STORYMIRROR

Vijay Shah

Tragedy Inspirational

5.0  

Vijay Shah

Tragedy Inspirational

સોહાગણની જેમ

સોહાગણની જેમ

4 mins
29.7K


બાને હોસ્પીટલમાં દાખલ કર્યા છે તેવો ફોન તો મોટીએ નાનકાને કર્યો.

બાનું મન ચકરાવે ચઢ્યું. ખાસ કંઈ છે નહીં આ તો એના બાપા બહુ અધીરિયા અને કંઈક ફરિયાદ કરો અને ડોક્ટરને ફોન કરી દે. "અલ્યા, ડો. જનક્ને કહેજો કાકી માંદાં છે ઘરે આવી જાય..." અને જનક એમના ભાઈબંધનો છોકરો એટલે પાછો ફોન આવે, "કાકા શું થયું?" અને કાકા અહેવાલ તો આપે અને એ અહેવાલ પર જનક નિર્ણય લઈને કહે, "કાકા સાંજે આવીશ્."

સાંજ પડે મને સારું થઇ ગયું હોય છતાં જનક કહે તો જ સાચું. જોકે હવે તેમને પણ મારી કિંમત સમજાય છે અને મને પણ આ મોટી ૬૨ની થઈ એટલે ૬૩ વરસનો સંગાથ. એટલે એ એવા લાડ કરે તો ગમે. પણ, ઘણી વખત જમાઈની હાજરીમાં કહે, "આ નાનકાની બા તો જરાય સમજતી નથી. એને કેટલુંય સમજાવું કે હવે આ નાનકો જતો રહ્યો છે દુબાઈ અને મને કઈ ઉંચીનીચી થઈ ગઈ તો આ ઘરમાં બધુ ક્યાં મુક્યુ છે તેની ખબર રાખ ત્યારે બહુ લાજ આવે અને કહેવાની ઇચ્છા પણ થઈ જાય્ કે બળ્યું તમને કંઈ ઉંચીનીચી થાય ત્યાં સુધી મારે કેમ જીવવાનું?" એ પુરી લીલી વાડી છે. આ મોટી તો દાદી થઈ ગઈ અને નાનકો પણ નાના થઈ ગયો…ચોથી પેઢી જોવા તો મારા બાપા પણ ક્યાં રોકાયા હતા? 

સહેજ પડખું ફર્યું અને મોટી બોલી, "બા."

"હં." મેં હુંકારો કર્યો.

"ઊંઘ આવતી નથી?"

"હા, વિચારે ચઢી ગઈ છું."

"નવકાર ગણ ને."

"તે તો ચાલુ જ છે... પણ કેમ જાણે કેમ આ તારા બાપાને આટલી બધી મારી ચિંતાઓ થાય છે. ખાલી બે ઉલટી થઇ ને હોસ્પીટલમાં દાખલ કરી દીધી.”

“હવે તું કાચનું વાસણ છે ને બા તેથી?”

"મારા કરતાં તો તેઓ વધુ મોટા છે પણ મને એમની એટલી ફીકર નથી થતી."

"ખાલી બોલે છે તું પણ ! બંને એ લાકડી પકડી લીધા પછી હવે અમે દુર થતા ગયા અને તમે લોકો બંને અમને ઇર્ષ્યા આવે તેવું સુખી જીવન જીવો છો.”

“લેણ દેણની વાત છે.. બાકી મારી ચંપાબેને સુવાવડમાં છોકરી છોડીને દેહ છોડ્યો અને સત્તર વર્ષની ઉંમરે આવી હતી આજે ૭૯ થયા પણ તેમનો સ્નેહ મારા માટે કદી ઘટ્યો નથી.”

"બા, રાતના બાર વાગ્યા. તમે સુઈ જાવ. તમને ઠીક તો છેને?"

"હા. તું સૂઈ જા અને મને હમણાં દવાની અસર થશે અને હું પણ સૂઈ જઈશ."

મોટી સહેજ આડે પડખે થઈ અને ભગવાનનું નામ લેતા લેતા સહેજ આંખ મળી અને સપનું શરુ થયું… ચંપાબેનની પન્નાને તે ઉછેરતાં હતાં અને મોટી આઠમે મહિને હતી. પન્નાને તાવ હતો અને ઉતરવાનું નામ લેતો નહોતો. બહુ પ્રયત્નો છતાં તે ના બચી. તે વખતે મારી બા કહેતી હતી જમાઇ બાબુને સાચવજે. એક પછી એક એમ બે ઘાત ગઈ છે. મોટી બરોબર વીસમે દિવસે આવી અને પહેલી વખત તેમને હસતા જોઈ મને આનંદ થયો. સમયનું ચક્ર ફરતું જાય છે. મારી બા બહુ ખુશ છે મારા જમાઈ એક લીલી નોટ કમાય છે એને લેવા મૂકવા સરકારી જીપ આવે છે. મોટા સાહેબ છે. ઓગણીસ વર્ષની વયે મુગ્ધતાથી જોતી મને હું સ્વપ્નમાં જોઉં છું.

હોસ્પીટલમાં પાળી બદલાઈ હશે અને નવી પાળીની નર્સ આવીને જોઇને કાગળમાં લખીને જતી રહી. મોટી થોડુક સળવળીને સુઈ ગઈ. આંખો હજી પેલું સ્વપ્ન સાચવીને બેઠી હતી. તે ચિત્રપટની જેમ ચાલુ થયું. મોટી પછી છેક આઠ વર્ષે નાનકો રહ્યો. વચ્ચે ત્રણ કસુવાવડે શરીર ભાંગી નાખ્યુ હતું. એમની નોકરી ફરતી રહેતી તેથી ઘર ચલાવવાનું અને સંભાળવાના કામો કરતા કરતા નાનકો કોલેજમાંથી ગ્રેજુએટ થઈને આવ્યો ત્યારે તેમણે શ્વાસ હેઠો મૂક્યો. હાશ! જિંદગીનાં બધાં કામો પુરા થઈ ગયાં.. મોટીને સાસરે વળાવી અને નાનકાને ભણાવ્યો અને ગણાવ્યો. ચાલ હવે થોડુંક આપણે આપણી જિંદગી પણ જીવીએ…

મને થયું તો આટલુ આ ૩૫ વર્સથી તો જીવ્યા જ કરીયે છે ને... તો કહે આ બધું આપણે સંતાનો માટે જીવ્યાં. હવે નોકરીમાંથી રીટાયર થઈને આપણું ગમતું કરવાનું. એમ ગમતું કરવામાં તિર્થાટનો.. ધર્મસ્થાનો... અને તેમને ગમતા સમુદ્ર કિનારાનાં બધા ભરતીનાં પરપોટા જોતા જોતા તે બોલતા પણ ખરા, કે “મોજાની આવન જાવનની જેમ એક દિવસ આપણે પણ પરપોટાની જેમ ફુટી જઈશું ને?"

હું બોલી, "પણ તમે જાવ તે પહેલા હું જવાની ચૂડી ચાંદલા સાથે સોહાગણની જેમ..."

તે દિવસે તેમને મને ખૂબ જ વહાલથી જોયું હતું ને બોલ્યા પણ હતા કે મૃત્યુ ક્યાં આપણા હાથમાં છે? તારા કરતા ૫ વર્ષ મોટો છું ને... કદાચ મારો નંબર વહેલો લાગી જાય તો…

સવાર પડી ગઈ છે. મારું સ્વપ્ન હજી આગળ ચાલે છે. મને બા અને બાપા દેખાય છે. આવી ગઈ બેટા… મોટોભાઈ, ચંપાબેન અને પન્ના પણ દેખાય છે અને મેં મલકતા અવાજે વાત શરુ કરી… એમની..

ત્યાં આ રડારોળ શાની છે. મોટી અને નાનકો બંને હીબકા ભરે છે ડોક્ટર જનક માથું હલાવે છે અને કહે છે કાકી ગયાં…

હું એકદમ હલકી થઈ ગઈ છું.

એમનો અવાજ ભારે છે અને નાનકાને છાનો રાખતા કહે છે. “તે તો સુહાગણ ગઈ છે તેને માથે ચાંદલો કરો. મોડ પહેરાવો અને શણગાર કરો... પ્રભુએ કેવું ઉત્તમ મોત આપ્યુ છે ન કોઈની ચાકરી લીધી ન પીડાઈ અને સૂતાં સૂતાં જ દેહ છોડી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy