કરામત કિસ્મતની
કરામત કિસ્મતની
પોતાના એપાર્ટમેન્ટની ગ્લાસ વિન્ડોમાંથી શ્યામા એકીટસે સ્નોફોલ ને જોઈ રહી હતી. લંડન જેવા સિટીમાં રહીને સ્નોફોલ એ કોઈ નવી વાત ન હતી શ્યામા માટે, પણ કોણ જાણે કેમ આજે એ એકીટશે ગ્લાસ વિન્ડોની બહાર જોઈ રહી હતી. આવો જ એક વરસાદી માહોલ હતો. ફર્ક હતો સિટી અને એટમોસ્ફિયરનો. લંડનની બદલે ઇન્ડિયા અને સ્નોફોલની બદલે રેઈનફોલ. આપણી ભારતીય ભાષામાં કહીએ તો વરસાદનો માહોલ જામેલો હતો. સાથે શ્યામાના અંતરમાં પણ પણ તોફાન મચ્યું હતું. એ જ જૂની પુરાણી પરંપરા અને પ્રેમમાંથી એકની પસંદગી ! શ્યામા અને રજત બંને કોલેજના પ્રથમ વર્ષમાં પરિચયમાં આવ્યા હતા. સરખો વિષય, સરખી પસંદગી, સરખા વિચારો સારી એવી દોસ્તીમાં પરિણમ્યા હતા. કોલેજ સાથે આવવું, સાથે ગમતો નાસ્તો કરવો, એકબીજાને નોટ ની અદલાબદલી કરવી, આવી નાની નાની વાતો ક્યારે પ્રેમમાં પરિણમી એનો ખ્યાલ જ ન રહ્યો. બંનેમાં આટલો બધો પ્રેમ જોઈને કોઈ કહી ના શકે કે બંને ક્યારે લગ્ન નહીં કરે.
વર્ષોથી ચાલતું આવ્યું છે ને પ્રેમ અને સમાજ બંને એકબીજાના વિરોધી છે. એવું જ થયું હતું શ્યામા અને રજત માટે. શ્યામા મિડલક્લાસ બ્રાહ્મણ પરિવારની, સમજદાર, પરિવાર પ્રેમી, સંસ્કારી પણ શ્યામવર્ણી કન્યા હતી. જ્યારે રજત ખૂબ જ દેખાવડો હતો. એ બ્રાહ્મણ પરિવારનો તો નહોતો પણ ગુજરાતી પણ ન હતો. બંને વચ્ચે અંતરથી કોઈ દૂરી ન હતી પણ જાતિભેદ, ભાષાભેદ ની બહુ જ મોટી અને કોઈ દિવસ ના ભરાય એવી ઊંડી ખાઈ હતી. શ્યામા એના ઘરમાં સૌથી નાની અને લગ્ન કરવા લાયક કન્યા હતી. એક તો એનો શ્યામ રંગ અને એની ઉંમર ને લીધે શ્યામા ના પિતા એના લગ્ન માટે ઉતાવળ કરતા હતા. જ્યારે રજત ઘરમાં વચલો હતો. એનાથી એક મોટો ભાઈ હતો જેના લગ્ન બાકી હતા ઉપરથી રજતની મહત્વકાંક્ષા કે પછી સમયની જરૂરિયાત કહો, રજત પહેલા પોતાની કેરિયર બનાવવા માંગતો હતો, આઈએએસ બનવા માંગતો હતો અને પછી સન્માન સાથે શ્યામા સાથે લગ્ન કરવા માટે તેના પિતા પાસે હાથ માંગવાનો હતો. પણ કોલેજનું છેલ્લું વર્ષ આવતા આવતા જ તો શ્યામા ના પિતાએ લગ્ન માટે ખૂબ ઉતાવળ કરવા માંડી. શ્યામા સમજદાર હતી. રજતની પરિસ્થિતિ સમજતી હતી પણ સમયે એવી તો કરામત કરી કે શ્યામાના નસીબમાંથી એનો પ્રેમ સરી પડ્યો.
