પ્રેમની ચાંદની
પ્રેમની ચાંદની
કોલેજની લાઇબ્રેરીમાં સુરભી અને ખુશી બંને બેઠા હતા. ત્રણ વર્ષથી આ તેમનો નિત્યક્રમ હતો. આ ક્રમ રજાના દિવસોમાં તૂટતો. બંને બેસ્ટ ફ્રેન્ડ રોજ અહીં આવતા. ક્યારે ગપ્પા મારતા, ક્યારેક કવિતઓ અને શાયરી વાંચતા અને મન હળવું કરતા. આજે પણ એ બંને બેઠા હતા. ફરક માત્ર એટલો જ હતો કે આજે કોલેજનો છેલ્લો દિવસ હતો. આથી બંને ગુમસુમ હતા. સુરભીનો ચહેરો થોડો વધારે મૂંરજાયેલો હતો. વાતની શરૂઆત ખુશીએ જ કરી.
" સુરભી, આજ પછી ખબર નહિ આપણે ક્યારે મળીશું. હું તારે ઘેર તો આવતી રહીશ, પણ દુઃખ તો એ વાતનું છે કે પહેલાની જેમ આપણે રોજ નહીં મળી શકીએ."
"હા ખુશી,તારી વાત સાચી છે પણ આજનો દિવસ મારા માટે સૌથી વધારે દુઃખનો છે. હું વીતેલા દિવસો કેવી રીતે ભૂલીશ ? મારું જીવન, મારી આશા, મારા સપના, મારા અરમાનો, મારુ ભવિષ્ય - બધા આ કોલેજ સાથે સંકળાયેલા છે. હું કાયમ એ વિચારતી કે ખુશી અને પલાશ ને મારા જીવનમાંથી કાઢી દો તું મારું અસ્તિત્વ જ નથી. હું એમના વગર કેવી રીતે રહીશ ? આજે તો એ દિવસ પણ આવી ગયો." - સુરભિ
" સુરભિ, તું મારી વાત માન અને પલાશ ને ભૂલી જા. તું પલાશ ને કેટલો પ્રેમ કરે છે એ હું જાણું છું. તારી એક એક લાગણીઓનો અહેસાસ મને થાય છે અને પલાશ ને એની જરાય પરવા નથી ? શું નથી કર્યું તે એના માટે ? તારું વ્યક્તિત્વ જ ભૂંસી નાખીને તારી જાતને પલાશમય બનાવી દીધી. અને એ તને ઠુકરાવે છે ? તું સાવ પાગલ છે. તું આવા માણસનું નામ પણ ના લઈશ. મારું ચાલે તો એને... " - ખુશી
" બસ ખુશી, હું જાણું છું મારી માટે ચિંતા થાય છે, તને મારી લાગણી છે,એટલે તું આવું બોલે છે. પણ પ્લીઝ, હું એના વિશે કશું જ ખરાબ નહિ સાંભળી શકું " - સુરભિ
" પણ તું સમજતી કેમ નથી સુરભી ? " - ખુશી
" મેં પલાશ ને પ્રેમ કર્યો ત્યારે મેં એવી શરત રાખી ન હતી કે એ પણ મને પ્રેમ કરે. અને મારો પ્રેમ કોઈ શરતોને આધીન નથી. પલાશ તો મારો શ્વાસ છે. જે શ્વાસ લેવાનું આપણે ભૂલતા નથી પ્રેમ પલાશ ને પણ હું કદી નહીં ભૂલી શકું. પલાશ હર પળ મારી નજર સામે તરવરે છે. હજી પણ ખબર નહિ કેમ મને એ વાતનો વિશ્વાસ છે કે તે એક દિવસથી જરૂર મારો પ્રેમ સમજશે. એના વર્તન,એની વાતો પરથી, એની મારા પ્રત્યેની અવગણના પરથી પણ મને એવું લાગે છે કે એ મને પ્રેમ તો જરૂર કરે છે. પણ,ખબર નહીં કઈ વાત પર એ ડરે છે. કોઈ જૂનો જખમ એવું વિચારીને પણ એ મૂંઝવણમાં છે. એ ખરાબ નથી ખુશી એ તો......" - સુરભિ
" અરે સુરભિ ! તું રડે છે શા માટે ? આટલી જલ્દી હિંમત હારી ગઈ ? એને તારી લાગણીઓનો અહેસાસ થશે ત્યારે તે જરૂરથી આવશે. હું ભગવાનને પ્રાર્થના કરીશ. હવે હાથ જોઈએ. છુટા પડતી વખતે રડી ? પલાશ ન હોય તો કંઈ નહીં જિંદગીના દરેક મોડ પર હું તારી સાથે જ છું અને રહીશ. " - ખુશી
બંને છુટા પડ્યા. સુરભિની બસ આવી એ બસમાં બેસી ગઈ. આજે પલાશ તો સ્કૂટર લઈને આવ્યો હતો. જો એ બસમાં આવ્યો હોત તો સુરભિ એને મળી શકી હોત. સુરભિને થયું કે કાશ એ એને એક વાર જોઈ શકી હોત. જેમજેમ બસની ગતિ વધતી હતી તેમ તેમ સુરભિ નું મન પલાશની યાદોના વમળમાં ખેંચાતું હતું.
