Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Arun Gondhali

Drama Thriller


3  

Arun Gondhali

Drama Thriller


સફેદ કાજળ

સફેદ કાજળ

6 mins 390 6 mins 390

(પ્રકરણ – ૨)

સાંજ પડ્યે લક્ષ્મી નારાયણના મંદિરમાં ભીડ જામતી. સાંજની આરતી ગામવાસીઓ ખૂબ આનંદ અને શ્રદ્ધાથી કરતાં અને રાત્રે નવ વાગે ફરી બધાં જમી પરવારી મંદિરમાં ભેગાં થતાં સત્સંગ અને પ્રવચન માટે. ચિંતનના પિતાજી ગામવાસીઓને રોજ સત્સંગ અને ભજન કરાવતાં અને અંતમાં સારી સમજણ આપતાં. નાનો ચિંતન મંદિરની બહાર બેસી પોતાનો અભ્યાસ કરતો અને સાથે સાથે પ્રવચન પણ સાંભળતો. આમ ને આમ ઘણાં વર્ષો વીતી ગયાં અને ચિંતનના પિતાજી માંદા પડ્યાં એટલે હવે મંદિરનું કામકાજ ચિંતન સાંભળતો. રોજ રાત્રે એ પ્રવચન પણ કરતો. ચિંતનનો અવાજ મધુર હતો. લોકોને એની વાણી ગમતી. ગામવાસીઓને એનાં ઉપર શ્રદ્ધા હતી કારણ કળીયુગમાં આવી ધાર્મિક ધરોહર જાળવી રાખનાર ક્યાં મળે ? પિતાજીના અવસાન બાદ ચિંતન ઉપર બે મોટી જવાબદારી હતી એક બહેનનાં લગ્ન અને પોતાનું કેરીઅર. મંદિરની જુજ આવકમાં આવી મોટી જવાબદારી નિભાવવી એક પ્રશ્ન હતો.

થોડાંક દિવસોથી કોઈ એક શેઠ જેવી વ્યકિત રાત્રે મંદિરમાં આવતી અને પ્રવચન સાંભળી ચુપચાપ નીકળી જતી. કોઈ ધાર્મિક હશે એટલે કોઈએ ઓળખાણ કરવાની કોશિશ ના કરી. આજે પ્રવચન શરૂ થાય તે પહેલાં એ ચિંતન ને મળ્યાં. વાતવાતમાં ચિંતનની સમસ્યા સમજી ગયા અને બહેનનાં લગ્ન માટે પૈસાની વ્યવસ્થા પોતે કરી આપશે એવી ખાતરી આપી. થોડાંક મહિનાઓમાં બહેનનાં લગ્ન ગોઠવાયા અને એ અજાણ વ્યક્તિએ પૈસાની મદદ કરી. ચિંતનનો મોટો ભાર ઉતરી ગયો.

લગભગ મહિના બાદ એક ગાડી ચિંતનના ઘર સામે આવીને ઉભી રહી અને શેઠજીએ બોલાવ્યા છે એટલે સાથે આવવાં કહ્યું. ચિંતનને બહુ ખ્યાલ ના આવ્યો પણ કદાચ એ મદદ કરનાર વ્યકિત હશે એમ ધારી ગાડીમાં બેસી ગયો. થોડાંક કલાકમાં ગાડી એક આલીશાન બંગલાના પોર્ચમાં ઉભી રહી. પ્રવેશદ્વારની નેમપ્લેટ જોઈ ખબર પડી કે બોલાવનાર શેઠજીનું નામ જમનાદાસ છે.

ચિંતનને જોઈ શેઠ જમનાદાસ પોતાનાં રાજાશાહી સોફા ઉપરથી ઉભાં થયાં અને ચિંતનને ખુબજ હુંફાળો આવકાર આપતાં હોય તેમ એની તરફ ચાલ્યાં. ચિંતન માટે આ આવકાર ખૂબ લાગણીશીલ લાગ્યો. એ શેઠજીને પગે લાગવા નીચે નમે તે પહેલાં જ શેઠજીએ એને ખભેથી ઝાલી લીધો અને કહ્યું –

“ના...ના... આપથી અમારાં પગે ના લગાય આપ તો સ્વામીજીના સ્થાનને લાયક છો, એમતો સ્વામીજી કહીએ તો ખોટું નથી.” દીવાનખંડના ખૂણામાં એક યુવાન એ બંનેની વાતો સાંભળી રહ્યો હતો ત્યારે એનાં મગજમાં એક નવી સોચ આકાર લઇ રહી હતી અને એ સોચને પોતાની રીતે પ્રોજેક્ટ તરીકે મુકવા માટે કોઈ તકલીફ પડે તેમ નહોતી.