રજતના પિતાની તબિયત અચાનક બગડી હતી. રજત કે પછી શ્યામા કંઈ વિચારી અને મહત્વનો નિર્ણય લે એ પહેલા જ શ્યામા ના પિતા એ એક છોકરો જોયો અને એમના પરિવારે શ્યામા પર પસંદગી ઉતારી, અને હવે શ્યામા માટે પસંદગી માટે કોઈ વિકલ્પ ન હતો અંતે હા પાડવી પડી. અને જેમ કોઇ ફિલ્મમાં થાય એવું કશું જ ના થયું, ના તો કુદરતની કોઈ કરામત થઈ. ના તો એ જીદ કરી શકી, ના પ્રેમ માટે લડી શકી, ના તો રજત બધાની સામે, સમાજ સામે વાત કરીને શ્યામા ના પિતા પાસે હાથ માંગી શક્યો. શ્યામા ચૂપચાપ અખિલેશ ને પરણી ગઈ.
સમજદાર અને સંસ્કારી તો પહેલાથી જ હતી શ્યામા. લગ્ન પછી શ્યામા એ રજત નામનું પાનું અથવા કહો કે કિતાબ જ બંધ કરી દીધી. રજતનું નામ અંતરના કોઈ ઊંડા ખૂણે ભંડારી દીધું. એક પત્ની અને ગૃહિણી બની ગઈ. એણે પોતાના મનને મનાવી લીધું હતું. દિવસો અને પછી મહિનાઓ વીતી ગયા. શ્યામા હવે એક સુંદર મજાના પુત્ર લયની માતા બની ગઈ હતી. એને એવું લાગ્યું કે જિંદગીએ એને બીજી તક આપી છે. પણ કિસ્મતે ફરી એની કરામત બતાવી.
અખિલેશ પોતાનું ભવિષ્ય બનાવવા માટે લંડન નોકરી માટે ગયો. અખિલેશ ઘરમાં નાનો હોવા છતાં આખા ઘરની જવાબદારી સંભાળતો હતો. પણ અચાનક એક દિવસ સમાચાર મળ્યા કે અખિલેશ લંડનમાં નોકરી પર અચાનક બેહોશ થઈ ગયો અને પછી કોમામાં સરી પડ્યો. શ્યામાના પગ નીચેથી ધરતી ખસી ગઈ. પણ હિંમત કરીને, જે થોડા પૈસા બચાવ્યા હતા એ અને પિયરની મદદથી લંડન પહોંચી. ત્યાં તેને જાણવા મળ્યું કે અખિલેશ પહેલેથી જ ડાયાબિટીસ અને બીપીનો શિકાર હતો. પણ લગ્ન વખતે અને પછી પણ અખિલેશ અને ઘરવાળાઓએ આ વાત છુપાવી હતી. અત્યાર સુધી એ લોકો અને ખાસ કરીને શ્યામા ના સાસુ - સસરા એવું વર્તન કરતા હતા કે જાણે એમણે શ્યામા ના શ્યામ રંગને અપનાવીને બહુ જ મોટુ કાર્ય કર્યું છે, ઉપકાર કર્યો છે. શ્યામા માટે આ બીજો બહુ મોટો ઘા હતો. પણ અત્યારે આ બધું વિચારવાનો સમય ન હતો. શ્યામા ખુબ જ સમસ્યાઓનો સામનો કરીને પણ અખિલેશ ને ઇન્ડિયા પાછો લાવી અને અહીં અખિલેશની સારવાર માટે ખૂબ ચક્કર લગાવ્યા. એક એક મંદિર ફરી,એક એક હોસ્પિટલ ના પગથિયા ઘસ્યા. પણ આ બધી તપસ્યાને અંતે એક વર્ષ પછી અખિલેશે સાથ છોડી દીધો. શ્યામાની દુનિયા ફરીથી બેરંગ થઈ ગઈ.
