘરમાં સવારની પોરમાં એક દંપત્તિ છાનુંમાનું વાર્તાલાપમાં વ્યસ્ત હતું. 

" સાચેજ ? "

" નરી આંખે નિહાળી આવ્યો છું. તળાવને કાંઠે ચિતા સળગાવાઈ હતી. "

" એટલે શાહુકારનો દીકરો અને વહુ શહેરથી આવી દેહની અંતિમવિધિ રાતોરાત પતાવી ગયા ? "

" ના , ના. શહેરથી મોટર આવે તો જાણ નહીં થાય ? આ નાનકડા ગામમાં મોટરનું એન્જીન સૌને જગાડી ન મૂકે ? "

" હાય , હાય. આ તે કેવા સંબંધ ? ત્રણ અઠવાડિયા પહેલાજ તો શાહુકાર શહેરથી પરત થયા હતા. પણ કોને ખબર હતી કે પોતાની જોડે શરીરમાં જીવલેણ રોગ લેતા આવશે. ઉધરસ તે ઉધરસ. તાવ તે તાવ. વળી પાછો રોગ સ્પર્શથી પણ ફેલાઈ. નોકર ચાકર રાતોરાત સાથ છોડી ગયા. રિબાઈ રિબાઈ મર્યા. દીકરો ચિતા સળગાવવા પણ ન આવ્યો. શું કરાય ? એને પણ પરિવારની ચિંતા હશે ને ? પત્ની અને દીકરાઓને સુરક્ષિત રાખવાજ કદાચ....પણ શહેરથી કોઈ ન આવ્યું તો પછી...."

" એજ તો સમજાતું નથી. આખું ગામ શહેરથી આવેલ આ જીવલેણ ચેપી રોગના નામે થરથરે છે. ત્રણ દિવસથી લાશ હવેલીમાં સડી રહી હતી. શાહુકારની આત્માની મુક્તિ માટે એમના ચેપી મૃતદેહને સ્પર્શવાનું પરાક્રમ ગામના કયા શૂરવીરે કર્યું હશે ? "

એજ સમયે કોયડામાં ગૂંચવાઈ ગયેલા દંપતીના કાચા મકાનથી થોડે દૂર એક ઝૂંપડી બહાર બેઠો કાનુ એકીટશે આભને તાકી રહ્યો હતો. એનાં ચહેરા ઉપર ચાર ધામની યાત્રા કરીને આવ્યો હોય એવા સંતોષ અને તૃપ્તીના ભાવો છલકી રહ્યા હતા. 


Rate this content
Log in

Similar gujarati story from Action