ચિંતન બોલ્યો – “ના શેઠજી આમ કહી શરમાવશો નહી. આ તો પિતાજીએ આપેલ જ્ઞાન છે જે પીરસવાની કોશિશ કરું છું. લોકોની સમજણ બદલાય એજ પ્રયત્ન છે. ધર્મ આધ્યાત્મના પ્રવચનો માટે લાંબી મજલ કાપવાની બાકી છે.”

વચ્ચેથી અટકાવતાં શેઠજી બોલ્યા – “એ મજલ પણ કાપી લો, બોલો અભ્યાસ માટે વારાણસીમાં તમારી બધી વ્યવસ્થા કરી દવું. તમારાં જેવી વ્યકિત આ ઘોર કળીયુગ પરિવર્તન માટે તૈયાર હોય તો અમારાં અહોભાગ્ય કહેવાય કે અમે તમને સાથ આપીએ. મારું તમને બોલાવવાનું પ્રયોજન એજ હતું કે તમે વારાણસીથી શિક્ષા ગ્રહણ કરી આવો અને એક સક્ષમ સ્વામી તરીકે અહીના સમાજની સેવા કરો. બાકીની જવાબદારી મારી.”

ચિંતન શેઠજીને ના પાડી શક્યો નહી.

‘***********

દુનિયામાં કેટલાંક વિદ્વાનો, વિચારક અને ટેકનોલોજીના શોધ કરતાંઓ પોતાની સોચ કે પ્રોડક્ટને જુદી જુદી રીતે બજારમાં મૂકી કરી રહી છે એક જાળની જેમ. પર્સનાલીટી ડેવલપમેન્ટ, કેરીઅર માર્ગદર્શન, મોટીવેશન, સેમિનાર, ધર્મ પ્રવચન, પ્રદર્શન, ગેઝેટ્સ ને ઘણું બધું. દરેક સંસ્થા પોતાનો એક નવો ટ્રેન્ડ ઉભો કરી રહ્યો છે. મોટા ભાગના લોકોની બુદ્ધી ઉપર હાવી થવું એમનાં માટે મોટી વાત નથી કે એમની સમજને બીજાનાં મગજમાં ફીટ કરી આપવાની ચાલાકીમાં એ બધાં માહિર પણ છે અને એને લગતાં દાખલાઓ પણ એ સારી રીતે તૈયાર કરે છે. પોતાની સોચને કાર્યાન્વિત કરી એની આખી જાળ બનાવી, એ જાળમાં લોક માનસને કેદ કરે છે. વિચાર શક્તિને કુંઠિત કરે છે. આ એક સોચી સમજીને ચાલી રહેલ આધુનિક ષડયંત્ર કહી શકાય કે એક ટ્રેન્ડ ઉભો થઇ રહ્યો છે અને તેની લપેટમાં ધીરે ધીરે ગરકાવ થઇ રહ્યાં છે. વિચાર શક્તિ ઓછી થઇ રહી છે કે વિચારવાનો સમય મળતો નથી કે બસ... લેટ ઇટ બી... અથવા ઓ કે ફાઈન... સહજ... હોય...હશે.. એટલે બહુ લાંબામાં ન પડતાં જજમેન્ટ આપી દેવાય છે ગમતાં દિશાનું, સમજનું, સમાજનું, પક્ષનું ! વિચ્છેદક ટેક્નોલોજીનો એમાં મોટો હાથ છે.