અખિલેશ ની વિદાય એ શ્યામાને અંતરથી તો તોડી જ નાખી હતી. પણ આર્થિક રીતે પણ શ્યામા પાસે કોઈ સહારો બચ્યો નહીં. લંડન ની નોકરી માંથી જે બચત હતી એ બધી અખિલેશ પોતાના માતા-પિતા પાસે આપતો હતો કારણ કે ઘરની જવાબદારી અખિલેશ ઉપાડી હતી. અખિલેશ ના ઈન્સ્યોરન્સના પૈસા પણ આવ્યા હતા. પણ આ બધા જ પૈસા શ્યામા ના સાસુ પાસે હતા. અખિલેશ ની દુનિયા માંથી અચાનક વિદાય ને કારણે શ્યામા તરત જ પોતાના સાસુ ને કશું કહી શકી નહીં. પણ ઘરની બધી જવાબદારી એણ લઈ લીધી. છતાં પણ એની ઉપર કામચોર, સ્વાર્થી, બેજવાબદાર ના આરોપ લાગતા રહેતા. સમય પસાર થવાની સાથે સાથે તકલીફો અને સતામણી વધતી રહી. હદ તો ત્યારે થઇ જ્યારે શ્યામા ના સાસુ- સસરા અને નણંદે શ્યામા પર ચોરીનો આરોપ લગાવ્યો. અને એ પણ ઘરના સોનાના દાગીનાનો. શ્યામા એ રાત્રે ખૂબ મનોમંથન કર્યું અને અંતે નાનકડા લય સાથે ઘરમાંથી કશું જ પણ લીધા વગર સાસરુ છોડી દીધું.
કુદરતની કરામત જુઓ, જે માતા પિતા એવું વિચારતા હતા કે દીકરીઓ સાસરામાં જ શોભે, એ જ માતા-પિતાના સહારે શ્યામા નોકરી કરતી થઈ. ભલે દેખાવમાં શ્યામ હતી પણ ભણવામાં અને વ્યક્તિત્વમાં તો તે સ્માર્ટ હતી જ. એક નાનકડી નોકરીથી શરૂઆત કરી અને પછી અંગ્રેજી લિટરેચરમાં પ્રોફેસરની જોબ મળી ગઈ. શ્યામા માનસિક અને આર્થિક રીતે થોડી મજબૂત થઈ શકી હતી. પણ શ્યામા નું મન હવે ઇન્ડિયામાં લાગ્યું નહીં. ત્રણ-ચાર વર્ષમાં નોકરીમાંથી જે થોડી બચત કરી હતી અને બીજી માતા-પિતાની અને બહેનોની આર્થિક મદદથી શ્યામા લંડન પહોંચી ગઈ.