સુરભિને વિચાર આવ્યો કે," શું મારો પ્રેમ સાચો નથી કે પછી સાચો પ્રેમ કોઈ દિવસ સફળ થતો નથી ? તો પછી ' પ્રેમ' નામની લાગણી ભગવાને ઉત્પન્ન જ શા માટે કરી હશે ? શું કામ છે આ દુનિયામાં પ્રેમનું ? પ્રેમ તો ફક્ત દર્દ, લાચારી ને નિષ્ફળતા જ આપે છે. મારા અરમાનો, મારા સપના, મારા સ્મિતો, મારા ગીતો, મારી જિંદગી, મારો પ્રેમ અને ખુદ હું પલાશ વિના અધૂરા છે. કેમ ચાંદા વગરની ચાંદની હોય ? કિનારા વગરની લહેર હોય ? શ્વાસ વગરની ધડકન શું કામની ? કિસ્મતના ખેલ તો શું કે પહેલા તો વર્ષો સુધી હું એવી વ્યક્તિને શોધતી રહી કે જે મને સંભાળી શકે. મને કોઈ પણ પરિસ્થિતિમાં તૂટવા ન દે. જેની જિંદગીમાં મારું પણ મહત્વ હોય. મને સારા માણસ તરીકેની દરેક ખૂબી પલાશમાં દેખાઈ. ખબર નહી ક્યારે એ તારી માટે સર્વસ્વ બની ગયો. પરંતુ અંત શું આવ્યો ? એણે મને ઠુકરાવી દીધી. શા માટે...... ?"
સુરભીના મનમાં ગીત યાદ આવ્યું અને તે ગણગણી
" અજીબ દાસ્તાં હૈ યે, કહાં શુરૂ કહા ખતમ,
યે મંઝિલે હે કોનસી ? ન વો સમજ સકે ના હમ "
બસ સ્ટોપ આવ્યું. સુરભી ફિક્કું હસી અને નીચે ઉતરીને ચાલવા લાગી. આજે એનાથી એક ડગલું પણ આગળ ભરાયુ નહીં, આંખોમાં ઝળઝળિયાં આવી ગયા.આખી દુનિયામાં સાવ એકલવાયી બની ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. ત્યાં તો પાછળથી અવાજ આવ્યો. સુરભિ એ વિચાર્યું કે પલાશ નહીં હોય, મારો ભ્રમ હશે. ફરી એ જ અવાજ સંભળાયો અને જોયું તો પલાશ જ હતો. સુરભી ઊભી રહી ગઈ. એ તો કંઈ બોલી શકી નહીં પણ પલાશ જ બોલ્યો:" સુરભિ, મને તો એમ હતું કે તું મને સારી રીતે ઓળખી શકે છે. મેં તને ના પાડી અને તે વાત સ્વીકારી લીધી ? હું ખુદ મને જ નથી ઓળખી શકતો,ન તો હું કોઇ બીજાને મારી વાત મનમાંથી બહાર લાવી કહી શકું છું. મને ડર હતો કે આ લાગણી ક્ષણિક તો નહીં હોય. અને જો એ સાચે જ પ્રેમ હશે તો હું જીવનના છેલ્લા શ્વાસ સુધી નિભાવી શકીશ ? ઘણા બધા સવાલો હતા મારા મનમાં. કેટલીયે ગૂંચવણો, કેટલાય વિચારોના વમળમાં રહ્યો પણ તારો ચહેરો, તારો પ્રેમ મારા મનમાંથી દૂર ના થઈ શક્યો. જ્યારે તારાથી કાયમ માટે દૂર થઈ જઈશ એવો ડર લાગ્યો, તને ખોવાનો વિચારે હું ગભરાઈ ગયો. મને હવે મારી લાગણીઓનો અહેસાસ થાય છે. હું પણ તને પ્રેમ કરું છું તારા વગર નહીં જીવી શકું. શું તું મને માફ કરીને મારી સાથે ઘડપણ સુધી જીવનમાં સાથ નિભાવવા તૈયાર છે જેવો છું એવું જ તારે જીરવવો પડશે. છે હિંમત ? "પલાશ હસી પડ્યો .
સુરભિની આંખમાંથી ખુશીના આંસુ સરી પડ્યા. તે ફક્ત આંખોથી હા કહી શકી.પલાશે કહ્યું:" એક મિનિટ સુરભિ, હું તારા માટે કંઈક લાવ્યો છું. " એણે સુરભિને ગુલાબના ફૂલની ડાળખી આપી. સુરભીએ કહ્યું કે આ શું ? ત્યારે એણે ખિસ્સા ફંફોળવાનો ડોળ કર્યો. અને હસીને કહ્યું સોરી ફૂલ તો મારાથી પડી ગયું પછી બીજા ખિસ્સામાંથી ગુલાબનું ફૂલ કાઢીને સુરભિને આપ્યું. બંને ખડખડાટ હસી પડ્યા. મધ્યાહનનો સૂરજ તપતો હતો પણ પ્રેમની ચાંદની સાથે.