આવી જ એક સોચનું પરિણામ મોટું રૂપ લઇ ચૂક્યું હતું. ચિંતન જયારે વારાણસીથી પરત ફર્યો ત્યારે એને ખ્યાલ પણ નહોતો કે એનું ભવ્ય સ્વાગત થશે. ચિંતનનું નવું નામ હતું – “ચિંતનઆનંદ સ્વામી.” શ્રધ્ધાળુઓના હાથમાં બોર્ડ હતાં – “ચિંતનઆનંદ સ્વામીનું હાર્દિક સ્વાગત છે”. ચિંતનથી ચિંતનઆનંદ સ્વામીનું નવું નામકરણ ક્યારે અને શા માટે થયું એ પણ સમજી ના શક્યો. મોટી મોટી ફરફરતી કેસરી અને સફેદ ધજાઓ, ભગવા વસ્ત્રો પહેરેલાં સાધુઓ, સન્યાસીઓ, જટાધારીઓ તો કેટલાક શંખધારી, ત્રિશુલધારી, ડમરુધારી, કોડીની માળાધારી, મોરપિચ્છધારી હતાં. હજારો શ્રદ્ધાળુઓ જય જયકાર કરી રહ્યાં હતાં. વિશાળ શણગારેલી બગીમાં સ્વામીને બેસાડવામાં આવ્યાં. ઢોલ, તાશા, ઢોલકા અને મંજીરાની રમઝટ. રસ્તાની બંને બાજુ ફૂલહારની, પૂજાની છાબડીઓ લઈને શ્રદ્ધાળુઓ લાઈનમાં ઉભાં હતાં. વરઘોડા ઉપર પુષ્પવૃષ્ટી થઇ રહી હતી. આખો રસ્તો ફૂલોની સુગંધથી મહેંકી રહ્યો હતો. ચિંતન માટે આ એક સપનું જેવું હતું. એ સમજી શકતો નહોતો કે એની આંખો સામે શું ચાલી રહ્યું છે ? આટલાં બધાં લોકો એના સ્વાગતમાં કેવી રીતે આવ્યાં ? પોતે આટલી પ્રસિદ્ધિ કેવી રીતે મેળવી ? પોતે કોઈ પરાક્રમ કર્યું હોય એવું લાગતું નહોતું. એક સામાન્ય વ્યકિત તરીકે ગયો હતો ફક્ત શાસ્ત્રો અને ધર્મનું જ્ઞાન લેવાં.

કલાકો બાદ વરઘોડો શહેરથી દૂર એક વિશાળ પ્રવેશદ્વાર સામે આવી ઉભો રહ્યો. પ્રવેશદ્વારની કમાન ઉપર લખ્યું હતું “શાંતિ આશ્રમ”. આશ્રમના એક આલીશાન ખંડમાં સ્વામીની પધરામણી થઇ. પૂજન અર્ચન બાદ ઉપસ્થિત લોકો માટે ભોજનની વ્યવસ્થા ભોજનગૃહમાં કરવામાં આવી હતી. દરેક કાર્યક્રમની જાહેરાત થઇ રહી હતી. હવે ધીરે ધીરે ખંડમાં ગીર્દી ઓછી થઇ રહી હતી. એક સેવકે આવીને સ્વામીને વિશાલખંડના ડાબી બાજુ દોરી ગયાં. ત્યાં એમનો એક સુંદર કક્ષ બનાવવામાં આવ્યો હતો. સ્વામીજીને ખંડના અંદરની માહિતી આપવામાં આવી. સ્વામીજી ફ્રેશ થઈને આસનસ્થ થયાં અને એમની સામે સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું. ભોજન બાદ શયન કક્ષ તરફ દોરી ગયાં, આરામ કરવા માટે.

સાંજે સેવકો સ્વામીજીને એક ઇલેક્ટ્રોનીક ઓપન કારમાં આશ્રમની વ્યવસ્થા બતાવવાં લઇ ગયાં. મોટી મોટી ઈમારતો, વિશાળ ભોજન કક્ષ, અદ્યતન સત્સંગ હોલ, હોસ્પિટલ અને ઘણું બધું. કિશન નામનો સેવક ખૂબ જ વિસ્તારથી આ બધું બતાવી રહ્યો હતો. લગભગ ચારસો એકરમાં આ સામ્રાજ્ય ઉભું હતું એક સોચનો પ્રોજેક્ટ. હજુ ઘણાં પ્રોજેક્ટ આકાર લેવાના બાકી હતાં જેની જાણ કિશનને પણ નહોતી. રાત્રે લગભગ નવ વાગે પાછાં ફર્યા છતાં ઘણું જોવાનું બાકી રહી ગયું હતું. ભોજન બાદ સ્વામીજી શયન કક્ષમાં ગયાં. આખી રાત્રિ સ્વામીજીને એટલે ચિંતનને ઊંઘ ના આવી. એ વિચાર કરી રહ્યો હતો ત્રણ વરસોમાં આટલો બધો ચેન્જ ? અને આ વિરાટ રચના શા માટે ? કોણ છે જે મને આટલી મોટી ઊંચાઈ પર લઇ જવા માંગે છે ? મારી તો કોઈ આવી મહત્વકાંક્ષા નથી અને એવાં કોઈ વિચાર કદીએ મને આવ્યા નહી.

એક વિશાળ મંદિર સંકુલમાં વિવિધ દેવોના મંદિરો ઉભાં કરવામાં આવ્યાં હતાં. પથ્થરોનું નકશીકામ દાદ માગી લે તેવું આકર્ષક હતું તેમાં એક લક્ષ્મી નારાયણનું મંદિર પણ હતું. મંદિરનું પ્રવેશદ્વાર જોતાજ એને પોતાનાં ગામનું લક્ષ્મી નારાયણનું મંદિર યાદ આવ્યું. મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા અને હવનનું આયોજનનું મુહુર્ત હતું. આશ્રમની શુભ શરૂઆત આજથી હતી.

ચિંતને વારાણસીમાં ખૂબ જ લગનથી શાસ્ત્રનું જ્ઞાન લીધું હતું. પિતાજી તરફતી ગળથૂથીમાં ઘણું મળ્યું હતું તે ઉપયોગી થયું. વિવિધ વેદોનું વાંચન અને સંસ્કૃત ઉપર પ્રભુત્વ હાંસિલ કર્યું. અસરદાર વાણી અને ધારદાર શબ્દોની માવજત એ સારી રીતે કરી શકતો એટલે જ તો ગામમાં એનાં પ્રવચનો લોકોને ગમતાં. હવે તો એ વધુ પ્રતિભાશાળી દેખાતો હતો. લાંબા વાંકડિયા વાળ, કપાળ ઉપરનું એ તિલક, ગાલમાં પડતા એ ડિમ્પલ, શાંત ચહેરો ખરેખર એક દિવ્યતા એનાં શરીર સૌષ્ઠવ ઉપર ઝલકતી હતી. કોઈપણ એની સામે નમવા મજબૂર થઈ જાય. પોતે સંપૂર્ણ પવિત્ર હતો. માતા પિતાના સંસ્કારો એનું અસલ ધન હતું.

લોકોની ગીર્દી જોઈ ભૂતકાળ એની આંખ સામે દોડી રહ્યો હતો, ત્યાંજ એની નજર લક્ષ્મી નારાયણના મંદિર પાસે ઉભાં રહેલાં એક કપલ ઉપર પડી. બેન અને બનેવી એને મળવા આતુર હતાં, પરંતું હાલ એ બંનેને મળી શકે તેમ નહોતો. આંખના ઈશારે બેનને સમાચાર પૂછ્યા. લાડકી બેનને જોઈ રહ્યો. આંખમાંથી આંસુઓ વહેવાં લાગ્યાં. આંસુભરી નજરે બનેવીને નમસ્કાર કર્યા. વારાણસી હતો ત્યારે બેન અને બનેવી સાથે એ ફોન ઉપર વાતો કરતો ત્યારે એમની વચ્ચેનું અંતર લાગતું નહી પણ આજે નજરની સામે હોવા છતાં હજારો કિલોમીટર દૂર હોવાનો એહસાસ થયો. બંને હાથ ઉંચા કરી આશીર્વાદ આપ્યા. બંનેની વચ્ચે સેવકો આવી ઉભાં રહી ગયાં એટલે આંખોનો સંવાદ તૂટ્યો.

(ક્રમશ:)


Rate this content
Log in

More gujarati story from Arun Gondhali

Similar gujarati story from Drama