લંડન સુધી ની સફર પણ શ્યામા માટે સહેલી ન હતી. ઈન્ડિયાની પ્રોફેસરની જોબ છોડીને જ્યારે શ્યામા લંડન આવી ત્યારે શરૂઆતમાં નાના મોટા કામ કરીને શ્યામાએ પગભર થવાનું શીખ્યું. એ પછી ફુડ પેકેટ બનાવવાનું હોય, સ્ટોરમાં વસ્તુઓની નાની હોય પેકેજીંગ હોય કે પછી ઓલ્ડ એજ ના લોકોની કેર ટેકર ની જોબ હોય, દરેક કામ દિલથી કરતી. સમયની થપાટોએ શ્યામા ને મજબૂત બનાવી દીધી હતી. પણ એનું દિલ હજી કોમળ જ હતું. ધીરે ધીરે એ લંડન સિટીને ઓળખતી થઈ ગઈ. નાની મોટી જોબ કરીને શ્યામાએ થોડી સેવિંગ તો કરી લીધી હતી. પણ લયની જવાબદારી પણ હજી ને નિભાવવાની હતી. એટલે નાની-મોટી જોબની સાથે એને લંડન માં રહેતા ગુજરાતી લોકોને સંસ્કૃત શીખવવાનું કામ ચાલુ કર્યો. પેલા એક બે વિકમાં તો કોઈ આવ્યું નહીં. શ્યામા થોડી નિરાશ પણ થઈ, એને લાગ્યું કે ઇન્ડિયામાં સંસ્કૃત માટેના ક્લાસ એટલા સક્સેસફુલ નથી થતા તો લંડનમાં તો કોઈ ચાન્સ લાગતો નથી. પણ કિસ્મતની કરામત થઈ, શ્યામા ના આશ્ચર્યનો પાર ન રહ્યો. શ્યામા જે સ્ટોરમાં પહેલા જોબ કરતી હતી ત્યાંની, લંડનની લેડી પોતાની દીકરીને સંસ્કૃત શીખવવા માટે શ્યામાને રિક્વેસ્ટ કરી. એક જ સ્ટુડન્ટ હતી છતાં પણ શ્યામાએ ખૂબ મનથી એને સંસ્કૃત શીખવ્યું. ઇંગ્લિશની પ્રોફેસર હોવા છતાં શ્યામાને પોતાના દેશની ભાષા પ્રત્યેના પ્રેમને કારણે સંસ્કૃત ભાષા પ્રત્યે ખૂબ જ લગાવ હતો એટલે એણે સંસ્કૃત ભાષામાં ડિગ્રી લીધેલી હતી. જે અહીં તેને કામ આવી. પછી તો શ્યામાના સ્વભાવ અને પ્રમાણિકતાને લીધે સ્ટુડન્ટ આવવા લાગ્યા. લંડનના પણ અને આપણા ઇન્ડિયાના પણ. શ્યામા એ પછી પાછળ વળીને જોયું નહીં. એક સ્ટુડન્ટથી થયેલી શરૂઆતનું સ્થાન સંસ્થાએ લીધું. શ્યામાએ લંડન અને લંડન એ શ્યામાને દિલથી અપનાવી લીધા. તેણે લયને ઇન્ડિયાથી લંડન બોલાવી લીધો. સમયને પાંખ લાગી અને જોતજોતામાં વર્ષો વીતી ગયા !
આજે શ્યામાએ પોતાની, સંસ્કૃત ભાષા શીખવા માટેની સંસ્થા શરૂ કરેલી છે જેનું નામ "શ્યામ" રાખ્યું છે. ખૂબ પ્રસિદ્ધિ પણ મળી છે. આપણ ઇન્ડિયામાં પણ એની બ્રાન્ચ ઓપન કરવા કેટલીક કંપનીઓ તૈયાર છે. લય હવે માસ્ટર કરીને પોતાની મોમ સાથે કામ કરે છે. તેની માતાના જીવનના સંઘર્ષોથી એ પરિચિત છે. અને એથી જ લય પોતાની મોમનું ખુબ જ માન છે અને એને ખૂબ જ પ્રેમ કરે છે.
'શ્યામ' નું ઇન્ડિયાની કંપની સાથે ટાઇઅપ માટેની આજે ખાસ મિટિંગ હતી શરૂઆતથી જ તેનું ફોલોઅપ લઈ રહ્યો હતો. ઈન્ડિયાની કોઈ ફેમસ વ્યક્તિ છે, આઈએએસ છે, ખૂબ જ ઉદાર પણ હજુ સુધી અપરિણીત, દરેક વિષયના જાણકાર આવા કેટલાય ગુણોનું વર્ણન કરતો રહેતો. લય સવારે બ્રેકફાસ્ટ ટૂંકમાં હોરસ્કોપ વાંચતો હતો આ નિયમ હતો એનો. શ્યામા એને ટોકતી પણ ખરા. એણે અચાનક શ્યામા ને કહ્યું "મમ્મી, આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ રહેશે. ગમતી વ્યક્તિ કે વસ્તુ મળે યોગ છે." શ્યામા ખડખડાટ હસી પડી. બહુ જ ઓછો સમય આવતો જ્યારે શ્યામા આમ હાસ્ય કરતી. "સમય મહેનત અને લગનથી જ બધું મળે છે આવું બધું હોરસ્કોપમાં તું કઈ રીતે માની શકે એ પણ લંડનમાં રહીને ?" "મા,ભલે તમે ના માનો પણ કુદરતની કિસ્મતની કરામત પણ કઈ ચીજ હોય છે. એક દિવસ તમે જરૂરથી માનશો. કાર ની ચાવી લેતાં લય બોલ્યો અને ઉમેર્યું,11 વાગે મળીએ.
કોઈ ખાસ મીટીંગ હોય સાડી પહેરવાનું પસંદ કરતી પહેલા શ્યામાને સાડી પહેરવી પસંદ ન હતી સાડી તે આવતો ત્યારે બહાર જ બનાવતી પણ રજતને સાડી ખુબ પસંદ હતી. તેનું માનવું હતું કે સ્ત્રીઓને દરેક પોશાક પહેરવાની ચોઇસ અને પરવાનગી બંને હોવી જોઈએ પણ સ્ત્રી જેટલી સુંદર સાડીમાં લાગે છે એટલે કોઈ પણ પોશાકમાં નથી લાગતી. શ્યામા અને રજતની કાયમ આ વાત પર લાંબી ચર્ચા રહેતી. અને ગુલાબી પસંદગીનો કલર હોવા છતાં શ્યામા આસમાની એટલે કે સ્કાય બ્લ્યુ કલરની સાડી પહેરતી. આજે ખબર નહિ અચાનક કેમ રજતની યાદ આવી ગઈ અને શ્યામાનો હાથ સ્કાય બ્લ્યુ કલકત્તી સાડી પર પડ્યો. વિચારોના વાદળો ખંખેરી શ્યામા રેડી થવા માટે ગઈ, મીટીંગ માટે સમયસર પહોંચવાનું હતું.
સમયસર શ્યામા ઓફિસમાં પહોંચી ગઈ. બોર્ડ મેમ્બર અને કંપનીના અમુક ખાસ મેમ્બર હાજર હતા. લય એ જ મહેમાન મતલબ કે ઈન્ડિયાના સીઓઓ ને રિસીવ કરવા ઓફિસની બહાર ઊભો હતો. બરાબર અગિયાર વાગ્યે કેબિનમાં બંનેનું આગમન થયું. અને શ્યામા જોતી જ રહી ગઈ. સવારના લયના શબ્દો એને યાદ આવ્યા, " મા, તમે ભલે ગમે તે કહો પણ કુદરતની, કિસ્મતની કરામત પણ કઈ ચીજ હોય છે એક દિવસ તમે જરૂરથી માનશો." મિટિંગ શરૂ થઈ એક પછી એક પ્રેઝન્ટેશન લય આપતો ગયો. બંને કંપનીના ટાઈ અપ માટે ચર્ચા થઈ અને ફાઈનલ થઇ ગયું. બસ જે કંપનીનું નામ કયું રાખવું એના માટે બધા અવઢવમાં હતા. ત્યારે મિસ્ટર અગ્રવાલે - ઈન્ડિયાની કંપનીના સીઈઓ કહ્યું કે કંપનીનું નામ નહી બદલાય જેના નામે સંસ્થા ચાલુ હતી એ જ રહેશે. મારા મતે મિસ શ્યામા એ જેટલી મહેનતથી આ સંસ્થા ઊભી કરી છે એમનો હક બને છે આના માટેનો. મિટિંગ પૂરી થઈ રહે મિસ્ટર અગ્રવાલને પોતાના ઘરે ડીનર માટે ઇન્વાઇટ કરે મીટીંગ પછી બધા છુટા પડ્યા શ્યામાની તબિયત સારી ન'તી લાગતી તે પહેલા જ ઘરે ગઈ. લય જ્યારથી ઓફિસમાં આવવા લાગ્યો છે ત્યારથી શ્યામા 1- 2 કલાક માટે જ ઓફિસમાં આવતી. મોટેભાગે ઘરે થી જ લયને માર્ગદર્શન આપતી.
