STORYMIRROR

Shruti Dave Thaker

Abstract Drama Thriller

4  

Shruti Dave Thaker

Abstract Drama Thriller

સપનું પાછલા પહોરનું

સપનું પાછલા પહોરનું

6 mins
262

અડધી રાત્રે ઊંઘમાંથી અચાનક સાગરિકાની આંખો ખૂલી ગઈ. પોતાના બેડરૂમમાંથી બહાર આવી તો ઘરમાં કોઈ દેખાયું નહિ, સૌમ્ય પણ બેડરૂમમાં હતો નહીં. આખા ઘરમાં, બધા રૂમમાં જોતી સાગરિકા નીચે હોલમાં આવી તો દેખાયું કે કેટલાક લોકો સફેદ કપડામાં બેઠા હતા. અરે આટલા બધા લોકો ! કોઈની પ્રાર્થનાસભા લાગતી હતી. સૌમ્ય એ તો મને કહ્યું જ નહીં. વિહાનભાઈ પણ છે. સૌમ્યના અને સાગરિકાના મિત્રો પણ હતા. આ કોની પ્રાર્થના સભા છે ? અચાનકથી આખા બંગલામાં નીરવ ઉદાસી પથરાઈ ગઈ હતી. સાગરિકા ધીરે ધીરે દાદરા ઉતરી. સૌથી આગળ એક ફોટો હતો, જેને ગુલાબનો હાર ચડાવેલો હતો તેને જોવા ગઈ. જાણે પગ નીચેથી જમીન સરકી ગઈ. એ સાગરિકાનો ફોટો હતો ! સાગરિકા ચીસ પાડી ઊઠી..... "નહીં હું નહીં, હું કેવી રીતે ? " અચાનક તેની આંખ ખૂલી ગઈ. બાજુમાં જ સૌમ્ય સૂતો હતો. સાગરિકા એ બાજુમાં પડેલા ટેબલ પરથી એક ગ્લાસ પાણી એકીશ્વાસે પી ગઈ. સારું થયું કે સૌમ્ય જાગી ના ગયો. ફ્રેશ થઈ અને સાગરિકા રૂમની બાલ્કનીમાં આવી. પરોઢ થઈ ગયું હતું. સામે ઘૂઘવતો સમંદર અને મનમાં તોફાન હતું. 

છેલ્લાં કેટલાય સમયથી એને વિચિત્ર અને ખરાબ સપનાં જ આવતા. એવું લાગતું હતું કે કોઈ અદ્રશ્ય અને ચુંબકીય શક્તિ તેને પોતાની તરફ ખેંચતી હતી, એને કંઈક કહેવા માંગતી હતી. એણે સૌમ્ય ને પણ ઘણીવાર કહ્યું હતું, પણ સૌમ્ય એની વાતને હસી કાઢતો હતો. ઘણી વાર મજાક કરતો કે મનોવિજ્ઞાન ના વિદ્યાર્થીઓને ભણાવતા ભણાવતા, પ્રોફેસર થાકી ગયા છે. તે કાયમ એમ કહેતો કે સાગરિકા તારા વિદ્યાર્થીઓ અને થીસીઝ માંથી બહાર આવ. કંઈક નવું કર. આખો દિવસ કામનું પ્રેશર લઈને તારુ મગજ થાકી ગયું છે. તને એક જ પ્રકારના વિચારો આવે છે. સૌમ્યની વાત એને સાચી લાગતી, પણ અંદરથી એને ફરી ફરીને એવું જ લાગતું કે કોઈ તો ચુંબકીય શક્તિ તેને પોતાની તરફ આકર્ષે છે, કંઈક તો કહેવા માગે છે. ઓહ ! આ સસ્પેન્સ, થ્રિલર સીરીઝ જોઈ જોઈને મારું મન પણ ખોટી શંકાઓ કરવા લાગ્યું છે. સૌમ્યની વાત એને સાચી લાગી. અને એટલે જ બંનેએ ગોવા ફરી આવવાનું વિચાર્યું હતું. બંને એ પોતાની ફાસ્ટ લાઈફમાંથી થોડા દિવસો ચોરી લીધા.

