STORYMIRROR

Aniruddhsinh Zala

Inspirational Others

3  

Aniruddhsinh Zala

Inspirational Others

સોશ્યલ મીડિયાની દિલધડક દોસ્તી

સોશ્યલ મીડિયાની દિલધડક દોસ્તી

6 mins
192

સોશ્યલ મીડિયા દ્વારા થયેલી ઓળખાણ અને બંને હૈયામાં છલકતાં સ્નેહને આગળ વધારવાં આજ બંને યુવક યુવતી નક્કી કર્યા મુજબ પૂનમની રાત્રે એકબીજા પર ખુબ જ ભરોસો મૂકીને અજાણી જગ્યાએ મળવા આવ્યા હતાં. બંને હૈયા આજ હેતથી છલકાઈ રહ્યાં હતાં.

"અજવાળી રાતે કેવો ખીલ્યો પૂનમનો ચાંદ 

 હરખે હૈયા ને રૂડી પ્રીતમ સંગ મુલાકાત "

હૃદયમાં વહેતી સ્નેહધારામાં ભીંજાઈને મલકતી મેનકા આજ પ્રિયતમ રાકેશની રાહ જોતી હતી. કેટલીય વાતો ભીતરમાં દબાવેલી કહેવા માટે હૈયેથી હોઠો સુધી પહોંચી જતી હતી. પ્રથમ મુલાકાતે હૃદયમાં ઉછળતાં ઉમંગને આકાશમાં પૂર્ણ ખીલેલો ચાંદ બમણો કરી રહ્યો હતો.

અચાનક મધુરો અવાજ સંભળાયો,

 "હાય મેનકા આજ તો જોરદાર લાગે છે. તને જોઈ આ ચાંદલિયો પણ શરમાય છે " 

મેનકા નીચું મોઢું કરીને શરમાતાં બોલી,

" મને પહેલીવાર જ જોઈ છે તમે એટલે વખાણ કરો છો ?

"ના રે ના. ભલે જોઈ ન હોય પણ ફોનમાં તારો મીઠો અવાજ સાંભળીને જ હૈયામાં તારી તસ્વીર બની ગયેલી અને સમજી ગયો હતો કે આ ખીલેલો ચાંદ પણ તને જોઈ શરમાતો હશે."

મેનકાના તન,મનમાં ખુબ જ આનંદની લહેર જયારે પ્રસરી હોય તેમ ધ્રુજારી વ્યાપી ગઈ. તે નજીક આવતાં રાકેશની સામું જ જોતી રહી. બહુ જ સુંદર મુખડું અને ભાણ ભુલાવે તેવાં નયન. મસ્ત સ્ટાઈલથી ઓળેલા વાળ પણ મુખમંડળની શોભા વધારતા હતાં. મેનકા વિચારવાં લાગી કે, 

"મારા જીવનસાથી તરીકે ફેસબુક દ્વારા મળેલો આ રાકેશ પરફેક્ટ છે. ભગવાને મારા પર સાચી કૃપા કરી દીધી. આજ તો પહેલી જ મુલાકાતે સીધું પૂછી જ લઈશ લગ્ન બાબતે અને મારી માને વાત કરી પિતાજીને પણ જાણ કરાવી દઈશ."

"મેનકા શેનાં વિચારોમાં ખોવાઈ ગઈ ? મેનકા ના હાથને સ્પર્શ કરતાં રાકેશ બોલ્યો.

અચાનક પહેલો હાથનો સ્પર્શ થતાં જ મેનકા ચમકીને જાગતાં બોલી,

"બસ તારાં જ વિચારોમાં હતી. બીજો કોઈનો વિચાર તો આવે જ નહીં મને."

"નેણલે નેહ ઝબૂકતો, શેરડા ફૂટે ગાલે દેખાય શરમના 

પ્રેમની પાંખો ફૂટી, હૈયામાં સ્ફુરે મધુરાં સ્પન્દનો આજ પ્રેમના"

 મેનકાના હાથને બંને હાથે પકડીને રાકેશ બોલ્યો, "સાચે જ તું બહુ મસ્ત છે. મને તો ખુબ જ ગમી ગઈ છે."

"તો પછી આજ મારી મા ને વાત કરી દઉં આપણી રાકેશ ? મને પણ તું બહુ ગમે છે."

રાકેશ ચમકીને બોલ્યો, "એય પાગલ આપણી વાતો મા ને કહેવાતી હશે ? આપને તો ચોરી ચોરીને બસ પ્રેમ ભરપૂર કરવાનો."

"અરે રાકેશ હું તો લગ્નની વાત કરું છું આપણાં. કહેવું તો પડશે જ ને ?

રાકેશ મેનકાના કોમળ ગાલ પર હાથ અડાડતાં બોલ્યો,

"સોરી એક વાત મેં છૂપાવી છે મેનકા. હું પરણેલો છું અને બે બાળકો પણ છે."

"સૂકાય ઝરણું સ્નેહનું, વ્યાકુળ બન્યું વેદનાથી છલકતું હૈયું 

દુઃખનો ડુંગર જાણે પડ્યો માથે, કરતું રુદન અપાર હૈયું."

મેનકાના માથે જાણે દુઃખનો ડુંગર પડ્યો હોય તેમ હેબતાઈ ગઈ. ભીતર સજાવેલાં સપનાં સળગી રહ્યાં હોય તેમ લાગ્યું. તેની આંખો વરસવા લાગી. રાકેશ બોલ્યો,

"અરે મેનકા પણ તું કેમ ચિંતા કરે છે ? મારી પત્ની સાથે હવે ઝગડો ચાલે છે હવે પ્રેમનો કોઈ જ સંબંધ અમારી વચ્ચે નથી. અમારા સુવાના રૂમ પણ અલગ જ છે. આપણા પ્રેમ સંબંધમાં વચ્ચે કોઈ જ નડશે નહીં."

મેનકા હાથ છોડાવતાં બોલી, "તને શું આ બધી રમત વાત લાગે છે ? મારાથી કેમ છૂપાવ્યું ? "

"અરે મને એમ કે હું કહીશ તો તું મારાથી દુર થી જઈશ તેનો ડર હતો." કહેતાં રાકેશ સમજાવતાં બોલ્યો, 

"જો મેનકા આપનો પ્રેમ સાચો છે. હું તારાં ઘરવાળાને પણ જાણ ન થાય તેનો ખયાલ રાખીશ. તને ખુબ જ ખુશ રાખીશ. મારે બસ તારો પ્રેમ જૉઈએ છે. આજકાલ તો બધી જ યુવતીઓ કોઈને કોઈ સાથે પ્રેમમાં પડેલી હોય જ છે. તું પણ મને જેવો છું તેવો સ્વીકારી લે. ચોરી ચોરી પ્રેમ કરવાની મજા ખુબ જ અનેરી હોય છે."

 મેનકાનું સુંદર મુખ હવે ક્રોધથી બદલાવાં લાગ્યું. ચાંદની શીતળતા દુર થઈ અને સૂરજની ગરમી પ્રસરવા લાગી ભીતર. તેને હવે રાકેશ એક કપટી લાલચી હવસખોર દેખાવા લાગ્યો.

" કદાપિ નહીં." એક જોરદાર ચીખ પાડીને મેનકા ઉભી થઈ ગઈ. રાકેશ ડરીને પાંચ ફુટ છેટો ખસી ગયો. બસ આજ તેના કપટી ભાવોનું પ્રમાણ દર્શાવતું હતું. સુસંસ્કારી મેનકા હવે જાણે બધું જ સમજાઈ રહ્યુ હોય તેમ બોલી,

"મોટી ભૂલ થઈ ગઈ મારાથી. આંખો મીંચીને ભરોસો કર્યોં કોઈ પર તેનું પરિણામ મને મળી રહ્યુ છે. રાકેશ હું બીજી છોકરીઓ જેવી નથી કે મા બાપને જણાવ્યા વગર ખાનગીમાં પરણેલા પુરુષ સાથે પ્રેમલીલા કરી બે પરિવારો સાથે રમત રમું. મને માફ કરી દે. મને તું ખુબ ગમતો હતો અને તારી સાથે જીવન જીવવાનાં સપનાં જોતી હતી પણ એક પળમાં મારા સપનાનો મહેલ તૂટી ગયો. હવે તું મને જરાય ગમતો નથી. "