ઈવનિંગ સ્નેક્સ સાથે લેવાનું અને શ્યામા અને લયનો નિયમ હતો. ઓફિસની ભાગદોડને કારણે બ્રેકફાસ્ટ કે લંચ ઘણીવાર એ લોકો સાથે લઈ શકતા ન હતા, ડિનર ના ટાઈમે ઘણીવાર લય પોતાના મિત્રો સાથે બહાર જતો. તો શ્યામા વહેલા સૂઈ જવાનું પસંદ કરતી. એથી એવો નિયમ રાખ્યો હતો બંને સાથે સ્નેક્સ અને કોફી લેશે. મિક્સ ભજીયા અને ગ્રીન ટી ના અતરંગી કોમ્બિનેશનથી લય ને થયું કે તે જે વિચારે છે એ સાચું હોઈ શકે. જ્યારે શ્યામા ઉદાસ હોય ત્યારે એ લોકો આ સ્નેક્સનું કોમ્બિનેશન કરતા. વધારે રાહ ના જોતા લયે માને પૂછી જ લીધું. મા તમે પરેશાન લાગો છો, મીટીંગમાં પણ તમારું ધ્યાન હોય એવું ન લાગ્યું. હું સવારથી જોઉં છું મોટી વાત જરૂર છે. હું હવે એટલો મોટો તો જરૂરથી થયો છું કે તમે મારી સાથે તમારી સમસ્યા શેર કરી શકો.
" બેટા ઘણીવાર એવું બને છે કે આપણે જે નિર્ણય લીધો હોય એનું કારણ જ ખોવાઈ જાય છે. આપણી પાસે જીવવાની કોઈ આશા નથી હોતી. દુઃખની પરાકાષ્ઠા આવે છે ત્યારે વ્યથાને હોઠ દબાવી દે છે પણ આંખોનો પ્રયત્ન સફળ થતો નથી. કોઇવાર જિંદગી એક લાંબો નિસાસો, એક મૌન અથવા તો નિરવ બસ સાવ ખાલી એવો ખાલીપો બની જાય છે. અને આ ખાલીપો ક્યારેય આપણો પીછો છોડતો નથી. જ્યારે કોઈ વસ્તુની આપણને બહુ જ લાંબા સમયથી પ્રતીક્ષા હોય અને એ ના મળે પણ જ્યારે મળે ત્યારે આપણને એવો અનુભવ થાય કે આપણે સુખ અને દુઃખથી જ પર થઈ ગયા છે. તે સવારે જ કહ્યું હતું કે કુદરત કે કિસ્મતની કરામત નામની વસ્તુ હોય છે. એવું જ બન્યું છે. શ્યામાએ કોલેજથી લઈને અત્યાર સુધીની પોતાના પરિવાર, રજત પ્રત્યેના પ્રેમ, અખિલેશ સાથે લગ્ન, ઘર પ્રત્યેના સમર્પણ, સાસરા પક્ષ તરફથી દગો અને આરોપો બધી વાત લય ને સંભળાવી.
થોડીવાર માટે નાસ્તાના ટેબલ પર એક શાંતિ છવાઈ ગઈ. વાતની શરૂઆત શ્યામાએ જ કરી, બેટા આશા છે કે તું મારી લાગણી સમજી શકીશ જજમેન્ટલ નહીં બને. બસ મને એવું થયું મારી જીવન કથા તને ખબર હોવી જોઈએ, યોગ્ય સમય લાગ્યો એટલે જ તને કહ્યું એના આવવાથી કે તારી પાસેથી મારે કોઈ અપેક્ષા છે એવું માનીશ નહીં. આજે મિ. અગ્રવાલ આવે એટલે સાથે ડિનર કરીશું ટાઇ અપની વાત કરી અને સૌ પોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ જઈશું. આટલા સમયના મૌન પછી લયે મૌન તોડ્યું અને એક જ શબ્દ કહ્યો "કરામત "માં આ કુદરતે પણ તમને તમારી આખી જિંદગી ખૂબ જ દુઃખ આપ્યું છે. તમે તમારી ફરજોને પૂરો ન્યાય આપ્યો છે. મને એવું લાગે છે તમારી જિંદગી જીવવાનો હક છે. નિર્ણય તો તમારા પર જ રહેશે પણ મારી વાત જરૂરથી વિચારજો.
ડિનર ટાઈમ થઈ ગયો હતો મિસ્ટર રજત અગ્રવાલ આવી પહોંચ્યા. લયે પ્રસન્ન ચિતે એમનું સ્વાગત કર્યું. ડિનરમાં એમની મનપસંદ ઓનિયન કચોરી, દહીં ગટ્ટાની સબ્જી, ગુજરાતી દાળ- ભાત બન્યા હતા. અતરંગી કોમ્બિનેશન આ પણ હતું, ગુજરાતી અને રાજસ્થાની વાનગીઓનું. સાથે ડિનર કર્યું અને રજત એ એકદમ મધુરતા અને વિનમ્રતાથી, આંખો ઝૂકાવીને વિદાય લેવાનું કહ્યું ત્યારે લયે એમને બે મિનિટ માટે એકલામાં વાત કરવા કહ્યું. લયે શ્યામાએ જે વાત કરી હતી તે બધી વાત ટૂંકમાં કહી અને જણાવ્યું કે મને દરેક વાતની ખબર છે, માનવું છે કે તમે એકવાર મા સાથે બેસીને વાત કરો.
શ્યામા પોતાની મનપસંદ જગ્યાએ ગ્લાસ વિન્ડોમાંથી બહાર જોતી બેઠી હતી, રજત ત્યાં આવ્યો. થોડી પળો રૂમમાં મૌન છવાયેલું રહ્યું. પણ આંખોએ આંખોની ભાષા સમજી લીધી. જાણે વર્ષોનો થાક, ખાલીપો, પ્રીત, વ્યથા, મજબૂરી, પ્રતીક્ષા, જવાબદારી બધું જ બધું જ કહ્યા વગર ચારેય આંખો સમજી ગઈ. શ્યામાની વરસોથી કોરી આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. એણે પૂછ્યું હવે કેમ ? હવે મારો સાથ લઈને તને શું મળશે ?
રજત બોલ્યો :
" હવામાં ઊડતી રેશમી ઝુલ્ફોથી લઈને,
પરિપક્વતાના એ શ્વેત રંગ સુધી,
ને હંમેશ સાથે છીએ હું ને તુંથી લઈને,
જર્જરિત યાદોનાં અવશેષો સુધી,
આ સંબંધ શું કહેવાય છે ? "
યાદ આવ્યું આ તારી જ લખેલ છે ને ?
રૂમના દરવાજે ઉભેલા લયની આંખો ભીની થઈ ગઈ. રજતે બે હાથ જોડીને લયને વિનંતી કરતા પૂછ્યું કે શું તું શ્યામાનો હાથ મારા હાથમાં આપી શકીશ ? જે 25 વર્ષ પહેલા રજતે ધાર્યું હતું એ હવે પૂરું થયું એ પણ આ રીતે ! આને કિસ્મતની કરામત નહીં તો બીજું શું કહેવાય. રૂમમાં ખુશીનું વાતાવરણ ફેલાઈ ગયું. લયે કપકેક લઈને સૌનું મોઢું મીઠું કરાવ્યું. બહાર એકદમ સ્વચ્છ આકાશમાં તારલિયા ઝગમગાટ કરી રહ્યા હતા.