ઘરમાં બીજું તો કોઈ હતું નહીં, કે ના તો કોઈને પૂછવાનું હતું. સૌમ્યનું ફેમિલી વર્ષોથી મદ્રાસ રહેતું હતું. સૌમ્ય અને સાગરિકા અચાનક જ એકવાર એક ઈવેન્ટમાં ટકરાયા હતા. પરસ્પર સ્મિત ની આપ- લે સાથે શરૂ થયેલો ઔપચારિક સંબંધ ધીમે ધીમે બે વર્ષના અંતે લગ્નમાં પરિણમ્યો હતો. સૌમ્યના ફેમિલીમાંથી કોઈ લગ્નમાં આવી શક્યું ન હતું. સૌમ્યના નજીકના પરિવારમાં કોઈ સભ્યનું મૃત્યુ થયું હતું.સાગરિકાનું તો પોતાનું કહેવાય એવું તો એક વિહાનભાઈ જ હતા. માતા-પિતા તો નાનપણમાં જ કરોડોની સંપત્તિ બંને ભાઈ-બહેન માટે મૂકી અને એક રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હતા. સાગરિકા અને સૌમ્યના લગ્ન માટે વિહાનને બસ બે જ સમસ્યાઓ હતી. એક તો સૌમ્ય ને એ સારી રીતે જાણતો ન હતો અને બીજું એ કે જો બંને લગ્ન કરે તો વિહાન સાથે બંગલામાં જ રહે. ને એ સાગરિકા ને દીકરી જ માનતો હતો. એટલે એને એવું હતું કે આ કરોડોની સંપત્તિમાં સાગરિકા પણ ભાગીદાર છે તો પછી એ લોકો એ સાથે જ રહેવું જોઈએ. પણ સાગરિકા એ સૌમ્ય સાથેના લગ્નનું તો ડીસીઝન લીધું પણ એવો નિર્ણય પણ લીધો કે સૌમ્ય ખુદ્દાર છે, એટલે બંને લગ્ન પછી અમદાવાદ જ્યાં સૌમ્ય બિઝનેસ કરે છે ત્યાં એક અપાર્ટમેન્ટ લઈ અને રહેશે. સાગરિકા એ પણ અહીંની યુનિવર્સિટીમાં પ્રોફેસરની જોબ લઈ લીધી. આ વાતથી વિહાનને ખૂબ ઠેસ પહોંચી હતી. પણ પોતાની નાની બહેનની ઈચ્છાને માન આપી બંનેના લગ્ન કરાવી આપ્યા હતા.

વિચારોમાં સમય ક્યાં પસાર થઈ ગયો ખ્યાલ જ ના રહ્યો. સૂરજની પહેલી કિરણ સાગરિકાના સોનેરી લટો પર પડી. વિચારતંદ્રામાંથી એકદમ સાગરિકા જાગી ગઈ. જોયું તો સૌમ્ય જાગી ચુક્યો હતો. બંને સાથે બ્રેકફાસ્ટ લેતા લેતા વાત કરી, સૌમ્ય એ કહ્યું કે આજે આપણે ક્રુઝ પર ડીજે પાર્ટી અટેન્ડ કરીએ. સાગરિકા એ સ્મિત સાથે સંમતિ આપી અને ધીરે રહીને સૌમ્યને પોતાના સવારના સપના વિશે પણ કહ્યું. સૌમ્ય તો ખડખડાટ હસી પડ્યો. સાગરિકા એના આવા રિએક્શનથી શોક થઈ ગઈ. એના લાલચોળ ચહેરાને જોઈને સૌમ્ય સમજી ગયો અને એને કહ્યું કે," આઈ એમ સોરી હું મજાક કરતો હતો, ગુસ્સામાં આ તારો ચહેરો વધારે ક્યુટ લાગે છે. આપણને કેટલાય સપના આવતા હોય ઊંઘમાં, બધા થોડી સાચા પડતા હોય છે. તું આટલી ભણેલી થઈને આવી બધી વાતોમાં માને છે !" સાગરિકા કઈ બોલી નહિ પણ એને વિહાનભાઈની એ વાત યાદ આવી જે એમણે લગ્ન પહેલાં કહી હતી. શું એણે સૌમ્ય સાથે લગ્ન કરીને કોઈ ભૂલ કરી હતી ? હમણાં ઘણાં સમયથી સૌમ્ય એની સાથે એટલો સમય પણ પસાર કરતો ન હતો, લગ્નને એક વર્ષ પણ પૂરું થયું ન હતું. કંઈ પૂછીએ તો કહે બિઝનેસ નું કામ હતું તને સમજ ના પડે.