 આમ કહેતાંક પાછો લમણો વળ્યાં વગર જ મેનકા રાકેશને મૂકીને ચાલી. રાકેશ પોતાની ભૂલ સમજતાં એક સારી છોકરી સાથે રમત રમી પોતે ભૂલ કરી હોવાથી તેનો હાથ લંબાવેલો જ રહી ગયો. થોડી આગળ ગઈ ત્યાં તેને પથ્થરની ઠેસ વાગતાંજ તે નીચે પડતાં તેનું માથું એક પથ્થર સાથે ટકરાયું. ખુબ ઇજા થઈ હતી અને તરફડી રહી હતી.

દૂરથી રાકેશે આ જોતાં જ તે દોડ્યો અને મેનકાને પોતાનાં ખોળામાં લઇને ઘાવ પર રૂમાલ બાંધીને બોલ્યો,

"મને માફ કરી દે મેનકા . આ મારા કારણે જ બધું થયું છે." રાકેશના પશ્ચાતાપનાં

આંસુઓથી મેનકાનું મુખ ભીંજાઈ રહ્યુ હતું. મેનકા આ જોઈને કણસતાં બોલી,

" રાકેશ હવે તને માફ કરી દીધો. હું તારાં કારણે નહીં પણ મારા મા બાપથી ખાનગીમાં તને મળવાં આવી તેની સજા મને મળતાં ઠેસ વાગતાં પડી ગઈ છું. તું મને મારા હાલ પર છોડીને ઘેર જતો રહે. હું કોઈને નહીં કહું આપણી આ વાત." કહેતાંક મેનકા બેભાન થઈ ગઈ.

 મેનકાએ તેના હાથમાં રહેલો મોબાઈલ લઇને તેનાં ઘેર ફોન લગાવીને તેની મા ને જણાવ્યું કે,"તમારી દિકરી આ જગ્યાએ પડી જતાં ઇજા થતાં બેભાન બની ગઈ છે. હું તેને હોસ્પિટલ ઉંચકીને લી જાઉ છું આપ તરત પહોંચો." પછી મેનકાને ઉંચકીને તે ચાલવા લાગ્યો રોડ પર થોડું ચાલ્યો એટલામાં જ મેનકાના માતાપિતા રાકેશ દ્વારા જણાવ્યા મુજબ તે સ્થળે ગાડી લઇને આવી પહોંચ્યાં. તેમણે રાકેશનો આભાર માન્યો. રાકેશ મેનકાને ગાડીમાં બેસાડીને ચૂપચાલ ગાડીમાં બેસી ગયો. હોસ્પિટલ પહોંચતા જ સત્વરે સારવાર શરૂ થઈ ગઈ. ગમ્ભીર ઇજા હોવાથી માતાપિતા અને રાકેશ મેનકાને બચાવવાં માટે ભગવાનને પ્રાર્થના કરતા હતાં. 

અચાનક ડોકટરે લોહી ચડાવવાનું કહેતાં દોડધામ મચી ગઈ. મેનકાનું બ્લડ ગ્રૂપનું લોહી મળી રહ્યુ ન હતું. રાકેશને ખબર પડતો જ બોલ્યો,

"ડોક્ટર મારુ બ્લડ ઘણાને મેચ થાય તેવુ છે. આપ તપાસ કરી લ્યો." તપાસ કરતા રાકેશનું બ્લડ અનુકૂળ લાગતાં મેનકાને રાકેશે લોહી આપ્યું. ડોકટર થોડીવાર સારવાર બાદ બોલ્યાં,

"હવે તમારી દિકરી ખતરાની બહાર છે. આ યુવકે લોહી ન આપ્યું હોત તો બચવાની શક્યતા ન હતી. થોડીવાર પછી તેને ભાન આવશે."

 મેનકાના માતાપિતાએ ડોક્ટરનો આભાર માન્યો. થોડીવાર બાદ મેનકા ભાનમાં આવતાં જ બાજુના પલંગમાં સુતેલા રાકેશને પોતાની સામે જોઈ હસતો જોઈ તેનાં પર ગુસ્સે થઈને બોલવા જતી હતી પણ તે પહેલાં જ મેનકાની મા એ પાસે આવીને મેનકાના માથે હાથ ફેરવ્યો અને રાકેશનો ખુબ જ આભાર માનતા મા બોલ્યાં,

"બેટા મારી દીકરીને તે જ નવું જીવન આપ્યું છે. ડોકટરે કહ્યું કે જો તે લોહી ન આપ્યું હોત તો મેનકા આજે જીવીત ન હોત."

મેનકાને નવાઈ લાગતાં બોલી, "રાકેશ તે મને લોહી આપ્યું ?"

મેનકાના પિતા બોલ્યાં, "બેટા તું આને ઓળખે છે ?"

 મેનકા મૂંઝવણમાં મુકાઈ તે કાંઈ બોલે તે પહેલાં જ રાકેશની પત્ની બાળકો સાથે ત્યાં આવી પહોંચી. રાકેશે જ ફોન કરીને તેને બોલાવી હતી. રાકેશ ઓળખાણ આપતાં બોલ્યો,

"મેઘા આ મારી ફેસબુક ફ્રેન્ડ છે મેનકા . ખુબ જ સંસ્કારી દિકરી છે. અચાનક મેં તેને નીચે પડતાં જોઈ અને તેનાં મા બાપને બોલાવી હોસ્પિટલ પહોંચાડી દીધી.

 રાકેશની પત્ની મેઘા બોલી, 

"તમે આ ખુબ જ માનવતાનું કામ કર્યુ છે. મેનકાબહેન સાજા થઈને અમને બધાને યાદ જરૂર કરજો અને અમારા ઘેર પધારજો."

 મેનકાના પિતા બોલ્યાં, "હા બેટા આવાં સારા લોકોને સદાય યાદ રાખજે. આપણા ઘેર પણ જરૂર જમવા બોલાવજે. નર્સે આવીને સહુને બહાર બેસવા જણાવતાં બધાં રૂમની બગાર જઈને બેઠા. નર્સે રાકેશની સોય બહાર કાઢી પટ્ટી લગાવ્યાં બાદ રાકેશ બેઠો થયો ત્યારે મેનકા એકીટશે રાકેશ સામું જોઈ રહી હતી. રાકેશે તેની સામું જોતાં મેનકાની આંખમાં આંસુ આવી ગયાં. રાકેશ રૂમાલથી તેનાં આંસુ લૂછતાં બોલ્યો,

"મારી ભૂલનું પ્રાયશ્ચિત કર્યુ છે. હવે મને ફેસબુકનો સારો મિત્ર માનીશ ને ? તે મારી આંખો ખોલી દીધી. હવે હું કોઈ છોકરી સાથે આવી વાત નહીં કરું. મને માફ કરજે."

મેનકા રાકેશનો હાથ પકડીને બોલી,

 "મને તો સાચો સંસ્કારી ફેસબુક મિત્ર મળ્યો તેની હવે ખુબ ખૂશી થાય છે."

 "અતિ પાવન ઝરણું દોસ્તી કેરું, જ્યાં દુખને નહીં જરીય અવકાશ

હેત છલકતાં રહે હૈયા સદાય, મળે વિપત પડે સદાય સહકાર."

બંને એકસાથે હસી પડ્યાં અને ફેસબુકથી થયેલો પ્રેમ સાચી સમજણ બંનેમાં પ્રગટતાં હવે નિસ્વાર્થ દોસ્તીમાં પરિણમ્યો અને પ્રગાઢ દોસ્તીનો સંબંધ કાયમ થઈ ગયો. અંધકારમય બનતાં મેનકાના જીવનમાં આજ સાચે જ અજવાળી રાત થઈ ગઈ.

મોર્ડન યુગમાં સોશ્યલ મીડિયાનો વિવેકપૂર્ણ ઉપયોગ અને પોતાની મર્યાદા જાતે સાચવીએ તો સ્નેહપૂર્ણ દોસ્તીના સંબંધો પણ બાંધી શકાય.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational