સોનેરી સલાહ
સોનેરી સલાહ


અભિનેતાશ્રી કાર્તિક પટેલ અને ડાયરેક્ટરશ્રી પરિતોષ ગોસ્વામી જોડે હું મારી એક નવલકથા અંગે ચર્ચા કરી રહ્યો હતો. કાર્તિક પટેલ અભિનીત ચલચિત્ર “પોઝેટીવ થીંકીંગ”નું હાલ જ શુટિંગ પૂર્ણ થયું છે અને જલદીજ તે પ્રદર્શિત થવાનું છે. કથાકન સાંભળ્યા બાદ હળવાશની એ પળોમાં કાર્તિક પટેલે મને પૂછ્યું કે, “પ્રશાંતભાઈ, તમારી પ્રત્યેક રચના હું ખૂબ રસપૂર્વક વાંચું છું, જો તમને ખોટું ન લાગે તો તમને હું એક અંગત પ્રશ્ન પૂછી શકું?”
મેં કુતુહલતાથી કહ્યું, “હા... હા... કેમ નહીં...”
કાર્તિક પટેલે શબ્દોની મર્યાદા જાળવી મને પૂછ્યું કે, “તમારી રચનામાં નાયિકાના પાત્રનું નામ લગભગ ઉન્નતિ જ હોય છે. આ પાછળનું કારણ શું ?”
તેમના પ્રશ્ન પાછળનો ગુઢાર્થ હું જાણી ગયો. મેં વાતને બદલવા હસીને કહ્યું, “ના... ના... તમે સમજો છો એવું કઈ નથી... બસ મને એ નામ ગમે છે.”
કાર્તિક પટેલ એક એવું વ્યક્તિત્વ છે કે જેઓ વધારે પૂછપરછ કરવાનું ટાળે છે. હું સાચી વાત જણાવવા માંગતો નથી એ વાત ધ્યાનમાં આવતા તેઓ પરિતોષજી જોડે આગળની ચર્ચા કરવામાં મશગુલ થઇ ગયા અને હું ભૂતકાળની યાદોમાં સરી પડ્યો.
ઉન્નતિની વાતને મેં ઉડાવી તો દીધી હતી પરંતુ હું જાણતો હતો કે એક સમયે હું તેના પ્રેમમાં હતો. દરેક પુરૂષને ભૂતકાળમાં આવા વિજાતીય આકર્ષણનો અનુભવ થતો જ હોય છે પરંતુ મને એ માત્ર આકર્ષણ નહોતું. અમસ્તું જ આજેપણ તેનું નામ મારી રચનાઓમાં આવતું નથી.
નાનપણથી મને વાર્તાઓ લખવાનો ખૂબ શોખ હતો. છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે જ મારી એક રચના ચંપકની નાની મારી લેખન વિભાગમાં પ્રકાશિત થઇ હતી. જયારે હું નિશાળમાં ભણતો હતો ત્યારે મારા ઘણા સહપાઠીઓ મારી લખેલી કૃતિઓ હોંશે હોંશે વાંચતા અને તેમાં એક નામ હતું ઉન્નતિ. જોકે પ્રામાણિકતાથી કબૂલું છું કે બીજા બધા કરતા ઉન્નતિને મારી રચના આપવામાં તથા તેનો પ્રતિભાવ સાંભળવામાં મને વિશેષ આનંદ આવતો. મારી માતાશ્રીની સલાહને અવગણી હું ઉન્નતિ સાથે વાતચીત કરવા માટે હંમેશા ઉત્સુક રહેતો.
મારા જીવનમાં મારા સ્વ. માતાશ્રીનો ખૂબ અગત્યનો ભાગ રહ્યો છે. મેં આજદિન સુધી તેમની કોઈ વાત ટાળી નહોતી પરંતુ ખબર નહીં કેવી રીતે એ સમયે હું તેમની સલાહ ભૂલી ગયો હતો ! તેઓ મને કાયમ કહેતા કે, “બેટા, છોકરાઓએ છોકરીઓ સાથે અને છોકરીઓએ છોકરાઓ સાથે વાત કરવાનું હંમેશા ટાળવું જોઈએ. જીવનમાં રૂપિયા પૈસા તું ખૂબ સરળતાથી કમાવી શકીશ પરંતુ જયારે સદગુણ અને ચારિત્ર્યને ટકાવવી રાખીશ ત્યારે જ તને સાચી સફળતા મળશે. એકવાર માણસ તેના ચારિત્ર્યથી લપસ્યો કે બસ આગળ તેં બદનામીની દલદલમાં ખૂંપતો જ જાય છે.”
માતાશ્રીની આ વાતને અવગણી હું તો ઉન્નતિને મારી લખેલી વાર્તાઓ આપવામાં તથા તેના પ્રતિભાવોને સાંભળવામાં આતુર રહેવા લાગ્યો. મને જાણે પાંખો ફૂટી હોય તેમ હું પ્રેમના કાલ્પનિક ગગનમાં મુક્તપણે વિહરવા લાગ્યો હતો.
એક દિવસ ઉન્નતિને જયારે હું મારી વાર્તા આપવા ગયો ત્યારે તેણે મારી પાસેથી વાર્તા લેવાની સાફ મનાઈ કરી.
મેં અચંબાથી પૂછ્યું, “કેમ શું થયું ઉન્નતિ તને મારી વાર્તાઓ વાંચવી ગમતી નથી ?”
ઉન્નતિએ શાંતિથી કહ્યું, “પ્રશાંત, તારી વાર્તાઓ વાંચવી મને ખૂબ ગમે છે પરંતુ મારી મમ્મીએ મને કહ્યું છે કે, આ ઉંમરે છોકરીઓએ છોકરાઓ સાથે અને છોકરાઓએ છોકરીઓ સાથે વાત કરવાનું હંમેશા ટાળવું જોઈએ. મને માફ કર પણ આજ પછી તું તારી વાર્તાઓ મને વાંચવા આપીશ નહીં. હા, કોઈક પુસ્તકમાં તે પ્રકાશિત થશે તો હું તેને જરૂર વાંચીશ.”
એક ઝાટકે ઉન્નતિએ કલ્પનાના ગગનમાંથી ખેંચી મને વાસ્તવિકતાની ધરતી પર પછાડ્યો. મારી માતાશ્રીની વાત અવગણવાના પરિણામે તે દિવસે મારું જે અપમાન થયું હતું તેને એ હું આજદિન સુધી ભૂલ્યો નથી. બસ ! આ જ કારણ છે કે હું મારી દરેક રચનાઓમાં ઉન્નતિના નામનો ઉલ્લેખ અચૂક કરું છું ! કારણ ઉન્નતિ આ નામ... મારી સ્વ. માતાશ્રીએ આપેલી સોનેરી સલાહોને નહીં વિસરવા માટેનું મને સતત પ્રોત્સાહન આપતું રહે છે.