  રાત્રે ક્રુઝ પર પાર્ટીનો માહોલ છવાયેલો હતો. લાઉડ મ્યુઝિક, ઝગારા મારતી લાઈટ્સ, સંગીતના તાલે ઝુમતા હૈયા અને આવું આનંદમય વાતાવરણ પણ સાગરિકા ને ખુશી આપી શક્યુ નહીં. બાર ના એક કોર્નર પાસે ઊભેલો એક ઊંચો, કદાવર માણસ જાણે સતત એની પર નજર રાખતો હોય એવું લાગતું હતું. તેણે આ વાત સૌમ્યને કહી, તો તે ખૂબ જ ગુસ્સે થઈ ગયો. તેણે કહ્યું કે, "સાગરિકા, આપણે અહીં ફ્રેશ થવા માટે આવ્યા છે અને તું તારા મનમાં આવા ખોટા વહેમ પાળ્યા કરે છે. પ્લીઝ આવી બધી વાતોમાં મગજ ચલાવવાનું બંધ કર. " એની વાતોથી સાગરીકાને ખૂબ જ ધક્કો લાગ્યો. કોઈને કશું પણ કહ્યા વગર ક્રુઝ છોડીને હોટેલ પર જતી રહી. હજી તો એ રૂમમાં પહોંચી જ હશે ત્યાં તો અચાનક લાઈટ્સ ઓફ થઈ ગઈ. તે ખૂબ જ ડરી ગઈ મોબાઈલ પણ હાથમાંથી પડી ગયો. બીજી બાજુ બાલ્કનીમાં કોઈ પડછાયો દેખાયો. હવે તેનું સપનું સાચું જ પડશે એવું લાગવા માંડ્યું. તે જોરથી રૂમનો દરવાજો ખખડાવવા લાગી દરવાજો ખૂલ્યો જ નહીં. જાણે કોઈ એ લોક કરી દીધો હોય. પેલો પડછાયો ધીરે ધીરે વધારે નજીક આવવા લાગ્યો અચાનક સાગરિકાના હાથમાં મોબાઈલ આવી ગયો મોબાઈલ હાથમાં લઈ સમયસૂચકતા વાપરીને તે બાથરૂમમાં સંતાઈ ગઈ અને અંદરથી દરવાજો લોક કરી દીધો. તેણે સીધો જ વિહાનભાઈને કોલ કર્યો," ભાઈ, પ્લીઝ મને બચાવો તમે જલ્દી આવો, મને લાગે છે કે કોઈ મને મારી નાખશે. " અચાનક ફોન કટ થઈ ગયો. તેને યાદ આવ્યું કે વિચારોમાં ને વિચારોમાં તે આજે ચાર્જ કરવાનું ભૂલી ગઈ હતી. ગભરામણ અને ભયમાં તે બાથરૂમમાં ફસડાઈ પડી.

જ્યારે આંખો ખુલી ત્યારે તે બેડ ઉપર સૂતી હતી. એક બાજુ સૌમ્ય અને એક બાજુ વિહાનભાઈ બેઠાં હતાં. તેની આંખોના ભાવ કળી ગયેલા સૌમ્યએ સાગરિકા ને સૌપ્રથમ આવેલ સપના, સાગરિકા અને વિહાનભાઈના જેલમાંથી છૂટેલા પિતરાઈ ભાઈ સમીર, મિલકત પચાવી પાડવા માટે બંને ભાઈ-બહેન વિરુદ્ધ રચેલા કાવતરા, સાગરિકાનો જીવ લેવાનું ષડયંત્ર અને તેમાંથી બચાવવા માટે સૌમ્ય અને વિહાનભાઈનો પ્લાન, પોલીસ કમિશનરની મદદ, સમીર અને તેના સાથીઓની ધરપકડ આ બધી વાત કરી. હવે સાગરિકાને સમજાયું કે સૌમ્ય ક્યાં બિઝી રહેતો હતો, કઈ વાત તેનાથી છૂપાવતો હતો અને ક્રુઝ પર તેની પર નજર રાખતા વ્યક્તિ કોણ હતી. સાગરિકાના આંખોમાં હર્ષના અને ભયમુક્ત થયાના આંસુ ચમકી ઊઠ્યા. વિહાનભાઈ એ તેને અને સૌમ્ય ગળે લગાવી લીધા. સૌમ્યની પ્રશંસા કરી અને શરૂઆતમાં તેને સમજી ન શકવાની માફી પણ માંગી.

અંતે સાગરિકા ને થયું કે પેલી ચુંબકીય શક્તિ, સપના કે કોઈ અદ્રશ્ય દૈવીય શક્તિ ખરેખર આ દુનિયામાં હશે કે નહીં એતો ભગવાન જ જાણે પણ ભગવાને સૌમ્ય અને વિહાનભાઈ ને એની જિંદગીમાં મોકલીને ખૂબ જ મોટી ભેટ આપેલી છે. મનોમન તેણે ભગવાનનો ખુબ જ આભાર માન્યો. રૂમમાં અજંપાની બદલે ખુશીની સરવાણી ફૂટી નીકળી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract